જગદંબા

આશા વીરેન્દ્ર

‘ઝરણાં બેટા, આમ ને આમ ખાધા-પીધા વિના દોડધામ કર્યા કરીશ તો શરીર ક્યાં સુધી સાથ આપશે?  ખબર છે ને કે, ગમે તેમ કરીને તારે ટકી રહેવાનું છે ને સાથે બધાંને ટકાવી રાખવાનાં છે?’

બોલતાં બોલતાં સુધાબેનની નજર અનાયાસે તારક તરફ ગઈ. પેરેલિસીસનો હુમલો આવ્યો ત્યારથી વાચા તો સાવ જતી રહી હતી અને સાથે સાથે જમણું અંગ પણ ખોટકાઈ ગયું હતું. બોલાતું ભલે નહોતું પણ સંભળાતું તો બધું હતું. મમ્મીએ ઝરણાંને જે ટકી રહેવાની વાત કરી એ એને નહોતી સમજાઈ એવું તો નહોતું. કંઈ ન કરી શકવાની લાચારી દિવસમાં કેટલીય વાર આંસુ બનીને વહી નીકળતી હતી પણ એ પાણી કંઈ કામ લાગે એમ નહોતાં.

‘મમ્મી, ખાઉં છું તો ખરી! તમે નકામાં જ મારી ફિકર કર્યા કરો છો. ને જુઓ, સાંજને માટે હાંડવાનું બોળી દીધું છે એટલે તમે બીજું કશું કરવાની ઉતાવળ નહીં કરતાં. આમને માટે સૂપ પણ કરીને ફ્રીજમાં મૂકી દીધું છે. હું છ-સાત સુધીમાં તો આવી જ જઈશ.’ આટલું કહેતાં ઝરણાંની આંખો ઝૂકી ગઈ. એ સાસુની આંખ સાથે આંખ ન મેળવી શકી. સુધાબેને પણ મણ એકનો નિ:સાસો નાખતાં કહ્યું, ‘ભલે.’

ખભે પર્સ ભેરવતાં એની નજર ઘડિયાળ તરફ ગઈ અને એનાથી બોલાઈ ગયું , ‘અરે બાપરે, દસ વાગી ગયા. સાડા દસની તો એપોઈંટમેંટ છે.’ પછી બોલેલી વાત પર પોતું ફેરવતી હોય એમ એણે હોઠ પર જીભ ફેરવી અને તારક સામે જોતાં ચોખવટ કરી,’ એટલે કે, સાડા દસે મારે બોસને મળવાનું છે. જાઉં છું મમ્મી…’ કરતીક ને એ ભાગી.

સાંજે પાછી ફરી ત્યારે રાત ઊતરી આવી હોય એમ ચહેરો કાળો ધબ્બ પડી ગયો હતો.

‘ જો, હું નહોતી કહેતી કે ખાવા-પીવાનું ધ્યાન રાખ પણ મારું સાંભળે કોણ? જરા અરીસામાં તારું મોઢું તો..’ કંઈક વધારે પડતું બોલાઈ ગયું  હોય એમ સુધાબેને વાત વાળી લીધી. ‘ચાલ કપડાં બદલીને આવ, ત્યાં સુધીમાં ચા બનાવી આપું. ગરમા ગરમ ચા પી એટલે સ્ફૂર્તિ આવી જાય.’ ક્યારેક આમ ચા તો ક્યારેક વળી સુધાબેન ઝરણાં માટે હળદરવાળું દૂધ બનાવતાં. ‘શું હાલત કરી નાખી છે શરીરની? હાયવોય કરવામાંથી ઊંચી નથી આવતી. શરીરમાં કળતર થાય છે એ તું ભલે ન બોલે પણ હું તો તારું મોઢું જોઈને સમજી જાઉં. લે, પી લે જોઉં, આ દૂધથી કળતરમાં રાહત થઈ જશે.’

કંઈ બોલ્યા વિના ઝરણાં આભારવશ નજરે એમની સામે તાકી રહેતી.સુધાબેનને એ નજરનો ભાર લાગતો. અચાનક પાસે જઈ, એને માથે હાથ ફેરવતાં એ કહેતાં, ‘જો બેટા, ઉપરવાળા પર શ્રધ્ધા રાખવી. આજ નહીં તો કાલ, એ આપણી સામે જરૂર જોશે. તારે માથે ઘર આખાનો ભાર છે એ કબૂલ, પણ નિરાલીની તારે જરાય ચિંતા કરવી પડે છે? આવી ડાહી દીકરી તો નસીબદારને મળે!’

‘મમ્મી, એ તમને હેરાન તો નથી કરતીને?’

‘લે, હેરાન કરવાની ક્યાં વાત કરે છે? આવડી એવી છોકરીમાં એટલી બધી સમજણ છે કે ,પોતાની મેળે ભણી લે, જમી લે, તૈયાર થઈને સ્કૂલે જતી રે ને તારકને આપવા-લેવાનું કામ પણ કરે. તેં તો પાંચે આંગળીએ મહાદેવજીને પૂજ્યા હશે તે…’ વળી પાછી એમણે જીભ પર લગામ મૂકી.

‘મમ્મી, તમારા આધારે જ જીવી રહી છું. તમે ન હોત તો મારું શું થાત?’

લૉકડાઉનને કારણે છેલ્લા કેટલાય મહિનાથી ઝરણાંની નોકરીય નહોતી કે નિરાલીની સ્કૂલ પણ નહોતી. જો કે, ઝરણાંના મોબાઈલથી નિરાલીના ઓનલાઈન ક્લાસ ચાલતા ખરા! હવે ધીમે ધીમે સરકાર અનલોક કરવાનું ચાલુ કરવા માંડી હતી. ગઈકાલે જ ટી.વી. પર સાંભળ્યું હતું કે, હવે બ્યુટી પાર્લરો, જીમ, રિસોર્ટ વગેરે શરૂ કરી શકાશે. આ સાંભળીને સાસુ-વહુની નજર એક થઈ હતી. ઝરણાં ધીમેથી બોલી હતી, ‘મમ્મી, મારે પણ હવે કામ મેળવવાની કોશિશ કરવી પડશે.’

‘હા બેટા, કામ કર્યા વગર છૂટકો જ ક્યાં છે?’ સુધાબેને લાચારીભર્યા અવાજે કહ્યું ને એ સાથે જ એમણે તારક તરફ જોયું. ભલે લકવાને કારણે પથારીમાં પડ્યો હોય પણ એનું મગજ એકદમ સાબૂત હતું. એને ક્યારનું સમજાઈ ગયું હતું કે, તણખલું તણખલું કરીને જે માળો બાંધ્યો હતો એ મોંઘવારીના માર અને પોતાની પરવશતાને કારણે વેરવિખેર ન થઈ જાય એ માટે આ બંને સ્ત્રીઓએ પોતાનું સઘળું હોડમાં મૂકી દીધું હતું. બેઉ ભલે ચૂપ રહેતી હોય પણ માના બંગડી વિનાના હાથ અને ઝરણાંની સૂની ડોક બધું છતું કરી દેતા હતાં.

‘મમ્મી, બોસ સાથે વાત થઈ ગઈ. કહેતા હતા કે કાલથી કામ પર આવી જા. મારે સાડા દસે પહોંચી જવું પડશે.’

‘હા, ગયા વિના ચાલે એમ પણ નથી ને આ ચારે કોર કોરોના કોરોના થાય છે એમાં તને મોકલતાં જીવ પણ નથી ચાલતો.’

’તમે ફિકર ન કરો મમ્મી, હું બરાબર ધ્યાન રાખીશ. પર્સમાં માસ્ક, સેનેટાઈઝર બધું અત્યારથી જ મૂકી દીધું છે. સવારે ઉતાવળમાં ભૂલી ન જવાય એમ કરીને.’

બીજે દિવસે ઝરણાંના ગયા પછી  સુધાબેન તારક અને નિરાલીના ચા-દૂધ ને નાસ્તો તૈયાર કરવાની ધમાલમાં પડ્યાં. ઓન લાઈન ક્લાસ માટે રોજ વહેલી ઊઠી જતી નિરાલીએ કાલે રાત્રે જ નક્કી કરી લીધું હતું, ‘દાદી, અમારાં બે ટીચરને કોરોના થયો છે એટલે આજે અમારા પ્રિંસીપલે અમને કહી દીધું છે કે કાલે તમને છૂટ્ટી. બંને ટીચરને બદલે  અમારા ક્લાસ કોણ લેશે એ હવે નક્કી કરશે.’

બીજા દિવસની તૈયારી માટે ભાજી વીણી રહેલી ઝરણાં દીકરીના હાવભાવ જોઈને હસી પડેલી. ‘જુઓ તો મમ્મી, ટીચરોને કોરોના થયો એનો આ બેનને કોઈ અફસોસ નથી. એ તો રજા માટે ખુશ છે, બસ!’

‘હા દાદી, કાલે મોડે સુધી ઊંઘવા મળશે એટલે હું ખુશ તો છું જ. મને વહેલી નહીં ઊઠાડી દેતાં હં!’

તારક માટે ટ્રેમાં ચા-નાસ્તો લઈ જતી વખતે સુધાબેનનું ધ્યાન ગયું. ‘અરે! દોડાદોડીમાં ઝરણાં ફોન લેવાનું તો ભૂલી જ ગઈ. હમણાં ઘણાં વખતથી ભણવા માટે ફોન નિરાલી પાસે રહે છે એટલે  એને યાદ નહીં આવ્યું હોય.’

દીકરાને ટેકો આપીને બેસાડવા ગયાં ત્યાં ફોનની રીંગ વાગી. ફોન હાથમાં રાખી કામ કરવું ફાવે એમ નહોતું એટલે સ્પીકર ઑન કરી એમણે કહ્યું, ‘હલ્લો’. સ્પીકર પરથી એક ભદ્દું હાસ્ય સંભળાયું, ‘હમ તો કબસે તુમ્હારે ઈંતઝારમેં બૈઠે હૈં, જાનેમન, ઔર કિતના તડપાઓગી? જલ્દી આ જાઓ. યાદ હૈ ન? હોટેલ આતિથ્ય, રૂમ નંબર 210.’

સુધાબેન જલ્દી સ્પીકર ઑફ કરવા ગયાં ત્યાં ફોન અને ચાનો કપ બંને નીચે પડ્યા. તારક વીંધી નાખતી નજરે એમની સામે જોઈ રહ્યો. એના ચહેરા પર હાથ ફેરવવા જતા માના હાથને એણે હડસેલો માર્યો. અણધારી પરિસ્થિતિથી ડઘાઈ ગયેલાં અને આવેશથી ધ્રૂજતાં સુધાબેને કહ્યું, ‘બહુ ગુસ્સો આવે  છે? બહુ ધિક્કારે છે તારી આ માને? ને શું સમજે છે તું ઝરણાંને? હોંશે હોંશે ધંધો કરવા જતી તવાયફ?’ એક ખુરશી ખેંચીને તારકના ખાટલા નજીક બેસતાં બોલ્યાં,

‘હું એક એવી અભાગણી સાસુ છું જેણે બધું જાણવા છતાં પોતાની ગૃહલક્ષ્મીને જીવતા નરકમાં ધકેલવી પડી છે. પણ શું કરું? જ્યાં સુધી અમારાં દાગીના કે બીજી ચીજ-વસ્તુ વેચીને ગાડું ગબડાવાય ત્યાં સુધી ગબડાવ્યું પણ રોજ સવાર પડે ને ચાર પેટ ભાડું માગતાં હતાં. તારી માંદગી અને દવાનો ખર્ચ પણ મોઢું ફાડીને ઊભો હતો. ખાખરા-પાપડ વણી વણીને કેટલીક આવક ઊભી થાય? આખો મહિનો એવા નાનાં કામ કરીને જેટલું  ન મળે એટલું એક ઘરાક પાસેથી મળે.’

આ બધું મા બોલે છે? મારી મા? પોતાની વહુના ઘરાકની વાત એ આટલી સહેલાઈથી કેવી રીતે કરી શકે? તારકના ડાબા હાથની મુઠ્ઠી ક્રોધથી વળી ગઈ. સુધાબેને આ જોયું. ‘નફરત થાય છે મારી પર? થવી જ જોઈએ. મને પણ ઘૃણા ઉપજે છે મારી જાત પર, પણ પછી જાતને એમ વિચારીને માફ કરી દઉં છું કે, ચાર ચાર જણને ઝેર પીને અકાળે મરવાનો વારો આવત એના કરતાં આ બિચારી એકલી રોજ ઝેર પીધા કરે એ વધારે સારું.’

પછી દીકરાનો હાથ હાથમાં લઈ હળવે હળવે પસવારતાં એમણે કહ્યું, ‘કદાચ તું નહીં સમજી શકે, પુરુષ છે ને? ઝરણાંને આ રસ્તે જવા દેવા કરતાં મારે માટે જિંદગીનો અંત આણવાનું કામ હાથવગું હતું. કેટલીય વાર એવું વિચાર્યુંય ખરું પણ પછી થયું, રમતમાં હારતાં હોઈએ ત્યારે નાનાં બાળકની જેમ હાથ ઊંચા કરીને ‘જાવ, મારે નથી રમવું’ એમ કહેવું તો સાવ  સહેલું છે અને ધાર કે હું એમ કરત પણ ખરી તો કોને, શું ફેર પડવાનો હતો? એના કરતાં આ છોકરી, જે આપણાં બધાં ખાતર  ઝેર પી રહી છે એમાં ટીપું, બે ટીપાં અમૃતનાં નાખી શકું તો ઝેર જીરવવું એને માટે થોડું સહેલું તો જરૂર થાય.’

એક નિ:સાસો નાખીને ખુરશી પરથી ઊભા થતાં  એ બોલ્યાં, બેટા, ‘મારી બુધ્ધિએ સુઝાડ્યું  એમ મેં કર્યું. ખોટું થયું હોય તો ઊપરવાળાના દરબારમાં જવાબ દેવા તૈયાર છું.’ એમનો પાલવ ખેંચીને તારકે ઊભાં રાખ્યાં ને એમનો હાથ પોતાને માથે, મોઢે ફેરવતાં ચોધાર આંસુએ રડી પડ્યો.

ઝરણાં પાછી ફરી ત્યારે એણે તારકની બાજુમાં પડેલા મોબાઈલનો તૂટેલો સ્ક્રીન જોયો. તૂટેલી ધાર પર આંગળી ફેરવતાં એ બોલી, ‘અંતે આજે સ્ક્રીન તૂટ્યો, નહીં તારક?’ તારકે જોયું કે, કાચ વાગવાથી એની આંગળીમાંથી લોહી નીકળી રહ્યું હતું. પોતાના હાથમાં એનો હાથ લઈ લોહી વાળી આંગળીથી એણે ઝરણાંનાં કપાળમાં ચાંદલો કર્યો.

ટ્રેમાં ચા લઈને આવતાં સુધાબેને આ જોયું અને મીઠું હસીને તારક તરફ જોઈને બોલ્યાં, ‘સાક્ષાત જગદંબા જેવી લાગે છે ને મારી દીકરી?’


સુશ્રી આશા વીરેન્દ્રનો સંપર્ક  avs_50@yahoo.com   વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.