લગ્ન મોંઘું પડ્યું!

રીયલ લાઇફ હ્યુમરસ સ્ટોરી

મહેન્દ્ર શાહ

રીટાયર્ડ થાવ ત્યારે ખુદ તો શું, લોકો પણ નોટીસ કરતા થઇ જાય… તમારી સુટ પહેરવાની ફ્રીકવન્સી ઘટી જાય ને યાદશક્તિ ઓછી થઇ જાય એની!

યાદશક્તિની બાબતમાં વર્ષો જુનું યાદ રહે, પણ બે મિનીટ પહેલાંનું ભૂલી જવાય! ક્યાં ક્યારે શું મૂક્યું હતું, કોને શું આપ્યું છે, એ ભૂલી ના જવાય એનું લીસ્ટ બનાવી ઠેકાણે મૂકીએ ને એ ઠેકાણું જ ભૂલી જઇએ!

આખું ઘર ખોળી વળીએ ને જે શોધતા હોઇએ એ ના મળે, ને ના શોધવાની ખોવાઇ ગયેલ ઘણી બધી વસ્તુઓ મળી જાય! જોબ કરતા હતા ત્યારે સુટ પહેરી જવાનું થતું હતું, કોઇ કોન્ફરન્સ, સેમિનાર, મીટીંગમાં પણ સુટ પહેરવાના પ્રસંગો બનતા. રીટાયર્ડ થયા પછી તો કોઇનાં લગ્ન, રીસેપ્સન, દીવાળી ડીનર કે બહું બહું તો કોઇ અમેરિકનના ફ્યુનરલમાં જવાનું થાય ત્યારે જ સુટ પહેરવાની તક મળે, બાકી તો વર્ષો સુધી ક્લોજેટમાં એ સુટ લટક્યા કરે!

મારા એક મિત્રને જો કે ઉલટું હતું, પ્રોફેસનલ જોબ નહીં, એટલે રોજ જોબ પર સુટમાં જવાનું ના થાય, જીન્સ કે વર્કક્લોથમાં જ હોય, પણ વીકએન્ડમાં મંદીર, કોઇ સામાન્ય ગેટ ટુગેધર કે નાની બે ચાર ફેમીલીની પાર્ટી હોય, તો પણ સુટ ટાઇમાં આવે! એમાં એમનો કોઈ વાંક નહીં, પણ બિચારાને બીજે ક્યાંય સુટ પહેરવાનો ચાન્સ જ ન મળતો હોય, એટલે સુટ પહેરવાની કોઇ પણ તક મળે તો એ ઝડપી લે, પાર્ટીમાં એ એકલો જ સુટમાં હોય!

અમારા ગામમાં મોટા ભાગે દેશી વેડીંગ/રીસેસ્પશન એરપોર્ટની હાયેટ હોટલમાં થતાં હોય છે, વર્ષમાં બે ચાર વાર તો હાયેટમાં જવાનું થાય. એરપોર્ટ અને હાયેટનું પાર્કીંગ ભેગું છે, આમ તો એરપોર્ટમાં પાર્કીંગના પૈસા હોય, પણ હોસ્ટ ફેમીલીના પેકેજ ડીલમાં ગેસ્ટ માટે ફ્રી પાર્કીંગ વાઉચરની વ્યવસ્થા કરેલ હોય છે, પાર્કીંગ લોટમાં દાખલ થતા પહેલાં ગેટ આગળ ગ્રીન બટન દબાવો એટલે ટિકીટ નીકળે, અને ગેટ ખૂલે, પાછા આવતાં એટન્ડન્ટને કેશ અગર ક્રેડીટ કાર્ડની જગ્યાએ હોસ્ટ તરફથી મળેલ ફ્રી વાઉચર પેમેન્ટમાં આપવાનું. વાઉચર હેપી અવર્સ દરમ્યાન ડ્રીંક્સ કાઉન્ટર પર મૂકેલ હોય, ત્યાંથી લઇ લેવાનું. વરઘોડીયાંનું જે થવાનું હોય, તે થાય પણ પ્રથમ પહેલું.., વાઉચર લેવાનું ભૂલાઇ ના જવાય, અગર ખલાસ થઇ જાય એ પહેલાં ડ્રીંક્સ કાઉન્ટર પરથી લઇ આવવાનું ચૂકવાનું નહીં તે બાબતે બહુ ચોક્કસ રહેવું પડે. બીજું મહત્વનું કામ વાઉચર લીધા પછી ઠેકાણે ક્યાંક ખીસામાં મૂકવાનું ભૂલવાનું નહીં.

હેપી અવર્સના એટલા મોટા ખીચોખીચ ટોળામાં આપણે મિત્રો સાથે ગપ્પાં મારતા હોઇએ, એક હાથમાં એપીટાઇઝરથી ભરેલ ડીશ હોય, એક હાથમાં ડ્રીંક, અને ખીચોખીચ ટોળામાં બંને ઓક્યુપાઇડ હાથ સાથે કોઇ આપણી સાથે ના અથડાય, કે આપણે કોઇની સાથે ના અથડાઇએ એનું ધ્યાન રાખવાનું, નહીં તો બની ઠણીને આવેલ નર નારી જાતીનાં આઉટફીટની પથારી બદલાઇ જાય, અને કોન્સીક્વન્સીઝની કલ્પના પર તો બીજી એક રીયલ લાઇફ હ્યુમરસ સ્ટોરી થઇ જાય! અધૂરામાં પૂરું હાથમાં ફ્રી વાઉચર, એને કયા પોકેટમાં મૂકવું કે તરત જ મળી જાય એનું મગજમાં પ્લાનિંગ!

બાનુઓ એમની બહેનપણીઓ સાથે ક્યાંક બીજા એન્ડમાં ગોસીપીંગ મુડમાં હોય, છતાં ત્યાંથી પત્ની આપણને શોધીને બે ચાર વાર રીમાઇન્ડ કરી જાય.. વાઉચર લીધું? વાઉચર લીધા પછી બીજો પ્રોબ્લેમ.., વાઉચર મૂકવું કયાં અને યાદ પણ રાખવાનું કે ક્યાં મૂક્યું છે! સુટનાં પાંચ છ પોકેટ, શર્ટનું એક, પેન્ટનાં ચારેક, વોલેટ, પત્નીનું પર્સ! ઘણીવાર આ મલ્ટીપલ ઓપ્સન્સ આશીર્વાદની જગ્યાએ શ્રાપરૂપ થઇ પડે છે! નિર્ણયની ગડમથલ પછી પાસ ઠેકાણે મૂકાઇ જાય છે.

હવે ખરી વાર્તા શરૂ થાય છે!

પાર્ટી પછી ઘરે જવા પાર્કીંગ લોટ તરફ પ્રયાણ કરીએ છીએ, ૧૦૦ ટકા કોન્ફીડન્સ સાથે, મનમાં વટ મારતા મારતા કે આ વખતે તો વાઉચર પત્નીના પર્સમાં જ મૂકેલ છે, સેફેસ્ટ પ્લેસ! જેવા ટિકીટ બુથ આગળ આવી ગાડી ધીમી પાડી પત્નીને પર્સમાંથી વાઉચર કાઢવા કહ્યું તો મને કહે.., “તેં તો મને વાઉચર પર્સમાં મૂકવા આપેલ જ નથી!” એની દલીલમાં હું સિત્તેર ટકા તો ખોટો પડતો હોઉં છું.., અને એ ૭૦ ટકાએ હું ૧૦૦ ટકા ખોટો હોઉં છું એવી મારી મથારવટી પાડવામાં ઘણી મદદ કરેલ છે! મારી આ મથાવટીને મધ્યે નજર રાખી બુથ એટેન્ડન્ટની હાજરીમાં ચડાચડસી કરવી મને વ્યાજબી ના લાગી, ઘર જતાં સુધીમાં તો મારી શી દશા થશે, એના ડરનો વિચાર કરતાં કરતાં પાર્કીંગના ૧૭ ડોલર આપ્યા પછી ગેટ ખૂલ્યો!

છ મહીના પછી એ જ હોટલમાં બીજા એક મિત્રની દીકરીના રીસેપ્સનમાં જવાનું થયું, આ વખતે તો પત્ની અગર હું ભૂલી જઇએ એ પહેલાં જ યાદ કરીને ફ્રી પાર્કીંગ પાસ મારી પાસેથી લઇ એણે એની પર્સમાં મૂકી દીધો. રીસેપ્સન પત્યા પછી મોડી રાતે ઘરે જવા પાર્કીંગ લોટ તરફ પ્રયાણ કર્યું, એક્ઝીટ બુથ સુધી પહોંચ્યાં પણ નથી ને મારા સેલ ફોનની ઘંટડી વાગી, હું ડ્રાઇવ કરતો હતો એટલે બાજુંમાં પડેલ ફોન પત્નીએ ઉપાડ્યો, એ ફોન પર વાત કરે એ પહેલાં તો ટિકીટ બુથ આવી ગયો.., મારી યાદશક્તિ જીંદાબાદ! મને તો એમ જ કે મારો ફ્રી પાસ મારા કોટના ખીસામાં છે, પત્ની ફોન પર હતી, વટ સાથે કોટના પોકેટમાં હાથ નાખ્યો, એમાં ટીસ્યુ પેપર, પેપર નેપકીન, પરચૂરણ, પેન, હાથ રૂમાલ, મૂખવાસ, કાંસકો બધાં એકબીજા સાથે સંતાકૂકડી રમતાં હતાં એટલે શોધવામાં મુશ્કેલી પડી પણ છેવટે વાઉચર મળ્યું ખરું! ખીસામાંથી કાઢી એટેન્ડન્ટને આપ્યું, સ્કેન કર્યું કે તરતજ એના મોંઢાના હાવ ભાવ બદલાઇ ગયા. સ્ક્રીન મોનીટર પર નજર પડી ને સ્કેનરમાંથી વાઉચર ખેંચી મારી પર મલીન દ્રષ્ટિ કરતાં કરતાં મને પરત કર્યું, અને કહ્યું.., “This voucher is six months old sir!”


પત્ની ફોન પર હતી, એને ખબર પણ ના પડે એમ સિફતથી ર૦ની નોટ એટેન્ડન્ટના હાથમાં સરકાવી દીધી! ૧૭- ૧૭ ડોલરના હીસાબે બે રીસેપ્સનમાં કુલ્લે ૩૪ ડોલરની ઉઠી! ખરેખર તો છ મહીના પહેલાં રીસેપ્સનમાં આવેલ, ને ત્યારે જે પાસ શોધતાં મળેલ નહીં, એ પાસ કોટના ખીસામાં છ મહીનાથી ક્યાંક સંતાઇને પડી રહેલ, એ આ વખતે મળી ગયો, જેનો મને એટન્ડન્ટે કહ્યું ત્યારે તાળો મળ્યો! હવે નક્કી કર્યું કે આવતા રીસેપ્સનમાં વરઘોડીયાંને ચેક લખવામાં ઉતાવળ ના કરવી!

ઘણી વાર રીસેપ્સનમાં ફાલતુ કેટરર ભટકાઇ જાય, અગર પૈસા બચાવવા ફાલતુ કેટરર લાવીએ તો લોકો ઘરે જવા પાર્કીંગ લોટ સુધી પહોંચ્યા પણ ના હોય, ને યજમાનની પાછળ વાતો કરવાનું શરૂ કરી દે, “બધું બરાબર હતું…., પણ ફુડમાં દમ નોં’તો!” ત્યારે ઘણી વાર વિચાર આવેલ કે લગ્નનું શુભેચ્છા કવર બીડવાની ઉતાવળ ના કરવી, અને ચેકમાં રકમ લખવાની બાકી રાખવાની. મેન્યુ સંતોષ કારક લાગ્યા પછી જ ચેકમાં યોગ્ય આંકડો લખી કવર ગીફ્ટ બોક્સમાં નાખી આવવાનું! પાર્કીંગ પાસનું પણ ૧૭ની ચોંટી એનું કોમ્પેનસેટ કરવા ચેક લખતાં પહેલાં આ ૧૭ બાદ કરીને ચેક લખવો, પણ પ્રોબ્લેમ થાય, એ પહેલાં કવર તો ગીફ્ટ બોક્સમાં પહોંચી ગયું હોય! કદાચ આ વખતે ૧૭ની ચોંટી એનો બદલો ભવિષ્યના આવતા રીસેપ્સન યજમાન પર વાળી શકાય! પાડાના વાંકે પખાલીને ડામ!

 

 

 

સમાંતર વાર્તા..

આમાં પણ સુટ નિમિત્ત બન્યો છે, ને ફેક્ટ્સ ફાઇન્ડર વગર દોષનો ટોપલો આપણે યજમાન કુટુંબ પર ઢાળી દેતા હોઇએ છીએ એની વાર્તા છે. અહીં અમેરિકામાં વેડીંગ રીસેપ્સનમાં ફોર્મલ ડીનર હોય, દરેક ગેસ્ટને ટેબલ નંબર એસાઇન કરેલ હોય, હોલમાં બહાર ટેબલ પર દેરક ગેસ્ટનાં પ્લેસ કાર્ડ્ઝ નામ અને ટેબલ નંબર સાથે ગોઠવેલ હોય છે. તમારા નામનું કાર્ડ તમારે લઇને જે ટેબલ તમને એસાઇન થયું હોય એ ટેબલ પર બેસવાનું હોય. જેટલાને આમંત્રણ હોય એટલાનાં જ ટેબલ હોય. ૪૦૦ને આમંત્રણ હોય, તો એક રાઉન્ડ ટેબલ પર ૧૦ ખુરસીઓ ગોઠવેલ હોય, ને કુલ ૪૦ ટેબલ હોય. વધારાનું કોઇ ભળે નહીં. ફક્ત જેણે RSVP કર્યું હોય, અને કંઇ કારણોસર ના આવી શક્યા હોય, એમની જગ્યા જ ખાલી હોય.

મારા એક મિત્રને બીજા એક ગેસ્ટ સાથે ટેબલ એસાઇનમેન્ટની બાબતમાં ચડસાચડસી થઇ ગઇ! એમના અસાઇન્ડ ટેબલ પર બીજા કોઇ ગેસ્ટ બેસી ગયેલ! જો કે એમનો વાંક પણ નો’તો. એમનું પણ એ જ ટેબલ હતું.., છેવટે બધો દોષનો ટોપલો યજમાન ફેમીલી પર ઠલવાયો. ટેબલ એસાઇન કરવામાં ગોટાળા લાગે છે, મેનેજમેન્ટની કચાસ, વેડીંગ પ્લાનર હાયર ન કરો એટલે આવું થાય……, વિગેરે વિગેરે… આજુબાજુવાળા ગુસપુસ કરવા લાગ્યા! વધારે ઇન્વેસ્ટીગેસન કરતાં ખબર પડી કે એક મિત્રનું ટેબલ એસાઇન્ડ પ્લેસ કાર્ડ છ મહીના પહેલાં કોઇના રીસેપ્સનમાં આવેલ, એ એમના કોટના ખીસામાં પડ્યું આરામ કરતું હતું, એ હતું. આ વખતના રીસેપ્સનનું પ્લેસ કાર્ડ તો બહાર ટેબલ પરથી એ લાવેલ જ નહીં!


મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com

Author: Web Gurjari

3 thoughts on “લગ્ન મોંઘું પડ્યું!

Leave a Reply

Your email address will not be published.