બંદિશ એક,રૂપ અનેક (૯૧): “जा’त कहाँ हो अकेली” – કેસરબાઈ કેરકર

નીતિન વ્યાસ

                    કેસરબાઈ કેરકર,
(જ. ૧૩ જુલાઈ ૧૮૯૨, કેકર, ગોવા; અ. ૨૬ સપ્ટેમ્બર ૧૯૭૭, મુંબઈ)

હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં વિખ્યાત ગાયિકા. સંગીતમય વાતાવરણ વાળા અને સંગીત પર આજીવિકા મેળવનાર કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. બાલ્યાવસ્થામાં કેસરબાઈનાં સુમધુર અવાજ ની પરખ તેમનાં માતુશ્રી ને થયેલી. એટલે મા મંદિર જતા કેસરને સાથે લઇ જતા.  મંદિરમાં ભજન યથાશક્તિ ગાય. સુર અને તાલ ની સમજ જન્મજાત હતી એટલે બધાને તેની ગાયકી બહુ સૂરીલી લગતી.

બાળપણમાં જ ગોવાની ગાયિકાઓના સહવાસનો લાભ એમને મળ્યો હતો. તેમના સૂચનથી માત્ર આઠ વર્ષની નાની ઉંમરે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં વિખ્યાત કલાકાર ઉસ્તાદ અબ્દુલકરીમ ખાં સાહેબનાં તેઓ શિષ્યા બન્યાં, પરંતુ સંજોગવશાત્ માત્ર આઠ માસ પછી તેમને પોતાના વતન ગોવા પાછા જવું પડ્યું. થોડાક સમય પછી શાસ્ત્રીય સંગીતના બીજા વિખ્યાત કલાકાર રામકૃષ્ણબુઆ વઝે પાસેથી સંગીતનું શિક્ષણ ચાર વર્ષ સુધી મળ્યું. ૧૯0૯માં તે મુંબઈ આવ્યાં, ત્યાં વિખ્યાત સિતારવાદક બરકતુલ્લા ખાં સાહેબ પાસે તે શાસ્ત્રીય સંગીત શીખવા લાગ્યાં. પછી કેસરબાઈએ નૃત્ય જેવી કલાની તાલીમ લેવાની શરૂઆત કરી.

૧૯૧૧ માં જયપુર ઘરાણાના વિખ્યાત શાસ્ત્રીય સંગીતકાર ખાં સાહેબ અલ્લાદિયાખાં મુંબઈ આવ્યા. તેમની પાસેથી સંગીતનું શિક્ષણ પ્રાપ્ત કરવાની કેસરબાઈએ શરૂઆત કરી. ૧૯૧૫ માં ૪-૫ મહિના માટે તેમણે ભાસ્કરબુઆ બખલે પાસેથી સંગીતની શિક્ષા પ્રાપ્ત કરી. થોડાંક વર્ષો વળી વિક્ષેપ પડ્યો. ૧૯૧૮થી ફરી અલ્લાદિયાખાં જેવા ગુરુના કઠોર પણ શિસ્તબદ્ધ માર્ગદર્શન હેઠળ તેમણે સંગીતનું શિક્ષણ પૂરું કર્યું. આમ જે ઉંમરે ગાયક કલાકારો ગાયનકલા આત્મસાત્ કરી સંગીતના ક્ષેત્રમાં સ્થિરતા પ્રાપ્ત કરતા હોય છે તે ૨૮ વર્ષની ઉંમરે કેસરબાઈની સંગીતની તાલીમ સાચા અર્થમાં શરૂ થઈ હતી એમ કહી શકાય.

વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે આ ઉંમરે તેમને પોતાની શિષ્યા તરીકે સ્વીકારતા પહેલાં ખાંસાહેબે તેમના પર લેખિતમાં આકરી શરતો લાદી હતી. દા.ત., એક નિશ્ચિત રકમની ગુરુદક્ષિણા આપીને ગુરુ પાસેથી ‘ગંડો’ બાંધવો, વેતનના રૂપમાં માસિક રૂપિયા ૨00 જેટલી રકમ ચૂકવવી, દશ વર્ષ સુધી તાલીમ ચાલુ રાખવી, ખાંસાહેબને સંજોગોવશાત્ અન્યત્ર રહેવા જવું પડે તો ત્યાં આવીને સંગીતશિક્ષા ચાલુ રાખવી, ગુરુની સંમતિ વિના જાહેર કાર્યક્રમ આપવો નહિ વગેરે. આ બધી શરતો કેસરબાઈએ અને તેમનાં કુટુંબે  સ્વીકારી.

અહીં કોઈ જાણકારો એમ પણ લખે છે કે મંદિરમાં ગાનારી અને વળી પરણેલી સ્ત્રી નો વિશ્વાસ કેમ કરવો!! કોઈ પણ બહાના હેઠળ તાલીમ  અડધેથી  છોડી ન દે તે માટે ખાંસાહેબે આવી શરતો રાખેલી.  જો કેસરબાઈ માટે આ તાલીમ એક સરસ્વતી મા ની આરાધના સમાન હતી.

૧ જાન્યુઆરી ૧૯૨૧ના દિવસે ગંડાબંધન સમારંભ યોજાયો અને ત્યારથી શરતોનો અમલ સાતત્યથી કરવામાં આવ્યો. રોજ ૯-૧૦ કલાક સુધી રિયાજ કરવો પડતો. આવી રીતે તૈયાર થયા પછી ખાંસાહેબની આજ્ઞાથી ૧૯૨૯ થી તેમણે જાહેર કાર્યક્રમો આપવાની શરૂઆત કરી અને ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં પ્રથમ પંક્તિનાં સંગીતકાર તરીકે નામના મેળવી. ક્લિષ્ટ ગણાતા અને અપ્રચલિત હોય એવા રાગો તરફ કેસરબાઈનું ખાસ વલણ હતું, જે તેમના ગુરુ અલ્લાદિયા ખાંસાહેબની તેમને દેન હતી. તેમનો સ્વર-લગાવ અત્યંત મધુર અને કંઠ ત્રણે સપ્તકોમાં ખાસ પરિશ્રમ વિના સરળતાથી ફરતો હતો. રાગની સુંદર બઢત અને નોકદાર તાનવિલાસ એ તેમની ગાયકીની વિશેષતા હતી. તેમની ગાયકીમાં બંદિશનું મુખડું પકડવામાં એકરૂપતાનાં સતત દર્શન થતાં. મોટાભાગની ગ્રામોફોન રેકૉર્ડ કંપનીઓએ તેમના સ્વરાંકનની રેકૉર્ડ બહાર પાડી, જે ખૂબ લોકપ્રિય બની હતી.

૧૯૫3માં તેમને સંગીત-નાટક અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ૧૯૬૯માં ભારત સરકારે તેમને પદ્મભૂષણનો ખિતાબ અર્પણ કર્યો. તે જ વર્ષે તેમને મહારાષ્ટ્ર રાજ્યનાં પ્રથમ રાજ્ય-ગાયિકા બનાવવામાં આવ્યાં. ૧૯૭૭માં સૂરસિંગાર-સંસદ તરફથી તેમને ‘શારંગદેવ ફેલોશિપ’ આપવામાં આવી હતી. જૂની પેઢીનાં તેઓ શ્રેષ્ઠ સંગીતકાર હતાં.

મંદાકિની અરવિંદ શેવડે (ગુજરાતી વિશ્વકોષ)

કેસરબાઈ જાહેર પ્રોગ્રામ માં ગાતા નહિ. હા, આમંત્રણને માન આપી ખાનગી બેઠક માં પોતાનું કંઠ્ય સંગીત રજુ કરતાં. આવી એક બેઠક ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર ના નિવાસ્થાને કલકત્તામાં સાલ ૧૯3૮ માં યોજાઈ. આ બેઠક બંને મહાનુભાવો માટે યાદગાર બની ગઈ. ગુરુદેવ ટાગોરને કેસરબાઈનાં સંગીતમાં એક દેવતાઈપણાનો અનુભવ  થયો. તેમના કવિ હૃદયને એટલું સ્પર્શી ગયું કે તેમણે કેસરબાઈને ભારતીય સંગીત  “યોગીની” અને ” સુરશ્રી” કહ્યા.

ગુરુદેવે સ્વહસ્તે લખેલા પત્રમાં લખ્યું:

“An artistic phenomenon of exquisite perfection”, he wrote, “the magic of her voice with the mystery of its varied modulations has repeatedly proved its true significance – not in any pedantic display of technical subtleties that are mechanically accurate, but in the revelation of music only possible for a born genius. Let me offer my thanks and my blessings to Surshri Kesarbai for allowing me this evening a precious opportunity of experience.”

જયપુર અતરૌલી ઘરાના ને “અલ્લાદિયા ખાં ઘરાના” પણ કહેછે.

આ ઘરાનાની થોડી ખાસિયત તેમના સંગીત અને નૃત્ય માં જોવા મળેછે. ગીતની બંદિશ ટૂંકી હોવી, ખુલ્લા અવાજમાં ગાવું, રિયાઝ અને અવાજ કેળવવા તરકીબો અજમાવવી, વક્ર તાન લગાવવી વગેરે. નૃત્ય માં ભજન સાથે કથ્થક, ઠૂમરી સાથે નહીં.

કેસરબાઈ અતરૌલી ઘરાનાના ગાયક હતાં. તેમની બેઠકમાં સંગીત પ્રેમીઓ સાથે પ્રસિદ્ધ સંગીતકારો પણ હાજર રહેતા. સાલ ૧૯૨૮ થી તેમની 78 rpm રેકર્ડ બનવાની શરૂ થઈ.

શરૂઆતમાં કેસરબાઈનાં કંઠે સાંભળીયે  રાગ જોનપુરી અથવા જીવનપુરી: રાગ,સ્વર, શબ્દ અને સૂર ની મીઠાશ માણીયે

ભૈરવી ઠૂમરી : “કૈસે સમજાઉં”

રાગ લલિત: “ઘટન લાગી રૈ”
https://youtu.be/8we7A9J5wJc

 

વર્ષ ૧૯૩૬ ની રેકર્ડ રાગ “દેશ”: સખી મોહન મોહલીયા”

રાગ માલકૌંસ: “મૈં સન મિત”
https://youtu.be/vkl5HemF7Sk

 

રાગ નટ કામોદ: “નેવર બાજુ રે ”

રાગ લલિતા ગૌરી: “પ્રીતમ સૈયાં”

રાગ ગૌડ મલ્હાર: “મન ન કરી”

રાગ કુકુમ્ભ બિલાવલ: “દેવી દુર્ગા”

રાગ દેસી: “મારે દેરે આવો”

રાગ ખમ્બાવતી :”અલી મૈં ”

રાગ ગૌરી “રાજન આઈ”

રાગ તોડી : “હાંરે દૈયા”

રાગ સુગરાઈ “મૈં કૈસે આવું ”

મારુ બિહાગ : :રસિયા આ હું ના:

આયે શ્યામ મુસે ખેલન હોરી રે

રાગ બિભાસ:”મોરા રે”

ચૈતી “સૈયાં ભલા જોગી”

રાગ ખમાજ

રાગ “ નંદ”

ભૈરવી ઠૂમરી “કાહેકો દારી” શ્રી સત્યજીત રે ની એક ફિલ્મમાં આ ઠૂમરી સાંભળવા મળેલી

૧૯૬0 ના દાયકામાં માં કેસેટ બજાર આવતાં કેસરબાઈએ ખાનગી મહેફિલમાં ગયેલી બંદિશો ની

રેકોર્ડેડ કેસેટ ઉપલબ્ધ બની. 78 rpm ની રેકર્ડ ગવાતા  3 થી 7 મિનિટ નો રાગ હવે કેસરબાઈની ગાયેલી બંદિશ ની  45 મિનિટ સુધી  મજા લેવાનું શક્ય બન્યું. 78 rpm ની રેકર્ડ પર  સ્ટુડીઓ થયેલું  રેકોર્ડિંગ બહુ સ્પષ્ટ અને ક્યારેક સ્ટિરિયોફોનિક સાંભળવા મળતું. જ્યારે કેસેટ પર નું રેકોર્ડિંગમાં અવાજ ની ગુણવત્તા નબળી સાંભળવા મળે છે.

સાંભળો રાગ “આનંદ કેદાર”

https://youtu.be/pkCTb3ItmNc’

ભૈરવી ઠૂમરી :”બાબુલ મોરા ”

“લલિતા ગૌરી”

હવે સાંભળીયે રાગ ભૈરવીમાં ઠૂમરી જે અખિલ બ્રહ્માંડમાં  ગુંજતી  થઇ. શબ્દો છેઃ

“जा’त कहाँ हो अकेली गोरी, जाने न पैय्यों

केसर रंग के माठ भये होय, होरी खेलत कान्हा रे ll

નૃત્યાંગના શ્રી નેહા મજમુદાર

સાલ ૧૯૭૭ ની ૪ સપ્ટેમ્બર ના દિવસે અમેરિકા સ્થિત સંસ્થા NASA  (The National Aeronautics and Space Administration) એક અવકાશયાન છોડ્યું. ઉદ્દેશ્ય – બ્રહ્માંડ માં રહેલા અન્ય સૌરમંડળ અને તારાઓ નો અભ્યાસ કરવો અને  ત્યાં માનવ અસ્તિત્વ સહિત નો ગ્રહ  શોધવાનો હતો.

અવકાશયાન વોયેજર -1 ને પૃથ્વી પરથી છોડે આજે આ લખું છું ત્યારે ૪૫ વર્ષ, ૮ દિવસ અને ૬ કલાકની સફર નાસા એ નોંધી છે.  પૃથ્વીથી 1૧૪.૫ બિલિયન માઇલ્સનાં અંતરે કલાકના  ૩૮,૦૦૦ માઈલ્સની miles ની ઝડપે ફરી રહ્યું છે. તેમાં આપણી પૃથ્વીની ઓળખ અપાતી અન્ય ચીજો સાથે એક  “Recorded Golden Disk” છેઃ  આ રેકર્ડ પર પૃથ્વી પરનાં અવાજ જેવાકે તમરાં, દેડકા અને અન્ય જીવજંતુઓ અને પ્રાણીઓના  અવાજ, વરસાદ, મેઘ ગર્જના,  પગરવ, હૃદયના ધબકારા, અગન જ્વાળા, ઘણથી  એરણ પર લોઢું ટીપવાથી થતો અવાજ, સીવવાનો સંચો, ટ્રેન, ટ્રેક્ટર, બસ વગેરે  અને બાળક મા ને ચુંબન કરે તેના અવાજો છે. માનવ જીવનની સાથે સંકળાયેલા સંગીત નાં અવાજ પણ ધ્વનિત કરેલા છે,  બાક, બિથોવન સાથે કેસરબાઈ ની ઠુમરી “जा’त कहाँ हो अकेली” આ રેકર્ડ પર 1 કલાક 39 મિનિટ શરૂ થઇ 3 મિનિટ અને 36 સેકન્ડ સુધી સાંભળવા મળે છે.

 

આ રેકોર્ડિંગ નો ઉદ્દેશ્ય શું છે અને તે પર-ગ્રહવાસી સંભવિત રીતે કેમ સાંભળી શકે તે આ વીડિયોમાં સમજાવ્યું  છે.

કેસરબાઈ, કલા અકાદમી, ગોવા

કેસરબાઈએ  ૨૬ સપ્ટેમ્બર ૧૯૭૭ રોજ મુંબઈ  ખાતે દેહ ત્યાગ કર્યો. તેમની એક ની એક દીકરી અમેરિકામાં રહે છે. પોતે ડોક્ટર છે. પણ મા જેટલી મહેનત કરી સંગીત શીખવાનું પસંદ ન હતું. એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે ” આ કરતાં દાક્તરીનું ભણી સર્જન થવાનું  વધારે સહેલું છે”


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

Author: Web Gurjari

7 thoughts on “બંદિશ એક,રૂપ અનેક (૯૧): “जा’त कहाँ हो अकेली” – કેસરબાઈ કેરકર

 1. વિસરાયેલા હિન્ધુસ્તાની કલાસિકલ સંગીતના મહારથીઓને અને તેમની સાધના સફરના ઇતિહાસને ક્રમ બદ્ધ આલેખવા માટે શ્રી નીતિનભાઈનો આભાર. ઘણું જાણવાનું મળ્યું .

 2. ઉત્તમોત્તમ શબ્દ-ચિત્ર!
  એમનું અદભુત ગાયન भारतीय સંગીતની અણમોલ ધરોહર છે.
  આભાર !

 3. અદ્-ભુત ! …. ખૂબ જ આભાર માનું છું.

  1. સ્નેહી શ્રી સુરેશજ્ઞબાઈ,
   આપને ગમ્યું તે જાણી આનંદ સાથે આભાર.
   કુશળ હશો.

   નીતિન

 4. સ્નેહી શ્રી ભગવાનભાઇ અને દિલીપભાઈ.
  પ્રતિભાવ પ્રગટ કરવા બદલ આપનો મારા હૃદય પૂર્વક નો આભાર.

Leave a Reply

Your email address will not be published.