એક પુસ્તકની જન્મ શતાબ્દી

– હરેશ ધોળકિયા

આપણે વ્યકિતઓની,ઘટનાઓની જન્મ શતાબ્દી ઉજવવા ટેવાયેલા છીએ. ધામધૂમથી ઉજવીએ પણ છીએ. અને ઉજવણી કરવી પણ જોઈએ, કારણ કે તેથી ઉતમ વાતોને ફરી યાદ કરાય અને તેમાંથી પ્રેરણા મળે.

તો, પુસ્તકની જન્મ શતાબ્દી ઉજવવી જોઈએ?

પુસ્તકની જન્મ શતાબ્દી ? એ વળી કેમ ઉજવાય ? અને શા માટે ઉજવાય ? અહીં વાંચે જ કોણ છે ?

છતાં ઉજવાય ખરી ? સંભવ છે તેનાથી પ્રેરાઈ તે પુસ્તક વંચાય અને તેનો ફાયદો મળે.

પણ કયાં પુસ્તકની વાત કરો છો?

આજથી બરાબર સો વર્ષ પહેલાં એક ઉતમ પુસ્તક લખાયું હતું. આ પુસ્તક ભારતમાં લખાયું ન હતું. જર્મનીમાં અને જર્મન ભાષામાં લખાયું હતું. હા, વાર્તાની પૃષ્ઠભૂમિ ભારતની હતી. પણ તે એક અદભુત પુસ્તક હતું. તેણે સમગ્ર દુનિયાને મોહિત કરી હતી. ત્યારે પણ ખૂબ વંચાયું અને આજે પણ ખૂબ વંચાય છે. આ પુસ્તકે તેના લેખકને નોબેલ ઈનામ અપાવ્યું હતું. જો તેની જન્મ શતાબ્દી ઉજવાય અને તેના વિશે ફરી ફરી ચર્ચા થાય, તો, સંભવ છે, નવી પેઢી તેને વાંચે અને તેનો લાભ મેળવે.

પુસ્તકનું નામ છે “સિઘ્ધાર્થ.” તેના લેખક છે હરમન હેસ. મૂળે તે જર્મન ભાષામાં લખાયું. પણ પછી  અનેક ભાષાઓમાં ભાષાંતરિત થયું છે. ગુજરાતીમાં પણ ચારેક જણાએ તેનો અનુવાદ કર્યો છે. ૨૦૦૨માં તેની હિન્દી ફિલ્મ પણ ઉતરી હતી જેમાં શશીકપુર અને સીમી ગરવાલેએ કામ કર્યું હતું.

બીજા ઉજવે કે નહીં, આપણે આ પળે ઉજવીએ. તેને જાણીએ, મમળાવીએ અને માણીએ.

“સિધ્ધાર્થ” એક નવલકથા છે. તેની વાર્તા સાદી છે. બ્રાહ્મણ પુત્ર સિધ્ધાર્થ સુખ-સુવિધા છોડી અધ્યાત્મની શોધમાં ઘર છોડે છે. તે કુટુંબ અને સમાજના બધા જ રિવાજો વગેરેનો ત્યાગ કરે છે. શોધ દરમ્યાન તે ભગવાન બુધ્ધને મળે છે. પણ તેમને શરણે નથી જતો. સ્વતંત્ર શોધ જ આદરે છે. તે સંસારમાં પડે છે. વેપાર કરે છે. સ્ત્રીને પ્રેમ કરે છે. પુત્ર પણ જન્માવે છે. તેના

પાછળ મોહમાં આંધળો પણ થાય છે. આ બધા છતાં કયાંય અટકતો નથી. તેને એક નાવિકનો પરિચય થાય છે. તે આ નાવિક પાસેથી નદીને સાંભળતાં શીખે છે. નદી તેને શીખવે છે કે આવાગમન તો ચાલતું રહે છે. સાથે શાશ્વત પણ છે. અંતે તેને જે મેળવવું છે તે મેળવે છે.

વાર્તામાં સિધ્ધાર્થ, ગોવિંદ, કમલા અને નાવિક વાસુદેવ મુખ્ય પાત્રો છે. અલબત, બાકીનાં ત્રણે સિધ્ધાર્થ આસપાસ જ ઘૂમે છે. આ નવલકથા સિધ્ધાર્થની જીવનયાત્રાનું વર્ણન કરે છે. લેખક કહે છે કે માણસને તો જોઈએ છીએ સુખ, સફળતા,સમૃધ્ધિ અને શાંતિ. નવલકથામાં સિધ્ધાર્થને તે બધું મળે છે. પણ કથા કહે છે કે આખરે તો શાંતિ અધ્યાત્મથી જ મળે છે. વિશ્વના

લગભગ બધા જ લોકો જાણતાં અજાણતાં આ માટે જ મથે છે. માધ્યમો અલગ હોઈ શકે, પણ ધ્યેય તો આ જ છે. એટલે વાચક સિધ્ધાર્થની યાત્રાને સમજી શકે છે. આ વાર્તા વાચકને વધારે સ્પષ્ટતાથી ઘ્યેયને સમજાવે છે.

વાર્તાનું વિવેચન કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે વાંચીએ નહીં ત્યાં સુધી તેમાં આનંદ નહીં આવે. પણ વાર્તાના માઘ્યમથી લેખકે જે વિચારો મૂકયા છે તેને સંક્ષેપ્તમાં જોઈએ તો તે, સંભવ છે, વાચકને વિચાર કરવા અને કદાચ પુસ્તક વાંચવા પણ પ્રેરે.

સિધ્ધાર્થ સુખી હતો. ઉતમ માતા પિતા હતાં. બધા તેને પ્રેમ કરતા હતા. તેને જ્ઞાન પણ આપતા હતા. છતાં સિઘ્ધાર્થને શાંતિ મળતી ન હતી. તેને વિચાર આવતા હતા કે – હોમ-યજ્ઞ-પૂજા બધું સારું હતું, પણ એ પૂરતું હતું? ઈશ્વરનું શું? શું પ્રજાપતિએ આ સૃષ્ટિનું સર્જન કર્યું હતું ? દેવ દેવીઓ પણ દુન્યવી માણસો જેવાં જ ન હતાં ? જો તેઓ પણ ક્ષણભંગુર હોય તો

તેમનાં ચરણોમાં ઢળી પડવાનો અર્થ શો ? જો આત્મા મારામાં હોય તો મારામાં તે કયાં છે ? શું પરમાત્માને પામવા કોઈ નવો માર્ગ શોધવો રહ્યો ? વગેરે….

આ શોધવા તે મિત્ર ગોવિંદ સાથે ઘર છોડે છે. યોગીઓ સાથે રહે છે. તપ કરે છે. સિધ્ધિઓ મેળવે છે. પણ શાંતિ નથી ભળતી. તે ભગવાન બુધ્ધને પણ મળે છે. તેમના પ્રત્યે આદર થાય છે. તેમની મહતા સ્વીકારે છે, પણ તેમને શરણે નથી જતો. (ગોવિંદ જાય છે.) તે તો જાતે જ સત્ય મેળવવા માગે છે. એટલે બુઘ્ધને પણ છોડે છે અને આગળ વધે છે. તે એક નગરમાં પ્રવેશે છે. નગરવધૂ કમલાને જુએ છે. તેને થાય છે કે યોગ કર્યો તો હવે સંસારની રમત પણ રમી લે. એટલે તે કમલા મેળવવા પ્રયાસ કરે છે. તે માટે વેપાર પણ કરે છે. સંસારની બધી જ ખટપટો સ્વીકારે છે. અને છતાં…લેખક લખે છે…”ધંધાને તેણે રમત તરીકે સ્વીકાર્યો. રમતના નિયમો એ બરાબર શીખ્યો. પણ હારજીત, નફા નુકશાનથી એ વિચલિત ન થતો. સ્વસ્થ જ રહેતો.” અને છતાં….લેખક આગળ લખે છે, “એ સાવ અમસ્તી રમત રમી રહ્યો હતો. એ સુખી હતો અને એને કયારેક મજા પણ પડતી હતી. છતાં સરવાળે એને કશું સ્પર્શતું ન હતું. અસલી જિંદગી જાણે એને અડયા વિના બાજુમાંથી વહી રહી હતી.”

પણ છેવટે તે આ સંસારથી-ભોગથી થાકયો. એટલે તેને છોડી આગળ વધ્યો. તેને જીવન નીરસ લાગતું હતું. આપઘાતના પણ વિચાર આવ્યા, પણ તે જાગ્યો. એક વાર તે એક નદી કિનારે રહ્યો હતો. તેના કિનારે રહેતા એક નાવિકે તેને નદીને સાંભળવાનું કહેલ. તે યાદ આવ્યું. તે એ નદી કિનારે પાછો આવ્યો. તેને નદીએ પહેલો પાઠ શીખવ્યો કે પાણી સતત વહેતું રહે છે. છતાં એ હમેશ હોય જ છે. અને એકસરખું લાગવા છતાં એ પ્રત્યેક પળે બદલાતું રહે છે.

સિધ્ધાર્થ નાવિક વાસુદેવ પાસે રહી જાય છે. નાવિકનું કામ શીખે છે. ફરસદમાં નદીને સાંભળે છે. નદી તેને કહે છે કે “સમય જેવું કશું નથી. નદી એક જ સમયે બધે હાજર હોય છે -એના જન્મ સ્થળે, ધોધમાં, વહેણમાં, દરિયામાં, પર્વતમાં બધે જ એકી સાથે હોય છે. નદીને એક જ કાળ હોય છે-વર્તમાનકાળ. સિધ્ધાર્થનું(આમ તો દરેકનું) જીવન પણ એક નદી છે. બાળપણ, પુખ્તપણું, વૃધ્ધત્વ ભલે અલગ દેખાય છે, પણ હકીકતે એ અલગ નથી. આગળનું જીવન ભૂતકાળ નથી કે મૃત્યુ ભવિષ્યકાળ નથી. કશું જ ન હતું અને કશું જ નહીં હોય. હોય છે કેવળ વાસ્તવ અને વર્તમાન. બધાં જ દુઃખો સમયના ખ્યાલને લીધે હોય છે. જો સમયની બાદબાકી કરાય, તો તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.”

આ દરમ્યાન કમલાને તેનાથી પુત્ર થયો હોય છે. કમલા એક વાર બુધ્ધને મળવા જતી હોય છે, ત્યારે રસ્તામાં તેને સાપ કરડે છે. તે થોડે જાય છે ત્યાં તેને સિધ્ધાર્થ મળે છે. કમલા મરતાં મરતાં તેને કહે છે કે છોકરો તેનો પુત્ર છે. સિધ્ધાર્થ પુત્રને પ્રેમથી ઉછેરે છે, પણ પુત્ર તેને ધિકકારે છે. સિધ્ધાર્થ મોહથી તેને પકડી રાખવાનો પ્રયાસ કરે છે, છતાં તે નથી માનતો અને ભાગી જાય છે. સિધ્ધાર્થ હેરાન થાય છે. આવેશ અનુભવે છે. દુઃખી પણ થાય છે, પણ છેવટે શાંત થાય છે. નદી તેને સ્વસ્થતા આપે છે. આ દરમ્યાન ફરી ગોવિંદ આવે છે અને સિધ્ધાર્થના ચહેરા પર શાંતિની ઝલક જુએ છે. તે તેનું કારણ પૂછે છે. ત્યારે સિધ્ધાર્થ તેને નદી પાસેથી મળેલ આ જ્ઞાન કહે છે :-

  • માણસ જયારે શોધે છે ત્યારે સ્વાભાવિક છે કે એને એ જ દેખાવાનું જેને એ શોધી રહ્યો છે. પછી એને કશું મળતું નથી, એ કશું પામતો નથી કારણ કે એનું તો બધું જ ઘ્યાન એને જે ચીજ જોઈએ છીએ એના પર ચોટેલું હોય છે. લક્ષ્ય પર નજર હોવાથી સાવ નજીકની ચીજો પણ દેખાતી નથી.
  • જ્ઞાન આપી શકાય, પણ સમજદારી આપી ન શકાય. માણસ જાતે જ સમજદારી મેળવી શકે અને તેને જીવી શકે. એમાંથી શકિત મેળવી શકે, એના વડે કમાલ કરી શકે, પણ પોતાની સમજદારી કોઈને આપી ન શકે. શીખવી ન શકે.
  • -વ્યકત થયેલું સત્ય અર્ધસત્ય જ હોય છે. એમાં સમગ્રતા નથી હોતી. પૂર્ણતા નથી હોતી. એકત્વ નથી હોતું.
  • જગતમાં કોઈ ખામી નથી. એવું નથી કે જગત ધીમે ધીમે, લાંબા રસ્તે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. ના, જગત પ્રત્યેક પળે પૂર્ણ જ છે. જે કંઈ પણ છે તે બધું જ સારું છે. પછી એ મૃત્યુ હોય કે જીવન. પાપ હોય કે પુણ્ય. જ્ઞાન હોય કે મૂર્ખામી. બધું જ આવશ્યક છે. જરુર ફકત એટલી જ છે કે હું આ બધાને સ્વીકારું. અનુમતિ આપું. પ્રેમપૂર્વક સમજું. પછી મારા માટે બધું જ બરાબર છે અને કશું જ મને હેરાન નહીં કરી શકે.
  • જગત જેવું છે તેને ચાહીએ અને એનો હિસ્સો હોવા બદલ રાજી થઈએ.
  • આ એક પથ્થર છે. અમુક સમય પછી એ કદાચ માટી બનશે. પછી માટીમાંથી પ્રાણી કે મનુષ્ય બનશે. …એ પ્રાણી, ઈશ્વર અને બુઘ્ધ પણ છે….પહેલેથી જ અને હમેશ માટે એ બધું જ છે.
  • સૌથી મહત્વનું છે કે આપણે જગતને ચાહિએ. એને વખોડીએ નહીં. એકમેકની ધિકકારીએ નહીં. જગત પ્રત્યે, જાત પ્રત્યે, તમામ અસ્તિત્વ પ્રત્યે પ્રેમ, પ્રશંસા, આદર અનુભવવા સક્ષમ બનીએ…આનાથી મહત્વનું બીજું કશું નથી.

આવા અદભુત વિચારોથી આ પુસ્તક છલકાય છે. પુસ્તકનો દરેક શબ્દ ડહાપણથી ભરપૂર છે. દરેક વિધાન આપણને થોભીને વિચારવા પ્રેરે છે. અને આ વિચારો સનાતન હોવાથી આજે સો વર્ષ પછી પણ એટલા જ સાચા, મધુર, સ્વીકાર્ય છે.

આ પુસ્તક કેવળ મનોરંજન આપતું નથી, પણ સનાતન સત્યની વાત કરે છે. માટે જ તેની શતાબ્દી ઉજવવા જેવી છે. અને શતાબ્દી ઉજવવી એટલે તેને પ્રેમથી, ધ્યાનથી વાંચવું.

ધન્યતાના અનુભવની ખાતરી.


શ્રી હરેશ ધોળકિયાનો સંપર્ક dholakiahc@gmail.com પર કરી શકાય છે.

 

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.