તરુણાવસ્થાના જંગલની ભુલભુલામણી

મંજૂષા

વીનેશ અંતાણી

ચાલીસ વરસની મહિલા ડિપ્રેશનમાં સરી ગઈ હતી. એણે ડૉક્ટરને કહ્યું: “મારી સોળ વરસની દીકરી મારાથી બહુ દૂર થઈ ગઈ છે. અગાઉ તો એ મારી સાડી પકડીને ફર્યા કરતી, હવે એ સાવ અતડી બની ગઈ છે. મારી કોઈ વાત સાંભળતી નથી. એને મારી લાગણીની પરવા રહી નથી.” કૉલેજના પહેલા વરસમાં ભણતો અને હૉસ્ટેલમાં રહેતો અશોક લખે છે: “મારાં કુટુંબીજનોને લાગે છે કે મને એમની પડી નથી, હું એમની કોઈ વાત સાંભળતો નથી, હું એકલસૂરો થઈ ગયો છું, પણ હું મારી અંદર કેટલો મૂંઝાઉં છું, મારા મનમાં કેવાને કેવા પ્રશ્ર્નો જાગે છે, એની એમને પરવા નથી. હું જેમ જેમ મારો રસ્તો શોધવાની કોશિશ કરું છું તેમ તેમ વધારે અટવાતો જાઉં છું.”

આવી મૂંઝવણ તરુણાવસ્થાનાં કિશોર-કિશોરીઓ અને એમનાં માતાપિતા બંને પક્ષે હોય છે. આ પ્રશ્ર્ન નવો નથી, પરંતુ બદલાયેલા સમયની સાથે એ વિશે જાગરૂકતા વધી છે. સંતાનોની સંખ્યા ઘટી છે, વિભક્ત કુટુંબોમાં માતાપિતા અને સંતાનો જેટલાં નજીક આવ્યાં છે એટલાં સામસામે પણ આવી ગયાં છે. બહુ ઓછાં માતાપિતા એમનાં તરુણ સંતાનોને સમજવાની તૈયારી બતાવે છે. તરુણ સંતાનોના મનમાં માતાપિતા અને ઘરની અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધોના ખ્યાલ બદલાય છે, એમનામાં શારીરિક અને માનસિક બદલાવ આવે છે, તેઓ પોતાના વિકાસ માટે માતાપિતાએ આપેલી જગ્યા કરતાં વધારે જગ્યાની અપેક્ષા રાખે છે. આવી સાધારણ બાબતો સમજવા વયસ્ક પેઢી તૈયાર હોતી નથી.

તરુણોને એમનાં માતાપિતાના કયા અભિગમ ખાસ જચતા નથી એ વિશે કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં કેટલી સામાન્ય બાબતો તરી આવી હતી. મોટાં ભાગનાં કિશોર-કિશોરીઓને લાગ્યું હતું કે તેઓ જે કંઈ કરે છે એ માટે માતાપિતાના મનમાં ભારોભાર અસંતોષ રહે છે. એમણે કશુંક જુદું કરવા માટે કરેલા પ્રયાસોની પ્રશંસા કરવામાં આવતી નથી, બલ્કે મોટે ભાગે સાવચેતીના કે સલાહના સૂર વ્યક્ત કરવામાં આવે છે. માતાપિતાને એમનામાં વિશ્ર્વાસ હોતો નથી. એમને જોઈતી હોય તેવી સ્વતંત્રતા આપવામાં આવતી નથી. માતાપિતા સંતાનોના બાળપણ વખતે એમની સુરક્ષાનો જે ખ્યાલ ધરાવતાં હોય એ ખ્યાલના દાયરામાં જ મોટાં થયેલાં સંતાનો વિશે વિચારે છે.

તરુણ પેઢી મોકળાશ ઇચ્છે છે, અંગતતા વિશે એમના ખ્યાલો બદલાયા છે, તેઓ એમનાં સમોવડિયાં સાથે વધારે સમય ગાળવા માગે છે, પોતાનું અલગ અસ્તિત્વ ઊભું કરાવા ઝંખે છે અને તે માટે પોતાની રીતે પ્રયત્ન કરે છે. આ કારણે માતાપિતાને લાગે છે કે અત્યાર સુધી જે સંતાન એમની છાયામાં જ રહેતું હતું એ બદલાઈ ગયું છે. મૂંઝાયેલાં માતાપિતા સંતાનો પર એમનો જૂનો અંકુશ પાછો મેળવવાના પ્રયત્ન કરે છે અને પરિસ્થિતિ વણસવા માંડે છે. એમની વચ્ચે સંવાદની લાઈન જ કપાઈ જાય છે.

કોઈએ કહ્યું છે, માતાપિતા સંતાનોની તરુણાવસ્થા દરમિયાન એમની સાથે જે પ્રકારનો સંબંધ વિકસાવશે તેના પર ભવિષ્યમાં એમની વચ્ચે કેવા સંબંધો રહેશે એનો આધાર રહે છે. એ સંબંધ વિશ્ર્વાસ, અર્થપૂર્ણ સંવાદ અને અરસપરસ માટે માનની ભાવનાથી બંધાય છે. માતાપિતાએ સંતાનોને એટલાં દૂર જવા દેવાં જોઈએ નહીં કે તેઓ ક્યાં ખોવાઈ ગયાં એની ભાળ મળે નહીં અને એમના પર એટલો ઘેરો પણ ઘાલવો જોઈએ નહીં કે તેઓ પોતાની દિશા નક્કી કરી શકે નહીં. સંતાન શું કરે છે એની જાણકારી છે અને કોઈ પણ સમયે માતાપિતા એના માટે હાજર છે એવી ભાવના સંતાનોમાં જગાવવાથી તરુણ પેઢી સાથેની સમસ્યાઓ ઘટાડી શકાય. માતાપિતાએ પોતાની ઉપસ્થિતિનો અહેસાસ કરાવવા માટે સંતાનની સામે ચોકીદારની જેમ ઊભા રહેવાની જરૂર નથી, એમને ખબર હોવી જોઈએ કે તેઓ આજુબાજુમાં જ છે, જ્યારે જરૂર પડશે, એમની પડખે હશે. તરુણ કિશોર-કિશોરીઓને એમની જિંદગીના સૌથી વધારે મૂંઝવનારા સમયમાં માતાપિતાના પ્રેમ અને સાથની જરૂર હોય છે.

તરુણાવસ્થામાં પ્રવેશેલાં બે સંતાનોની માતા જાતઅનુભવ લખે છે: “અમારું પ્રેમાળ અને શાંત ઘર અચાનક બળજબરી, જીદ, દલીલો, અશિસ્ત, આળસ, બેપરવાહી, તિરસ્કાર, ઉદ્ધતાઈ અને અતડાઈથી ભરેલી યુદ્ધછાવણીમાં ફેરવાઈ ગયું હતું. હું અને મારો પતિ અમારાં સંતાનોમાં આવેલું પરિવર્તન જોઈને ડઘાઈ ગયાં હતાં, પરંતુ અમે જવાબદાર અને સમજુ માતાપિતા હતાં. અમે ધીરજપૂર્વક વર્તવાનું નક્કી કર્યું હતું. અમે એમનાથી દૂર રહીને પણ નજીકથી એમની સંભાળ લેવાનું ચાલુ રાખ્યું હતું.” થોડાં વરસો પછી એ જ માતાએ લખ્યું: “હું અને મારો પતિ ફરી નવાઈમાં ડૂબી ગયાં છીએ. અમારાં એ જ સંતાનો જવાબદાર અને સંસ્કારી નાગરિકોની જેમ વર્તવા લાગ્યાં છે. હવે એ લોકો અમારી સંભાળ લે છે, જાણે અમે એમના પર આધારિત હોઈએ અને એમના વિના કશું જ કરી શકીએ તેમ ન હોઈએ. અમે વચ્ચેનાં વરસોમાં ખોઈ નાખેલાં સંતાનોએ અમારાં ઘરને અગાઉ જેવું જ પ્રેમાળ અને હૂંફાળું બનાવી દીધું છે.”


શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.