ભારતમાં કામને સ્થળે થતા અકસ્માતો

વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી

જગદીશ પટેલ

મૃત્યુની ફેક્ટરી છે.”

ભારતની રાજધાની દિલ્હીમાં મુંડકા વિસ્તારમાં બળી ગયેલી ઈમારતના બીજા માળ તરફ ઇશારો કરતાં ઈસ્માઈલ ખાનનો હાથ ધ્રૂજે છે.

ત્યાં જ તેણે છેલ્લે તેની નાની બહેનને જોઈ હતી – આગથી ભસ્મ થઈ રહેલી અને આગના ધુમાડાથી ભરાયેલી બિલ્ડિંગમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવા માટે બેબાકળી બનેલી, ફસાયેલી અને ગૂંગળાઇ રહેલી. ચાર માળની ઈમારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ૧૩ મેના દિવસે ફાટી નીકળેલી ભીષણ આગમાં માર્યા ગયેલા ૨૭ લોકોમાં ૨૧ વર્ષિય મુસ્કાન પણ સામેલ હતી.

આગ પછીના દિવસોમાં, એક ટોચના પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે બિલ્ડિંગના માલિકે મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવતા બે ભાઈઓને બિલ્ડિંગના ત્રણ માળ ભાડે આપતાં પહેલાં ફાયર વિભાગ અને પોલીસ પાસેથી ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવ્યા ન હતા. દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારીએ પણ જણાવ્યું કે યુનિટ પાસે ઓપરેશન માટે “જરૂરી લાઈસન્સ” નથી. કાર્યકરોના જણાવ્યા મુજબ આ મકાન બનાવતી વખતે તેના નકશા પહેલેથી મ્યુનિસિપાલિટી પાસે મંજુર કરાવવા પડે પણ એ મંજુર કરાવતા નથી તેથી પછી અગ્નિશમન વિભાગ પાસેથી ન-વાંધા (નો ઓબજેક્શન) પ્રમાણપત્ર મળતું નથી. તાજેતરમાં ગુડગાંવમાં બે ઉચા મકાન તોડી પાડવામાં આવ્યા કારણ અધિકારીઓ અને બિલ્ડરોની મીલીભગતને કારણે ગેરકાયદે બાંધકામ થતા હોય છે. તેવું જ દિલ્હીમાં લગભગ તમામ સરકારી ખાતાઓ અને બિલ્ડરોની મીલીભગત હોય છે તેથી બધા બાંધકામ ગેરકાયદે હોય છે. આમાં નાના માણસો જો પરવાનગી લેવા જાય તો તો એમને લાંચ આપવામાં જ મોટી રકમ ખર્ચવી પડે જે તેમને પોસાતી ન હોય.

બીબીસીએ ફેક્ટરીના માલિકોને ઘણી વખત ફોન કર્યો પણ જવાબ મળ્યો નહીં. બીબીસીએ તેમના વકીલનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે માલિકના સંપર્કની વિગતો જાહેર કરવાનો ઇનકાર કર્યો .

રોકાણ અને નવીનતાને પ્રોત્સાહિત કરવા માટે સરકારની યોજનાઓ અને સુધારાઓ સાથે ભારત ઔદ્યોગિક પાવરહાઉસ બનવાનું લક્ષ્ય ધરાવે છે. પરંતુ  દિલ્હીની આગ જેવી દુર્ઘટનાઓ ખૂબ જ સામાન્ય છે, અને તેની કિંમત મોટાભાગે સમાજના નબળા વર્ગમાંથી આવતા કામદારો ચૂકવે છે.

ઔદ્યોગિક અકસ્માતો દર વર્ષે સેંકડો લોકોનો ભોગ લે છે અને હજારો લોકોને કાયમી ધોરણે અપંગ કરે છે. એક કેન્દ્રીય મંત્રીએ ૨૦૨૧માં સંસદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં ફેક્ટરીઓ, બંદરો, ખાણો અને બાંધકામ સાઇટ્સમાં કામ કરતી વખતે ઓછામાં ઓછા ૬,૫૦૦ કામદારો મૃત્યુ પામ્યા હતા. આ આંકડા તો આ ચાર ક્ષેત્ર – ઉત્પાદન, બાંધકામ, ખાણ અને બંદરોમાં થતા અકસ્માતોના છે જે ચાર ક્ષેત્રના કામદારોની સલામતી અને આરોગ્ય માટે કાયદાઓ કરવામાં આવ્યા છે. આ કાયદાઓમાં અકસ્માતની નોંધણી કરાવવાની જોગવાઇ છે તેથી આંકડા ભેગા થઇ શકે છે અને તેમાં પણ બીન–જીવલેણ અકસ્માતના આંકડા તો છુપાવવામાં આવે છે. આ ચાર ક્ષેત્રમાં કામ કરતા કામદારોની સંખ્યા કુલ કામદારોના ૧0-૧૨% જેટલી હશે. બ્રિટીશ સેફ્ટી કાઉંસીલ દ્વારા થોડા વર્ષ પહેલાં એવો અંદાજ જાહેર કરવામાં આવ્યો હતો કે ભારતમાં કામને કારણે અકસ્માતમાં દર વર્ષે ૪૮,૦૦૦ કામદારોના મોત થતા હશે. હવે તો આ આંકડો પણ નાનો પડે.

ગ્લોબલ વર્કર્સ યુનિયન ઇન્ડસ્ટ્રિઅલ દ્વારા એકત્રિત કરવામાં આવેલ માહિતી અનુસાર, ભારતમાં ઉત્પાદન, રસાયણો અને બાંધકામ જેવા ક્ષેત્રોમાં સૌથી વધુ મૃત્યુ નોંધાય છે. યુનિયને જણાવ્યું હતું  કે માત્ર ૨૦૨૧માં, તેણે ભારતીય ઉત્પાદન ક્ષેત્રમાં દર મહિને સરેરાશ સાત અકસ્માતો નોંધ્યા હતા, જેમાં 162થી વધુ કામદારો માર્યા ગયા હતા.

વર્ષોથી સમાચાર અહેવાલો જણાવે છે કે “નાની, નોંધાયેલ ન હોય તેવી ફેક્ટરીઓ”માં કામદારો મોટાભાગે ઔદ્યોગિક અકસ્માતોથી સૌથી વધુ પ્રભાવિત થાય છે. પીડિત સામાન્ય રીતે ગરીબ કામદારો અથવા સ્થળાંતરીત કામદાર હોય છે જેમના પરિવારો પાસે કાનૂની લડાઈ લડવા માટે સંસાધનો નથી. બીબીસીએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના લેબર કમિશ્નર, કેંદ્રીય શ્રમ મત્રાલયના અધિકારીઓને પ્રશ્નો ઈમેલ કર્યા છે, પરંતુ હજુ સુધી જવાબ મળ્યો નથી.

મારે ન્યાય જોઈએ છે’

રાકેશ કુમાર ઘણીવાર અડધી રાત્રે ચીસો પાડીને જાગી જાય છે. દિલ્હીના મુંડકાની ફેક્ટરીમાં લાગેલી આગમાં તેણે તેની ત્રણ દીકરીઓને ગુમાવી દીધી, જ્યાં તેઓ મહિને 8,000 રૂપિયાના પગારે વાઇ-ફાઇ રાઉટર એસેમ્બલ કરવાનું કામ કરતા હતા..

“મારી દીકરીઓએ ઘણી પીડા ભોગવી હશે,” તે કહે છે. આગ લાગ્યા પછી ઘણા દિવસો સુધી પરિવારે તેમના વિશેના સમાચારની રાહ જોઈ, તે પછી પોલીસે તેમના અવશેષોને ઓળખવા માટે DNA ટેસ્ટ માટે બોલાવ્યા. આખરે આગના એક મહિના પછી તેમની પુત્રીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

“હું તેમના માટે ન્યાય ઈચ્છું છું,” શ્રી કુમાર કહે છે. ઓગસ્ટમાં દિલ્હી પોલીસે આ કેસમાં પાંચ આરોપીઓ સામે કોર્ટમાં આરોપો દાખલ કર્યા હતા. તેમાં તેમની સામે સદોષ વધ અને બેદરકારીથી મૃત્યુની કલમોનો સમાવેશ થાય છે.

દિલ્હીમાં ટ્રેડ યુનિયનના કાર્યકર રાજેશ કશ્યપનો આરોપ છે કે રાજધાની અને તેના ઉપનગરોમાં ઘણી ફેક્ટરીઓ ઓછામાં ઓછા એક ઔદ્યોગિક અથવા સલામતીના કાયદાનું ઉલ્લંઘન કરે છે, પરંતુ તેમની સામે પગલાં ભાગ્યે જ લેવામાં આવે છે.

તે અને અન્ય મજૂર કાર્યકરો આક્ષેપ કરે છે કે ઘણા ઔદ્યોગિક અકસ્માતોમાં, કેસ વર્ષો સુધી ચાલ્યા કરે છે અને તે દરમિયાન આરોપીઓને જામીન પર છોડવામાં આવે છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં રાજધાનીમાં 663 ફેક્ટરી અકસ્માતો નોંધાયા હતા, જેમાં 245 લોકોના મોત થયા હતા. આ અકસ્માતોના સંદર્ભમાં લગભગ 84 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

મજૂર કાર્યકરોના આક્ષેપોના જવાબમાં કે આ પ્રકારના કેસોમાં પ્રારંભિક તપાસ ઘણીવાર ખામીયુક્ત હોય છે, પોલીસ કહે છે કે તેઓ “ગુનેગારો સામે તાત્કાલિક પગલાં” સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ, તેઓ ઉમેરે છે કે, ફોરેન્સિક પરિણામો મેળવવામાં વિલંબ અને ટેકનિકલ નિષ્ણાતોના મંતવ્યો સહિત અન્ય કારણોને લીધે ઘણા કિસ્સાઓમાં આરોપીઓને દોષિત ઠરાવી શકાતી નથી.

વળતર માટે સંઘર્ષ

બીબીસી એવા ઘણા પરિવારોને મળ્યા જેઓ હજુ પણ તેમના પ્રિયજનોની ખોટ સાથે ઝઝૂમી રહ્યા છે, જેમાંથી ઘણા તો કુટુંબનું ભરણપોષણ કરનારા હતા એટલે કે મુખ્ય કમાનાર વ્યક્તિ હતા.

પરંતુ કાનૂની દાવપેચ અને વિવિધ અન્ય પરિબળોને કારણે કંપનીઓ પાસેથી વળતર મેળવવાનું મુશ્કેલ બની જાય છે. એક વરિષ્ઠ વકીલ, જેમણે કામદાર વળતરના ઘણા કેસોમાં કામ કર્યું છે, તેણે બીબીસીને જણાવ્યું કે આવી કાનૂની કાર્યવાહી સામાન્ય રીતે વર્ષો સુધી ચાલે છે.

સંગીતા રોયે ત્રણ વર્ષ પહેલાં કાર્યસ્થળે અકસ્માતમાં તેનો હાથ ગુમાવ્યો હતો

ઘણી વખત, સરકાર પોતે જ પરિવારોને એકસાથે સહાયની રકમની ચૂકવણીની જાહેરાત કરે છે, અને કંપનીઓ પાસેથી વળતરની માગણીથી ધ્યાન હટાવી દે છે. અને કેસ હાથ ધરવામાં આવે ત્યાં સુધીમાં, સ્થળાંતરીત કામદારોના ભાંગી પડેલા અને દુ:ખી પરિવારો નોકરીની શોધમાં તેમના ગામ અથવા અન્ય શહેરમાં ચાલ્યા જાય છે.

ચંદન કુમાર કહે છે, “લાંબી, જટિલ પ્રક્રિયાઓને કારણે કામદારોને કાયદાકીય પ્રણાલીમાં બહુ વિશ્વાસ રહ્યો નથી. તેથી, તેઓ સરકાર પાસેથી પતાવટ અથવા સહાય તરીકે જે પણ પૈસા મેળવે છે તેમાં સંતોષ માને છે અને કાનુની વળતરની માગણી પડતી મુકે છે.”

બીબીસીએ દિલ્હીમાં 2018માં ફેક્ટરીમાં લાગેલી આગના ભોગ બનેલા લોકોના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો જેમાં 17 કામદારોના મોત થયા હતા, પરંતુ લગભગ બધા જ શહેર છોડીને ચાલ્યા ગયા હતા.

આ અકસ્માતોમાં અપંગ થયેલા કામદારોને માટે પણ વળતર મેળવવું અઘરું છે.

૫૦ વર્ષના સંગીતા રોયે ત્રણ વર્ષ પહેલાં કંપનીના કાર્ડબોર્ડ કટિંગ મશીનમાં એક હાથ ગુમાવ્યો હતો. તે કહે છે કે તેને તેના માલિક પાસેથી કોઈ વળતર મળ્યું નથી અને અપંગ કામદારો માટે સરકારી પેન્શન મેળવવા માટે ત્રણ વર્ષ રાહ જોવી પડી હતી.

ઔદ્યોગિક અકસ્માતોથી અપંગ થયેલા કામદારોના કોઈ સત્તાવાર રાષ્ટ્રીય આંકડા ઉપલબ્ધ નથી. પરંતુ સેફ ઈન ઈન્ડિયા ફાઉન્ડેશન નામની ફરીદાબાદમાં કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ઉત્તર ભારતમાં વાહનના ભાગો બનાવતી ફેક્ટરીઓમાં તાજેતરમાં કરાયેલા સર્વેક્ષણ  મુજબ 2016 અને 2022 ની વચ્ચે 3,955 ગંભીર અકસ્માતો થયા હતા. મેટલ પ્રેસિંગ મશીનનો ઉપયોગ કરતી વખતે 70 ટકા ઘાયલોએ તેમની આંગળીઓ ગુમાવી દીધી હતી અથવા તેમના હાથ કચડાઇ ગયા હતા.

ભારત દક્ષિણ એશિયામાં એક મુખ્ય ઓટો ઉત્પાદન કેન્દ્ર છે, જેમાં અંદાજિત 1 કરોડ કામદારો રોજગારી મેળવે છે. મારુતી, હોંડા જેવી મોટી કંપનીઓ કાર-સ્કુટરના જુદા જુદા ભાગો બનાવવાના કામનો  કોન્ટ્રાક્ટ નાની કંપનીઓને આપે છે અને એ કંપનીઓ પાછી બીજી નાની કંપનીઓને પેટા કોન્ટ્રાક્ટ આપે છે. સેઇફ ઇન ઇંડીયા સંસ્થાના સ્થાપક, સંદીપ સચદેવાએ બીબીસીને જણાવ્યું હતું કે ઘણા રાજ્યો અકસ્માતના આવા બનાવોના ચોક્કસ આંકડા નોંધતા નથી.

ભવિષ્યની ચિંતા

ભારતે ચાર નવા શ્રમસંહિતા દ્વારા તેના શ્રમ કાયદાઓમાં સુધારો કરવાનું શરૂ કર્યું છે જેમાં વ્યાવસાયિક સલામતી અને આરોગ્ય માટેની જોગવાઈઓનો સમાવેશ થાય છે. પરંતુ કાર્યકરો ચિંતિત છે કે નવા કાયદાના પાલનનું સ્તર  વધુ નીચું જઇ શકે છે.

ઔદ્યોગિક અકસ્માતોના પીડિતોને વળતર મેળવવામાં ઘણી વાર મુશ્કેલી પડે છે. જ્યારે અગાઉના કાયદામાં 10 કે તેથી વધુ કામદારો ધરાવતી કોઈપણ કંપનીમાં સલામતી સમિતિ રાખવાની જોગવાઇ કરવામાં આવી હતી, સૂચિત નવા કાયદાએ આ સંખ્યા વધારીને 250 કરી છે. આમ નવા કાયદામાં જોગવાઇ મોળી કરવામાં આવી છે. એટલું જ નહી પહેલાં ફેકટરીનો કાયદો ૧૦ કામદારને કામે રાખતા એકમોને લાગુ પડતો હતો તેમાં ફેરફાર કરીને હવે ૨૦ કે તેથી વધુ કામદારોને કામે રાખતા એકમોને જ લાગુ પડશે એટલે કે કરોડો શ્રમજીવીઓ સલામતી અને આરોગ્યના કાયદાના રક્ષણની બહાર ફેંકાઇ જશે અને તે કારણે વધુ અકસ્માતો થવાની સંભાવના રહેશે.

૨૦૧૬ની આર્થિક વસ્તી ગણતરી મુજબ, કુલ બિન-કૃષિ સંસ્થાઓના માત્ર ૧.૬૬% એકમો, ઉત્પાદનમાં ૨% એકમો અને બાંધકામ ઉદ્યોગમાં ૧૦% એકમો જ 10 કે તેથી વધુ કામદારોને રોજગારી આપે છે. એટલે કે કાયદા હેઠળ આવતા એકમો અને કામદારોની સંખ્યા આમેય બહુ નાની છે. અસંગઠીત ક્ષેત્ર માટે કોઈ આંકડા ઉપલબ્ધ નથી, જે ભારતના 90% કર્મચારીઓને રોજગારી આપે છે.

વકીલ અને મજૂર અધિકાર કાર્યકર્તા સુધા ભારદ્વાજ કહે છે કે ઘણી કંપનીઓ કાયમી કર્મચારીઓને બદલે કોન્ટ્રાક્ટ કામદારોની ભરતી કરવા તરફ વળી રહી છે જે કામદારોના અધિકારોને વધુ નબળા બનાવે છે. નોકરીઓ માટેની નિરાશાએ કામદારોને પણ યુનિયનોમાં જોડાતાં અટકાવે છે. ૧૯૯૦ની નવી આર્થિક નીતિ પછી કામદાર સંગઠનોમાં જોડાનાર કામદારોની સંખ્યામાં માતબર ઘટાડો નોંધાયો છે.

કંપનીઓ માટે પ્રક્રિયા સરળ બનાવવાના પ્રયાસમાં સરકારે કાર્યસ્થળના નિરીક્ષણ માટેની નીતિ પણ બદલી છે. જ્યારે હાલમાં, શ્રમ અધિકારીઓ સલામતી નિયમોના અમલીકરણનું નિરિક્ષણ કરવા અને તેની ખાતરી કરવા માટે જવાબદાર છે, તેમની ભૂમિકા નવા કોડ હેઠળ મધ્યસ્થીની ભૂમિકામાં બદલાશે.

શ્રમ નિષ્ણાતો કહે છે કે આનાથી ફેક્ટરી માલિકો માટે કામદારોની સલામતી અથવા સામાજિક સુરક્ષાને પ્રાથમિકતા આપવાની શક્યતા ઘટી જશે.

“કામદારોની સુરક્ષા આખરે કોઈની જવાબદારી રહેશે નહીં,” સિદ્ધેશ્વર પ્રસાદ શુક્લા, એક શૈક્ષણિક અને મજૂર કાર્યકર કહે છે.


(નોંધઃ લેખનું વસ્તુ અને ફોટોગ્રાફ – સ્ત્રોત : અર્ચના શુકલનો બીબીસી પરના સમાચાર Workplace accidents: Inside India’s ‘factories of death‘નો લેખ)


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.