નિત નવા વંટોળ
પ્રીતિ સેનગુપ્તા
તો શું તમે એમ માનો છો કે બધાં અમેરિકનો પોતાના સાહિત્યાકાશમાંનાં જાજ્વલ્યમાન સર્જક-સિતારાઓથી પરિચિત હોય છે? એમની કૃતિઓ તો શું, પણ એમનાં નામથી પણ? – વોલ્ટ વ્હિટમેન, એમિલી ડિકિન્સન, રૉબર્ટ પેંન વૉરન, માર્ક મૅંડૉફ, રેમન્ડ કાર્વર, જોંઇસ
કેરલ ઓટ્સ? ને આ તો જૂનાં-નવાં, વિદ્વાન-લોકપ્રિય, કવિ-લેખકોનાં નામની તદ્દન ટૂંકી યાદી છે, ફકત ઉદાહરણ તરીકે. અમેરિકાની વસ્તીમાં કેટલાને પોતાના જ સાહિત્ય અંગે રસ કે જાણકારી હશે?
અમેરિકનોની ભાષામાં જે નબળાઈઓ આવી રહી છે એ માટે અમેરિકન ભાષાવિદો પણ ચિંતા સેવતાં જ હશે ને? આજના જમાનામાં, કે જ્યારે “ભાષા” જેવો શબ્દ કૉમ્પ્યુટરની કોઈ લૅન્ગ્વેજના સંદર્ભે વપરાય છે ત્યારે પ્રજાના અધિકાંશને નથી રહ્યો સર્જનની ભાષાની વૃદ્ધિમાં રસ કે નથી એની શુદ્ધિમાં રસ. ઘણી ક્ષતિઓ ને વિચિત્રતાઓ અમેરિકન-ઇગ્લિશના નેજા હેઠળ સ્વીકારી લેવામાં આવે છે. એ રીતે આગવા વ્યફ્તિત્વવાળી ભાષા તૈયાર થઈ પણ છે, પણ મૌલિક્તાના નામથી બધી નબળાઈઓ સ્વીકારવી ના જોઈએ. આવી ચર્ચા અમેરિકન સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓમાં થતી જ હશે, એમાં શંકા ના હોઈ શકે.
હું કહેવા એ માગું છું કે ભાષા અંગેની ચિંતા ફફત આપણને ગુજરાતીઓને જ નથી હોતી. સર્જનાત્મક ભાષા અને સાહિત્યમાં જેમનો જીવ પરોવાયેલો હોય તેવા લોકોની સંખ્યા ઘણી ઓછી હોય છે, એ હકીકત સૌથી વધારે ચિંતાજનક અને પીડાકારક છે. કમ્પ્યુટરની ભાષા શીખવી ઘણી અઘરી હોય છે, પણ એની પાછળ લોકો કેટલી મહેનત કરે છે. તો માતૃભાષા અને સર્જનની ભાષાથી લોકો કેમ ગભરાય છે? કેમ દૂર ભાગે છે? એમાં રસ કે જાણકારી કેળવવા કેમ એ પ્રયત્ન કે મહેનત કરતા નથી?
સર્જનની ભાષા કેટલી હદ સુધી સહેલી હોવી જોઈએ? આલેખ-રેખાના કયા નિમ્ન બિંદુ પર એની કક્ષા હોય તો એ લોકભોગ્ય ગણાય? “સરળ’નો અર્થ “સાધારણઃ થતો જોઉ છું
ને મનમાં છરીઓ ભોંકાતી લાગે છે. ધ્યાન અને વિચાર વિષેની એક અંગ્રેજી ચોપડીનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું કામ મેં એક વાર માથે લીધેલું, કારણકે જૂથનાં ઘણાં સદસ્યોને અંગ્રેજીમાં એ બધી વિગતો સમજાતી નહતી. ગુજરાતી અનુવાદથી બધાં ખૂબ ખુશ થયાં, ને તેથી મને પણ આનંદ થયો. છતાં થોડાં જણ એવાં નીકળ્યાં ખરાં, જેમણે મને કહ્યુ કે સહેલું ગુજરાતી વાપરવું હતું ને.
મને સમજાતું નથી કે સહેલું એટલે કેવું? કશા જ પ્રયત્ન વગર સમજાય તેવું સહેલું? એમ કરતાં ભાષાનાં સૌંદર્ય અને સમૃદ્ધિને ભૂલવાં પડે તો ચાલે? તો શું સમજવા માટે શબ્દકોષ ખોલી ના શકાય? પ્રયત્ન કરવામાં પણ મઝા હોય છે. એ પછી થતી જાણ, સરસ નવી ઓળખાણની જેમ, નિર્ભેળ આનંદ આપી શકે છે. આટલું જ જો લોકો યાદ રાખે તો? એ શું બહુ જ અઘરી બાબત છે? જો પુખ્ત પ્રજા, અને મા-બાપો જ, ભાષાથી વિમુખ હોય તો પછીની પેઢીમાં માતૃભાષા માટે પ્રેમ ક્યાંથી આવવાનો? અને અહીં અમેરિકામાં ઉછરતી પેઢી માટે કઈ માતૃભાષા ગણાય? અમેરિકન-અંગ્રેજી કે મા-બાપની મૂળ ભાષા? આ પેઢીનાં મૂળિયાં ખરેખર ક્યાં રહેલાં ગણાય?
જવાબ વગરના, ઉકેલ વગરના ગમે તેટલા પ્રશ્રો પુછાયા પછી પણ એક વાત સ્પષ્ટ દેખાય છે – તે એ કે દુનિયાની નાની નાની અનેક આદિવાસી કોમની જબાનની જેમ આપણી ભાષાનો લોપ થવાનો નથી. હા, એના ભુંસાઈ જવાનો ડર નથી, પણ એ ઉત્તરોત્તર નબળી, પાંખી અને નિસ્તેજ બનતી જશે, એ ડર અવશ્ય છે.
વિદેશવાસી ગુજરાતીઓ દ્વારા લખાતી ગુજરાતી ભાષાને પણ આ જ ભયસ્થાનો નડતાં રહેવાનાં, એ ખ્યાલ સતત રાખવો જર્રી છે. આવાં લખનારાંની પાસે જેટલું હશે તેટલું, કે એનાથી ઓછું, એ યુવા પેઢીને આપી શકશે. પુખ્ત પેઢીની સભાનતામાં આટલું તો સતત રહેવું
જ જોઈએ.
વિષય-વસ્તુની બાબતમાં વિદેશોમાં વસતાં ગુજરાતી લેખકો માટે બે-ત્રણ મુશ્કેલીઓ છે. ત્યાંનાં કળા, સાહિત્ય, વાતાવરણ વગેરેથી પરિચિત થયાં હોય એમને માટે પણ.
એક, દરેક ભાષા અમુક જ પ્રકારના વિષયોનો ભાર વહન કરી શકે છે. સાવ જુદી જ જાતનાં જીવન અંગેની વાતો બીજી દરેક ભાષા અને એના વાચક-વર્ગને જચવાની નથી.
બીજું, પશ્ચિમી પાત્રો કે વિષયોના નિરૂપણ માટે પશ્યિમી ભાષા વાપરવાની જરૂર પણ પડવાની, જેને કારણે આપણી ભાષા ભેળસેળવાળી લાગવાની. આવી રીતે કેવું સાહિત્ય સર્જાવાનું? વળી, આપણા લેખકને પશ્ચિમી ભાષાની પુરેપુરી અને સાહિત્યિક કક્ષાની હથોટી પણ હોવી જ જોઈએ ને?
ત્રીજું, પશ્ચિમી જીવન તથા વિષયોથી યુફત કથા-વાતીઓ આપણા વાચકવર્ગને ગમશે? તંત્રીઓ એ છાપવા તૈયાર થશે?
ઉપરાંત, દુનિયાની બીજી ભાષાઓનાં મોટા ભાગનાં લેખકો પોતાની જન્મભૂમિ, ને પોતાના અતીતના અનુભવો વિશે લખી લખીને જ દેશ-વિદેશોમાં વિખ્યાત બનતાં હોય છે. વિખ્યાત બનેલાં ઇન્ડિયન પણ ક્યાં પોતપોતાની માતૃભાષામાં લખે છે? મોટાં નામ પામી રહેલાં સર્વ ઇન્ડિયન સર્જકો અત્યારે અંગ્રેજીમાં લખી રહ્યાં છે, અને શું છે એમનાં ખ્યાતનામ પુસ્તકોના વિષયો? એ તો ભારતીય જીવન, વાતાવરણ, રીતરિવાજો વગેરે પર જ આધારિત હોય છે.
હું તો એ પણ જોઈ રહી છું કે નાની ઉમરે મા-બાપ સાથે પરદેશ વસવાટ માટે ગયેલાં, ને પરદેશમાં ઉછેર પામેલાં યુવા પેઢીનાં સદસ્યો પણ હજી ભારતીય મૂળિયાંમાંથી જ વિષયો ખેંચી રહ્યાં છે. અલબત્ત, લેખનની ભાષા અંગ્રેજી છે. હા, મા-બાપની માતૃભાષાના શબ્દોનાં થોડાં છાંટણાં થતાં રહેવાનાં, કારણકે એ “ફૅશન”માં અને “મૌલિકતા”માં ખપે તેવો ઉદ્દેશ હોય છે. આવી રીતમાં તકવાદીપણું અને અધકચરાપણું પણ રહેલાં છે જ.
કદાચ પરદેશમાં જન્મેલી ત્રીજી – કે ચોથી – પેઢી પશ્ચિમી જીવન તથા સાહિત્યના મુખ્ય પ્રવાહમાં સફળ થઈને વહી શકશે. એ વખતે એમનાંમાં ગુજરાતી સહિત્યિક સ્તરે તો નહીં જ હોય, પણ બોલચાલના સ્તરે પણ નહીં હોય.
જંગલી આખલાના બે તીક્ષ્ણ શિંગડાં જેવા આ પ્રશ્રો છે – નબળી થતી જતી ભાષાને સંકોર્યા કરવી જોઈએ, કે પશ્ચિમી સાહિત્યના માહોલમાં સાચી સફળતા મળે તો તેને વધાવી લેવી જોઈએ?
પ્રશ્નો કરવામાં આવે, ઊંડી ચિંતા થતી રહે, એ બરાબર છે, પણ સૌથી વધારે અગત્યની વાત એ છે કે આપણે દરેક જણ ભાષાની શુદ્ધિ અને સમૃદ્ધિ માટે આગ્રહ રાખીએ, એને સબળ રાખવા માટે શ્રમ કરતાં રહીએ. આ આવશ્યકતા છે, દરેક જણની જવાબદારી છે.
સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે
ન સમજાય તેવી ભાષા
પ્રસ્તુત લેખ સુ. સમજાવુ છે એમા નિષ્ફળ ગયો છે એવુ મને લાગે છે
I may be wrong