પ્રવાસી પક્ષીઓનો ઋતુપ્રવાસ

ફરી કુદરતના ખોળે

જગત કીનખાબવાલા

ઋતુપ્રવાસ ઉપર નીકળતા પક્ષીઓની દુનિયા ખુબજ અલગ પ્રકારની રચના છે. જીવશ્રુષ્ટિના વિવિધ જીવમાં ઋતુપ્રવાસ એ તેમની જિંદગી અને ભવિષ્ય માટે જરૂરી હોય છે જેના વિના તેમનું જીવન શક્ય નથી બની રહેતું.

ખાસ કરીને લાંબા પ્રવાસ થકી દેશદેશાવર જતા યાયાવર પક્ષીઓનો પ્રવાસ તેઓના અસ્તિત્વ માટે  વિસ્મયકારક, મોહક અને આકર્ષક ઘટમાર કુદરતે રચેલી છે. દરેક વર્ષે બે વખત વસંત ઋતુ તેમજ પાનખર ઋતુમાં પોતાના એક વતનથી બીજા વતન સુધી જવા માટે અસંખ્ય પક્ષીઓ ખુબ લાંબા પ્રવાસે અનુકૂળ વાતાવરણ માટે નીકળી પડે છે. તેઓ પોતાના નિશ્ચિત બીજા વાતને લગભગ નિર્ધારિત સમયમાં પહોંચી જાય છે.

પક્ષીઓ અનુકૂળ વાતાવરણ, ખોરાક અને પ્રજનનનો અનુકૂળતા મેળવવા માટે આવા લાંબા અને જોખમી પ્રવાસ કરતા હોય છે. વધારે પડતા ઠંડા પ્રદેશમાં તેમનું જીવવું અને ખોરાક મેળવવું એમ બંને અશક્ય બનતા હોય છે. શિયાળુ પ્રદેશમાંથી પોતાને અનુકૂળ હુંફાળા પ્રદેશમાં જાય છે અને ફરીથી ઋતુ બદલાય તેટલે પોતાના સાથીઓ સાથે પાછા પોતાના શિયાળુ વતન તરફ પાછા નીકળી પડે છે.

પક્ષીઓમાં ત્રણ વર્ગ છે. પહેલા વર્ગમાં સ્થાનિક પક્ષી જે લાંબો પ્રવાસ નથી કરતાં. બીજા વર્ગમાં લાંબો પ્રવાસ કરનારા પક્ષી હોય છે અને ત્રીજા વર્ગમાં તેમના ઝુંડના કેટલાક પક્ષી લાંબા પ્રવાસે જાય છે તો કેટલાક નથી પણ જતા. ઋતુપ્રવાસવાળા પક્ષી અને સ્થાનિક પક્ષીના શરીરની રચના અને શારીરિક તાકાત કુદરતે અલગ અલગ રચેલી છે અને જે પક્ષી લાંબા પ્રવાશે જાય છે તેઓને શારીરિક રચના, હાડકાનું માળખું, આંખોનું તેજ, દિશાનું જ્ઞાન અને માનસિક ક્ષમતા બીજા પક્ષીઓ કરતાં આગવી હોય છે જે તેમને લાંબા પ્રવાસ માટે ઉપયોગમાં આવે છે.

પૃથ્વીના ઉત્તર ભાગના, ખુબજ ઠંડા પ્રદેશના પક્ષી, ઠંડી શરુ થતા પહેલા શારીરિક ક્ષમતા કેળવી પૃથ્વીના દક્ષિણ ભાગ તરફ જતા હોય છે. આ સમયમાં તેઓના શરીરનું વજન વધતું હોય છે. ભારતમાં હિમાલયના ઉપરના ખુબજ ઠંડા પ્રદેશમાંથી પક્ષીઓ દક્ષિણ ભારત, મધ્ય ભારત અને પશ્ચિમ ભારત તરફ પોતાના બીજા વતનમાં જતા હોય છે અને પોતાના ઉનાળુ વતનમાં ગરમીનો સમય શરુ થાય ત્યારે પાછા આવતા હોય છે.

ઉનાળુ વતનમાં ફૂલ, પાંદડા, જીવાત વગેરે ખોરાક તેમજ પ્રજનન કરી માળો બાંધી, બચ્ચાને ઉછેરીને પાછા પોતાના ઉનાળુ વતનમાં જવું તે તેમનો જીવન ક્રમ હોય છે. આવા પ્રવાસ દરમ્યાન તેઓને ઘણી કઠિણાઈઓનો સામનો કરવાનો આવી શકે છે. વાતાવરણમાં તોફાન, એકાએક પડેલો વરસાદ અને આંધી, સૂર્યનું ઢંકાઈ જવું અને તે કારણે દિશા ભુલાઈ જવી જેવા વિઘ્નોનો સામનો કરવાનો આવે તો તેનો સામનો કરતાં હોય છે.

ભારતમાં પીળક/ ગોલ્ડન Oriol જેવા પક્ષી ચોમાસાના મુંબઈના ભારે વરસાદને છોડી, મધ્યા ભારત જતા રહે છે અને ત્યાર બાદ ચોમાસુ પૂરું થતાં સપ્ટેમ્બર મહિનામાં મુંબઈમાં પાછા આવી જાય છે.

બધા પક્ષીઓ ગણતરી પૂર્વક ઋતુપ્રવાસ શરુ કરતા પહેલા પોતાનો ખોરાક વધારી દે છે અને એનર્જી ભેગી કરી લે છે જેનો વપરાશ તેઓ લાંબા અંતરે ઉડતા હોય ત્યારે થતો હોય છે. આ માટે તેમને પ્રવાસ માટેની એનેર્જી કેટલી જોઈશે તેનો અંદાજ સારી રીતે હોય છે અને જરૂર કરતાં થોડી વધારે એનર્જી ભેગી કરી લેતા હોય છે. પ્રવાસમાં દરિયા ઉપરથી ઉડવાનું હોય ત્યારે લાંબા સમય સુધી દિવસ રાત સતત ઉડવું પડતું હોય છે અને તેવા સમયે તેમની એનેર્જી વધારે વપરાતી હોય છે.

ઉપરાંત રસ્તામાં તેમને જુદાજુદા પ્રકારના શિકારી પક્ષીનો ભય, રસ્તામાં ધુમ્મસ અને આંધી, દિશા નક્કી કરવા માટે સૂર્ય અને ચંદ્ર ન દેખાવા જેવા પ્રશ્નો ઉભા થતાં હોય છે. આવતા જુદા જુદા વિવિધ વિઘ્નોનો સામનો કરી, પોતાનું જીવનચક્ર ચાલુ રાખવા માટે ઋતુપ્રવાસ એ તેતેઓના જીવનનો અનિવાર્ય ભાગ છે. કુદરતની બક્ષેલી કાબેલિયત ઘણી ઉમદા છે, સૂર્યના ઉગવા અને આથમવા ઉપરથી તેઓ કઈ દિશામાં કેતુ જવાનું છે તે નક્કી કરતાં હોય છે. આમ તેમનો રોજિંદો પ્રવાસ સૂર્યોદય અને સૂર્યાસ્ત ઉપરથી નક્કી થતો હોય છે.

નાના અને મોટા પક્ષીઓ એક દિવસમાં એક સાથે ૩૦ કિલોમીટર થી લઈને ૨૫૦ કિલોમીટર ઉંડાણ ભરતાં હોય છે તેમજ પોતાના શરીરની વધારે એનર્જી ન વપરાય માટે પોતાની ક્ષમતા પ્રમાણે ૬૦૦ થી ૧૮૦૦ મીટર ઊંચે સતત ઉડતા હોય છે અને તે દરમ્યાન તેમને નીચે ક્યાં ક્યાં ખોરાક મળી રહ્યો છે તે એટલે ઊંચેથી નજર રાખી ખોરાક મેળવતા હોય છે. જાણેકે આખા રસ્તાનો નકશો તેઓ જાણતાં હોય છે.

કુદરતની આ રચના એટલી અજાયબ છે કે નવા જન્મેલા અને પહેલી વક્ષત ઋતુપ્રવાસ ઉપર નીકળેલા પક્ષીઓનું જ્ઞાન પણ આશ્ચર્ય પમાડે તેવું હોય છે.

નિશ્ચિત જગ્યાએ પહોંચીને ખોરાક, પાણી, માળા બનાવવા, ઈંડા મુકવા અને બચ્ચાને ઉછેરવાની સાવચેતી સાથેની પ્રક્રિયા કરીને પોતાના શિયાળુ વતનમાં અને પ્રશ્નોનો સામનો કરી, ક્યારેક ખુવારી પણ ભોગવી જીવન વ્યથિત કરતાં હોય છે.

આવા પક્ષીઓમાંથી કેટલાક ૩૫,૦૦૦ કિલોમીટર સુધીની લાંબી યાત્રા કરતાં હોય છે.

આવું ઋતુપ્રવાસી એક આગવું પક્ષી ફ્લેમિંગો/ સુરખાબ એ ગુજરાત રાજ્યના પક્ષી પ્રતીક/ સ્ટેટ બર્ડ છે જે ઋતુપ્રવાસ કરી ભારતમાં શિયાળામાં આવે છે અને દર વર્ષે ચોક્કસ અને નિયત જગ્યાએ પહોંચી જતા હોય છે.  તેઓ અહીં ઈંડા મૂકે છે, બચ્ચાને ઉછેરે છે અને ત્યાર બાદ પાછું પોતાના વિદેશના ઉનાળા વતનમાં પાછું જાય છે. ભારતમાંથી મેં માસમાં વૈયા/ Rosy Pastors મધ્ય એશિયામાં બચ્ચા ઉછેરે છે અને સપ્ટેમ્બર મહિનાના આરંભમાં પાછા ભારતમાં પોતાના કાયમી સ્થાને પાછા આવી જાય છે.

ચમચાચાંચ/ Spoonbills તેમજ દસાડી/ આડ/ Coots પક્ષીની જાત એવી છે કે તેઓમાંના કેટલાક ઋતુપ્રવાસ કરે છે અને કેટલાક ઋતુપ્રવાસ નથી પણ કરતાં.

આ એક ઘહન અને રસપ્રદ વિષય છે જેના વિષે ઘણો અભ્યાસ થઇ રહ્યો છે અને ઘણી બધી નવી સમાજ બહાર આવી રહી છે.

*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

*Love – Learn  – Conserve*


લેખક: જગત.કિનખાબવાલા – Ahmedabad
Author of the book: – Save The Sparrows
Email: jagat.kinkhabwala @gmail.com

Author: Web Gurjari

1 thought on “પ્રવાસી પક્ષીઓનો ઋતુપ્રવાસ

Leave a Reply

Your email address will not be published.