બીરેન કોઠારી
તેમનું સૌ પ્રથમ દર્શન હજી એવું ને એવું યાદ છે. વર્ષ હતું ૧૯૯૧નું. કાનપુરના હરમંદિરસિંઘ ‘હમરાઝ’ દ્વારા સંપાદિત ‘હિંદી ફિલ્મ ગીતકોશ’ના વિમોચન સમારંભમાં હાજરી આપવા માટે જ ખાસ હું અને મારો ભાઈ ઉર્વીશ મુંબઈ ગયેલા. આખો મેળાવડો સંગીતપ્રેમીઓનો હતો. વીતેલા યુગના અનેક કલાકારો અહીં ઉપસ્થિત હતા. હરમંદિરસિંઘ ‘હમરાઝ’, બિશ્વનાથ ચેટર્જી, હરીશ રઘુવંશી જેવા ફિલ્મસંગીતમાં પાયાનું સંશોધન કરનાર સંપાદકો પણ અમારા માટે કોઈ સેલીબ્રિટીથી કમ નહોતા. એ સૌ એવા વિનમ્ર હતા કે એમના ઓટોગ્રાફ માંગીએ એટલે કહે ‘અમે ક્યાં કોઈ આર્ટીસ્ટ છીએ?’
જેને મળવાની યાદી અમે મનોમન બનાવી રાખેલી એ અમે મનોમન જ ટીક કરતા જતા હતા અને વિચારતા હતા કે હવે નલિન શાહ બાકી રહ્યા. પૂછવું તો કોને પૂછવું? કાર્યક્રમ શરૂ થતાં અગાઉ આવો જ મેળાવડો જામેલો. એવામાં કારાકુલ કેપ, ઝભ્ભો અને શેરવાની પહેરેલી એક વ્યક્તિ આમતેમ ફરી રહી હતી, અને પોતાના ઘેરા અવાજે સૌને ‘અરે જનાબ, આઈયે, આઈયે’ કહેતાં હળીમળી રહી હતી. એ કોણ હશે, એવો સવાલ થયો. સાંભળેલું કે પાકિસ્તાનના શાયર કતિલ શિફાઈ પણ આવવાના હતા. આ શિફાઈસા’બ તો નહીં હોય ને! છેવટે કોઈકને પૂછી જ લીધું એ સજ્જન વિષે. જવાબ મળ્યો, ‘વો નલિન શાહ હૈ.’ ઘડીક અમારા માનવામાં ન આવ્યું. આવા ન દેખાતા હોય નલિન શાહ! અમે બે-ત્રણ અલગ અલગ લોકોને પૂછીને ખાતરી કરી. છેવટે ખાતરી થઈ એટલે એમને અમે મળવા ગયા. અમારું નામ દઈને પરિચય આપ્યો એટલે એમણે ગુજરાતીમાં જ કહ્યું, ‘હા, તમારો કાગળ મળ્યો હતો.’ આ સાંભળીને અમને કેવી લાગણી થઈ હશે એ પત્રલેખન કરી ચૂકેલો કોઈ પણ વાચક સમજી શકશે. અમે એમને નિરાંતે મળવા આવવાની વાત કરી તો એમણે તરત કહ્યું, ‘ઘેર આવજો ને!’ આટલી સરળતાથી આવી વ્યક્તિ પોતાને ઘેર આવવાનું કહી દે એ જરા નવાઈની વાત હતી. એમના પણ અમે પરાણે ઓટોગ્રાફ લીધા.

પહેલી વાર જોનાર ભૂલાવામાં પડી જાય એવો એમનો દેખાવ! નલિન શાહને મળતાં એમ જ લાગે કે તેઓ કોઈ ઉર્દૂ શાયર હશે. ઉર્દૂ શાયરીનો તેમને જબરો શોખ, અનેક શેર તેમને કંઠસ્થ, એટલું જ નહીં, યોગ્ય પ્રસંગે એ યાદ પણ આવે. આને કારણે મહેફિલમાં તેઓ આસાનીથી લોકોને આકર્ષિત કરી શકતા. આ બાહ્ય દેખાવથી ભૂલાવામાં પડ્યા વિના તેમનો પરિચય કેળવવાનો પ્રયત્ન કરીએ તો હિન્દી ફિલ્મસંગીતના એક આગવા સંશોધક- ઈતિહાસકાર સુધી પહોંચી શકાય.
૨૧ જુલાઈ, ૨૦૨૨ને ગુરુવારના રોજ મુંબઈ ખાતે ૮૭ વર્ષની જૈફ વયે જેમનું અવસાન થયું એ નલિન શાહ હિન્દી ફિલ્મસંગીતના એક ચોક્કસ સમયગાળાના અનન્ય કહી શકાય એવા ઈતિહાસકાર હતા. ફિલ્મસંગીત યા ફિલ્મ બાબતે અજાણી, અવનવી, સાચીખોટી વાતો લખનાર કે રજૂ કરનાર સહુ કોઈને ‘ઈતિહાસકાર’નું લેબલ લગાડવામાં આવે છે, પણ નલિન શાહે પોતાની આગવી કહી શકાય એવી સંશોધન પદ્ધતિ વિકસાવી હતી.
થાણે જિલ્લાના દહાણુ તાલુકાના નાનકડા ગામ ચીંચણીમાં 1934માં તેઓ જન્મેલા. આગળ જતાં તેઓ અંગ્રેજી વિષય સાથે બી.એ.થયા અને એલ.આઈ.સી.માં ડેવલપમેન્ટ ઑફિસર બન્યા, તેમજ ‘વેસ્ટ ઝોન ડેવલપમેન્ટ ઑફિસર્સ યુનિયન’ના નેતા રહ્યા. તેમની અદ્ભુત વાક્છટાને કારણે એલ.આઈ.સી.માં પણ તેઓ લોકપ્રિય બની રહેલા.
નલિન શાહે પં. જગન્નાથ પ્રસાદ પાસે શાસ્ત્રીય ગાયનની બાકાયદા તાલિમ લીધેલી. ગાયક મુકેશ અને અભિનેત્રી- ગાયિકા નૂતન પણ આ ગુરુ પાસે તાલિમ લઈ ચૂકેલાં. એ જ અરસામાં કિર્તીદા નામની એક યુવતી શાસ્ત્રીય નૃત્ય શીખવા આવતી. બન્નેનો પરિચય પ્રેમમાં અને અંતે લગ્નમાં પરિણમ્યો. કિર્તીદાબહેને નલિન શાહનો સાથ આજીવન નિભાવ્યો.
નલિન શાહે હિન્દી ફિલ્મસંગીત વિશે ૧૯૭૧માં લખવાનું શરૂ કર્યું. તેઓ અંગ્રેજીમાં લખતા હોવાથી પ્રતિષ્ઠિત ફિલ્મ સામયિકો તેમજ અખબારોમાં તેમના લેખ પ્રકાશિત થતા. ‘ફિલ્મફેર’માં તેમણે વીસરાયેલા મહાન સંગીતકારો પરની શ્રેણી દ્વારા વિનોદ, ગુલામ હૈદર, હુસ્નલાલ ભગતરામ, જમાલ સેન, ખેમચંદ પ્રકાશ, એસ.એન. ત્રિપાઠી જેવા સંગીતકારોની કેટલીય ઓછી જાણીતી વાતો, અધિકૃત સ્રોત સાથેની વાતચીત થકી તેઓ પ્રકાશમાં લાવ્યા. ખરું કહીએ તો આ ધુરંધર સંગીતકારોના અસલી પ્રદાનની નક્કર વાતો આ રીતે પહેલી વાર જ લખાઈ. ‘પ્લેબેક એન્ડ ફાસ્ટ ફોરવર્ડ’ નામના મેગેઝીનમાં પણ તેમની કોલમ આવતી.
અંગ્રેજી ‘મીડ ડે’માં એકાંતર શુક્રવારે આવતા આખા પાનાના તેમના લેખ ખૂબ લોકપ્રિય થયા. સામાન્ય વાચકો ઉપરાંત ફિલ્મક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક લોકો તેમનાં લખાણોનાં ચાહક બની રહેલા.
તેમની લેખનશૈલી આગવી અને પોતે વિકસાવેલી હતી. ભાષાની અભિવ્યક્તિની સાથેસાથે યોગ્ય શબ્દોની પસંદગી અને તેની સાથે ઉભો કરવામાં આવતો મુદ્દો તેમજ માહિતીની સાથેસાથે પરિમાણ પણ ભળેલું હોય. કશી વાત અનુમાન આધારીત કે અદ્ધરતાલ ન હોય. કોઈ પણ બાબત તેઓ ખાતરી કર્યા વિના નહોતા લખતા. એક વાર વાત નીકળી કે સંગીતકાર શૌકત હૈદરી અને શૌકત દહેલવી બન્ને એક જ કે અલગ? નલિન શાહને ખ્યાલ હતો કે બન્ને એક જ છે, છતાંય એ ખ્યાલ નવ્વાણુ ટકા હતો, સો ટકા નહીં. આની ખાતરી શી રીતે કરવી? તેમણે સીધો જ ગાયિકા મુબારક બેગમને ફોન જોડ્યો અને આની સ્પષ્ટતા પૂછી. શૌકત દહેલવીના સંગીત નિર્દેશનમાં ગાઈ ચૂકેલાં મુબારક બેગમે ખરાઈ કરી કે બન્ને એક જ વ્યક્તિ છે. તેમના આવા આગ્રહને લઈને તેમની કલમની જબરદસ્ત વિશ્વસનીયતા ઉભી થઈ. અનેક કલાકારોની આત્મીયતા તેમને પ્રાપ્ત થઈ.

(ડાબેથી): ઈન્દીવર, અનિલ બિશ્વાસ, પ્રદીપ અને નલિન શાહ
વીતેલા યુગના અનેક કલાકારો સાથે તેમણે ઘરોબો કેળવ્યો હતો, અનિલ બિશ્વાસ, નૌશાદ, સી. રામચંદ્ર, ઓ.પી.નય્યર, એસ.એન.ત્રિપાઠી જેવા સંગીતકારો, તલત મહેમૂદ, જી.એમ.દુર્રાની, રાજકુમારી, જોહરાબાઈ અંબાલેવાલી, મીના કપૂર જેવા ગાયકો, પ્રદીપ, ઈન્દીવર, કમર જલાલાબાદી જેવા ગીતકારો સહિત બીજા અનેક કલાકારોને તેઓ નિયમીતપણે મળતા રહેતા, તેમજ ફોન દ્વારા સંપર્કમાં રહેતા. આ કલાકારો પણ નલિન શાહને ત્યાં કદીક એકઠા થતા. પણ કોઈની આભામાં આવ્યા વિના નલિન શાહ તથ્યોને ચકાસતા. તેઓ કહેતા, ‘કોઈ પણ વ્યક્તિ કશો દાવો કરે તો એને એમ ને એમ માની લેતાં પહેલાં આપણી કોમન સેન્સ વાપરવાની. ત્યાર પછી એની અધિકૃતતા ચકાસવાની.’ તેઓ દાવાની અધિકૃતતા એક વાર ચકાસીને વાત પૂરી ન કરે, બલ્કે સમયાંતરે એની એ વિગત અલગ રીતે પૂછતા રહે. નૌશાદ, પ્રદીપ કે અન્ય કોઈએ કોઈના વિષે અમુક વાત કરી હોય, તો એ જ વાત થોડા સમય પછી બીજી રીતે ફરી પૂછવાની. કારણ? તેઓ કહેતા કે કોઈ કલાકાર જાણીબૂઝીને ખોટું ન બોલે, પણ પોતાના મનમાં રહી ગયેલી સ્મૃતિને આધારે તે કશું જણાવતા હોય. આથી એ વિગતને અલગ અલગ સમયે, જુદી જુદી રીતે પૂછતા રહેવું જરૂરી છે.

નલિન શાહની સંશોધનપદ્ધતિ અને તથ્યચકાસણી કેવાં હતાં એ એક ઉદાહરણથી વધુ ખ્યાલ આવશે. સંગીતકાર નૌશાદનો દાવો છે કે તેમનું સંગીતબદ્ધ કરેલું ‘શાહજહાં’ (1946)નું કે.એલ.સાયગલે ગાયેલું ગીત ‘જબ દિલ હી તૂટ ગયા’ સાયગલની ‘ઈચ્છા અનુસાર’ તેમની અંતિમ યાત્રામાં વગાડવામાં આવ્યું હતું. પોતાના દરેક ઈન્ટરવ્યૂમાં નૌશાદ આ વાત કહેતા. નલિન શાહ નૌશાદ સાથે ગાઢ સંબંધ ધરાવતા હતા, છતાં આ દાવો તેમને સામાન્ય બુદ્ધિથી ગળે ઉતરતો ન હતો. તેમણે એવી ત્રણ વ્યક્તિઓને શોધી કાઢી જેઓ સાયગલની અંતિમ યાત્રામાં ઉપસ્થિત હતા. એ પૈકીના એક મદન પુરી અને અમરીશ પુરીના મોટા ભાઈ ચમન પુરી. તેમને આવું કોઈ ગીત વાગ્યું હોવાનું બિલકુલ યાદ નહોતું. અન્ય બે વ્યક્તિઓએ પણ એમ જ જણાવ્યું. એ પછી તો નલિન શાહે સાયગલની કર્મભૂમિ કોલકાતા અને જલંધરમાં આવેલા સાયગલના ઘરની પણ મુલાકાત લીધી. સાયગલનાં પરિવારજનોને તેઓ મળ્યાં. સાયગલનાં ભાભીએ સહેજ ઉપાલંભના સૂરે કહ્યું, ‘ઘર મેં જવાન મૌત હોતી હૈ તો ગાનાબજાના હોતા હૈ ક્યા?’

કે.એલ.સાયગલના હાર્મોનિયમ પર આંગળાં ફેરવી રહેલા નલિન શાહ)
જલંધરની આ મુલાકાતના ફળસ્વરૂપે સાયગલના અંતિમ દર્શનની અતિ દુર્લભ તસવીરો તેમના સંગ્રહનો હિસ્સો બની, જે પહેલવહેલી વાર જાહેરમાં આવી હતી. આવી અનેક દુર્લભ ચીજો તેમનો સંગ્રહ શોભાવતી હતી. સંગીતકાર અનિલ બિશ્વાસે ગાયિકા (અને લતા મંગેશકરનાં બહેન) મીના મંગેશકરને લખેલો પત્ર, લેખક-દિગ્દર્શક રામચંદ્ર ઠાકુરે સંગીતકાર અનિલ બિશ્વાસને લખેલો પત્ર, જેમાં ‘સાગર મુવિટોન’ના દિવસો દરમિયાન તેમણે કરેલા પાર્શ્વગાયનના અખતરાઓની વાત હોય, સંગીતકાર એસ.એન.ત્રિપાઠીના હસ્તાક્ષરમાં લખાયેલી ફિલ્મની સ્ક્રીપ્ટ, સંગીતકાર શ્યામસુંદરનું ડેથ સર્ટિફિકેટ અને બીજું અનેક.

જે સમયગાળામાં જૂનાં ગીતો સાંભળવાં દુર્લભ હતાં ત્યારે વીતેલા જમાનાના ઘણા કલાકારો પોતે ગાયેલાં કે સંગીતબદ્ધ કરેલાં ગીતો સાંભળવા માટે નલિન શાહનો સંપર્ક કરતા.

તેઓ કેવળ સંગ્રાહક બની નહોતા રહ્યા. માહિતી દુર્લભતાની સાથોસાથ તેનું પરિપ્રેક્ષ્ય સૌથી મહત્ત્વનું છે, જે નલિન શાહની વિશેષતા અને એથી આગળ વધીને કહીએ તો, અનન્યતા હતી. ગુલશનકુમારની કંપની ‘ટી સિરીઝ’ શરૂ થયા પછી તેણે જાણીતાં જૂનાં ગીતો વંદના બાજપાઈ, વિપીન સચદેવ જેવા પ્રમાણમાં અજાણ્યા ગાયકો પાસે ગવડાવીને કેસેટ બહાર પાડવા માંડી એટલે ખ્યાતનામ રેકોર્ડ કંપની ‘એચ.એમ.વી.’એ ગુલશનકુમાર પર ‘પાઈરસી’નો આરોપ મૂક્યો. ઈતિહાસના જ્ઞાતા નલિન શાહે એ સમયે પોતાના એક લેખમાં લખેલું કે ખુદ ‘એચ.એમ.વી.’એ ૧૯૩૦ના દસકામાં ‘યંગ ઈન્ડિયા’ રેકોર્ડ કંપનીની દેખાદેખીમાં ‘પાઈરસી’ના પ્રયત્નો કર્યા હતા. પ્રતિસ્પર્ધી કંપનીનાં જાણીતાં ગીતો અન્ય ગાયક પાસે ગવડાવવાની પ્રથાની જનેતા જ ‘એચ.એમ.વી.’ હતી. આવાં ગીતો ‘વર્ઝન સોંગ’ તરીકે ઓળખાતાં. નલિન શાહનો આ લેખની નકલો ગુલશન કુમારે નોયડામાં પ્રેસ કોન્ફરન્સ બોલાવીને તેમાં વહેંચી હતી. નલિન શાહનાં લખાણો સાથે અમારો સૌ પ્રથમ પરિચય ‘ટી. સિરીઝ’ના ફિલ્મમાસિક ‘પ્રિયા’ થકી થયેલો. ‘માધુરી’ના સંપાદક રહી ચૂકેલા વિનોદ તિવારી ‘પ્રિયા’ના સંપાદક હતા, અને તેમણે ‘માધુરી’ની જેમ જ આ માસિકને વાંચનસમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરેલો.
આકાશવાણીના ઉદ્ઘોષકો દ્વારા જ રાતનો ‘છાયાગીત’ કાર્યક્રમ રજૂ કરવાની પોતાની વરસો જૂની પરંપરામાં અપવાદ કરીને આકાશવાણીના મુંબઈ કેન્દ્રે નલિન શાહને ગાયક, સંગીતકાર પર એક શ્રેણી તૈયાર કરવાનું નિમંત્રણ આપેલું, જેમાં લેખન ઉપરાંત રજૂઆત પણ તેમની જ હતી. ‘વિશેષ છાયાગીત’ શીર્ષકથી પ્રસારીત થયેલી આ શ્રેણીમાં વિવિધ કલાકારો પર તૈયાર કરાયેલા કાર્યક્રમોની તેમણે કરેલી રજૂઆત ખૂબ વખણાઈ હતી.
તેમની લખેલી સ્ક્રીપ્ટ પરથી ‘ગાતા જાયે બંજારા’ નામે ચાર હપ્તાની શ્રેણીનું નિર્માણ કરવામાં આવેલું, જેનું દિગ્દર્શન સિદ્ધાર્થ કાકે કરેલું. જો કે, દૂરદર્શન પર પ્રસારિત થયેલી આ શ્રેણીમાં સિદ્ધાર્થ સ્ક્રીપ્ટને યોગ્ય ન્યાય આપી શક્યા નહોતા.
૧૯૯૦ના દાયકામાં નલિન શાહ ચેન્નાઈના પ્રવાસે ગયેલા. એ સમયે ઈલૈયા રાજા અને એ.આર.રહેમાન સાથે તેમની મુલાકાત ગોઠવાયેલી. અલબત્ત, એક રેકોર્ડિંગમાં વ્યસ્ત હોવાને કારણે ઈલૈયા રાજાએ માત્ર પાંચ જ મિનીટ ફાળવી હતી. આટલા અલ્પ સમયમાં પણ નલિન શાહ પાસેથી મળેલી હિન્દી ફિલ્મસંગીતના ઈતિહાસની ઝલકને કારણે પાંચ મિનીટની એ મુલાકાત પાંચ કલાક સુધી લંબાઈ, અને તેનું સમાપન એટલા માટે કરવું પડ્યું કે એ.આર.રહેમાનને મળવા જવાનો સમય થઈ ગયો હતો. અત્યંત પ્રસન્ન થયેલા ઈલૈયા રાજાએ પોતાના હસ્તાક્ષરમાં લખાયેલા એક ગીતનો મ્યુઝિકલ સ્કોર તેમને ભેટ તરીકે આપેલો.
જૂનાં હિન્દી ગીતોને લગતા કાર્યક્રમોના સ્વરૂપમાં નલિન શાહે ધરમૂળથી પરિવર્તન આણેલું. પઠાણી લિબાસમાં કાશ્મીરી ટોપી ધારણ કરેલા નલિન શાહ અસ્ખલિત ઉર્દૂમાં વીસરાયેલા કલાકારોની વાત કરતાં કરતાં હિન્દી ફિલ્મસંગીતના ઈતિહાસની રજૂઆત કરતા અને તેમાં જૂનાં ગીતોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં રજૂ કરતા. ‘સરગમ કા સફર’ નામનો તેમનો આવો કાર્યક્રમ અનોખા પ્રકારનો હતો. તેમના અતિ પ્રિય ગાયક કુંદનલાલ સાયગલ પરનો તેમનો કાર્યક્રમ અનેકાનેક જાણકારીઓથી સભર હોવાની સાથેસાથે એટલો જ સંવેદનસભર બની રહેતો, અને દર્શકો તેના પ્રવાહમાં રીતસર વહી જતા. અમદાવાદની ‘ગ્રામોફોન ક્લબ’ માટે તેમણે અનેક અદ્ભુત કાર્યક્રમો રજૂ કર્યા હતા.

સાયગલ સાથે સંકળાઈ ચૂકેલા અનેક લોકોને તેઓ મળ્યા હતા અને મળતા રહ્યા હતા. એ યુગનું ભાગ્યે જ કોઈ હયાત રહ્યું હોય એવી શક્યતા સાથે પણ તેમની સંશોધનયાત્રા ચાલુ રહેલી, પરિણામે સાયગલના ડ્રાઈવર રહી ચૂકેલા પૉલ સાથે તેમની મુલાકાત શક્ય બનેલી. તેમના લેખન અને સંશોધનશૈલીના અમારા જેવા અનેક ચાહકોનો આગ્રહ હતો કે સાયગલ વિશે અનેક પુસ્તકો ઉપલબ્ધ છે, પણ નલિન શાહે એક પુસ્તક લખવું જોઈએ. સાયગલ વિશેનું પુસ્તક લખવાનો તેમણે આરંભ કરેલો, અને ૨૦૦૮-૦૯થી ૨૦૧૨-૧૩ના સમયગાળામાં આ હેતુથી મારા વડોદરાના ઘરે તેઓ આવીને વરસમાં આઠ- દસ દિવસ રહેતા. એ પુસ્તક આગળ વધ્યું, પણ પૂરું ન થઈ શક્યું. આવા રોકાણ દરમિયાન આકાશવાણી, વડોદરાના તત્કાલીન સ્ટેશન ડિરેક્ટર યજ્ઞેશ દવેના સૂચનથી હિન્દી ફિલ્મસંગીતની સફર તેમજ સંગીતકાર નૌશાદ વિશે નલિન શાહના સુદીર્ઘ ઈન્ટરવ્યૂ લેવાનો મોકો મને પ્રાપ્ત થયો હતો, જે શ્રેણી તરીકે રેડિયો પરથી પ્રસારિત થયા હતા.
દિલ્હી તેમનું પ્રિય સ્થળ હતું. વરસમાં ઓછામાં ઓછું એક વખત તેઓ દિલ્હીની મુલાકાત લેતા, અને અનેક મિત્રોને મળતા. આવા એક અનૌપચારિક મિલનમાં નલિન શાહ સંગીતકાર શ્યામસુંદર, વિનોદ વિશે વાત કરતા આ ક્લીપમાં સાંભળી શકાશે. આ ક્લીપમાં તેમની શૈલી, દુર્લભ માહિતી અને તેની રજૂઆત, અને યોગ્ય સમયે યોગ્ય પંક્તિઓ ટાંકવાની ખાસિયતનો બરાબર અંદાજ મળી રહે છે.
તેમનાં સંતાનોમાં પુત્ર હેમલ અને પુત્રી અમ્રિતા શાહ પૈકી અમ્રિતાબહેને વિવિધ સંશોધનલક્ષી પુસ્તકો લખેલાં છે, તેમજ તેઓ પ્રતિષ્ઠિત સામયિકોનું સંપાદકપદ શોભાવી ચૂક્યાં છે.
‘મીડ ડે’માં પ્રકાશિત થયેલા નલિન શાહના અંગ્રેજી લેખોનું સંકલન ‘Melodies, Movies and Memories’ પ્રકાશિત કરી શકાયું. આ તેમનું પહેલવહેલું અને એક માત્ર પુસ્તક, જે અમદાવાદસ્થિત ‘સાર્થક પ્રકાશન’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું. તે અનેક અજાણી, અનન્ય અને આગવી માહિતી તેમજ તસવીરોથી સભર છે. ‘વેબગુર્જરી’ પર આ પુસ્તકમાંના પ્રકરણોનો ગુજરાતી અનુવાદ મૂકવાની પરવાનગી તેમણે ઉદારતાપૂર્વક આપી હતી. પિયૂષભાઈ પંડ્યા આ લખાણોને ગુજરાતીમાં ઊતારીને ‘વેબગુર્જરી’ માટે પીરસી રહ્યા છે.
‘વેબગુર્જરી’ સાથે નલિન શાહનું અન્ય એક જોડાણ એટલે તેમની સૌ પ્રથમ નવલકથા ‘પ્રથમ પગલું.’ અગાઉ કદી કોઈ નવલકથા ન લખનાર નલિન શાહ આ નવલકથા અને તેનાં પાત્રો બાબતે અતિશય રોમાંચિત હતા. વડોદરાના મારે ઘેર કરેલા એક રોકાણ દરમિયાન તેમણે આ નવલકથાનો છેલ્લો હિસ્સો લખેલો. આ નવલકથાનું શિર્ષક તેમણે ‘પ્રાયશ્ચિત’ રાખેલું, જે પછી બદલીને ‘પ્રથમ પગલું’ રાખ્યું. તેના પ્રથમ વાચનનો લાભ મને અને મારી પત્ની કામિનીને મળ્યો હતો. આમાંના ઘણાં પાત્રો અસલ પાત્રો પરથી પ્રેરિત હતાં. નલિન શાહનાં ગુજરાતી લખાણમાં જોડણીની ચૂક રહેતી, પણ ભાષા એકદમ સચોટ હતી. ‘વેબગુર્જરી’ પર આ નવલકથા ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત કરી શકાઈ એનો આનંદ છે, તો નવલકથાના સમાપન સાથે તેમની જીવનલીલાનું સમાપન થયું એનો અફસોસ પણ ખરો.

તેમનું વતન એવા ચીંચણી ગામમાં પોતે વીતાવેલા બાળપણનાં સંભારણાં તેઓ પોતાની જ્ઞાતિના સામયિક ‘પોરવાડ સંદેશ’માં ‘જાને કહાં ગયે વો દિન’ શિર્ષકથી આલેખતા હતા. તેના છએક હપતા તેમણે લખેલા, જેને ખૂબ સારો પ્રતિસાદ મળેલો. એ શ્રેણી તેમણે જ અધૂરી છોડી હશે.

હિન્દી ફિલ્મસંગીતના એક ચોક્કસ યુગના ઈતિહાસની તેમની પાસેની અમુક વિગતો પુસ્તકરૂપે સચવાઈ એ આશ્વાસન ખરું, પણ એથી અનેકગણી ઈતિહાસલક્ષી વિગતો તેમની સાથે જ વિલય પામી એનો અફસોસ કાયમી રહેવાનો!
દિલ્હી દૂરદર્શન પર રજૂ થયેલો નલિન શાહનો એક ઈન્ટરવ્યૂ અહીં જોઈ-સાંભળી શકાશે.
નંદિની ત્રિવેદી દ્વારા લેવાયેલી નલિન શાહની મુલાકાત અહીં જોઈ –સાંભળી શકાશે.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
માહિતી સભર લેખ.આભાર બિરેનભાઈ
એક સમર્પિત જીવનને તમે આ લેખમાં અન્નકુટ સજાવીને અંજલિ આપી છે. સદ્ગતને નમન.
87 વરસની ભરપૂર જિંદગી જીવીને વિદાય લે તેને માટે આથી વધારે ઉચિત લખાણ હોઈ ન શકે.
નલીનભાઈને રૂબરૂ ન મળાયું એનો વસવસો કરવા કરતાં તેમની સાથે ટેલિફોનથી વાત થઈ શકી એનો સંતોષ છે.