સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ – (૧૮) પ્રબળ વળગણ

નલિન શાહ

{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬) નો  અનુવાદ}

અનુવાદ: પિયૂષ મ. પંડ્યા

૧૯૪0ના દાયકાના અંતભાગમાં ‘શહીદ’(૧૯૪૮) અને (ગુજરાતીમાં બનેલી) ‘ગુણસુંદરી’(૧૯૪૮)ના નિર્માતાઓએ લતા મંગેશકરના તીણા, છતાં મધુર અવાજને બેરહમીથી નકારી કાઢ્યો હતો. સંગીતકારો લતાના અનોખા સ્વર વડે અખતરા કરવા માટે તત્પર હતા. પણ ઘેરા અવાજનું ચલણ ધરાવતા તે જમાનામાં નિર્માતાઓ વ્યવસાયિકતાનો વિચાર કરીને સંગીતકારોને લતાના સાવ કિશોરી જેવા અવાજનો ઉપયોગ કરતાં રોકતા હતા. નિર્માતાઓને તે બાબતે કોઈ રંજ પણ નહોતો કેમ કે ગીતા દત્ત, અમીરબાઈ, જોહરાબાઈ અને શમશાદ બેગમ જેવી ગાયીકાઓનાં ગીતો વડે તેમની ફિલ્મો સફળતાને વરી ચૂકી હતી.

પંજાબી(‘ખજાનચી’માં શમશાદ, ‘ખાનદાન’માં નૂરજહાં), રાજસ્થાની(‘તાનસેન’માં ખુરશીદ) અને ઉત્તર પ્રદેશ(‘રતન’માં જોહરાબાઈ અને અમીરબાઈ)ના, ધરાતલ સાથે જોડાયેલા રહેલા સંગીતની પ્રચંડ લોકપ્રિયતાને લઈને ભારેખમ અવાજ ધરાવતી ગાયીકાઓની અનિવાર્યતા પ્રસ્થાપિત થઈ ચૂકી હતી. ૧૯૪૦ના દાયકાના હલકદાર અને માધુર્યસભર સંગીત વડે મઢાયેલાં ગીતો થકી તે સમયની ગાયિકાઓ ખુબ જ બની હતી. જેમ કે નૂરજહાં (તુ કૌન સી બદરી મેં મેરે ચાંદ હૈ આ જા, ‘ખાનદાન’ – ૧૯૪૨), ખુરશીદ (પંછી બાવરા, ‘ભક્ત સૂરદાસ’ – ૧૯૪૨), પારુલ ઘોષ(પપીહા રે, ‘કિસ્મત’ – ૧૯૪૩), અમીરબાઈ(ચંદા દેસ પિયા કે જા, ‘ભર્તૃહરી’ – ૧૯૪૪), ઝીનત બેગમ(રાતેં ના રહી વોહ, ‘દાસી’ – ૧૯૪૪), નસીમ અખ્તર(આગ લગી દિલ મેં વોહ પ્યારી, ‘શાહજહાં’ – ૧૯૪૬), શમશાદ બેગમ( એક તેરા સહારા, ‘શમા’ – ૧૯૪૬), સુરૈયા (પાપી પપીહા રે, ‘પરવાના’, ૧૯૪૭), વગેરે.

 

શમશાદ બેગમ                                

દેશના ભાગલા પડતાંની સાથે ફિલ્મી સંગીતનો તખ્તો અચાનક જ ધરમૂળથી ફેરવાઈ ગયો. પંજાબી સંગીતકારો અને ગાયકોના મોટી સંખ્યામાં થયેલા સ્થળાંતરને લીધે એક અવકાશ ઉભો થયો. નવા સંગીતકારો અને પ્રમાણમાં પાતળો અવાજ ધરાવતા ગાયકો વડે તે ઝડપથી ભરાવા લાગ્યો. એક સમયે કેટલાકને અવગણનાપાત્ર લાગેલા લતાના અવાજનું આયેગા આનેવાલા (‘મહલ’, ૧૯૪૯) ના શબ્દોને ન્યાય આપતો હોય તેમ ધમાકાભેર આગમન થયું.

આ બદલાયેલા સંજોગોમાં પાતળો અવાજ ધરાવતાં ગાયક કલાકારો મેદાન મારવા લાગ્યાં ત્યારે પ્રમાણમાં ઘેરા અવાજવાળાં ગાયકો માટે લગાવ ધરાવતા બુલો સી રાની જેવા સંગીતકાર સમાધાન ન સાધી શક્યા.

બુલો સી રાની

પહાડી અવાજોના ખુબ જ પ્રભાવશાળી ઉપયોગ વડે તેમનાં બનાવેલાં ગીતો તેમના આ લગાવની સાહેદી પૂરાવે છે. જેમ કે તેમની પહેલી જ ફિલ્મ ‘પગલી દુનિયા’(૧૯૪૪)નું અમીરબાઈના હૃદય વલોવી નાખે તેવા અંદાજમાં ગવાયેલું ગીત ગર હમ કો જલાઓગે, દુનિયા કો જલા દેંગે અને અમીરબાઈનું જ ગાયેલું ફિલ્મ ‘કારવાં’(૧૯૪૪)નું સુની પડી હૈ પ્યાર કી દુનિયા તેરે બગૈર્.

અમીરબાઈ કર્ણાટકી

શમશાદ બેગમને માટે તેમણે બનાવેલું હાલ એ દિલ કિસ કો સુનાઉં રાઝદાં કોઈ નહીં (‘અંજુમન’ – ૧૯૪૮) પણ ઉદાહરણ તરીકે ગણાવી શકાય.

મુકેશનાં સંવેદનસભર યુગલગીતોનો વિચાર કરીએ તો તેમનાં લતા સાથે ગાયેલાં ઘણાં ગીતો યાદ આવે. જેમ કે બુલો સી રાનીનું જ બનાવેલું ફિલ્મ ‘વફા’(૧૯૫૦)નું અરમાનભરા દિલ લૂટ ગયા. પણ બુલો સી રાનીએ મુકેશ સાથે પોતાની પસંદગીની ઘેરો અવાજ ધરાવાતી ગાયિકાઓને લઈને બનાવેલાં યુગલગીતો અલગ જ અંદાજનાં છે. ઉદાહરણ તરીકે ખુરશીદ અને હમીદાના સંગાથમાં ગવાયેલું ફિલ્મ ‘મૂર્તી’(૧૯૪૫)નું બદરીયાં બરસ ગઈ ઉસ પાર અને શમશાદ બેગમ સાથે ગવાયેલું ૧૯૪૮ની ફિલ્મ ‘અંજૂમન’નું કૈસે બતાઉં ઉન સે ઈસ દિલ કો પ્યાર ક્યું હૈ જેવાં ગીતો ગણાવી શકાય.

એવું નહોતું કે તેમને લતાનો સ્વર નાપસંદ હતો. તેમણે લતા માટે પણ ખુબ જ હૃદયસ્પર્શી  ધૂનો બનાવી છે. જેમ કે ફિલ્મ ‘વફા’(૧૯૫૦)નું બરબાદ મુકદ્દર ને મેરે મુઝ કો કીયા હૈ (આ ગીત માટે બુલો સી રાની સાથે સંગીતકાર વિનોદને પણ યશ આપવામાં આવ્યો છે.) અને કઈ ઐસે ભી આંસુ હૈ જો આંખોં મેં નહીં આતે (‘ગૂલ સનોબર’, ૧૯૫૩) જેવાં ગીતો લતાનાં ગાયેલાં છે. તેમ છતાં, તેમને છૂટો દોર મળ્યો હોય, તો તે ‘હટ કે’ પ્રકારનાં ગીતો માટે ઘેરો અવાજ પસંદ કરતા હતા. તેમણે ૧૯૫૦ની ફિલ્મ ‘મગરૂર’ માટે આવું જ કર્યું હતું. તેના ગીત બડી ભૂલ હુઈ તુઝે પ્યાર કીયા માટે ભાગ્યે જ સાંભળવા મળે તેવો વિશ્ની લાલ નામનાં ગાયિકાના અવાજનો ઉપયોગ કર્યો હતો. આ ગીત ખુબ જ લોકપ્રિયતાને વર્યું અને રસિકોના હૃદયમાં વસેલું રહ્યું. રાનીએ ફિલ્મ ‘પિયા કા ઘર’(૧૯૪૭)નાં આઠ પૈકીનું એક ગીત અને ૧૯૪૮ની ફિલ્મ ‘બીછડે બલમ’નાં છ ગીતો અભિનેત્રી મીનાકુમારી પાસે પણ તેમણે ગવડાવ્યાં હતાં.

બુલો સી રાનીએ ૧૯૬૬ની સાલમાં ક્ષેત્રસન્યાસ લીધો તે પહેલાં પોતાની સર્જકતાના ચમકારા સુરૈયાના ગાયેલા ગીત પરવાનોં સે પ્રીત સીખ લી (બિલ્લવમંગલ, ૧૯૫૪) માં, ફિલ્મ ‘મધુર મિલન’(૧૯૫૫) ના લતાના અવાજમાં ગવાયેલા ગીત ફીઝા ચૂપ હૈ, હવા ચૂપ હૈ માં અને ૧૯૬૬ની ફિલ્મ ‘સુનહરે કદમ’ના લતાના જ અવાજમાં મુદ્રીત થયેલા ગીત માંગને સે જો મૌત મીલ જાતી જેવાં ગીતોમાં બતાડ્યા. રાનીનાં સ્વરનિયોજનોમાંનાં મોટા ભાગનાં ફિલ્મી સંગીતના ઈતિહાસમાં મહત્વના સ્થાને બિરાજે છે. તેમ છતાંયે તેમને મહદઅંશે ફિલ્મ ‘જોગન’(૧૯૫૦) માટે મીરાંબાઈનાં ઘરઘરમાં જાણીતાં એવાં ભજનોને સ્વરબધ્ધ કરવા માટે જ યાદ કરવામાં આવે છે, જાણે તે જ તેમની ઓળખસમ રચનાઓ હોય!

૧૯૭૯માં ગુલઝારની ફિલ્મ ‘મીરા’નાં ગીતો ગાવાનો લતા મંગેશકરે ઈન્કાર કર્યો. પોતાના ભાઈ હૃદયનાથ મંગેશકરનાં સ્વરબધ્ધ કરેલાં મીરાંબાઈનાં ભજનો તેઓ અગાઉ ગાઈ ચૂકેલાં હતાં. આથી તેઓ અન્ય સંગીતનિર્દેશકની ધૂનો ગાવા માંગતાં નહોતાં. આમ થતાં લક્ષ્મીકાંત-પ્યારેલાલ ફિલ્મમાંથી ખસી ગયા કારણ કે તેઓ બન્ને મીરાંબાઈ માટે (લતા સિવાયનો) અન્ય કોઈ જ અવાજ સ્વીકારી શકે તેમ ન હતા. પણ, રણજીત મૂવીટોનની ફિલ્મ ‘જોગન’ માટે મીરાંબાઈનાં ભજનો સ્વરબદ્ધ કરતી વખતે રાનીએ આમ નહોતું વિચાર્યું.

તે સમયે લતાના અવાજની ભારે માંગ હતી. બુલો સી રાનીએ ધાર્યું હોત તો તેઓ લતાના અવાજનો ઉપયોગ કરી શક્યા હોત. પણ તેમણે મીરાંને એક જોગણ તરીકે વધારે વાસ્તવિક દૃષ્ટીએ મૂલવી જોઈ. રાનીને માટે ગાયકીની કુશળતાની જગ્યાએ તેના ભાવની રજૂઆતનું મહત્વ વધારે હતું. દેખીતી રીતે જ તેમણે ગીતા રોય (દત્ત)ના સહેજ ભારે અને મધુર અવાજ ઉપર પસંદગી ઉતારી.

ગીતા રોય (દત્ત)

ગીતા દત્તે હૃદયના અંતરસમ ભાવ સાથે ગાયેલાં મૈં તો ગીરિધર કે ઘર જાઉં, ડગમગ ડગમગ ડોલે નૈયા, ઘૂંઘટ કે પટ ખોલ રે અને જોગી મત જા મત જા જેવાં ભજનો સમયાતિત બની રહ્યાં છે. ફિલ્મ ‘જોગન’નું સંગીત બુલો સી રાનીની કારકીર્દિનું સીમાચિહ્ન બની રહ્યું.

દેશના ભાગલા પછીના સંજોગોમાં નવાનવા સંગીતકારો ફિલ્મસંગીતના ક્ષેત્રમાં દાખલ થયા તે સાથે લતા મંગેશકર અને તેમની જેવા અવાજ ધરાવતાં ગાયકો આગળ આવવા લાગ્યાં. નૌશાદ કે જેમંણે અગાઉ શમશાદ, જોહરા અને અમીરબાઈ જેવી ગાયિકાઓના અવાજનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો, તેમણે પણ બદલાઈ રહેલા સંજોગો સાથે સમજણપૂર્વક ફિલ્મ ‘અંદાઝ’(૧૯૪૯) અને એ પછીની ફિલ્મો માટે લતાના અવાજ ઉપર પસંદગી ઉતારી.

૧૯૫૧ની ફિલ્મ ‘આસમાન’થી કારકીર્દિ શરૂ કરનારા ઓ.પી. નૈયરની પરખ ચોક્કસ કારણોસર ‘બંડખોર’ સંગીતકાર તરીકેની હતી. બુલો સી રાનીની જેમ જ, તેમણે તે સમયે પ્રવર્તમાન એવી ગાયિકાઓને બદલે ઘેરો અવાજ ધરાવનારી ગાયિકાઓને પ્રાથમિકતા આપી. તેમણે જ શમશાદ બેગમની લગભગ ઢળવાને આરે આવેલી કારકીર્દિને ‘આરપાર’(૧૯૫૪), ‘મિસ્ટર એન્ડ મીસિસ ‘55’(૧૯૫૫) અને ‘નયા અંદાઝ’(૧૯૫૬)નાં લોકપ્રિય ગીતો વડે નવજીવન આપ્યું. એમણે લતાના અવાજનો ક્યારેયએક વાર પણ – ઉપયોગ ન કર્યો હોવાનું કારણ કોઈ દિવસ જાહેર ન કર્યું. વારંવાર થતી રહેતી પૃચ્છાના જવાબમાં તેમણે એમ જણાવ્યું કે આશા(ભોંસલે)નો અવાજ સરખામણીએ વધુ ભારે હતો. બસ, આટલું કહેવું તેમને મતે પૂરતું હતું.


નોંધ..

૧) ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી, કોઈ જ વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાહેંધરી સહિત સાભાર લેવામાં આવી છે.

૨) મૂલ્યવર્ધન બીરેન કોઠારી.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

2 thoughts on “સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ – (૧૮) પ્રબળ વળગણ

  1. વીતેલા વર્ષોના ઇતિહાસને સરળ ભાષામાં અનુવાદ કરી તેને તાજો કરવા બાદલ આભાર પિયુષભાઈ.

  2. 1947/48 દેશના ભાગલા પડ્યા અને હિજરત શરૂ થઈ, ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાઓ  પર જહાજો ભરી લોકો ઠેલવાયા.  નિરાશ્રિતો માટે છાવણીઓ શરૂ થઈ, રાહત કેમ્પ શરૂ થયા.ખર્ચાઓને પહોંચી વળવા દાન / ડોનેશન કાજે ઘરે ઘરે સ્વયંસેવકો ઝોળી લઇ ને ફરતા. ભાવનગર ની સંસ્થા યંગ ક્લબે એ. વી. સ્કૂલના હોલ માં નાટ્ય પ્રયોગો યોજી રુપીયા 2500.00 જેટલી રકમ ભેગી કરી વડાપ્રધાનનાં  રિલીફ ફંડમાં દાન કરેલી.   તે સમયે હિજરત કરીને આવેલા પૈકી નાં કલાકાર ના એક મંડળે ભાવનગર માં આવેલા નટરાજ સિનેમા માં એક ચેરિટી પ્રોગ્રામ કરેલો. તેમાં બુલો સી રાની અને સાથે વિશ્વની લાલ આવેલાં. બીજાં ગીતો સાથે  “બડી  ભૂલ હુઈ તુજે પ્યાર કીયા”  ગાયેલું..    

Leave a Reply

Your email address will not be published.