શૈલેન્દ્રનાં ગીતોની કિશોર કુમાર દ્વારા સ્વરબદ્ધ કરાયેલી રચનાઓ

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ

શંકરદાસ કેસરીલાલ, (જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ – અવસાન ૧૪ ડીસેમ્બર, ૧૯૬૬), જે હિંદી ફિલ્મ જગતમાં શૈલેન્દ્રનાં નામથી અમર છે, તેમની ગીત રચનાઓની એક ખુબી હતી કે રોજબરોજની ઘટનાઓ પરથી તેમને થોડાક બોલ સ્ફ્રુરી આવતા અને પછી જે આખી કવિતા તે રચતા એ એકદમ સરળ શબ્દોમાં ખુબ ગહન સંદેશ કહી જતા. માનવીય મૂલ્યો માટેની તેમની અદમ્ય ચાહત  તેમનાં ગીતોમાં સહજતાથી વ્યક્ત થઈ રહેતી.

તેમની સમગ્ર કારકિર્દી દરમ્યાન શૈલેન્દ્રએ લખેલાં ગીતોની સંગીત રચનાઓમાં શંકર જયકિશનની રચનાઓનો સિંહ ફાળો હોય તે તેઓ સ્વાભાવિક જ છે. તે ઉપરાંત સલીલ ચૌધરી, એસ ડી બર્મન અને રોશન સાથે પણ  શૈલેન્દ્રનું કામ નોંધપાત્ર સંખ્યામાં રહ્યું. એટલું જ રસપ્રદ અને વૈવિધ્યપૂર્ણ શૈલેન્દ્રનું કામ એવા ‘અન્ય’ સંગીતકારોની સાથે પણ થયું જેમની સાથે મોટા ભાગે તો એક જ અને નહીં તો બહુ બહુ તો બે કે ત્રણ ફિલ્મો થઈ હોય. આ વિચારને ચકાસવા માટે ૨૦૧૭માં આપણે શૈલેન્દ્રનાં અન્ય સંગીતકારો સાથેનો લેખ –શૈલેન્દ્રનાં ‘અન્ય’ સંગીતકારો સાથેનાં ગીતો – કર્યો. અત્યાર સુધી આપણે

૨૦૧૮ – શૈલેન્દ્ર અને રોશન

૨૦૧૯ –  શૈલેન્દ્ર અને હેમંત કુમાર, રવિ અને કલ્યાણજી (આણંદજી)

૨૦૨૦શૈલેન્દ્ર અને એસ એન ત્રિપાઠી, અનિલ બિશ્વાસ અને સી રામચંદ્ર

૨૦૨૧ – શૈલેન્દ્ર અને શાર્દુલ ક્વાત્રા અને મુકુલ રોય

નાં ગીતો સાંભળી ચુક્યાં છીએ.

આજના અંકમાં આપણે કિશોર કુમાર દ્વારા સ્વરબદ્ધ થયેલાં શૈલન્દ્રનાં ગીતોને યાદ કરીશું.

કિશોર કુમારની અંદર છુપાયેલા કલાકારને આપણે કિશોર કુમારની આરાધના (૧૯૬૦) પહેલાંની ૧.૦ તરીકે જાણીતા તબક્કામાં ગાયક અને અભિનેતા ઉપરાંત ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક, કથા ને સંવાદ લેખક ઉપરાંત સંગીતકારનાં સ્વરૂપોમાં પણ જોઈ શક્યાં છીએ. કિશોર કુમારનાં સામાન્યપણે નજરે ચડતાં વ્યક્તિત્વની જેમ તેમણે નિર્માણ અને દિગ્દર્શન કરેલી ફિલ્મો, અને સ્વાભાવિકપણે એ ફિલ્મોનાં તેમણે રચેલાં ગીતો ખુબ ગંભીર ભાવ અને સંદેશપ્રચુરતાના એક અંતિમ અને બીજી તરફ સાવ ઢંગધડા વગરની મશ્કરાપણાથી ભરપુર ફિલ્મોના બીજા અંતિમ વચ્ચે પથરાયેલ છે. કિશોર કુમારે બધું મળીને ૭ ફિલ્મોમાં ૧૨૦ જેટલાં ગીતો રચ્યાં, જેમાંથી શૈલેન્દ્ર સાથે તેમણે ૩ ફિલ્મો (૧૪ ગીતો)માં સંગીત સર્જન કર્યું.

અહીં રજુ કરવા માટે ગીતોની પસંદગી કરવામાં ગીતોના ભાવ, ગીતની બાંધણીની શૈલી અને ગાયકોની દૃષ્ટિએ વધારેમાં વધારે વૈવિધ્ય રહે તે બાબતને ખાસ મહત્ત્વ આપ્યું છે.

દૂર ગગનકી છાંવમેં (૧૯૬૪): –

દૂર ગગનકી છાંવમેં કિશોર કુમાર દ્વારા દિગ્દર્શિત, અબિનિત અને સંગીતબદ્ધ કરેલી ફિલ્મોમાં કદાચ સૌથી વધારે પરિપક્વ સર્જન કહી શકાય. એટલે આ ફિલ્મનાં ગીતોમાં શૈલેન્દ્ર પણ પોતાની સહજ કવિભાવનામાં જ વ્યક્ત થતા રહે તે પણ સ્વાભાવિક જ કહી શકાય. આ લેકે ચલું તુઝે ઐસે ગગનકે તલેમાં આશાવાદની ઝલક અનુભવાય તો જિન રાતોંકી ભોર નહીં હૈમાં એકલા અટુલા પડી ગયેલ માનવીની હતાશા ઘુંટાય છે.

અલબેલે દિન પ્યારે … .. કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન – કિશોર કુમાર

કહેવાય છે કે કિશોર કુમારએ આ ગીતની સીચ્યુએશન શૈલેન્દ્રને એટલી આત્મીયતા સમજાવી કે શૈલેન્દ્ર પણ વિચલીત થઈને એકલા એકલા સમુદ્રને કિનારે ચાલવા જતા રહ્યા. તેઓ જ્યારે પાછા ફર્યા ત્યારે તેમના વિચારોનાં એ મનોમથનો આ ગીતમાં વ્યક્ત થઈ રહ્યાં.

ગીતમાં સાખીના બોલમાં આશાવાદ કેવો છુપાઈને વ્યક્ત થઈ રહ્યો છે….

આ ફિલ્મનાં આશા ભોસલેનાં ત્રણ ગીતો ત્રણ અલગ અલગ ભાવને રજુ કરે છે  – એક છેડે મીઠડું હાલરડું, ખોયા ખોયા ચંદા ખોયે ખોયે તારે, છે તો બીજે છેડે કરૂણ ભાવનું પથ ભૂલા આયા એક મુસાફિર છે. તો વચ્ચે વળી લલચાવતો મુજરો પણ છે.

છોડ મેરી બૈયાં બાલમ બેઈમાન, આતે જાતે દેખ લેગા કોઈ = આશા ભોસલે

એવું લાગે છે કે ગીતને ફિલ્મમાંથી પડતું મુકાયેલું.

ઓ જગ કે રખવાલે હમેં તુજ઼ બિન કૌન સંભાલે – મન્ના ડે, કિશોર કુમાર અને સાથીઓ

કોઈ સાધુ જે ગીત ગાય તેમાં વાર્તાનાં મુખ્ય પાત્રને શાતા મળે, કે મુંઝવણમાંથી માર્ગ મળે પ્રકારનાં ગીતો હિંદી ફિલ્મોમાં બહુ અસરકારકપણે રજુ થતાં રહ્યાં છે. પ્રસ્તુત ગીત આમ તો આખું મન્ના ડેના સ્વરમાં જ છે. કિશોર કુમારે કોરસને ગીતની બાંધણીમાં વણી લઈને ગીતના ભાવને વધારે અસરકારક બનાવેલ છે.

કિશોર કુમાર તો છેક છેલ્લે ઈશ્વરને હવાલે પોતાની શ્રધ્ધા જ વ્યકત કરવા પુઅરતી એક પંક્તિ ગાય છે.

રાહી તુ મત રૂક જાના, તુફાં સે મત ઘબરાના  – હેમંત કુમાર

ફિલ્મનાં કથાવસ્તુને ટાઈટલ ગીતના માધ્યમથી કહેવાનો પ્રયોગ પણ બહુ વ્યાપકપણે થતો રહ્યો છે. આ પ્રકારનાં ગીતો ફિલ્મમાં અન્ય પ્રસંગોએ ફરી ફરીને પણ પ્રયોજાતાં હોય છે.

કિશોર કુમારે બંગાળી નાવિકોનાં ગાયનમાં પ્રચલિત એવી ભટીયાલી ધુન નો પ્રયોગ કર્યો છે. સ્વાભાવિક છે કે આવી રચનાને હેંમત કુમારથી વધારે સારો ન્યાય કોઈ ન જ કરી શકે !

હમ દો ડાકૂ (૧૯૬૭)

કિશોર કુમારની અંદર છુપાયેલો મશ્કરો અમુક અમુક સમયે દેખા દઈ જાય. આ વખતે તો તે  એક આખી કૉમેડી ફિલ્મમાં પરિણમેલ છે.

પગ ઘુંઘરૂં બાંધ ગુરુ નાચે રે – કિશોર કુમાર, કોરસ

આ તો નિર્ભેળ પેરોડી છે. એવું માનવામાં આવે છે કે આ ગીત પડતું મુકાયું હતું.

અલ્લાહ અલ્લાહ બંદે બંદગી મેં અલ્લાહ – કિશોર કુમાર અને અનૂપ કુમાર

ભાત ભાતના વેશ પહેરીને પછી એ વેશને અનુરૂપ ગીત પણ ગાઈ લેવું એ પણ હિંદી ફિલ્મોમાં કૉમેડી ભજવવાનો એક બહુ પ્રચલિત વિકલ્પ મનાતો રહ્યો છે.

અય હસીનોં નાઝનીનીનોં નજ઼ર ચુરા ચુરા – કિશોર કુમાર, આશા ભોસલે, ઉષા મંગેશકર, કોરસ

મશ્કરાઓને ક્લબમાં પહોંચાડી દો એટલે પાશ્ચાત્ય ઢબનાં ગીતથી શ્રોતાઓનો કંટાળો થોડો દૂર કરી શકાય !

દૂર કા રાહી (૧૯૭૧): –

કિશોર કુમારની કારકિર્દીના સંદર્ભમાં તો ‘દૂર કા રાહી’ શીર્ષક  કિશોર કુમારનું ઉપનામ ગણી શકાય. તેમની ગાયકીની સફર જ કેટલા ઉતાર ચડાવ છતાં લાંબે સુધી ફેલાઈ ! જોકે લોકપ્રિય ગાયકથી પણ તેમની પ્રતિભાની સરવણીઓ અવનવાં સ્વરૂપે દેખા દઈ જાય છે. ‘દૂરકા રાહી’માં જ તેઓ કથા અને પટકથા લેખક, નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા અને સંગીત નિર્દેશકની અનેક ભૂમિકાઓમાં છવાયેલા છે.યોગાનુયોગ પણ કેવો છે કે ફિલ્મનં બે ગીત લખ્યા બાદ શૈલેન્દ્ર પણ પરલોકની અનંત સફરે જવા નીકળી પડ્યા હતા અને ફિલ્મનું છેલ્લું ગીત રેકોર્ડ કરવાનું હતું ત્યારે જ મધુબાલા, કિશોર કુમારનાં બીજાં પત્ની, પણ આ ફાની દુનિયાથી વિદાય લઈ ગયાં.

ફિલ્મનાં બીજાં ગીતો એ ઈર્શાદે લખેલાં છે.

ચલી ચલી જાયે ઝિંદગીકી ડગર…. કભી ખત્મ ન હો યે સફર, મંઝિલ કી ઉસે કુછ ભી ન  ખબર, ફિર ભી ચલા જાયે, દૂર કા રાહી – હેમંત કુમાર

ગીતની ધૂનની બાંધણી અને ગાયકની પસંદગીમાં કિશોર કુમારની સંગીત દિગ્દર્શક તરીકેની સૂઝ દેખાય છે તો ગીતની વિડીયો ક્લિપ જોઈશું તો કિશોર કુમારની દિગ્દર્શક તરીકેની સૂક્ષ્મ દૃષ્ટિ પણ પરખી શકાય છે. પરિણામે શૈલેન્દ્રના આ ભવિષ્યવાણી સમા બોલ આપણાં મનન પર પણ છવાઈ જાય છે.

એક દિન ઔર ગયા હાયે રોકે ન રૂકા, છાયા અંધિયારા આજ ભી નાવ ન આઈ, આયા ન ખેવનહારા એક દિન ઔર ગયા -મન્ના ડે

મન્ના ડેના સ્વરની બુલંદીની મદદથી કિશોર કુમારે ગીતની ધુન માટે કરેલ બંગાળી લોકધુનની પસંદગી ગીતના બોલને વધુ અસરકારક બનાવી રહે છે.

આડવાત – આ ગીતનું બંગાળી સંસ્કરણ કિશોર કુમારે પોતાના સ્વરમાં જ ગાયુંછે.

દેખીતે રીતે આટલા ટુંકા સંગાથમાં શૈલેન્દ્ર અને કિશોર કુમાર એક અનોખી છાપ છોડી જાય છે.

શૈલેન્દ્રનાં ગીતોની ‘અન્ય’ સંગીતકારો કરેલ સંગીત રચનાઓની સફર હજુ આઅળ ચાલશે…..

Author: Web Gurjari

2 thoughts on “શૈલેન્દ્રનાં ગીતોની કિશોર કુમાર દ્વારા સ્વરબદ્ધ કરાયેલી રચનાઓ

 1. આ ગીતોમાં શૈલેન્દ્રની કમાલ તો છે જ, સાથેસાથે કિશોરકુમારનું સંગીતકાર તરીકેનું પાસું સુંદર રીતે ઉજાગર થયું છે. બહુ સરસ સંકલન, અશોકભાઈ! અભિનંદન.

  1. હા, બીરેનભાઈ, આ ગીતો આમ તો બહુ સાંભળ્યાં જ છે. અને ગમતાં રહ્યાં છે એટેલે તેની પાછળ કિશોર કુમારનાં સંગીતની અસર તો હશે જ.

   આજના લેખનો કેંદ્રવર્તી વિષય પણ એ જ રાખ્યો, પરંતુ સંગીતની બાબતે કોઈ એક તરફી સ્પષ્ટ અભિપ્રાય આપવા જેટલી ક્ષમતા નથી એ ખબર એટલે વિષયનાં કેંદ્રવસ્તુને આંતરપ્રવાહ સ્વરૂપે જ રાખવું યોગ્ય જણાયું હતું.

   તમને એ બાબત નજરે ચડી છે એટલે મને આનંદ છે કે મારો પ્રયાસ સાવ એળે નથી ગયો.

   ખૂબ ખૂબ આભાર.

Leave a Reply

Your email address will not be published.