“ટીલીયો” સાવજ

સોરઠની સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ

સાસણ ગીરનો નકશો જોવો તો દેખાસે કે મેંદરડા, માલણકા, તાલાળા, માળીયા હાટીના, વિસાવદર, તુલસીશ્યામ, બાણેજ, ધારી, જામવાળા, બાબરીયા, વ. ગામડાઓમાંથી આ ગીરમાં ડગલે આવી સકાય છ ને આ ગામડાંઓ ગીરનાં નાકાં જ ગણાય. આ કે’વાનાં બે કારણો; એક ઈ કે આમાંથી અમે માળીયા, તુલસીશ્યામ કને દેલવાડા, મેંદરડા અને વિસાવદરમાં ઘણાં વરસો કાઢ્યાં ને હું પોતે બાળોતીયેથી પાટલૂન પે’રતો આ ગામડાઓમાં જ થ્યો. બીજું કારણ ઈ કે કેટલીયે વાર ગર્ય માંથી જનાવરું આ ગામડે નદીએ પાણી પીવા કે સીમસેઢે ઢોરઢાંખરનું મારણ કરવા આવતાં ને અમે એની ડણાકું ને ઢોરનાં ભાંભયડાં સાંભળતા. મારા માટે સાસણ ગર્ય ઈ ૧૦૦૦૦થી વધુ ચોરસ કી.મી.નું મારા નાનપણના ઘરોનું એક રળિયામણું ફળી જ હતું કારણ કે મારા દાક્તર પપ્પા ભેગો હું આ ગર્યના ઘણા નેસડે માંદેસાજે વિઝિટમાં જાતો. ઉપરાંત અમે કેટલીયે વાર આ ગર્યમાં શેયડીનો વાડ, બાજરાનો પોંક, દેશી માંડવીના ઓળા ને નેસડે વાળુ ખાવા કે ચોમાસે હિરણ, શેત્રુંજી, ધાતરવડી, સિંગોડા, મછુન્દ્રી, આંબાજળ કે રાવલમાં ઘોડાપુર જોવા જાતા. પરિણામે જેવા મારા નાનપણના ભેરુ નટીયો, રતિયો, ભીખુ, બબલો, પોપો, હસલો ને ચુનીયો એવાં જ આ ગર્યની મોટી ફળીના ૫૦૦થી વધુ જાતનાં ઝાડપાન ને ૨૦૦૦થી વધુ જાતનાં ચોપગાં જનાવરથી લઈને ૧૦૦ પગાં જીવડાં ને પગ વિનાના એરૂ મારી આછીપાતળી જાણમાં.

બધાને ખબર છે કે સાસણ ગર્યની ગરિમા તો દુનિયાની કેટલીયે ભાષામાં લખાણી છ પણ મોટાભાગના લોકોએ ગર્યમાં પગ મૂક્યા વિના કે બેપાંચ દી’ એકાદ ભોમિયા હારે ફરીને, એની હારે વાત કરીને લખ્યું છ. એટલે મારી નજરે આ બધા લેખકો ગર્યના ટપાલી ઝવેરચંદ મેઘાણી, કાગબાપુ, કવિ દાદ, રાજભા ગઢવી અને ધ્રુવ ભટ્ટથી હેઠ. આ હેઠ કે’વાનું કારણ ઈ જ કે મેઘાણી અને કાગબાપુએ તો આ ગર્યમાં કોઈ એવો કાંકરો કે તણખલું નહીં હોય કે જેની હારે એને વાત્યું નહીં કરી હોય. તો કવિ દાદ તો હિરણના કાંઠે ઈશરીયામાં જ જન્મ્યા ને મોટા થ્યા. પછી ભલે ઈ એના ધંધા અર્થે આયખું બીજે લઇ ગ્યા પણ એનો માયલો તો ઈ ગાંડી ગીરમાં હિરણના કાંઠે જ વસ્યો – કે જે મેં એની હારે એને ફળીયે ૨૦૧૪માં શિવરાત્રીની સાંજની બેઠકમાં સચરાચર વર્ત્યું. ઈ જ રીતે ફુટકો જુવાન અને ગીરગઢવી રાજભા પણ લીલાપાણીના નેસનો ને એને મોઢે ગર્યની વાત્યું સાંભળવી ઈ પૂ. ડોંગરે મહારાજના મોઢે “ભાગવત કથા” કે પૂ. મોરારીબાપુના મોઢે “રામાયણ કથા” સાંભળવા જેટલો જ લ્હાવો. અને છેલ્લે; ધ્રુવભાઈ નથી ગર્યની પેદાશ, ચારણ, ગઢવી કે માલધારી પણ એને દેવળીયા કને ભાલછેલમાં લાંબો વસવાટ કરીને આ ગર્ય અને એના રીતરિવાજ જાણી-સમજીને અદ્દભુત “અકૂપાર” પુસ્તક લખ્યું છ. ટૂંકમાં, આ પાંચેય જીવડા ગર્યમાં જીવ્યા, ગર્યના જીવજંતુ, ઝાડવાં ને રીત-રીવાજ સમજ્યા, એકેક પાળિયા, ટીંબા, ટીંબી, ડૂવાં ને રાફડાને ઓળખ્યાં ને માંના પેટ જેવા ગર્યને જાણ્યું, પચાવ્યું.

મને ખાત્રી છે કે ભવિષ્યમાં પણ સાસણ ગીર વિષે ઘણું લખાશે ને બોલાશે પણ દાદબાપુએ થોડીક જ કડીઓમાં એનાં કવિત “હિરણની રાત,” “હિરણ હલકારી” ને “સંધ્યા શ્રવણની રમે હોળીએ” માં જે રીતે ઈ ગર્યના રૂપને નીખાર્યું છ ઇથી ઈ હંધુંય હેઠ હશે અને એના દાખલ રૂપે દાદબાપુની એક જ કવિતાની થોડીક કડીઓ:

“આંકડિયાવાળી, વેલ્ય ઘટાળી, વેલડિયાળી વૃખવાળી
અવળા, આંટાળી, જામી જાળી, ભેખડિયાળી ભેવાળી
તેને દઈ તાળી, જાતાં ભાળી, લાખણિયાળી લટકાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી.

આંબા આંબલીયું, ઉમ ઉંબરીયું, ખેર ખીજડીયું બોરડીયું
કેસુડાં ફળિયું, વા ખાખરિયું, હેમની કળીયું, આવળિયું
પૃથ્વી ઊતરીયું સ્વર્ગીય પરીયું, વેલ્યું વળિયું જળ ઢાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી.

 રાણ્યું કોળંબા લઈ અવળંબા, જુવે જળંબા જળબંબા
કરી કેશ કલંબા, બિખરી લંબા, જે જગદંબા બન અંબા
’દાદ’લ દિલરંગી, છંદ ત્રિભંગી બની ઉમંગી બિરદાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી.

 ફળફૂલ ખીલંતા, કોષ કીલંતા, પૂંછ ફીરંતા પચરંગી
થૈ થૈ થનગનતાં, મયૂરા કરતાં, નિત નટખટતાં નવરંગી
ઢેલડીયું ઢુંગા, ચણતી રૂંગા; એવા મૂંગા દૃશ્યવાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી.

 ખળખળતાં ઝરણાં, લીલાં તરણાં, ચરતાં હરણાં, ઠેક ભરે
કંઈ શ્વેત સુવર્ણા, નીલ વરણાં કંકુ ચરણાં ફૂલ કરે
મધુકર ગુંજારં, ભાત અઢારં, બની બહારં બૃદવાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી.

 ડેડાં ડળવળતાં ઝૂંડ ઝંબૂળતાં, મઘરા ફરતા મોં ફાડી
જળકૂકડા ચરતાં, બતક વિહરતાં, દાદુર ડહતા દિનદાડી
માછલીયું ટોળાં, કરે કિલોળા, બગલાં બોળા બહુ ભારી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી.”

મારે આજ સાસણ ગીરની સુંદરતાને શબ્દે નથી મુલવી કારણ ઈ મારી હેસિયતથી જોજનવા બારનું છે પણ જે વાત માંડવી છ એનો માચડો પે’લાં બાંધું કારણ કે ઈ પણ એટલો જ આડાભીડ છે. તો મૂળ વાત એમ છે કે અમે ૧૯૫૩થી મેંદરડામાં કે જ્યાં અમારા ઘનિષ્ઠ પાડોસી નાથાભાઈ અને અરજણભાઈ પરજીયા સોની પરિવાર. આ પરિવારને ઘેર સાલમાં બેચાર વાર મઢડાથી સોનબાઈમાંની – કે જેને અમે “આઇમાં” કે’તા – પધરામણી થાતી ને અમે સહકુટુંબ આઇમાંના દર્શને જાતા. માં સોનીના ડેલે આવે એટલે પે’લાં જ ઈ જ્યાં ગાયું બાંધી હોય ઈ ઢાળીયે જાતાં ને એકેક ગાયને વ્હાલથી પંપાળતાં. પછી વચલામાળે કોઠામાં એની પધરામણી થાતી ને અમે સૌ વારાફરતી માંના આશીર્વાદ લેતા. આ બધું પતે એટલે આઇમાં પોતે એક તાંસળામાં શાકાર નાખેલ દૂધ પીતાં ને અમે સૌ પીત્તળની અડાળીમાં ઘીએ લૂંબાજુબા લાપસીનો પરસાદ ખાતા. પછી આઇમાં ભેગો એનો જે ચારણ ડાયરો આવ્યો હોય એમાંથી એકાદ જણો નાનીમોટી વાત માંડે ને અમે સૌ કાન દઈને ઈ સાંભળતા. એમાં ૧૯૬૧-૬૨ના અરસે આઇમાં ભેગા આવેલ ભાણભાએ સાસણ ગર્યના “ટીલીયા સાવજ”ની વાત કરીતી કે જેમાં મારા જોગું થોડુંક વાંચેલું ઉમેરીને હું ઈ વાત માંડુ છ.

તો સાહેબ, દસકાઓ પે’લાં જેમ ગામડામાં નાત પ્રમાણે વાણીયા શેરી, બ્રાહ્મણ ફળી, કણબી વાડ, મસ્જિદ ખડકી, લુવાણા ગલી, હરિજનવાસ, વ. હતાં એમ ઈ ટાણે દરેક જનાવરું ને એના કટમ્બ પણ પોતપોતાના સેઢે કે વાડામાં રે’તાં. દરેક કટમ્બનો વડીલ સાવજ ગર્યમાં નામથી ઓળખાતો; જેમ કે “ચાંપલો” – કે જે તીયેં પાંચસાત મહિના પેલાં જ દેવ થ્યોતો – એનું કટમ્બ ગર્યના ઓત્રાદે ખૂણે રે’તું, “ટીલીયો” ને એનો વસ્તાર ઉગમણે સેઢે દેવાડુંગરે વસ્તો, “બાપુડીયો” એનાં છયાંછોરુ હારે આથમણી સીમે રે’તો ને “ઠાગો” ને ઇનો સંસાર દખણે રે’તો. સાવજુનાં આવાં નામોના કારણો દેતાં ભાણભાએ કીધું, ચાંપલો રાંટા પગે ડગ દેતો, ટીલીયાના માથે ધોળું ચાઠું છે, બાપુડિયો ગરીબડો દેખાય છ, ની ઠાગો આગલા પગે લંગડાય છ.” એને આગળ કીધું કે આ ગર્યમાં ૩૦૦થી વધુ જનાવરું છે. બધા કટમ્બમાં સાવજ કરતાં સિંહણ જાજી હોય ને એનાં બચ્ચાંને “સરાયું” કે “ભુરડું” કે’વાય. આ જનાવરું પંદરેક વરસનું આયુ ભોગવે. ગર્યમાં સિંહનું મરણ થાય તીયે એના અંતિમસંસ્કાર કરવામાં આવે છે, એના બેસણાં રાખવામાં આવે છે ને ચારેકોરથી માલધારીયું લોકીએ જાય ને શોગ પાળે. આ હંધાય સાવજુને બિરદાવતાં ચારણે કયાંક આવું કીધુંતું:

“કરાલ ચાલ કેશવાળ કાળ હાલતા વને
ઝળાહળા ઝળાહળા ઝબૂક નૈન લોચને
ઝનૂન ખૂન અંગ અંગ તંગને મચાવતા
વિહાર કેસરી કરા જરા જટા હલાવતા.

 હરા ફરા રફા દફા જટા છટા વધારતી
દરેક એકલી સુવાસ છેક હાક નાખતી
ડગે પહાડ ત્રાડથી શિલા ઘણી પછાડતા
વિહાર કેસરી કરા જરા જટા હલાવતા.

 તકેદ રાજમાં રખે સખે સુતો નહીં કદી
ગરાસ પાસ રાખતો નજીકમે જહા નદી
ધરાર ખાર માર માર હાર ના સ્વિકારતા
વિહાર કેસરી કરા જરા જટા હલાવતા.

 વિચાર વાર ના દયા ખતા રતી મ રાખતા
શિકાર ઠાર મારવા તરાપ એક મારતા
લગાર વાર વાગતા જરા ન જીવ જાગતા
વિહાર કેસરી કરા જરા જટા હલાવતા.

 વના બધા જગાડતા ઘટા ગુફા ગજાવતા
મિરાત દાંત નોર જોર રાતમાં બતાવતા
સવાર હાર માનતા નિશા ફરી ધુજારતા
વિહાર કેસરી કરા જરા જટા હલાવતા.

 અવાજ ભો ભરી શરીરથી કરી ડણંકતા
કદી વળી લડી મરી ધરા રુધીર રંગતા
નમે નહીં ખમે નહીં મહીં મહીં જ મારતા
વિહાર કેસરી કરા જરા જટા હલાવતા.

 શરીરથી અમીર તે ખમીર તે રુધીરથી
મહી પરે કદી સહી જવાય કેમ વીરથી
સજીવ બીવતા બધા સદા રહે સજાગતા
વિહાર કેસરી કરા જરા જટા હલાવતા

 કમોત માત મારશે બચ્ચા તણી ગરે મળી
રહો ન દૂઝણી કને વને જ નાખશે હણી
લગીર ગીર દૂર છે હજાર વાર ભાળતા
વિહાર કેસરી કરા જરા જટા હલાવતા.”

પછી એને કીધું, “અમારા હંધાય કરતાં આ ગર્યમાં જીણાભાઇ ઈ જનાવરુંનો સાચો જાણતલ માલધારી છે ને ગર્યના ઓત્રાદા સેઢાનો માલીક “ટીલીયો” ને જીણાભાઇ એવા તો ભેરુ કે એકાબીજાનું મોં ન ભાળે તો કોળિયો ગળે અટકે.” પણ “ટીલીયા”ની વાત ઉપાડતાં પે’લાં એને ગર્યના શિરસ્તા મુજબ ઈ બેઠી દડીના રાંટા ને જાતવંત “ચાંપલા”નાં દુહામાં લાડ લડાવ્યાં ને શ્રદ્ધાંજલિ દીધી કારણ ઈ ટાઢે શરીરે ઈ જ અરસામાં થ્યોતો:

“ગિર ડુંગરની ગાળિયે ડણકે દશે દિશ,
સાવઝમાં છોગાળો ચાંપલિયો નરસિંહ.”

 “ભડાં ભડ ભડકી જતાં ઘટાટોપ ગર્ય ઘીંસ
વનરાઇયુંમાં વિચરે ચાંપલિયો નરસિંહ.”

 “પંડ મોટું ને પગ લુલો તળપે હથ્થા ત્રીસ
ડણકે ગિરના ડુંગરે ચાંપલિયો નરસિંહ.”

 “મરદ તને મારવા કંઈ ભટકયા સોરઠ ભૂપ
ચાંપલિયો સ્વર્ગે ગયો રૂડી વનરાઈનું રૂપ.”

મારા પપ્પાને ઈ માથાથી પૂછડા સુધી આઠથી વધુ ફુટ લાંબા “ચાંપલા”ના દેવ થ્યાની વાત ઝીઝુંડાના આલાભાઈ રબારીએ પે’લાં કરેલ પણ ભાણભાએ પાછી યાદ કરાવી એટલે એને પાછું દુઃખ થ્યુંતું કે જે એને ઘેર આવીને અમને કીધુંતું.

“ચંપલા”ને ભીના ગળે યાદ કરીને પછી ગળું ખંખેરીને ઈ નર સાવજ ‘ટીલીયા’ને ભાણભાએ પટે પાડ્યો. તો ૧૯૫૫-૬૦ના ગાળે આ ખુંખાર સાવજનો ગર્યમાં ગજબનો ગોકીરો હતો કારણ ઈ ટાણે ઈ સૌથી જાતવંત સિંહ હતો ને એકલે હાથે એના લોઢાની મેખ જેવા દાંતે ૪૫૦-૫૦૦ કી.ગ્રા.ની ભેંસનો શિકાર કરી ખાટકીની ઘોડે એને ડોકથી જાલી, ઢસડીને ડૂવાં પછવાડે લઇ જાતો. આ ઢસડતો તો ત્યારે પણ ભેંસનું શરીર જમીનને અડવા ન દેતો કારણ ફક્ત ભેંસના પગના લીટા જ જમીન પર જોવા મળતા. આ “ટીલીયો” ને જીણાભાઇ માલધારી એકાબીજાના જાજા હેવાયા હતા. કે’વાતું કે “ટીલીયો” નાનો હતો ત્યારથી જ એની માં “ગંગા” જીણાભાઇની એટલી પાસે કે ઈ સૂતા હોય તો એની પડખે આવીને સૂઇ જાતી. એક વખત ટીલીયો નાનો હતો ત્યારે રમતોરમતો જીણાભાઇ સૂતાતા તે એના પડખામાં ગરી ગ્યો. જીણાભાઇને આ ખબર નો’તી એટલે “ટીલીયો” એના હાથ તળે આવી ગ્યો ને કાંવકારા કરવા મંડ્યો. “ટીલીયા”ની કણસ સાંભળીને “ગંગા” સફાળી બેઠી થઇ ને સીધો જ પંજો જીણાભાઇની છાતીએ મુક્યો ને લાંબી ડણાક દીધી. જીણાભાઇએ માથેથી એનો હાથ ઉપાડ્યા વગર જ બંધ આંખે કીધું, “એ ગંગા… તુંય શું… હું જીણો જ છું…” અને ગંગાએ તરત જ એનો પંજો પાછો લઈ લીધો. જીણાભાઈ જંગલમાં જાતા ત્યારે એને જોઈ જુવાન “ટીલીયો” એને મળવા પણ દોડતો. “ટીલીયા” ઉપરાંત પણ જીણાભાઇને ઘણા સાવજુ હારે દોસ્તારી ને ઘણીવાર ખાડું ચરાવીને નેસે પાછા ફરતા ત્યારે એના જાણીતા સિંહોની કેશવાળીમાંથી ગિંગોડીઓ પણ ખેંચતા. સિંહો હારે આટલો ઘરોબો જીણાભાઇનો જ નહીં પણ ગીરના ઘણા માલધારીઓનો ત્યારે હતો. ગુજરાતી સાહિત્યમાં પણ માલધારી અને સિંહના સંબંધના કેટલાય દાખલા છે – ઝવેરચંદ મેઘાણીએ નજરે જોયેલા દ્રશ્યમાંથી રચાયેલી કવિતા ‘ચારણકન્યા’ અને સૌરાષ્ટ્રની રસધારમાં લખાયેલ ‘સાવજની ભાઇબંધી.’ ટૂંકમાં, જેને ગર્ય ફક્ત જોયું નથી પણ જીવ્યું છ એવા મેઘાણીથી માંડીને ધ્રુવભાઈ જેવાએ સાવજ અને માલધારીના સગપણને બિરદાવ્યું છે.

ગીરમાં સિંહને વજ્ઞાનિક રીતે સમજવા ને એની વસ્તીમાં કેમ વધારો કરવો એના સંશોધન અર્થે ૧૯૬૮-૭૩ દરમ્યાન પર્યાવરણ વજ્ઞાનિક પાઉલ જોસલીન સાસણ ગીરમાં આવેલ. એને આ સંશોધનનો ઉપીયોગ પીએચ.ડી. ઉપાધિ મેળવવામાં કરેલ. એના સંશોધન દરમ્યાન એને જીણાભાઈને પોતાની હારે જ રાખ્યાતા ને ઈ સાવજો પાછળ રાતદિ’ પડ્યા રહેતા. જીણાભાઈએ દરેક સાવજ કેટલું મારણ ક્યારે અને ક્યાં કરે છે, કેટલું ને શું ખાય છ, ક્યાં જાય છ, વ. એવી કેટલીયે માહિતી ભેગી કરેલ. જોસલીનના સંશોધનના અંતિમ સમયે એક જરૂરી માહિતી મેળવવવા એને જીણાભાઇને કીધુંતું કે એને એક બકરું લઇને જંગલમાં બેસવાનું પણ સાવજને ઈ ખાવા નહી દેવાનું. જીણાભાઈ બકરું લઈ કલાકો સુધી જંગલમાં સિંહ સામે બેઠા રયા ત્યાં સુધી સાવજે હિંમત ન કરી. પછી જયારે જીણાભાઈને ઝોકું આવ્યું ત્યારે સાવજે બકરું એના હાથમાંથી ખેંચવા પ્રયત્ન કર્યો જીણાભાઈએ એની અર્ધી ઉઘાડી આંખેયે ઈ બકરું હાથમાંથી જાવા ન દીધું. આ ઘટનાનો ફોટો જોસલીને એની ડૉક્ટરેટની થીસિસમાં પણ મુક્યો છ એમ લખાયેલ છ. એવી પણ એક વાયકા છે કે “ટીલીયા”ની હૈયાતી દરમ્યાન લોકો ખાસ એને જ જોવા આવતા ને વન વિભાગને દરસાલ એમાંથી જ એકલાખ રૂપિયાથી વધુ કમાણી થાતી. આપણા ડાક વિભાગે ૧૯૬૪માં “ટીલીયા”ની તસ્વીરવાળી ટીકીટો પણ બહાર પાડેલી. સૌ ભારતરિયો માટે ગૌરવની વાત છે કે જોસલીનના સંશોધન બાદ ગીરમાં જાવાઆવવામાં, સિંહની માવજત લેવામાં, વ. ઘણા સફળ ફેરફારો કલરવમાં આવ્યા છ ને આજે ૬૫૦થી વધુ સિંહ યાં વસે છ. ગીરનાં સિંહોનો ઇતિહાસ, ફોટાઓ અને સુલેમાન પટેલનો વિશ્વ્વિખ્યાત પાણી પીતા નવ સિંહનો ફોટો આજે પણ દેવાળિયામાં પ્રદર્શનરૂપે સચવાયેલ છે અને દેશ-વિદેશથી અસંખ્ય લોકો આજે પણ વરસોવરસ “સિંહ દર્શને” આવે છ ત્યારે દેવાળિયામાં પ્રદર્શન પણ જોવે છ.

મિત્રો, મારી આ ગરવા ગર્યની યાદોનું પડીકું હું ઈશ્કોત્રામાં પાછું ઢબૂરું છ ત્યારે વરસ ૨૦૨૨નો શ્રાવણ મહિનો શરુ થ્યો છ ને એની હારોહાર દાદબાપુની ગીરની શ્રાવણી સાંજ ઉડીને આંખે વળગે છ એટલે:

“એને એક રે ફુલડું જબોળી ને ફેકીયું રે લોલ ને ધરતી આખી બની રક્તચોળ જો
આ સંધ્યા શ્રાવણની રમે હોળી એ રે લોલ કે આ સંધ્યા શ્રાવણની રમે…

હરિયા રૂખડામાં કેવા રંગ ભર્યા રે લોલ વગડે જાણે વેલડા હાલ્યા જાય હો
આ સંધ્યા શ્રાવણની રમે હોળી એ રે લોલ કે આ સંધ્યા શ્રાવણની રમે…

કાળી વાદલીડી કેવી લાગતી રે લોલ હબસણના જાણે રંગ્યા હોઠ જો
આ સંધ્યા શ્રાવણની રમે હોળી એ રે લોલ કે આ સંધ્યા શ્રાવણની રમે…

ડુંગરાની ટોચું કેવી લાગતી રે લોલ કે જોગીડાની દાઢીમાં ગુલાલા જો
આ સંધ્યા શ્રાવણની રમે હોળી એ રે લોલ કે આ સંધ્યા શ્રાવણની રમે…

છાતીએ સીદુરીયા થાપા શોભતા રે લોલ સુરજ જાણે ધીંગગાણામાં જાય જો
આ સંધ્યા શ્રાવણની રમે હોળી એ રે લોલ કે આ સંધ્યા શ્રાવણની રમે…

“દાદલ” વસુંધરાને સત ચડ્યા રે લોલ કોઈ રાજપુતાણી બેઠી અગનજાળ જો
આ સંધ્યા શ્રાવણની રમે હોળી એ રે લોલ કે આ સંધ્યા શ્રાવણની રમે…”


ડૉ. દિનેશ વૈષ્ણવનો સંપર્ક  sribaba48@gmail.com   પર થઈ શકે છે

Author: Web Gurjari

2 thoughts on ““ટીલીયો” સાવજ

  1. દીનેશભાઈ, રંગ બાપા. અદ્ભુત માહીતી અને તેનું પણ ભવ્ય લખાણ. ભવિષ્યમાં બીજી PhD જેઊં છું.

Leave a Reply

Your email address will not be published.