કાવ્યાનુવાદ – કવિનું વસિયતનામું : A POET’S LAST WILL AND TESTAMENT

 કવિનું વસિયતનામું
સુરેશ હ. જોષી
કદાચ હું કાલે નહિ હોઉં:
કાલે  જો સૂરજ ઊગે તો કહેજો કે
મારી બિડાયેલી આંખમાં
એક આંસુ સૂકવવું બાકી છે .
કાલે જો પવન  વાય તો કહેજો કે
કિશોર વયમાં એક કન્યાના
ચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળ
હજી મારી ડાળી પરથી ખેરવવું બાકી  છે .

કાલે સાગર છલકે તો કહેજો કે
મારા હૃદયમાં ખડક થઇ ગયેલા
કાળમીંઢ ઈશ્વરના ચૂરેચૂરા કરવા બાકી છે .

કાલે જો ચંદ્ર ઊગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી મારામાં તરફડે છે .

કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો કે
મારા વિરહી પડછાયાની ચિતા
હજી પ્રગટાવવી બાકી છે.
કદાચ કાલે હું નહિ હોઉં.

 

અનુવાદ : સગુણા રામનાથન અને રીટા કોઠારી

A POET’S LAST WILL AND TESTAMENT
 – Suresh Joshi
If perchance I should happen to die
Tomorrow at sunrise, remember to say
A tear still rests between these closed eyelids
That must gently be dried or wiped away.When the winds blow tomorrow remember to tell them
The smile of a girl stolen sometime when young
Is a ripened fruit that waits to be shaken
Down from my branches where it is hung.

Tomorrow when breakers roll in from the shore
And the sea surges forward, remember to say
That the pitiless rock of God in my heart
Waits to be broken by waves in their play.

The moon will rise tomorrow. Remember
To speak of my struggle to set myself free.
A twisting and turning fish on a fishhook,
I longed to slip downward, sliding into the sea.

When the fires are kindled tomorrow, please tell them
My pining shadow on the pyre will lie
Awaiting the flames that leap up to the sky.
That is, if perchance I should happen to die.

(કાવ્ય અને અનુવાદ – ‘કાવ્યવિશ્વ’માંથી સાભાર.)


રીટા કોઠારી ગુજરાતી, અંગ્રેજી ભાષાના જાણીતા લેખિકા અને અનુવાદક છે. રીટા કોઠારીએ ભારતના ભાગલા અને લોકો પર તેની અસરો વર્ણવતા અનેક પુસ્તકો લખ્યા છે. તેમણે ગુજરાતી સાહિત્યની અનેક ઉત્તમ કૃતિઓનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે.
એક સિંધી તરીકેની પોતાની ઓળખને સાચવવાના પ્રયાસમાં તેમણે ‘ટ્રાન્સલેટીંગ ઈંડિયા – કલ્ચરલ પોલિટિક્સ ઑફ ઈંગ્લીશ’ (ભારતનું પરિવર્તન- અંગ્રેજીની સંસ્કૃતિક રાજકારણ) (૨૦૦૩), ધ સિંધી હિન્દુઝ ઑફ ગુજરાત (શરણાર્થીઓનો ભાર: ગુજરાતના હિંદુ સિંધીઓ) (૨૦૦૭), અનબોર્ડર્ડ મેમોરિઝ : પાર્ટીશન સ્ટોરીઝ ફ્રોમ સિંધ (બિનપ્રવાસિત યાદો – સિંધની ભાગલા સમયની વાતો (૨૦૦૯), અને મેમોરીઝ એન્ડ મૂવમેન્ટ્સ (યાદો અને ચળવળો)(૨૦૧૬), ધ બર્ડન ઓફ રેફ્યુજી : ધ સિંધી હિન્દુઝ ઓફ ગુજરાત જેવા પુસ્તકો લખ્યા છે. 

      રીટા કોઠારીએ ‘મોડર્ન ગુજરાતી પોએટ્રી ઍન્ડ કોરલ આઇલેન્ડ : ધ પોએટ્રી ઑફ નિરંજન ભગત’ (અનુ: આધુનિક ગુજરાતી કવિતાઓ અને પરવાળાનો ટાપુ : નિરંજનન ભગતની કવિતાઓ) નામના પુસ્તક સહ-અનુવાદ કર્યો છે. તેમણે જોસેફ મેકવાનની નવલકથા ‘આંગળિયાત’ નો ‘ધ સ્ટેપચાઈલ્ડ’ નામે અને ઈલા આરબ મહેતાની ‘વાડ’  નવલકથાનો ‘ધ ફેન્સ’ (૨૦૧૬) નામે અનુવાદ કર્યો છે. તેમણે જુડી વાકાબાયશી સાથે ‘ડિસેન્ટ્રીંગ ટ્રાન્સલેશન સ્ટડીઝ : ઈન્ડિયા ઍન્ડ બિયોન્ડ’ (૨૦૦૯)નું અને રૂપર્ટ સ્નેલ સાથે ચુટનીફાયિંગ ઇંગ્લીશ : ધી ફિનોમેનોન ઑફ હિંગ્લિશ (૨૦૧૧)નું સહ-સંપાદન કર્યું છે. તેઓ સ્પીચ ઍન્ડ સાઈલેન્સ : લીટરેરી જર્નીસ્ બાય ગુજરાતી વુમેન’ના સંપાદક અને અનુવાદક છે. તેમણે પોતાના પતિ અભિજિત કોઠારી સાથે મળી કનૈયાલાલ મુનશીની ત્રણ નવલકથાઓ પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજનો અનુક્રમે ‘ધ ગ્લૉરિ ઑફ પાટણ’ (૨૦૧૭), ;ધ લૉર્ડ ઍન્ડ માસ્ટર ઑફ ગુજરાત’ (૨૦૧૮) અને ‘ધ કિંગ ઑફ કિંગ્સ’ (૨૦૧૯) નામે અનુવાદ કરેલ છે.

રક્ષા શુક્લ,  સંપાદક, પદ્ય વિભાગ


વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.