પગદંડીનો પંથી : ભાગ ૧ – ૧૮ બર્ન્સ કેસ

ડૉ. પુરુષોતમ મેવાડા

શહેરના પ્રતિષ્ઠિત એરિયામાં ડૉ. પરેશ પ્રવાસીનું પ્રાઇવેટ નાનું નર્સિંગહોમ હતું. શરૂઆત શહેરના જ પ્રતિષ્ઠિત વ્યક્તિના હાથે અને ઘણા મહાનુભાવો અને મિત્રોની હાજરીમાં થઈ હતી. શરૂઆત સારી હતી, પણ ડૉ. પરેશને ધંધાની સમજ આપે એવા કોઈ ‘ગોડફાધર’ નહોતા, અને કૌટુંબિક આર્થિક સહકાર પણ ન હતો. ઘણા મિત્રો પાસેથી પૈસા ઉઘરાવી બેંકની લોનના ‘માર્જિન મની’ ભેગા કરીને આધુનિક સાધનો વસાવેલાં. પ્રૅક્ટિસ જામતી હતી, પણ જગ્યાનું ભાડું અને સ્ટાફના ખર્ચની સાથે ઘરની જવાબદારીઓ પણ પૂરી કરી શકાય એવી કમાણી નહોતી. આવા સમયે સગાં, ઓળખીતા લોકો, ગવર્નમેન્ટ ઑફિસરો, વિ. મફત સારવારની આશા રાખે, દવાના પૈસા પણ ના આપે. શું થાય!

એક દિવસ એક નેવું ટકાથી ઉપર દાઝેલી સ્ત્રીને લઈને પોલીસની વાન દવાખાને આવીને ઊભી. ડૉ. પરેશે તાત્કાલિક વાનમાં જ થોડી તપાસ કરી.

“જુઓ સાહેબ! દર્દી નેવું ટકાથી વધારે દાઝેલ છે, અને થર્ડ ડિગ્રી બર્નનો કેસ છે, અને આપઘાતના પ્રયત્નનો લીગલ કેસ છે, તો આપ સરકારી દવાખાને લઈ જાઓ. મારાથી એની સારવાર થઈ શકે નહીં, વળી ખર્ચ લાખોમાં આવે…”

“ડૉક્ટર, તમારા એરિયાની પોલીસચોકીના આ જમાદારની પત્ની છે. અમારે બીજે જવું નથી, તમારાથી થાય એ કરો…”

“પણ એના બચવાની શક્યતા નહિવત્ છે, સાહેબ!”

“અમને ખબર છે.”

ડૉક્ટરે દર્દીના પતિ-જમાદાર સામે જોયું. એ યુવાન હતો, પણ ગભરાઈને ઢીલા પડી ગયેલા ચહેરે બાજુમાં ઊભો હતો.

એ બોલ્યો, “સાહેબ, ખર્ચની ચિંતા ન કરશો. મારું ખેતર-ઘર વેચીને પણ તમારો ચાર્જ ભરી દઈશ. એને દાખલ કરી દો.”

લાંબી ચર્ચામાં સમય જતો હતો, એમાં ઉપરી જેવા દેખાતા ઑફિસરે કહ્યું,

“ડૉ. તમે દાખલ કરી દો, અમે તમને પૂરો સાથ આપીશું.”

ડૉ. પરેશ શું કરે? દાખલ કરીને બે-ત્રણ દિવસ ચાલે એટલી જરૂરી દવાઓનું લિસ્ટ આપ્યું. જમાદાર પાસેની જ દુકાનેથી એ દવાઓ લઈ આવ્યો.

આટલું દાઝ્યાં છતાં બહેન ભાનમાં હતાં, અને આ તમાશો જોતાં હતાં. ચામડી વધારે બળી જાય તો દુઃખાવો ઓછો થઈ જતો હોય છે. ગામડાની મહેનતુ બાઈ હતી!

વેનીસેક્શન (લોહીની શિરાનળી ખોલવી) કરી, ટ્યૂબ નાખી ઝડપથી જરૂરી નસમાં પ્રવાહી-તત્ત્વો ચાલુ કર્યાં. પેશાબની ટોટી મૂકી. યુરિન નહોતું, પણ સારવાર માટે આ પ્રક્રિયા જરૂરી હતી.

ડૉક્ટરને એમ હતું કે થોડા કલાકોમાં દર્દી શ્વાસ છોડી દેશે. પણ એવું કંઈ બન્યું નહીં. ડ્રેસિંગ કરવામાં કલાકો જાય, બે-ત્રણ માણસો હોય તો જ ડ્રેસિંગ કરી શકાય! આટલું બધું મટીરિયલ જંતુમુક્ત (Autoclave) કરી તૈયાર કરવું, એ પણ ઓછા સ્ટાફ દ્વારા, એ અઘરું કામ હતું. ડૉક્ટરનો મોટાભાગનો સમય દવાખાનામાં વીતે. એક-બે કરતાં દિવસો વધવા લાગ્યા.

આમ તો આવા દર્દીઓને પૂરતી સારવાર મળે તો પણ બીજા કે ત્રીજા અઠવાડિયે ચામડી ઊતરવા માંડે, અને ચેપ (Infection)ના લીધે Septic Shock અને Multiorgan Failure થાય અને સામાન્ય રીતે દર્દી મૃત્યુ જ પામે. પણ આ બહેન તો જીવતાં હતાં! ચામડી ઊતરતી જાય એમ દિવસમાં બે વાર ડ્રેસિંગ બદલવાં પડે. વારંવાર લોહી અને નવી એન્ટિબાયોટિક્સના બાટલા ચડાવવા પડે. ખર્ચો તો વધતો જ જતો હતો. ડૉક્ટરને કંઈ વળતર મળતું ન હતું. પેલા મેડિકલ સ્ટોરવાળા ભાઈ પણ મફત દવાઓ આપીને અકળાયા હતા.

એવામાં દર્દી બહેનનો બાપ ગામડેથી આવી ચડ્યો.

“ડૉક્ટર સાહેબ, મારી દીકરીને કોઈ પણ રીતે બચાવી લો!”

“તમારી દીકરીને આ જીવવાનો ત્રીજો મહિનો ચાલે છે, હવે આશા બંધાય છે, પણ આ નેવું ટકા શરીર પર ચામડી નથી તે ક્યાંથી લાવવી? કોઈ બંધબેસતી ચામડી મળે તો…”

શરીરમાં ચામડી બચેલી હોય, તો તેમાંથી નવી ચામડી થોડી ઘણી પણ તૈયાર થાય!

“સાહેબ, મારી ચામડી ઉતારી લો!”

ડૉક્ટર આ સાંભળીને હચમચી ગયા. Skin Grafting કરી શકાય, પણ આટલી બધી ચામડી એક માણસમાંથી કેવી રીતે લેવાય! પણ દર્દીનો બાપ ડૉક્ટરના પગે પડીને બેસી ગયો.

“સાહેબ, એને બચાવવા હું મરી જાઉં તો પણ વાંધો નથી.”

આ વાતને પણ થોડા દિવસો વહી ગયા. પણ તેનો બાપ રાત-દિવસ દીકરીની સેવા કરવા તત્પર હોય. જમાદાર પતિ સવાર-સાંજ આંટો મારી જાય, પણ ખાસ કંઈ કરે નહીં! આખરે બધાનાં દબાણને વશ થઈને, અને દર્દી ત્રણ મહિનાથી જીવે છે, જે લાખોમાં એક હોય એવો કેસ હતો, એટલે Skin Grafting માટે ડૉ. પરેશ તૈયાર થયા. બાપની પીઠ અને સાથળ ઉપરથી ચામડી લીધી. દર્દીના લગભગ ત્રીસ ટકા ભાગને કવર કરી શકાયો. નવી ચામડીને શરીર સ્વીકારે, તો બાકીનો ભાગ આપોઆપ રુઝાવા માંડે.

હવે ડૉ. પરેશનું કામ ખૂબ જ નાજુક અને ધ્યાન માગી લે એવું હતું. નવી ચામડી બરાબર ચોંટીને શરીરનો ભાગ બની જાય ત્યાં સુધી ખૂબ જ કાળજીથી ડ્રેસિંગ કરવું પડે. સાથે-સાથે દર્દીના બાપને પણ દાખલ કરવા પડેલા, એટલે એની સારવાર પણ કરવી જ પડે. કોઈ નવી ભરતી થાય, નાનું-મોટું ઑપરેશન થાય તે પણ કરવું પડે! ડૉ. પરેશ ખાવા-પીવા અને નહાવા-ધોવા સિવાય પોતાના માટે કે કુટુંબ માટે સમય આપી શકતો ન હતો.

આમ ને આમ ત્રણ મહિના પૂરા થયા, એટલે ડૉક્ટરને સમજાયું, કે પોતે કશી પણ આવક વગર, ફક્ત પોલીસના માણસો છે એટલે આટલી મહેનત કરી રહ્યા હતા, પણ કંઈ મળતું નથી. આથી હિંમત કરીને એમણે જમાદારને નોટિસ આપી, કે બે દિવસમાં અત્યાર સુધીનો મારો સાઠ હજાર રૂપિયા જેટલો ચાર્જ થયો છે તે ભરી દો, અથવા બીજે લઈ જાઓ. બે દિવસ પછી હું શરમ રાખ્યા વગર ટ્રીટમેન્ટ બંધ કરી દઈશ.

અને દવાના સ્ટોરવાળા ભાઈને પણ તાકીદ કરી, કે હવે પછી તેના નામે આ દર્દી માટે દવા આપવી નહીં.

બિચારા મેડિકલ સ્ટોરમાંથી પણ ત્રીસ-ચાલીસ હજાર રૂપિયાની દવા ઉધાર લેવાઈ ગઈ હતી.

આખરે પોલીસ ઑફિસરો અને જમાદારને સમજાવીને દર્દીને સરકારી દવાખાનામાં મોકલી અપાઈ. બિલ ભરવાનો વાયદો પોલીસ પાળે એ શક્ય ન હતું.

ડૉ. પરેશને કે પેલા મેડિકલ સ્ટોરવાળાને પૈસા કદી મળ્યા નહીં. ડૉક્ટરે આખી વાત DSPને કરી, તો પણ કંઈ ન થયું. ડૉ. પરેશને થયેલા આ આર્થિક અને શારીરિક નુકસાન કોણ ભરપાઈ કરે?

પણ આ કેસને ડૉ. પરેશે નેવું ટકા થર્ડ ડિગ્રી બર્ન્સ સાથે ત્રણ મહિના સુધી જિવાડ્યો, એ અપવાદરૂપ દાખલો હતો. શહેરમાં Homograft Skin Graftingનો આ કદાચ પહેલો જ કેસ હશે! ઘણા પ્લાસ્ટિક સર્જનો પણ એ દર્દીને જોવા માટે આવ્યા હતા!


ડૉ. પુરુષોતમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.