વિજ્ઞાન સાથેની વિશિષ્ટ આવડતની ગૂંથણી – “ભૂતળમાં પાણી કળણ”

કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

   ભૂતળમાં કઈ જગ્યાએ કૂવો કે બોર કરશું તો આપણી મોલાતોને સિંચાઇ માટેનું પાણી મળી આવશે એ જાણવું ખેડૂતો માટે સહેલું નથી. મોટા ભાગના ખેડૂતોએ વાડીઓમાં “ અહીં પાણી હશે”, “ત્યાં પાણી હશે”, “ત્યાં પાણી હોવું જોઇએ” –માત્ર એવા અનુમાનોના આધારે જ ઠેક-ઠેકાણે કૂવા કે રીંગ બોર કરીને ધરતીને ત્રોફી નાખી છે. પરિણામે દેવાના ડુંગર નીચે દબાઇ જવા છતાં પાણીવાળા ન થયાનાં ઝાઝાં ઉદાહરણો આપણા ખેડૂતોમાં મોજૂદ છે.

ક્યો વિસ્તાર યા જગ્યા ‘કંઇકેય વધુ પાણીવાળો છે’ એવો ખ્યાલ મળવા માત્રથી શૂરાતન ચઢે અને મરણિયા લડવૈયાની ઢબે દુશ્મનોની વચ્ચે ઘેરાયા પછી પણ પરાક્રમ દેખાડી દેવાની મરદાઇ આપણા ખેડૂતોમાં દેખાય તો છે ખરી, એની ના નહીં ! પણ તલવાર અંધારામાં વિંઝવાને બદલે પ્રયત્ન જરા હકિકતને લગતા લેવાય તો થાક ઓછો લાગે.એવું મારું કહેવાનું છે મિત્રો !

વરસાદની આગાહી-એક વિજ્ઞાન : રેડિયો કે ટી.વી. સમાચારમાં હવામાન ખાતા તરફથી વિગત અપાય કે “આવતા 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં જોરદાર વરસાદ પડવાની વકી છે.” એટલે કંઇ સોએ સો ટકા સાચું પડતું નથી. હા, હવામાન બંધાય, પણ વરસાદ આવે જ એ નક્કી નહીં. “આગાહી” એ વરસાદ વરસતા પહેલાંના વર્ષો જૂના કુદરતમાં બનતા ફેરફારો-ચિહ્નો ના અભ્યાસ પરથી કરવામાં આવતું એક “અનુમાન” છે. “અનુમાન” માં નિશ્ચિતપણું ભલે નથી, છતાં એ અનુમાનના આધારે ઘટતાં ખેતીકામો શરૂ કરવા કે અધૂરાંને વહેલાસર આટોપવાના આયોજનો ઘડતાં જ હોઇએ છીએ ને !

બસ ! એના જેવું જ “પાણી કળણ” એ પણ એક અનુમાન છે. ભલે તે 100 % સાચું ન હોવા છતાં ખેડૂતોને આડેધડ ગમે ત્યાં કૂવો કે બોર કરી, ખોટી રીતે ખરપાઇ મરવાની સરખામણીએ થોડું પણ રાહતવાળું સાબિત થતું હોય છે. આવા કિસ્સાઓમાં 100 માંથી 75-80 પોઇંટ પાણીવાળા પ્રાપ્ત થતા હોય તો આપણા માટે અપનાવવા યોગ્ય આકાંઇ નાનીસૂની વાત નથી હો ભાઇઓ.

ભૂતળનું પાણી :  પાણી પ્રાપ્તિનું મુખ્ય સ્ત્રોત વરસાદ છે. પર્યાવરણ અને પરિસ્થિતિ મુજબ જે તે સ્થળે ઓછા-વધુ , વધુ-ઓછા વરસાદ વરસે છે તે પાણી જમીન સપાટી પર રેલાતા પૂર્વે અમુક જથ્થો વૃક્ષો-વનસ્પતિનાં મૂળિયાં દ્વારા, જમીન પર પડેલી તિરાડો કે ફાટો દ્વારા, રાફડાઓ જેવી છિદ્રાળુ જગ્યાઓ દ્વારા નીચે જમીનમાં ઊતરી જાય છે. ઉપરાંત ધરતીકંપ જેવા અકસ્માતોથી તૂટી પડેલી સપાટીઓથી સર્જાએલાં પથ્થરોનાં પોલાણોમાં ઊતરી જઈ ઊંડાણામાં “સરવાણી” રૂપે વહેતું હોય છે.

બસ ! આ પાણીનો જથ્થો કઈ જગ્યાએ વધુ પ્રમાણમાં હશે, તેનું અનુમાન કરવા જેમ અવકાશી ફેરફારોનાં પરિક્ષણો પરથી “વરસાદનો વરતારો” નક્કી કરાય છે, તેમ ધરતી પર દેખાતાં કુદરતી અને વિશિષ્ટ પ્રકારના ચિહ્નો ઉપરથી ભૂતળમાં પાણી ક્યાં અને કેટલું ભરાઇ કે વહી રહ્યું છે, તેવાં અનુમાનો વિજ્ઞાનનાં સાધનો અને એના જાણકારો મારફત કરી શકાય છે.

સૌ પહેલાં પ્રાથમિક અનુમાન  : “શેઠ શેઠ ! નમતું જોખજો !” કહેનાર ગ્રાહકને ક્યાં ખબર છે કે શેઠે વાસણનો “ધડો” જ નથી કેરેલો ! પછી ઇ નમતાનો કંઇ અરથ રહે ખરો ? એમ જ ધરતીની ઉપરની સપાટીની પાણીના સંજોગ દેખાડતી પરિસ્થિતિ કેવીક છે, તેવું સ્થળનું પરિક્ષણ કર્યા વિના જ નીચેના તળનું પાણી વિપુલ માત્રામાં મેળવવાની ઉતાવળનો કોઇ અર્થ ખરો ?

વરાહમીહિરનું અનુમાન : આવું અનુમાન પ્રાચીન ઉજ્જૈનમાં વસતા આચાર્ય વરાહમીહિરે ધરતી પર કુદરતી રીતે ઊગેલી વનસ્પતિઓ, ઊભેલાં વૃક્ષો, વૃક્ષો પર વસતાં પક્ષીઓ, જમીન પર બાજેલા રાફડા, જમીનમાં વસતા ઝીણા જીવો વગેરે પરના ઝીણવટ પૂર્વકના અભ્યાસ પછી પૃથ્થ્વીના પેટાળમાં સંગ્રહાએલા જળસ્ત્રોતોના આધારભૂત સંકેતો સૂચવતી જે વિગતો મેળવી હતી તે તેમના “બૃહદ્સંહિતા” નામના ગ્રંથમાં આલેખી છે. જે ભૂતળમાંથી પાણી શોધનારા રસિકો માટે બહુ ઉપયોગી સાબિત થઈ છે. એમાં જમીનનો પ્રકાર, રંગ, દળ, ઢોળાવ અને એ વિસ્તારમાં વરસતા વરસાદનું પ્રમાણ, સ્થળની દરિયાઇ સપાટીથી ઉંચાઇ જેવી અનેક બાબતોનો ખ્યાલ પણ કરાયો છે.

ધરતીના પેટાળમાં પાણી હોવાના- બહારથી દેખાતા કેટલાક સંકેતો :

[1]……….શિયાળાની સ્થિર હવા અને ઠંડી રાત્રિમાં ચોફાળ કે ધાબળો ઓઢ્યા વિના ખુલ્લા ખેતરમાં આંટો મારતાં જે જગ્યાએ પડ “હુંફાળું” લાગે, જ્યાં થોડો ગરમાવો જણાય તે સ્થળે થોડું વધારે પાણી હોવાનું માની શકાય.

[2]……..લીમડો, જાંબુડો, કરંજ,વડ, પીપળો, ગુંદી, રાયણ, ખીજડો, ખાખરો કે અરણી જેવાં કુદરતી રીતે ઊગેલાં વૃક્ષોમાં આસપાસની સરખામણીએ વધુ ઘટાવાળા, કૂણપ દેખાડતાં અને તેજસ્વી જણાતાં વૃક્ષોના ઝૂંડની જગ્યાએ વધુ પાણી હોવાની શક્યતા ખરી.

[3]………જ્યાં ઊધઇના રાફડા,દેડકા,કાચબા કે ઉંદરો જેવી જીવસૃષ્ટિનો વધુ પડતો વસવાટ દેખાય એ સ્થળ પણ પાણી બાબતે સારું ગણાય. પ્રથમ આવું વિશિષ્ટ સંકેતોવાળું સ્થળ શોધી, ત્યાં નીચેના તળમાં ઊંડી તપાસ કરવાથી પાણી હોવાની ખાતરી મજબૂત બને છે.

ભૂગર્ભ જળ કળણની પદ્ધત્તિઓ :   ભૂગર્ભમાં પાણી કેટલુંક છે તે જોવા-તપાસનાની પદ્ધત્તિઓ ઘણી છે.

[1]……….હોકાયંત્ર દ્વારા તપાસ

[2]……લોહચૂંબક અને ઓળંભા થકી તપાસ

[3]………રડારના માધ્યમથી થતી તપાસ

[4]……..મેન્ગેટોમિકલોકેટર પદ્ધત્તિ

[5]……..ધાતુના સળિયા દ્વારા તપાસ

[6]…….ઇલેક્ટ્રોનિક રેજિસ્ટીવીટી મીટર થકી તપાસ

[7]……..અન્ય લૌકિક રીત થકી થતી તપાસ

અનુભવ  એ પણ “વિજ્ઞાન”  છે: જ્યારે જમીન તપાસવાની પ્રયોગશાળાઓ અસ્તિત્વમાં નહોતી ત્યારે એ કામ “જીભ” દ્વારા જમીન ચાખીને તેની સ્વાદ પારખવાની વિશિષ્ટ શક્તિ દ્વારા એનું પરિક્ષણ કરી દેનારાં માણસો મળી આવતા હતા, જેને “ભોંયચખા” નું બિરૂદ દેવાતું. અરે ! ચોરી કરનારાના “સગડ” પારખી, સગડ પરથી ચોર શોધી આપનાર વિશિષ્ટ શક્તિવાળાને “પગી” કહેતા, તેવા જ આ ભોંયચખા ગણાતા.

તેમ આજેય ધરતીના પેટાળમાં પાણી કઈ જગ્યાએ છે તે શોધી આપનાર વિજ્ઞાનની રીતો ઘણી છે, પણ તે વધુ ખર્ચાળ અને વધુ સમય લેનારી હોવાથી એની જગ્યાએ કેટલાક પોતાની આગવી સૂઝ અને હાથવગાં સાધનો દ્વારા ભૂતળમાં સંગ્રહાયેલ પાણીના જથ્થાને વિંધતા નિશાન દેખાડનારા “પાણીકળા” ગણ્યાંગાંઠ્યા વિરલાઓ છે, જેનો લાભ ખેડૂત સમાજ સારીપેઠે લઈ રહ્યો છે. તેમની થોડી રીતો જોઇએ.

[1] ……”કહ” અને “આડવાણ” ના પથ્થરો તપાસીને : લીમડિયા ગામમાં ઘેલાદાદા હતા. મેં એમની પાસે 1972 માં કૂવો ક્યાં કરવો એ અંગે તળ તપાસ કરાવેલી. તેમણે વાડીની બાજુમાં નીકળેલી નદીના કિનારે ખુલ્લા થયેલા પથ્થરો, એના કાંકરા અને રંગ તપાસ્યા. પછી ચાર-પાંચ જગ્યાએ ઉપરની માટી પૂરી થાય એટલા ઊંડા ખાડા કરાવ્યા અને એમાં નીચે કેવા કાંકરા કે ટાશ-મોરમ આવે છે તે તપાસ્યા પછી, કઈ જગ્યાએ “કહ” નીકળેલ છે, અને એની બાજુમાં ક્યાંથી “આડવાણ”  શરૂ થાય છે તેનું સંધિસ્થાન શોધી કૂવો કરવાનો પોઇંટ આપેલો. જેમાં 100 % સફળતા મળી. આજેય એ કૂવો પાણી બાબતે ખૂબ સારો આધાર છે.

       આપણે સૌ જાણીએ છીએ કે “આડવાણ” એટલે જે પથ્થરોમાં આડા પોલાણવાળા કઠ્ઠણ પથ્થરોના થરો, જેમાં સાંધા આડા હોય, અને એ સાંધા કે પોલાણમાં પાણીની સેરો વહેતી હોય. જ્યારે “કહ” એ બે આડવાણની વચ્ચે આવતો પોચા પાણાનો પડ વગરના ઊભા સુંઠિયા જેવા  પથ્થરોનો બંધ છે. આડવાણમાંથી વહી આવતું પાણી વચ્ચે ‘કહ’ આવતાં તેને ઓળંગી શકતું નથી. તેથી ત્યાં પાણી અટકી ગયું હોય અને ત્યાં કહના પડખામાં જ આડવાણના પથ્થરોમાં કૂવો કે બોર કરાય તો પાણી થવાની શક્યતા વધુ રહે છે. પણ ઘણા અનુભવ પછી આ પારખી શકાતું હોય છે.

[2]………તાંબાના સળિયાની મદદથી : 2 થી 3 જાડાઇના દોઢ-પોણાબે ફૂટ લાંબા, મુઠ્ઠીમાં હાથાની જેમ પકડી શકાય તેટલી લંબાઇના કાટખુણિયા સળિયા બે હાથમાં એકબીજાની સમાંતર રહે તે રીતે નાભીસ્તરે પકડીને જમીન પર ધીરે ધીરે ચાલવાનું. જ્યાં નીચે ભૂતળમાં પાણી હોય ત્યાં હાથમાં પકડેલા બન્ને સળિયાના છેડા એકબીજાથી અપાકર્ષિત થઈ વિરૂદ્ધ દિશામાં પહોળા પડી ધીરે ધીરે 180 અંશનો ખૂણો બનાવે છે. આ જગ્યા વધુ પાણીવાળી હોવાની શક્યતા છે. ડૉ. અનિલ ગુપ્તાના કહેવા મુજબ કોઇપણ પરમાણુ તત્વમાં ધનભાર અને ઋણભાર હોય છે. જ્યારે પાણી એ ઓક્સિજન અને હાઇડ્રોજનનું સંયોજન હોવાથી જેમાં ફક્ત પરમાણું ધન વીજભાર હોય છે. એટલે બન્ને સળિયામાં અપાકર્ષણની એક સરખી અસર ઊપજતી હોવાથી બન્ને એકબીજાથી દૂર જાય છે. જે વધુ પણી હોવાનો અણસાર આપે છે. આ પદ્ધતિ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે. 80-85 % અનુમાન સાચું પડતું હોય છે. માલપરામાં બાબુભાઇ જાદવાણી, કરમશીભાઇ સવાણી, દાસભાઇ રામાનુજ આ પદ્ધત્તિથી ભૂતળમાં ભરાઇ રહેલ પાણીને શોધવા સફળ રહે છે. જ્યારે ઘણાબધાની જેમ મારા હાથમાં આ સળિયા જરાયે અપાકર્ષણ દેખાડતા નથી, આ ય એક કોયડો જ ગણાય ને મિત્રો !

[3] વાય [ Y ] આકારની લીલી ડાળી દ્વારા :  ટચલી આંગળી જેવી જાડાઇનું એકાદ ફૂટ લાંબુ, બે ડાળીઓવાળું બેલાખું લઈ, તેના બે છેડા બે હાથની મુઠ્ઠીમાં પકડી છાતી સમાંતરે એકલિયો છેડો આગળ રાખી જમીન પર ચાલતાં જ્યાં પાણી હોય ત્યાં બેલાખું નીચું નમે છે. ચારે બાજુ તપાસતાં જ્યાં કેંદ્રબિંદુ નક્કી થાય તેને દાર-બોર માટે યોગ્ય પોઇંટ ગણવામાં આવે છે.

[4] ધાતુના એક સળિયાની મદદથી : મહેતા ખંભાળિયાના ગાંગજીભાઇ કાપડિયાને પાણી-પોઇંટ શોધતાં જેમણે નિહાળ્યા હોય એમને ખબર હશે કે પોતાના ડાબા હાથમાં બે ફૂટનો એક આઠ આની લોખંડનો “L” [એલ] આકારનો સળિયો ટીંગાડી હાલ્યા જતા હોય છે. અને સળિયો આગળ-પાછળ હલતો હોય, પણ જ્યાં નીચે પાણી હોય એવું સ્થળ આવતાં સળિયો મુઠ્ઠી ફરતો ગોળ ગોળ રાઉંડ ફરવા માંડે છે. બસ ! અહીં જ ગાંગજીભાઇ કૂવો કે દાર કરવાનું ચિંધતા હોય છે. મેં 1988 માં તેમની પાસે પોઇંટ જોવરાવી દાર કરાવેલ છે. જે સારું કામ આપે છે. તેમણે કેટલીય સામાજિક સંસ્થાઓને દુશ્કાળોમાં વિનામૂલ્યે પાણાના પોઇંટ દેખાડી પાણીખેંચ હળવી કરાવી છે.જોકે આવી પદ્ધત્તિઓથી ભૂતળમાં “પાણીનો જથ્થો છે” એવો અંદાજ કરી શકાય છે. પરંતુ તે વહેતિયાણ છે કે બંધિયાર, તેમ જ કેટલી ઊંડાઇએ છે તેનો ચોક્કસ અંદાજ આવતો નથી.

[5] ઇલેક્ટ્રોનિક રેજિસ્ટીવીટી મીટર થકી : ભૂતળનું પાણી તપાસવાની આ પદ્ધત્તિમાં જમીન પર મીટરને જે કેબલ જોડાયેલ હોય તેમાંથી 90 વોલ્ટની સૂકી બેટરીથી જમીનમાં કરંટ પસાર કરવામાં આવે અને બીજે છેડે કરંટ પહોંચતાં કેટલી વાર લાગે છે, અને વચ્ચે ક્યા ક્યા અવરોધો ઝિલાય છે તેનો અભ્યાસ કરી પાણી ક્યાં કેટલું છે તેનો અભ્યાસ કરાય છે. પદ્ધતિ સંપૂર્ણ વૈજ્ઞાનિક હોવાછતાં એની મોટી મર્યાદા કે ઘડીકમાં નિર્ણય આપી શકાતો નથી. વળી પોઇંટથી 300 મીટર ખુલ્લી જમીન જોઇએ. ખર્ચાળ પણ ઘણી અને વાપરવાની રીત પણ ઘણી જટિલ એટલે તાલીમી માણસ વિના ચાલે નહીં. આણંદવાળા રતિભાઇ સુદાણી અગાઉથી સમય લીધો હોય તો આ પદ્ધત્તિથી પાણીવાળો પોઇંટ શોધી આપે છે.

     જોકે આ પદ્ધત્તિ સિવાય પણ લીલા-સૂકા છાલા ઉખાડેલ નાળિયેરને હથેળીઓ પર ઘુમાવીને, પાટલા પર શ્રીફળ ઘુમાવીને, પાટલા પર શ્રીફળ દોડાવીને, તો કોઇ વળી ઘેર બેઠા વાડીનો નકશો દોરી તળનું પાણી શોધી આપવાનું કહી ખેડૂતોને ભરમાવનારી રીતો નીકળી પડી છે. આવી પદ્ધત્તિઓના આધારે કૂવાનો ખોપ ખોદવાની ઉતાવળ  હું તો ન જ કરું.  જેમાં વિજ્ઞાન ભેર ન કરતું હોય તેવી બાબતમાં આપણે પડાય નહીં.એનાથી બચવું. હા, અનુભવીઓના અનુભવનો લાભ જરૂર લેવાય, પણ પાણી તો સાત ગળણે ગાળીને જ પીવાય .

મેં શાંતુ કે. દેસાઇના લખાણમાં વાંચ્યું છે કે  જેઓ “ડાબોડી” હોય અથવા પગેથી જન્મેલા હોય એમનામાં એક વિશિષ્ટ આભા હોય છે. અને એમના હાથે મેગ્નેટિક સિસ્ટમના સાધનોનો ઉપયોગ વધુ સચોટ જણાતો હોય છે. આંતરખોજ કરજો. જે કોઇ આવી આભાવાળા હોય તે ભૂતળનું પાણી શોધવાનું શીખી જાય તો સૌરાષ્ટ્રની “નપાણિયાખેતી” ખેતીને “પાણીદાર” બનવાનું ભાગ્ય ખુલી જાય !


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.