હાર હારી ગઈ

ચેલેન્‍જ.edu

રણછોડ શાહ

તૂટીને, વિખરાઈને જાતને સમેટતાં
મને આવડે છે,
માણસ છું એટલે
એક આંખે હસતાં ને એક આંખે રડતાં
મને આવડે છે.

વર્તમાન સમય સ્પર્ધાનો છે. તમામ ક્ષેત્રે હરીફાઈનું તત્વ જાણેઅજાણે ઘૂસી ગયું છે. તમામ વસ્તુઓના ઉત્પાદકો જાહેરાત આપી જે તે ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ હોવાનો દાવો કરવાનું ચૂકતા નથી. સોયથી લઈને સાબુ બનાવતી ફેકટરીના માલિકો પોતાનો માલ જ સર્વશ્રેષ્ઠ અને ખૂબ સસ્તો હોવાનો દાવો ગાઈ બજાવીને કહેવામાં ગૌરવ અનુભવે છે. છાપાનાં પાનાં અને પાનાં ભરીને આવતી આ જાહેરાતો તમારે વાંચવી ન હોય તો પણ ઘ્યાન તો આપવું જ પડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ચૂકી છે. કોઈ એવરેસ્ટ આરોહણ કરે, કાર રેસની રેલીમાં ઉત્તીર્ણ થાય તો તેનો ડંકો વગાડી વગાડીને સોને જાણ કરે છે. અરે ! આજે તો દવાખાનાં અને શાળાઓ પણ ગુણવત્તાયુક્ત સુવિધાઓ પૂરી પાડે છે તેની જાહેરાતો આપતાં આનંદની લાગણી અનુભવે છે. ખરેખર તો આ તેની પાયાની જવાબદારી છે.

વિદ્યાર્થીઓ આ તમામ જાહેરાતો બાળપણથી જોતા હોવાથી તેઓ પણ જે કાર્ય કરે તેમાં પ્રથમ જ આવવા જોઈએ તેવી દૃઢ (જડ!) માન્યતા ધરાવતા થઈ ગયા છે. મહાન બાળકેળવણીકાર શ્રી ગીજુભાઈ બધેકાએ તો શાળામાંથી સ્પર્ધાનું તત્વ કાઢી નાંખવા માટે કેળવણીકારોને વારંવાર સમજાવ્યું છે. પરંત ધીરે ધીરે તે ઘટવાને બદલે વધી રહ્યું છે. મમ્મી-પપ્પા યેનકેન પ્રકારેણ પોતાને સંતાન માત્ર અને માત્ર પહેલા ક્રમે જ આવે તેવા તમામ યોગ્ય અને અયોગ્ય રસ્તાઓ લેવા માટે એડીચોટીનું જોર લગાવે છે. બાળકે માત્ર શાળામાં જ નહીં, ઘેર અને ટ્યૂશનમાં પણ ભણભણ જ કર્યા કરવાનું જરૂરી છે તેમ આ વાલીઓની જડબેસલાક માન્યતા છે. પરંતુ તેમાં કયારેક અપવાદ જોવા મળે ત્યારે દીલને ટાઢક વળે છે.

એક શાળામાં રમતના મેદાન ઉપર પચાસ બાળકો દોડની સ્પર્ધા માટે લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. તેઓ વ્યાયામ શિક્ષક સિસોટી મારે તેની રાહ જોઈને ઊભા હતા. તેઓએ આ બાજુથી દોડી શાળાની સામેની ભીંતને અડકીને પરત આવવાનું હતું. પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર વિજેતા જાહેર થવાના હતા. આ ત્રણ સ્થાન પ્રાપ્ત કરવા તમામ બાળકો અને તેમના મમ્મી-પપ્પા ઉત્કંઠાપૂર્વક રાહ જોતા હતા. તમામ બાળકોના વાલીઓ શાળાના મેદાનમાં હાજર હતા. બાળકો કરતાં તેઓ વધુ ઉત્તેજિત હતા. તેઓનો ઉત્સાહ સમાતો નહોતો. મોબાઈલથી ફોટા પાડવા આતુરતાપૂર્વક રાહ જોતા હતા. સૌ બાળકો હાથ ઊંચા કરી તેમના મમ્મી-પપ્પાનું અભિવાદન ઝીલતા હતા.

વ્યાયામશિક્ષકે ‘એક, દો, તીન’ કહેતાં સૌ દોડવા લાગ્યા. મમ્મી-પપ્પા તેમનો ઉત્સાહ વધારવા ચિચિયારીઓ પાડી રહ્યા હતા. ‘શાબાશ… શાબાશ…’ કહેતાં તેમને પ્રોત્સાહન આપી રહ્યા હતા. પહેલા ત્રણ નંબરના વિદ્યાર્થીઓ આનંદ અને ઉત્સાહથી ગૌરવભેર તેમના મમ્મી પાસે આવી વિજેતાનો તાજ પહેરવામાં મશગુલ બની ગયા. ચોથા અને પાંચમા નંબરે આવેલા વિદ્યાર્થીઓ સૌથી વધારે પરેશાન હતા. તેમના માતા-પિતા વધારે નિરાશ હતા. મોં સુધી આવેલો અમૃતનો કટોરો ઝૂંટવાઈ ગયો હોય તેવો તેઓ અનુભવ કરી રહ્યા હતા.

તેમના પછીના ક્રમે આવેલ બાળકો તો ઈનામ મળવાનું જ નથી તેમ વિચારી મેદાન ઉપર દોડવાને બદલે ચાલવા લાગ્યા હતા. દોડની સ્પર્ધા પૂર્ણ થઈ ગઈ. સાતમા ક્રમે આવેલી વિદ્યાર્થીની નારાજ થઈને તેના પપ્પા પાસે દોડીને જતી રહી. પપ્પાએ દીકરીને ઊંચકી લીધી અને અભિનંદનના વરસાદ રૂપે બચ્ચીઓથી તેને ચૂમી લીધી. પપ્પા બોલ્યાં, “શાબાશ, બેટી… તેં તો અમારી આબરૂ વધારી દીધી, ચાલો કયાંક જઈને પાર્ટી કરીએ… બોલ, બેટા તું કેવો આઈસક્રીમ ખાઈશ? મારી રાની બેટી !”

બાળકી બોલી, “પપ્પા, મારો નંબર કયાં આવ્યો છે?”

પપ્પા, “મારી વ્હાલી દીકરી, તારો પણ પહેલો નંબર જ આવ્યો છે.”

બાળકીએ કહ્યું, “એવું કેવી રીતે? મારો તો સાતમો નંબર આવ્યો છે.”

પપ્પા, “અરે બેટા, તારી પાછળ કેટલા બાળકો હતા?”

થોડીક વાર રોકાઈને બાળકી બોલી, “૪૩ બાળકો.”

પપ્પાએ કહ્યું, “તેનો અર્થ એવો કે ૪૩ બાળકોમાં તો તું પહેલાં નંબરે જ રહી ને?”

બાળકી ચિડાઈને બોલી, “પરંતુ મારી આગળનાં છ બાળકોનું શું?”

પપ્પા બોલ્યા, “આ વખતે તેમની સાથે તારી હરીકાઈ જ નહોતી.”

બાળકી : “કેમ?”

પપ્પા : કારણ કે તેમણે વધારે તૈયારી કરી હતી. આવતા વર્ષે વધારે મહેનત અને પ્રેકિટસ કરીશું. આવતા વર્ષે તું પહેલાં થોડીક આગળ વધીશ અને ત્યાર બાદ તું ૫૦માં પણ પ્રથમ ક્રમે આવીશ.”

બાળકી: “શું તેવું બની શકે?”

પપ્પા: “હા, બેટા ચોક્કસ તેવું બની શકે.”

બાળકી ઉત્સાહિત થઈ બોલી, “આવતી વખતે હું ખૂબ ઝડપથી દોડીશ અને પહેલા નંબરે જ આવીશ.”

પપ્પા બોલ્યા, “બેટા, એટલી બધી કયાં ઉતાવળ છે? પગ મજબૂત બનાવ અને માત્ર બીજાથી નહીં, પરંતુ આપણે તો આપણી જાતથી પણ આગળ નીકળવાનું છે. આપણી સ્પર્ધા બીજા સાથે નથી, પરંતુ આપણી સાથે પણ છે ને?”

પપ્પાનું કહેવું દીકરીને સંપૂર્ણપણે તો ન સમજાયું, તેમ છતાં વિશ્વાસપૂર્વક કહ્યું કે તમે જેવું કહેશો તેવું જ કરીશ. હવે ૪૩ વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમે રહેલી દીકરીએ ઉત્સાહપૂર્વક પપ્પાને કહ્યું કે આપણે જરૂરથી પાર્ટી કરીશું.

પ્રત્યેક પરીક્ષાના પરિણામ સમયે દરેક મમ્મી-પપ્પા બાળકો સાથે આવો વ્યવહાર કરે તો? બાળકો પ્રોત્સાહિત થાય. તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય. કોઈ વિદ્યાર્થી નિરાશ થઈને આત્મહત્યા ન કરે. બાળકો કરતાં વાલીઓએ વધારે પૃખ્ત બનવાનું છે.

આચમન:

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો,
ઓ મુસીબત! એટલી ઝિંદાદિલીને દાદ દે,
તેં ધરી તલવાર, તો હું ધાર પર હસતો રહ્યો!

– જમિયત પંડ્યા


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


(તસવીર નેટ પરથી)

Author: Web Gurjari

3 thoughts on “હાર હારી ગઈ

  1. હિંમત કદી પણ હારવી નહીં
    હિમતે મર્દા તો મદદે ખુદા

Leave a Reply

Your email address will not be published.