એ ”વ્યંતર” દ્વારા મારા શરીરમાં પ્રવેશી મનમાની કરે છે

વાત મારી, તમારી અને આપણી

ડૉ. મૃગેશ વૈષ્ણવ.
એમ.ડી.(મનોચિકિત્સક)

મેલી વિદ્યાના પ્રયોગોથી કોઈનું સત્યાનાશ કરી શકાય ?

કુટુંબમાં થતા અપમૃત્યુ અને આવતી અણધારી આફત કોઇએ કુટુંબ પર કરાવેલ મેલીવિદ્યાનું પરિણામ તો નથી ને? એવું જાણવા જતાં આરોપી કુટુંબની જ વ્યક્તિને બનાવાઈ. શું મેલીવિદ્યાનું અસ્તિત્ત્વ છે ?

ખબર નથી પડતી કે ક્યાંથી હું મારી દુઃખભરી દાસ્તાન શરૃ કરું ?

જીવનમાં માતા પિતાનું છત્ર ગુમાવ્યા પછી એ એક જ હતો જેને હું મારા દિલની બધી વાતો કરી શક્તી હતી. મોહીત જ મારી તમામ પીડા હૃદયની વેદના સમજી શક્તો હતો પણ આજે એ આ દુનિયામાં નથી.

બે મહીના પહેલાં તેને રોડ ટ્રાફીક એક્સીડેન્ટ થયો. ત્યાર પછી એ કોમામાં સરી પડયો. સતત બે મહીના ખડે પગે હું તેની સારવાર માટે હોસ્પીટલમાં રહી પણ તેણે ક્યારેય આંખો ખોલી મારી સામે ન જોયું.. અને અત્યારે મોહિત ઇઝ નો મોર… !! આટલું કહ્યા પછી દર્શિતા ડૂસકું આવતું અટકાવી ન શકી. તેની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી.

સર… મોહીત મારો નાનો ભાઈ હતો પણ મારા જીવનની ઝીણામાં ઝીણી વાત તેને હું નિઃસંકોચ કહી શક્તી તમને નવાઈ લાગશે પણ બાલ્યાવસ્થામાં થયેલા ચાઈલ્ડ સેક્સ એબ્યુઝથી માંડી મારા પતિ સાથેના તમામ અંગત સંબંધોની વાત હું એને નિખાલસતાથી કરી શક્તી.
હું એ કમભાગી સ્ત્રી છું જે બાલ્યાવસ્થામાં કેટલાક હવસખોરોના હાથે પીંખાઈ છું. આમ તો એ બધા પુરુષોએ મને સેક્સુઅલી એબ્યુઝ કરી તેનું કારણ મારા પિતા હતા.

મારા પિતા ખૂબ જ હેન્ડસમ હતા તેમના પર ઘણી બધી સ્ત્રીઓ મરતી હતી. મોટાભાગની એ સ્ત્રીઓ અમારા પરિચિતોમાં અને કુટુંબના વર્તુળમાં હતી. તેમની સાથેના એકસ્ટ્રા મેરાઇટલ એફેરની કુટુંબ અને સમાજમાં ઉડતી વિવિધ વાતોને કારણે આ બધી સ્ત્રીના પતિ, ભાઈ, પુત્ર વગેરે પુરુષો બદલો લેતા હોય તેમ મારો જાતિય દુરૃપયોગ કરતા. આ સમયે મારી ઉંમર પાંચથી બાર વર્ષની હતી.

જ્યારથી મેં હોંશ સંભાળ્યા ત્યારથી એ બધા દરિન્દાઓનો સામનો કરતાં હું શીખી ગઈ. અને મને પીંખવાનો કોઈપણ ચાન્સ મેં તેમને ન આપ્યો. મારી આ બધી પીડા હું મારી મમ્મીને કહી શક્તી ન હતી કારણ એને લીધે મારા પપ્પા સાથે તેનો વધારે ઝઘડો થતો.

સોળ વર્ષની ઉંમરે મારાથી પંદર વર્ષ મોટા પુરુષને મેં મારું સર્વસ્વ સોંપી દીધું. અને અઢારમેં વર્ષે ઘરના લોકોના ભારે વિરોધ છતાં મેં આંતર જ્ઞાાતિય લગ્ન કર્યાં.

મારૃં લગ્ન જીવન નિરાશાજનક રહ્યું. શરૃઆતના વર્ષોમાં તેમની હવસ સંતોષવા સિવાય તેમને મારામાં કોઈ જ રસ ન હતો. અને લગ્નના બે-ત્રણ વર્ષમાં તો એ જાણે મારાથી ધરાઈ ગયા. તેમણે મને બે સંતાનો આપ્યાં પણ પ્રેમ અને હૂંફ નહીં. લફરા કરવાના તો મારા પપ્પાના તમામ રેકોર્ડ તેમને તોડી નાંખ્યાં. ચૌદથી ચાલીસ વર્ષની અલગ અલગ સ્ત્રી સાથે તે સંબંધો રાખતા ફરે છે. અમારાં લગ્ન એક ઔપચારિકતા જ પુરવાર થયાં છે.
હું બે સંતાનોને મોટાં કરૃં છું અને સમાજમાં ઝઝુમુ છું. રોજ બરોજના પ્રસંગોથી અકળાઈ ઉઠું છું. તો ક્યારેક ભૂતકાળ યાદ કરૃં છું. ત્યારે હતાશ થઇ જઉં છું. મારા દિલની બધી વેદના હું મોહિત આગળ ઠાલવી હળવી ફૂલ થઇ જતી. પણ હવે મારૃં કોઈ ન રહ્યું.

દર્શિતાબેન ફરી રડવા માંડયાં જીવનના આધાર સમા, ફ્રેન્ડ ફીલોસોફર અને ગાઇડ એવા ભાઈને ગુમાવ્યાની ગ્લાનિ તેમના અવાજમાં હતી. તે જાણે સાવ નોંધારા બની ગયાં હતાં.

તીવ્ર હતાશા અનુભવતાં દર્શિતાબેનને ભૂખ અને ઉંઘ હરામ થઇ ગયાં હતાં. રાત્રે તેમને ચિત્ર-વિચિત્ર સ્વપ્નાંઓ આવતાં છેલ્લાં ત્રણ વર્ષમાં જે જે ભયાનક હોનારતોના સ્વપ્નાંઓ તેમને આવતાં હતાં તે બધી જ ઘટનાઓ બની તેમના જીવનમાં બની હતી. મોહિત સહીત પાંચ સ્વજનોનાં અવસાન થયાં હતાં. પાડોશી સાથેના ઝઘડામાં મામલો કોર્ટ કચેરીમાં પહોંચી ગયો હતો. પતિની કામલીલા પકડાઈ જતાં તેમને ઢોર માર પડયો હતો અને હવે તેમને સ્વપ્નામાં સંકેત મળી ચૂક્યો હતો કે તેમની બન્ને નાની પુત્રીના પણ બેહાલ તેમના જેવા જ થશે. પુત્રી પર કોઈક ગેંગરેપ કરશે કે પછી કોઈ ઉઠાવી જશે એ સ્વપ્નાં તેમને રોજ આવતાં અને ભૂતકાળનાં સ્વપ્નાં સાચાં પડયાં તેમ આ સ્વપ્નાંઓ પણ સાચાં પડશે તો ? એ કલ્પનાએ તેમને હચમચાવી મૂક્યાં હતાં.

દર્શિતાબેને મનની પીડાનો ઉકેલ લાવવા તેમના અન્ય કુટુંબીજનોને પૂછી જોયું કે છેલ્લા કેટલાક સમયથી તેમને પણ કોઈ સ્વપ્નાંઓ આવતાં હતાં ?

પ્રત્યેક સ્વજને ખરાબ સ્વપ્નાંઓ, અપમૃત્યુના સ્વપ્નાઓ આવતા હોવાનું કબુલ્યું હતું. સ્વપ્નાંઓ વિશે લાંબુ વિચાર્યા પછી એ બધાંને એવું લાગતું હતું કે કોઇક તેમના કુટુંબ પર મેલીવિદ્યા કરાવી રહ્યું હતું. મોહિતના પત્નીએ તો ત્યાં સુધી વાત કરી કે મોહિતના અપમૃત્યુની વાત એક તાંત્રિકે તેમને કરી હતી. અને મોહિતનું મૃત્યુ પણ તેમના કુટુંબ પર થતી મેલી વિદ્યા, કાળા જાદુના પરિણામે જ થયું હતું.

ચર્ચા પછી કુટુંબના સભ્યો એ તારણ પર આવ્યાં હતાં કે આ કાલા જાદુ કરાવનાર વ્યક્તિને ઓળખવી પડે. અને તેના પ્રયોગોની બધી શક્તિને નેસ્ત નાબુદ કરવા ઘટતી તમામ વિધિ કરી કુટુંબને આ ‘બ્લેક મેજીક’ની સંભવિત ભાવિ હોનારતમાંથી બચાવવું પડે.

આ માટે ‘કાલા જાદુ’ કરતા અને તેની અસરને નેસ્તનાબુદ કરતા વિવિધ ભૂવા ફકીરોનો સંપર્ક કરવામાં આવ્યો. જુદા જુદા લોકોએ જુદા જુદા નામો સૂચવ્યાં ઉપાયો બતાવ્યા. એ ઉપાયો પણ કરાવ્યા પણ તમામ સભ્યોને આવતાં ભયાનક સ્વપ્નાંથી પરેશાન કુટુંબીજનોને એની પીડામાંથી છુટકારો ન મળ્યો. દર્શિતાબેનને તેમની પુત્રી પર ગેંગરેપ થશે કે પછી કોઈ ઉઠાવી જશે એવાં સ્વપ્નાઓ પરેશાન કરતાં જ રહ્યાં.

એવામાં બન્યું એવું કે દર્શિતાબેનના સૌથી મોટા પુત્રએ મામાના મૃત્યુના અઠવાડીયા પછી આવતી દિવાળીમાં મિત્રોને ત્યાં જઇ ફટાકડા ફોડયા અને મોજ મસ્તીથી દિવાળી ઉજવી એના ફોટા કોઇક મિત્રએ ફેઇસ બુક પર મૂક્યા જેની જાણ થોડાંક અઠવાડીયા પછી મોહિતભાઈના પત્નીને થઇ. તેઓ તાંત્રિક પાસે ગયાં અને મોહિતભાઈને રોડ અકસ્માત કરાવી મૃત્યુ કરાવવાનું બ્લેક મેજીક કરાવનારમાં દર્શિતાબેનનું જ નામ સૂચવાયું અને આ ‘કાલાજાદુ’ની અસર ક્યાંક પણ ઢીલી ન પડે એટલા માટે જ દર્શિતાબેન મોહિતભાઈ પાસે હોસ્પિટલમાં ખડેપગે ઉભાં રહેતાં એવું પણ સૂચવાયું !!

બસ તાંત્રિકની વાત મોહિતભાઈના પત્નીને બિલકુલ સાચી લાગી અને દર્શિતાબેનને તેમણે જણાવી દીધું કે તારૃં નાટક ખુલ્લું પડી ગયું છે. તારા બદઇરાદા સામે આવી ગયા છે અને હવે તો તેમની પુત્રી પર ગેંગરેપ થાય તેવી મેલીવિદ્યા તેઓ જ કરાવશે.

જે ભાઈ તેમની જીવનજ્યોત અને આધારસ્તંભ હતો તેને મારી નાંખવા પોતે મેલીવિદ્યા કરાવે એવો બેહુદો આરોપ અને તેમની પુત્રી પર મેલીવિદ્યાના પ્રયોગો થશે તેવા ડરથી દર્શિતાબેન સાવ ભાંગી પડયાં હતાં.

‘મેલી વિદ્યા’ ‘કાલા જાદુ’ની વાત આપણા સમાજમાં વ્યાપક પ્રમાણમાં ફેલાયેલી છે. પરંતુ શું કોઈ પણ વ્યક્તિ પર મેલીવિદ્યાના પ્રયોગો કરી તેનું સત્યનાશ કે સર્વનાશ કરાવી શકાય ખરૃં ?

આનો જવાબ છે ‘ના’. વિવિધ ગ્રંથોમાં મલીવિદ્યાનો સીધો કે આડકતરો ઉલ્લેખ હોવાની વાત કરાય છે. પણ આનો કોઈ વૈજ્ઞાાનિક પુરાવો નથી. આ અંગે પાકીસ્તાનના મનોચિકીત્સકો સાથેની ચર્ચા અન્ય કેસ સાથે કરીશું.

દર્શિતાબેનના કેસની ચર્ચા અત્યારે કરીએ તો પ્રથમ પ્રશ્ન જ એ ઉભો થાય કે શું તેમણે તેમના ભાઈને મારી નાંખવા કોઈ મેલીવિદ્યા કરાવી હતી ?
જવાબ સ્પષ્ટ છે. ‘ના’ દર્શિતાબેન આવો વિચારશુધ્ધાં ન કરી શકે. અને આવો આક્ષેપ જ તેમને માટે આઘાતજનક હતો. તો પછી તાંત્રિકની કોઈપણ વાત શા માટે સાચી માનવી ?

કોઈનું બુરૃં કરી શકવાના વિચારો દુશ્મનાવટને કારણે કોઇને આવે. બુરૃં થાય એવું સતત ઇચ્છે. કદાચ એવી પ્રાર્થના પણ કરે. પરંતુ આવું વિચારવાથી, પ્રાર્થના કરવાથી કે પછી ગમે તેવી સાધના કરવાથી કોઈનું બૂરૃં ક્યારેય કરી શકાતું નથી. આવી કોઈ વિદ્યા જ નથી પછી તેને સિધ્ધ કરવાની વાતો વાહિયાત છે.

હકીકતમાં દર્શિતાબેન ભાઈના મૃત્યુ પછી તીવ્ર હતાશામાં હતાં. છેલ્લાં ત્રણ વર્ષમાં પાંચ મૃત્યુ, કોર્ટ કેઇસ, વગેરે સ્વપ્નાંઓ તેમને તથા તેમના કુટુંબીજનોને આવતાં હતાં એટલે બધાં સ્વપ્નાંની વાતો કરવા અને કોઇની મેલીવિદ્યાથી આવું નથી થતું ને એ જામવા ભેગાં થયાં તેમાં ભૂવા ફકીરોને મળવાથી મેલીવિદ્યાની માન્યતા દ્રઢ થતી ગઈ. અને છેલ્લે કાદવ સામસામે જ ઉછાળાયો.

શક્ય છે કે કુટુંબક્લેશ મોટા પાયે ચાલતો હોય તેથી બધાંના મન નકારાત્મક લાગણીથી નિક્ષુબ્ધ થયાં હોય એટલે જુદી જુદી અમંગળ ઘટના ઘટવાના સ્વપ્નાંઓ આવતાં હોય. કારણ તમે જે વિચારો છો, તમારા મનમાં જે છે એનાં જ સ્વપ્નાં તમે જુઓ છો.

જે બનવાનું હોય તે બને છે. તેમાં કોઈ સ્વપ્નાંને જવાબદાર ઠેરવવાં વ્યાજબી નથી. દર્શિતાબેનને સમજાવાયું કે જેમ તેમને તેમના ભાઈ પર કોઈ ‘બ્લેક મેજીક’ કરાવેલ નથી તેમ તેમની પુત્રી પર ‘ગેંગરેપ’ કરાવવા કોઈપણ બ્લેક મેજીક કરાવી શકે નહીં કે તેનો જાતિય દુરુપયોગ કરી શકે નહીં. તેમના સાથે ઘટેલી ઘટના તેમની બાલ્યાવસ્થાની હતી. અને કુટુંબનાં વાતાવરણને કારણે તથા ના સમજને કારણે તેઓ કોઇને કહી શક્તાં નહોતાં. જ્યારે તેમની પુત્રી સોળ વર્ષની છે. તેની સાચી મિત્ર બની જઇ આ ઉંમરે વિજાતીય પાત્ર સાથે મૈત્રી સંબંધોમાં શું સાવચેતી રાખવી તેનો તેને ખ્યાલ આપે. અને પોતાના હિતની રક્ષા કરવાની સ્વગ્રહી બનવાની તાલીમ આપે. અને માતા-પુત્રી વચ્ચે વાર્તાલાપનો સેતુ હંમેશાં જાળવી રાખે.

થોડી ચર્ચા થોડું કાઉન્સેલીંગ અને એન્ટીડીપ્રેશન્સ દવાથી દર્શિતાબેનની મનોસ્થિતિ બદલી શકાઈ. આવા કીસ્સામાં જરૃર પડે સી.બી.ટી. ‘કોગ્નીટીવ બિહેવીયર થેરપી’ પણ મદદરૃપ પુરવાર થાય છે.

ન્યુરોગ્રાફ:

મેલી વિદ્યાજેવી કોઈ વિદ્યા જ નથી. વિદ્યા ક્યારેય કોઈનું અહિત કરવાની કોઈને શક્તિ આપતી નથી. આવી કોઈ સિધ્ધિ ગમે તેવા તંત્ર-મંત્ર કે તાવીજથી સિધ્ધ કરી શકાતી નથી.


સંપર્ક – ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.
ઈ-મેલ ઃ mrugeshvaishnav@gmail.com
Website: www.drmrugeshvaishnav.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.