ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૪૫

ચિરાગ પટેલ

उ. १४.१.६ (१४९४) प्रत्नं पीयूषं पूर्व्यं यदुक्थ्यं महो गावाद्दिव आ निरधुक्षत । इन्द्रमभि जायमानँसमस्वरन् ॥ (त्र्यरुण त्रैवृष्ण, त्रसदस्यु पौरुकुत्स)

સહુ પ્રથમ આ સ્તુત્ય અમૃત, સર્વોચ્ચ અને સુવિસ્તૃત દ્યુલોકથી પ્રગટ થયેલ છે. પછી ઇન્દ્ર સમક્ષ યાજકગણ સસ્વર સ્તુતિ કરે છે.

આ સામમાં ઋષિ સોમનું મૂળ સ્થાન દ્યુલોક એટલે કે આકાશને ગણાવે છે. ફોટોનના પ્રવાહરૂપી સોમ મૂળ તો સૂર્ય કે બીજાં અગણિત તારાઓ છે એટલે ઋષિનું અવલોકન સત્ય જ છે. વળી, ઋષિ આ દ્યુલોકને સહુથી ઊંચું અને વ્યાપક કહે છે. સોમ માટે પીયૂષ અર્થાત અમૃતનો શબ્દપ્રયોગ ધ્યાનાકર્ષક છે. ફોટોનનો કદી નાશ થતો નથી, માત્ર એનું રૂપાંતરણ થાય છે. એટલે, ઋષિનો આ શબ્દપ્રયોગ પ્રશંશનીય છે.

उ.१४.१.८ (१४९६) अध यदिमे पवमान रोदसी इमा च विश्वा भुवनाभि मज्मना । यूथे न निष्ठा वृषभो वि राजसि ॥ (त्र्यरुण त्रैवृष्ण, त्रसदस्यु पौरुकुत्स)

હે શુધ્ધ કરેલ સોમ! ગાયોના સમૂહમાં રહેલા આખલાની જેમ વિશ્વ, ભુવન અને સંપૂર્ણ પ્રાણીઓ વચ્ચે ઉપસ્થિત છો.

ગાયોના સમૂહમાં પ્રજોત્પત્તિ ઉત્પન્ન કરવા માટે આખલો રાખવામાં આવે છે. ઋષિ આ સામમાં સોમને સમગ્ર વિશ્વ અને પ્રાણીઓરૂપી ગાયોના સમૂહમાં રહેલા આખલા સમાન ગણે છે. આજનું વિજ્ઞાન બ્રહ્માંડની ઉત્પત્તિ અંગે એવું કહે છે કે, બિગ બૅંગના પ્રાચીન ધડાકાથી બ્રહ્માંડ જન્મ્યું અને વિસ્તર્યું ત્યારે સહુપ્રથમ પ્રકાશની ઉત્પત્તિ થઈ હતી. પ્રકાશના કિરણો એટલે કે ફોટોનના પ્રવાહરૂપી સોમ એ આખલાની જેમ સમગ્ર બ્રહ્માંડ અને પ્રાણીસૃષ્ટિ માટે જન્મદાતા છે. વળી, સૂર્યના કિરણોની ઉચિત માત્રા પ્રાપ્ત કરવાને લીધે પૃથ્વી પર જીવન પાંગર્યું છે. એ અર્થમાં પણ સોમ પ્રાણીઓનો જન્મદાતા છે.

उ.१४.२.६ (१५०८) अजीजनो अमृत मर्त्याय कमृतस्य धर्मन्नमृतस्य चारुणः । सदासरो वाजमच्छा सनिष्यदत् ॥ (त्र्यरुण त्रैवृष्ण, त्रसदस्यु पौरुकुत्स)

હે અમૃતિરૂપ સોમ! તમે સત્ય અને કલ્યાણકારી અમૃતને ધારણ કરી, સૂર્યને માનવો માટે પ્રગટ કર્યા અને દેવોની સેવા કરી. તમે અન્ન, વૈભવ માટે સદા સક્રિય રહો છો.

આ સામમાં પણ ઋષિ સોમને અમૃત કહે છે. ઉપર આપણે જોઈ ગયા એ પ્રમાણે આ શબ્દપ્રયોગને લીધે ઋષિ ધન્યવાદના અધિકારી છે. અહીં સૂર્યની ઉત્પત્તિ માટે ઋષિ સોમને કારણભૂત ગણાવે છે. એનો અર્થ આપણે એવો કરી શકીએ કે, પ્રકાશ છે તો મનુષ્યોને દૃષ્ટિ છે. અને દૃષ્ટિ છે તો સૂર્ય દેખાય છે. અથવા, જેમ બ્રહ્માંડની ઉત્પત્તિમાં પ્રકાશ સહુ પ્રથમ ઉત્પન્ન થાય છે અને પછી અન્ય પદાર્થો, તેમ સૂર્યની ઉત્પત્તિ માટે પણ સોમ જ કારણભૂત છે.

उ.१४.२.१० (१५१२) नदं व ओदतीनां नदं योयुवतीनाम् । पतिं वो अघ्न्यानां धेनूनामिषुध्यसि ॥ (प्रियमेध आङ्गिरस)

હે યજમાનો! તમારે માટે ઉષાને ઉત્પન્ન કરનાર, ચંદ્રકિરણો ઉત્પન્ન કરનાર અને ગાયોને પાળનાર ઇન્દ્રને બોલાવીએ છીએ. તમે ગાયના દૂધને પોષક અન્નના રૂપમાં મેળવવાની ઈચ્છા રાખો છો. ઇન્દ્ર એની પૂર્તિ માટે સક્ષમ છે.

આ સામમાં ઋષિ ઇન્દ્રને માટે એવા વિશેષણોનો પ્રયોગ કરે છે જે સૂર્યને લાગુ પડે છે. ઉષાને ઉત્પન્ન કરનાર, ચંદ્રકિરણો ઉત્પન્ન કરનાર અને ગાયો અર્થાત કિરણોનું મૂળ સૂર્ય છે. એટલે, ઇન્દ્ર એ સૂર્ય એવું આપણે આ સામને આધારે કહી શકીએ. ઋષિ ચંદ્રને પોતાનો પ્રકાશ નથી પરંતુ એ ઇન્દ્ર એટલે કે સૂર્ય ઉત્પન્ન કરે છે એવું કહે છે. આ અવલોકન સાચે જ પ્રશંસનીય છે. ઋષિ આ અવલોકન કયા આધારે કરી શક્યા હશે?

उ.१४.३.५ (१५१७) प्र दैवोदासो अग्निर्देव इन्द्रो न मज्मना । अनु मातरं पृथिवीं वि वावृते तस्थौ नाकस्य शर्मणि ॥ (सौभरि काण्व)

દ્યુલોકવાસી અગ્નિદેવ અંતરિક્ષમાં પણ નિવાસ કરે છે. તથા ઇન્દ્ર જેવા સામર્થ્ય સાથે સર્વે જીવોની માતા પૃથ્વી પર યજ્ઞીય કર્મ કરે છે.

અગ્નિ પૃથ્વી પર હોય છે એમ આકાશમાં વિદ્યુતરૂપે હોય છે. પરંતુ, આકાશથી પણ ઊંચે અંતરિક્ષમાં અગ્નિ છે એ સામવેદ કાળના ઋષિનું અવલોકન નવાઈ પમાડે એવું છે. આધુનિક વિજ્ઞાન અગ્નિનું અસ્તિત્વ સમગ્ર બ્રહ્માંડ હોય છે એમ જણાવે છે. આ સામમાં પૃથ્વીને સર્વ પ્રાણીઓની માતા ગણાવી છે અને અગ્નિ કે સૂર્યરૂપી ઇન્દ્ર એ પિતા સમાન યજ્ઞીય કર્મ અર્થાત પૃથ્વી પર જીવન ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે.

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.