‘મારા પછી-૧’

પારુલ ખખ્ખર

મને હંમેશા કુતૂહલ રહ્યું છે કે મારા પછી શું બન્યું હશે? કશુંયે બન્યું હશે ખરું? કશુંયે બની શકે ખરું? પછી તરત જ વિચાર આવે કે ઊંડા જળની સપાટી પર ખીલેલા કમળને તોડી લેવામાં આવે તો જળને કશો ફરક પડે? જળની સપાટી જરાંતરાં કંપે તો કંપે બાકી તો શું થાય? શું થઈ શકે અથવા તો શું થવું જોઈએ એ વિશે તો હજારોવાર વિચાર્યું છે પણ પાકી ખાતરી સાથે કશું કહી શકાય તેમ નથી.આ કંઈ દરિયાનું જળ થોડુ છે કે ઉછળતું કુદતું મોજાઓમાં ફીણફીણ થઈને પોતાની વાત કહી દે! આ તો તળાવડીનું સ્થિર-શાંત જળ. વળી કમળના મૂળ પણ કેટલાંક ઊંડા? સપાટીની જરાક જ નીચે હોય એને કંઈ મૂળ કહેવાય? જરાક અમથો આધાર લઈને ઉગી નીકળે એનું ઉગવું યે શું અને તૂટવું યે શું?

મારા પછી શું થયું હશે એ શક્યતાનો તાંતણો પકડીને હું અનેકવાર પેલી વસમી સાંજના સ્થિર થયેલાં ચિત્ર પાસે પહોંચી જઉં છું અને પછી શરુ કરું છું એક મનગમતી સફર. તારામાં પ્રવેશીને, ’તું’ બનીને કાળખંડના એ ટુકડાંને હું ફરી જીવી લેવાનો પ્રયત્ન કરું છું. એ સાંજે છેલ્લી વખત આંખોમાં આંખ નાંખીને સંબંધ સાચવી લેવા કરાયેલી આજીજીઓએ તને થોડોક તો પીગળાવ્યો હતો. હાથમાંથી સરકી રહેલા હાથને કચકચાવીને પકડી લેવા તું તત્પર તો બન્યો જ હતો. તે ઇચ્છ્યું હતું કે એ સાંજ ત્યાં જ અટકી જાય, એ અઢળક વાતો જે રુબરુ બેસીને કદી થઈ જ ન હતી એ થતી રહે. કેટલાયે પ્રસંગો તારી સ્મરણ-દાબડીમાં પડ્યા હતા જે તું ક્યારેય કોઈનેય બતાવી નથી શક્યો, એ બતાવવા હતા. કોઈ નાનું બાળક નવીનવી લીધેલી પેન્સિલ બતાવવા અધીરું થાય તેમ તારે તારા જીવાઈ ગયેલા જીવનના ટુકડાઓ બતાવવા હતા પરંતુ હાય… કશું જ ન થઈ શક્યું. માત્ર અધકચરાં વાક્યો, ગુનાહિત ભાવથી ઢળી જતી આંખો, ચહેરા પર માંડમાંડ ટકાવી રાખેલી મક્કમતા અને એ ઢળતી સાંજના રાતાં-કાળાં અજવાળાં વચ્ચે તું વ્યક્ત ન થઈ શક્યો. તારી નિઃસહાયતા, તારી વિશ્રંભકથાઓ, તારા અંતર્મનના ધમપછાડાં તે આબાદ છુપાવી દીધા. તારે રોકી લેવી હતી એ સાંજને, મુઠ્ઠીમાં પકડીને એને કચકચાવીને જીવી લેવી હતી છેલ્લીવાર… પણ સમય ક્યાં કોઈનો બાંધ્યો બંધાય છે? અને તે ફરી એકવાર સમય સામે હાર સ્વીકારી લીધી. એ સાંજનો ટુકડો તે હળવેકથી પેલી દાબડીમાં સાચવીને મૂકી દીધો. એ સાંજની સાથોસાથ ઘુસી ગઈ પેલા શિરીષની આછી માદક મહેક! જો કે તને તો ક્યાં એ અનુભવાઈ જ હતી!

અજવાળાં ઓલવાતાં ગયાં અને અંધારા ઉતરવાં લાગ્યાં હતાં આપણે એ બાંકડો,એ બાગ, એ વૃક્ષ, અને એ આખરી મિલનની ક્ષણોને ત્યાં જ ખંખેરીને ઊભા થયાં. મને જોરદાર તરસ લાગી, મેં તો માત્ર પાણી જ માંગ્યું હતું પણ તું લઈ ગયો શેરડીના રસની રેંકડીએ. મનોમન બોલ્યો પણ ખરો કે ‘ છુટા પડતી વખતે મીઠુ ખાઈએ તો સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે.’ અચ્છા…તો તારે હજું પણ કશુંક જાળવી રાખવું હતું! શું અને કઈ રીતે એનો જવાબ તો તારી પાસે પણ ન હતો.

એ ચાર રસ્તા પર ઊભા રહી આપણે છેલ્લી વખત એકબીજાના ચહેરા સામે જોયું હતું. તે જોઈ હતી મારી ઝળઝળિયાં ભરેલી આંખો, અદ્દલ પેલી તલાવડી જેવી જ છલોછલ! પાણી જોઈ પીગળવું એ તારો સ્વભાવ છે, તું પીગળ્યો હતો, રુમાલ કાઢવા માટે હાથ ખિસ્સા પર ગયો હતો અને ત્યાં જ તે તને તે રોકી લીધો હતો. તે વિચાર્યું ‘એનાં આંસૂ હવે એણે જાતે જ લૂંછતાં અને પીતા શીખવું પડશે.’ નિર્દયતાનો મુખવટો પહેરી તે ‘બાય’ કહ્યું, મેં ‘આવજો’ કહ્યું. હા, બન્ને વચ્ચેથી ‘તું’ નો તંતુ ખરી પડ્યો હતો. હું સીધા રસ્તે ગઈ અને તું જમણી બાજુ વળ્યો એટલે કે ‘રાઇટ ટર્ન’ યુ નો?તું ફરી ભારઝલ્લા સ્વરે મનોમન બોલ્યો ‘યહી હૈ રાઇટ ચોઈસ બેબી!’ અને પછી ભીની ભીની આંખે ભીનુંભીનું હસી પડ્યો. તું જાણતો હતો કે ‘રાઇટ ટર્ન’ એ હંમેશા ‘રાઇટ ટર્ન’ નથી હોતો તેમ છતાં એને ‘રાઇટ ટર્ન’ માનીને જ ચાલવું પડે છે, આગળ વધી જવું પડે છે, આગળ વધતાં રહેવું પડે છે. ચાર રસ્તે છુટા પડીને નાકની દાંડીએ જવા નીકળેલ સાથીદાર આગળ વધી ગયો? આગળ વધી શક્યો? આગળ વધવા માંગે છે? કે હજું ત્યાં જ ઊભો છે એ જોવા તલપાપડ થયેલી તારી આંખને તે મહાપ્રયત્ને બીજે કશે વાળી લીધી.

ઘરે જઈ તે ચારે તરફથી ધસી આવતી દિવાલોને પુસ્તકોના ટેકે ગોઠવવાનો પ્રયાસ કર્યો. ઘેરી વળતી એકલતાને આભાસી વ્યક્તિઓ સાથે ચેટ કરીને ઓગાળવા લાગ્યો. એ ચેટ કરતી વખતે  હજું હમણાં જ છુટી પડેલી એક સાચુકલી અને સદેહે મળેલી સ્ત્રી તીવ્રતાથી યાદ આવી ગઈ. મનને બીજે કશે વાળવા માટે તે પેલું મીઠાઈનું બોક્ષ ખોલ્યું એ બોક્ષ પર છપાયેલું એક શહેરનું નામ તે નિરાંતે વાંચ્યું. એ શહેરના નામનાં કેટલાં અર્થો થઈ શકે એ વિચારતા વિચારતા તે મીઠાઈનો ટુકડો મોંમાં મુક્યો. જીભથી લઈને સમગ્ર અસ્તિત્વ પર છવાતી જતી એ મધુરપને તું મમળાવતો રહ્યો. તને ફરીફરીને પેલી ઝળઝળિયાં ભરેલી આંખો યાદ આવતી રહી.તે ફોન હાથમાં લીધો ‘જમી હશે કે નહીં’ પૂછી લઉં! અને ત્યાં યાદ આવી હશે તારી જ ઉક્તિઓ જે તે અત્યંત કઠોરતા પૂર્વક એ સ્ત્રી પર છુટ્ટી મારી હતી ‘ફોન હાથમાં લેતાં જ મારી યાદ આવતી હોય તો મને બ્લોક કરો, તે છતાંય ભુલાય નહીં તો ફોનને ફેંકી દો અને જો ફોનને ફેંકી ન શકો તો આંગળા કાપો પરંતુ મારો સંપર્ક કરશો નહીં.’ તું સાંગોપાંગ ધ્રુજી ગયો, ફોન હલબલી ગયો. પડતાં પડતાં માંડ બચેલા ફોનને જોઈને એ કોમળ, લાંબા, નેઇલપોલીશથી સદાય ચમકતાં આંગળા તારી નજર સામે કપાઈ રહ્યાં હોય એવું દેખાવા લાગ્યું અને તું લોહીઝાણ થવા લાગ્યો. ફોનનો ઘા કરીને  તે પથારીમાં નિઃસહાય થઈ ઝંપલાવ્યું. ગાદલા અને ઓશિકા વચ્ચે છુપાયેલું મોં તને શાહમૃગની યાદ અપાવી ગયું અને તું આખરે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. તારે તારી નિઃસહાયતાને તોડીને ફેંકી દેવી હતી, ચીસો પાડવી હતી, જોરજોરથી વાળ ખેંચવા હતા,દિવાલો સાથે માથા પછાડવા હતા પણ આમાંનુ કશું જ ન કરતાં તે માત્ર મોં છુપાવીને રડી લીધુ હતું. એક પથ્થર જેવો જણ રડે એ કંઈ જેવીતેવી વાત છે? અને એ પણ આવા કમળતંતુ જેવા પાતળા સંબંધ માટે! તારા માટે કદાચ રડી નાંખવું એ જ પુરતું હતું.

એ આખી રાત તું (પણ) જાગ્યો હતો. ચારેબાજુથી છુટતાં જતાં મક્કમતાના દોરાને તે ફરી હાથમાં લીધા, એને ભેગા કર્યા, વળ ચડાવ્યો અને એક મજબુત ગાંઠ મારી દીધી. વસમી સાંજે એક લોખંડી બાંકડા પર શિરીષ વૃક્ષની સાખે પૂરા થયેલા સંબંધ પર હવે ક્યારેય નહીં રડું એવો સધિયારો આપીને તે વહેલી સવારે જાતને બેઠી કરી.પેલું મીઠાઈનું બોક્ષ ડસ્ટબીનમાં પધરાવતી વખતે એ તમામ ન લખાયેલા પત્રોની કતરણ તારા ગામની નદીમાં પધરાવતો હોય એવું દૃશ્ય તારી આંખોએ જોઈ લીધું. અને એ સાથે જ મોબાઈલમાં એલાર્મ વાગ્યો. ‘વેકઅપ… વેકઅપ…ઇટ્સ એ બ્રાન્ડ ન્યુ જેમ…’ તું સુજેલી આંખે હસી પડ્યો ‘યેસ…ઇટ્સ એ બ્રાન્ડ ન્યુ જેમ…’. આજથી ફરી એક નવી જિંદગીની શરુઆત. ફરી એક પ્રકરણ પર ચોકડી મુકીને આગળ વધવાનું. ફરી એક પન્નું વાળીને ડાયરીના નવા પન્ના પર ‘શ્રી સવા’ લખીને રોજમેળ લખવાનો. ફરી એકવાર વાળ ઉતરાવીને તર્પણ કરી લેવાનું. ફરી એકવાર જળની કંપી ગયેલી સપાટીને સ્થિર કરી લેવાની.આવા અઢળક સંકલ્પોની સાથે તે ઉગતા સૂર્યને આવકાર્યો.

***

હું જાણું છું ઉપર લખ્યું એમાંનું કશું જ નહીં બન્યું હોય. કશું નથી બન્યું એની કાચીપાકી ખાતરી યે છે પણ પેલું શું છે? ‘દિલ કો બહેલાને કે લિયે ‘ગાલિબ’ યે ખયાલ અચ્છા હૈ’. અમુક ખુશફહેમીઓ તમને જીવવાનું ઇંધણ પૂરું પાડતી હોય છે. આવી જ બનેલી…કદાચ ન બનેલી કે બનવાની શક્યતાઓ ધરાવતી ઘટનાઓને આલેખવી એ હવે જરુરિયાત બની ગઈ છે એટલે જ મારા ગયા પછી ‘એના’ જીવનમાં મને શોધવાની સ્વપ્નિલ શક્યતાને લખતી રહીશ.તમારી સમક્ષ લાવતી રહીશ.


સુશ્રી પારુલબહેન ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com  વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.