ભારતનું રેવડી કલ્ચર અને અમેરિકાનું સ્ટુડન્ટ લોન સંકટ

નિસબત

ચંદુ મહેરિયા

કેટલાક રાજકીય પક્ષો દ્વારા મતદારોને મફત વીજળી, પરિવહન, લોન માફી  ઈત્યાદિના જે લોભામણા વચનો ચૂંટણી ટાણે આપવામાં આવે છે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેવડી કલ્ચર ગણાવ્યું છે. ભારતમાં આજકાલ સડકથી સુપ્રીમ કોર્ટ સુધી રેવડી કલ્ચર ચર્ચામાં છે. ત્યારે અમેરિકાના પ્રમુખ જો બાઈડેને તેમના ચૂંટણી વાયદાને અનુસરીને આઠ હજાર ડોલર સુધીની સ્ટુડન્ટ લોન  માફીની જાહેરાત કરી છે. દુનિયાના સૌથી ધનિક દેશ અમેરિકામાં સ્ટુડન્ટ લોનનું સંકટ એટલું ગંભીર છે કે પ્રેસિડેન્ટ બાઈડેને તેની પરત ચુકવણીની મોકુફીની મુદત ૨૦૨૨ના અંત સુધી લંબાવી છે. અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વાર અંશત: લોન માંડવાળનો નિર્ણય થયો છે.

મોંઘાદાટ શિક્ષણના ખર્ચને વહન કરવાની આર્થિક ક્ષમતાના અભાવે દેવું કરીને ઘી નહીં પીવામાં માનતા લોકોને પણ લાચારીવશ ભણવા માટે કરજ લેવું પડે છે. શિક્ષણ ,ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ, સુધી પહોંચવા માટે એજ્યુકેશન લોન એક પ્રકારે તો સરકારની નાણાકીય સહાય છે. એશિયા અને લેટિન અમેરિકાના દેશોમાં કેટલુંક  શિક્ષણ સરકાર અનુદાનિત છે, યુરોપમાં સરકારી નાણાથી શિક્ષણ અપાય છે. પરંતુ ભારતમાં વિદેશ અભ્યાસ માટે તો અમેરિકામાં સરકારી શિક્ષણના અભાવે ખાનગી શિક્ષણ મેળવવા માટે વિધાર્થીએ શિક્ષણ ઋણ લેવું પડે છે. શિક્ષણ મોંઘુ થતાં લોન લેનારા પણ વધ્યા છે. ભારતમાં આશરે વાર્ષિક એક લાખ કરોડનું એજ્યુકેશન લોનનું બજાર છે. અમેરિકાની ૨૦૧૯ની જીડીપીના સાડાસાત ટકા એજ્યુકેશન લોન છે.અમેરિકામાં વરસે ચાળીસથી પચાસ લાખ વિદ્યાર્થીઓ એજ્યુકેશન લોન લઈને ભણે છે. તેમાં શ્યામવર્ણી અમેરિકીઓ વિશેષ છે.

હોમ લોન અને ઓટો લોન કરતાં એજ્યુકેશન લોન મેળવવી સરળ છે. તેની પરત ચુકવણીની મર્યાદા દસ કરતાં વધુ વરસોની છે. એટલે લોન તો મેળવી શકાય છે પરંતુ પરત ચુકવણીના ફાંફા છે.. મોંઘા શિક્ષણની તુલનામાં વેતન અને રોજી વધ્યાં નથી. તેથી  લોનની રકમ  પરત થતી નથી. ૪.૫ કરોડ અમેરિકીના માથે . ૧.૮ લાખ કરોડ ડોલરનું સ્ટુડન્ટ લોનનું કરજ છે.દસ વરસમાં તેમાં દોઢસો ટકાનો વધારો થયો છે. ભારતમાં લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલી માહિતી મુજબ ડિસેમ્બર ૨૦૨૧ના  અંત સુધીમાં ૨૨.૫૬ લાખ લોકોની રૂ.૮૯,૪૭૭ કરોડની એજ્યુકેશન લોન પરત થઈ નથી. ગુજરાતના ૪૯,૨૩૪ લોકોની રૂ. ૩૫૨૭.૪૭ કરોડની સ્ટુડન્ટ લોન પરત મળી નથી. છેલ્લા પાંચ વરસમાં ગુજરાતમાં સવા લાખ વિદ્યાર્થીઓએ રૂ.૪૫૦૦ કરોડની એજ્યુકેશન લોન લીધી છે. ૨૦૨૧-૨૨ના નાણાકીય વરસના પ્રથમ નવ મહિનામાં રૂ. ૬૭૦ કરોડની એજ્યુકેશન લોન ચુકવાઈ છે. રશિયા-યુક્રેન યુધ્ધને કારણે યુક્રેનથી પરત આવેલા ૧૩૧૯ ભારતીય વિદ્યાર્થીઓએ રૂ. ૧૨૧ કરોડનું શિક્ષણ ઋણ લીધેલું છે.

ભારતમાં અને અમેરિકામાં એજ્યુકેશન લોન પરત નહીં કરીને દેવાળિયા ઠરનારાની સંખ્યા વધી રહી છે. બંને દેશોના વિદ્યાર્થીઓ શિક્ષણ ઋણના બોજ તળે દબાયેલા છે. અમેરિકાના કુલ દેવામાં આશરે દસ ટકા શિક્ષણ લોનનું દેવું છે. પરંતુ અમેરિકી રાજનેતાઓ તેની ગંભીરતા સમજ્યા છે અને એજ્યુકેશન લોનને એક સંકટ ગણી ઉગારાના માર્ગો શોધી રહ્યા છે. ભારતમાં તેનો સર્વથા અભાવ છે. ભારતમાં ઘણા વિધાર્થીઓ લોન લઈને વિદેશોમાં સ્થાયી થઈ ગયા છે. આવા ડિફોલ્ટર્સ પાસેથી નાણા પરત મેળવવા અઘરાં બન્યાં છે.

વ્યવસાયે નર્સ અને રાજકીય કાર્યકર ઈન્ડિયા વાલ્ટન ન્યૂયોર્ક સ્ટેટના બફૈલોના મેયરપદની પ્રાયમરીમાં વિજયી થયાં હતાં. તેઓ અમેરિકામાં વિધાર્થી ઋણ માફી અભિયાન ચલાવી રહ્યાં છે. બરાક ઓબામાના રાષ્ટ્રપ્રમુખકાળમાં ઋણ માફીની કેટલીક યોજનાઓ અમલી હતી. સરકારી નોકરી કરતા કે લોકસેવાને વરેલી સંસ્થામાં જોડાયેલ વ્યક્તિની દસ વરસ ભર્યા પછીની સ્ટુડન્ટ લોન માફ કરવામાં આવતી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્થાયી વિકલાંગતા ધરાવતા ૨૫,૦૦૦ લોકોની શિક્ષણ લોન માફ કરી હતી. તે પછી ઉચિત આવક માટે અસમર્થ અને  ગંભીર વિકલાંગ ત્રણ લાખ લોકોની સ્ટુડન્ટ લોન માંડવાળ કરાઈ  હતી. લોનધારકોમાં અને દેવાળિયા ઠરવામાં ગરીબ કાળા લોકો વધારે છે.તેઓ ડેમોક્રેટિક પાર્ટીના સમર્થકો હોઈ જો બાઈડેને ૫૦,૦૦૦ ડોલર સુધીની એજ્યુકેશન લોન રાઈટ ઓફ કરવાનું ચૂંટણી વચન આપ્યું હતું.

અમેરિકામાં આજે વીસ વર્ષના વિદ્યાર્થી પર પણ સરેરાશ ૨૫,૦૦૦ ડોલરનું શિક્ષણ ઋણ છે. ૯૦ ટકા સ્ટુડન્ટ લોન રાજ્યનું દેવું છે. એટલે બાઈડેન સરકારે તે રદ કરીને ચૂંટણી વાયદો નિભાવ્યો છે.. જોકે હવે પચાસને બદલે આઠ હજાર ડોલરની લોન માફ થવાની શક્યતા છે. જો દસ હજાર ડોલરની શિક્ષણ લોન માફ કરાય તો સરકારના માથે ૩૭૭ અબજ ડોલર અને સંપૂર્ણ માફ  કરે તો ૧.૮ લાખ કરોડ ડોલરનું આર્થિક ભારણ આવી શકતું હતું.. શિક્ષણ લોનની અંશત: માફીથી પણ એક  કરોડ લોકો ઋણ મુક્ત થઈ શકે તેમ છે.

જેમ ભારતમાં ખેડૂતોના દેવા માફીની તરફેણ-વિરોધમાં દલીલો થાય છે તેમ અમેરિકામાં એજ્યુકેશન લોનની માડવાળ અંગે છે. રિપબ્લિકન પાર્ટી આ ઋણ મુક્તિને બાઈડેનના કાળા સમર્થકોના લાભની ગણાવી તેનો વિરોધ કરે છે. કેટલાક લોન માફીને અનુચિત નાણા હસ્તાંતરણ ગણાવે છે. ૨૦૨૦ના ઈનિશિયેટિવ ઓન ગ્લોબલ માર્કેટ્સ સર્વેમાં દેશના અધિકાંશ અર્થશાસ્ત્રીઓનો મત હતો કે બધી જ વ્યક્તિઓની સંપૂર્ણ એજ્યુકેશન લોન માફી ગરીબો કરતાં અમીરો માટે વધુ ફાયદાકારક છે.

ભારતમાં એજ્યુકેશન લોનની એનપીએ ૯.૭ ટકા છે. દક્ષિણના રાજ્યો અને નર્સિંગ વ્યવસાયના વિદ્યાર્થીઓનું શિક્ષણ લોનનું ફસાયેલું દેવું વધારે છે. પરંતુ સરકાર અને સમાજને તેની ગંભીરતા નથી. શિક્ષણ અને આરોગ્ય નિશુલ્ક આપવાના ચૂંટણી વાયદાઓની લોલીપોપમાં પણ ક્યાંય શિક્ષણ ઋણનો ઉલ્લેખ જોવા મળતો નથી. ઈન્ડિયા વાલ્ટન અમેરિકામાં સ્ટુડન્ટ લોનની અધધધ બાકીને  વિશ્વના સૌથી અમીર દેશના શિર પરનું  કલંક ગણાવી પૂછી છે કે એ તો કેવો સમૃધ્ધ દેશ કે જે તેના તમામ નાગરિકોને શિક્ષણની પાયાની સગવડ પણ આપી શકતો નથી?. ઈન્ડિયા વાલ્ટનનો સવાલ ભારતને પણ લાગુ પડે છે. પર્યાપ્ત આવક અને  રોજગારની તકોના સર્જનમાં તથા સરકારી કાં સૌને પરવડે તેવી શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવામાં નાકામ પુરવાર થયેલા શાસકો લોન માફીનો સરળ રસ્તો પસંદ કરે છે તે ઋણ માફીના સમર્થકોએ પણ સમજવું પડશે. કેમ કે મોંઘું ખાનગી શિક્ષણ મેળવવા માટેની લોન પહેલાં વિદ્યાર્થી-વાલીઓની અને પછી લોન માફીથી સંબંધિત દેશના અર્થતંત્રની કેડ ભાંગી નાંખે છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.