તેરે બાદ-૫

પારુલ ખખ્ખર

તારા ગયા પછી-હા જીવું છું. જીવી શકાય, કોઈના ગયા પછી પણ જીવાતું હોયય છે.રીસાઇ ગયેલી જાતને અને કલમને મનાવવા કંઇ કેટલીયે આળપંપાળ કરાતી હોય છે.અને તોયે નથી જાત માનતી કે નથી કલમ ! આજે લખવા બેઠી છું તો જાણે હજારો વર્ષોના અંતરાલ પછી કલમ હાથમાં લીધી હોય એવું અડવું અડવું લાગે છે.પણ અંદર હાહાકાર કરતાં, ઉત્પાત મચાવતાં શબ્દો ધક્કામુક્કી કરતાં બહાર આવવા મથે છે એને રસ્તો નહી આપું તો એ મારા ખંડિત અસ્તિત્વને વેરણછેરણ કરીને પણ આવી જશે.

તું ક્યારેય વિચારે છે કે હું કેમ હોઈશ ?કદાચ નહી જ વિચારતો હોય. તને તારામાંથી જ ફુરસત ક્યાં છે!તું ગયો- જતાંજતાં એકપછી એક દરવાજા બંધ કરતો ગયો, જાણે કાળમીંઢ દિવાલો ચણતો ગયો.તું નહી માને પણ જ્યારે તું દિવાલો ચણી રહ્યો હતો ત્યારે મને હતું કે અરે … આ તો પોતાની જાતને કેદ કરી રહ્યો છે. એ દિવાલોમાં એક નાનકડો ગોખલો ખુલ્લો રાખ્યો છે તે જાણીજોઇને… ત્યાંથી દિવાલની પેલેપારનું જોઈ શકાય છે.એકવાર એ બાકોરામાંથી જોયું તો અવાક્ થઈ જવાયું કે અરે…આ દિવાલો તો મારી ચોતરફ છે. કાળી-અંધારી-ઊંચીઊંચી દિવાલોમાં કેદ તો હું છું! તું તો મુક્ત જ છે. આ બાકોરામાંથી તારી સફળતાઓ, સિદ્ધીઓ, ઇનામ, અકરામ, તારી તમામ દેખીતી પ્રવૃતિઓ જોઈ શકાય છે.અલિપ્ત થઈને જોયા કરું છું દિવાલની એ તરફ ઉર્ધ્વગતિ કરી રહેલ તું અને આ તરફ રાખનાં ઢગલા સમી હું ! પેલા અગનપંખીની રાખના એક કણ માટે ઝંખતી રહેતી હું ! એ કણને શ્વાસમાં ભરી ફરી બેઠાં થવાની આસમાં જીવતી હું!

તું જાણે છે આ કાળકોટડીમાં માત્ર હું નથી, મારા હાથપગમાં બંધાયેલી વજનદાર સાંકળો પણ છે! સાંકળે બંધાયેલ જીવને હવે મુક્ત થવું છે.વિચારું છું કે કઈરીતે મુક્ત થઈ શકાય? તરત એક ઝબકારો થાય કે આ ભારેખમ સાંકળો અને આ ભારેખમ માંહ્યલા સહિત કોઈ જળાશયમાં ભુસકો મારીને તેના તળિયે જઈને બેસી જઈશ. પાણીનાં સંસર્ગમાં પેલી લોખંડી બેડીઓ કટાતી જશે સોનાનો માંહ્યલો ઉજળી જશે.અનેક વર્ષો પછી એ સડેલી બેડીઓને તોડીને પેલો અગનપંખીનો કણ માંહ્યલામાં રોપીને એક ગુલાબી કમળ થઈને જળાશયની સપાટી પર ઉગી નીકળીશ. સદીઓથી સફળતાનાં શિખરો ચડીચડીને થાકેલો તું જ્યારે જળાશયનાં કિનારે વિસામો લેવા બેસીશ ત્યારે તારા હાથથી ગુલાબી કમળને સ્પર્શ કરીશ અને એ જ ક્ષણે મુક્તિ પામીશ હું. આવા ગાડાઘેલા વિચારો કર્યા કરું છું હું તારાપછી…

એક વાત કહું? આ કાળકોટડીને ભલે ઊંચી-કાળી દિવાલો છે પણ ઉપર છત જ નથી ! બોલ… છે ને કમાલ? એ ખાલી જગ્યામાંથી એક ચોરસ ટુકડો આકાશનો જોઈ શકાય છે, અમાસની અંધારી અને પૂનમની ઉજળી રાતોને જોઈ શકાય છે,બુલબુલ અને કોયલના અવાજો સાંભળી શકાય છે,રાતરાણી અને ગુલાબની સુગંધ માણી શકાય છે.પણ તોયે એમ થાય કે ઉનાળાની બળબળતી બપ્પોરોની આગમાં ભૂંજાઇ જાઉં તો કેવું સારું? કાળજા ઠારી દેતી શિયાળાની મધરાતોમાં હિમપ્રપાતથી થીજી જવાય તો કેવું સારું? આખાયે અસ્તિત્વને ઝળબંબાકાર કરી દેતી વર્ષાથી આખીએ કોટડી પાણીથી ભરાઈ જાય અને હું સાંગોપાંગ ડૂબી જાઉં તો કેવું સારું? ના રહે શરીર…ના રહે પીડાઓ ! વળી આ પીડા તો કેવી? બહાર ક્યાંય ન દેખાય.જાણે કોઈ ફાંસ અંદર સુધી ઘુસી ગયા પછી બહારથી બટકી જાય ! અંદર અંદર સળક્યા કરે પણ દેખાય નહી! જોકે ઝીણી નજર હોય તો દેખાય. ન રંગાયેલા વાળમાં,તૂટી ગયેલા નખમાં, કાજળ વગરની આંખોમાં,અરીસાથી દૂર ભાગતા ચહેરામાં, બળી જતી રોટલીમાં,બોલપેનની જામી જતી શાહીમાં, પરાણે ઉજવાતા જન્મદિવસની કેકમાં એ ફાંસની ઝાંય ડોકાયા કરે પણ જુએ કોણ? સો વર્ષ જીવવાની કામના કરતી, જીજીવિષાથી, વિજીગિષાથી ભરપુર એક માદા ભર્યાભાદર્યા ઘરમાં અદૃશ્ય કોટડીમાં બેઠીબેઠી મૃત્યુને સેવ્યા કરે છે તારા ગયા  પછી…

તને અતિસ્મૃતિનો શ્રાપ છે ને? મને અલ્પસ્મૃતિનો છે. પણ ખબર નહી કેમ અમુક ક્ષણો ભૂંસાતી જ નથી ને? એક વખત એક છોકરાનો મેસેજ હતો ‘મેમ..આપની વોલ પર લટાર મારી તો કોઈ આર્ટ ગેલેરીમાં ફરતો હોઉં એવું લાગ્યું!’ આ સાંભળીને બહુ સારું લાગ્યું અને તરત જ વિચાર આવ્યો કે કોણજાણે કઈ કળાથી તું આ આર્ટ ગેલેરીમાં ફરતો ફરતો આર્ટરીમાં વહેવા લાગ્યો !અકાળે સૂકાયેલા ગુલમહોરમાં તે આસોપાલવનાં તોરણો બાંધ્યા અને એક અવાવરું વાવમાં જળ ફૂટયાં ! ભરચોમાસે બળી ગયેલી એક વેલને ભરઉનાળે પાન ફૂટ્યાં ! આ ચમત્કાર નહી તો શું છે? તારા જ ચમત્કારે એક શલ્યા અહલ્યા બની અને એ જ અહલ્યા ફરી પથ્થર બની રામની રાહ જોયા કરે છે.

હું તને પથ્થર કહું છું અને તું સ્વીકારી લે છે,પણ તું ખરેખર પથ્થર છે? મને તો શંકા લાગે છે !મેં તો તને પીગળતા જોયો છે.એક મધનો રેલો હળવે હળવે મારા તરફ આવ્યો હતો.કોઈ લૂ વરસાવતી બપોરે ગુલમહોર અને ગરમાળાની સાક્ષીએ એ મધ મારામાં વહેવા લાગ્યું હતું. એક હથેળીમાંથી બીજી હથેળીમાં વહેતા એ મધને ચાખ્યું છે મેં .ઉગુઉગુ થતી થરથરતી રાતે એ મધની હુંફાળી મહેંક માણી છે મેં.ખબર નહી ક્યારથી અને શા કારણથી એ મધ જામવા લાગ્યું. ધીમે ધીમે થીજવા લાગ્યો એ પ્રવાહ !હું ચૂપચાપ એ ઘટ્ટ થતાં પ્રવાહને જોતી રહી.દિવસો, મહિનાઓ, વર્ષો પછી ફરી કોઈ વસમી સાંજે શિરીષ વૃક્ષની છાંયામાં મેં જોયો એને ! શિરીષની માદક ખુશ્બુ અને સોનામહોરના ફૂલનાપીળા ધમરક અજવાળે એ મધને ગઠ્ઠો થતાં અને ગઠ્ઠામાંથી પથ્થરમાં તબદિલ થતા જોઈ રહી હું. એ મધમીઠાં પથ્થરની આ તરફ બેઠી હતી ત્યાં જ પાનબાઈને જે ઝબકારે મોતી વિંધાયું હતું એ ઝબકારો મારામાં પણ થયો કે આ પથ્થરની પેલેપાર, કોઈ નવા વળાંકે ફરી કોઇ રેલો નીકળ્યો હશે આ પથ્થરમાંથી? ફરી કોઇ ઢાળ તરફ ઢળ્યું હશે આ મધ? અને એ સાથે એક બીજો ઝબકારો પણ થયો કે મારા તરફ આવેલ એ મધરેલાની પેલે પાર શાંત ઝરુખે કોઇ શ્વેતવસ્ત્રા વિરહિણીએ આ પ્રવાહને પથ્થર થતાં જોયો હશે ને? શું આ પ્રવાહ આમ જ ચાલતો હશે? કોઈ આગળના પડાવે રેલો થઈ વહી નીકળવું અને પાછળનાં પડાવે પથ્થર બની થીજી જવું એ જ ફિતરત હશે આ પ્રવાહની? આવા આવા અનેક ઝબકારાઓથી ઝળહળતા સત્યો સાથે જાગતી રહું છું હું.

તને યાદ કરું છું અને એક દૃશ્ય આંખ સામે આવે છે. રિવોલ્વીંગ ચેર પર બેઠેલો એક માણસ ટેબલ પરનાં કોમ્પ્યુટરમાં ઓતપ્રોત થઈ ગયો છે . એની બાજુમાં જ લેપટોપ છે, આઠ-દસ પેનડ્રાઈવ છે અને અઢળક કામનો બોજ ! ક્યારેક એક ટેબ ખોલે છે થોડું આમતેમ લટાર મારીને ફરી બીજી કોઈ ટેબ ખોલે છે. આમ જ અનેક પ્રોફાઈલ મીનીમાઇઝ-મેક્સીમાઇઝ થતી રહે છે.મને યાદ આવી જાય છે તારા જતી વેળાનાં શબ્દો.’અરે..ક્યાંય નથી જવાનો…અલવિદા ન કહે..હું અહીંયા જ છું.મરજી પડશે ત્યારે હાજર થઈશ.’ અને હવે સમજાય છે આ શબ્દોનાં ધ્વન્યાર્થો ! તારી મરજીથી તું આવશે, તારી મરજી પડે ત્યાં સુધી રહીને ચાલ્યો જશે. તું ઇચ્છે ત્યારે મારી ટેબ મીનીમાઇઝ થશે અને તું ઇચ્છે ત્યારે ઓપન ! એક સ્ટેન્ડીંગ મોડ પર રાખેલા આ સંબંધને તું મન પડે ત્યારે જીવતો કરશે , મન પડે ત્યારે મારી નાંખશે ! આઇ એમ સોરી માય ગોદો…હું નોખી માટીની વિરહી વિજોગણ છું મારી શરતો એ જીવીશ, મારી શરતો એ મરીશ. તું નોખી માટીનો અસવાર… તારો ને મારો કોઈ મેળ નથી.હાથમાંથી સરકી જતા એક આખેઆખા માણસને રેતીની જેમ કણકણમાં વિભાજીત થતા જોઉં છું અને મારી જાતને અગનપંખીની જેમ રાખમાંથી બેઠી થતાં !

તારા પછી…હા તારા ગયા પછી હું જીવું છું…અને જીવીશ… તારા વગર પણ જીવી શકાય છે.


સુશ્રી પારુલબહેન ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com  વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.