પગદંડીનો પંથી : ભાગ ૧ – ૧૭ ડૉક્ટર અને સામાજિક દબાણ

ડૉ. પુરુષોતમ મેવાડા

માણસ એક સામાજિક પ્રાણી છે, અને એકલો રહી શકતો નથી. બંનેને એકબીજાની જરૂર પડે છે. ડૉક્ટર પરેશ પણ એમાં અપવાદ નહોતો.

દિવાળીનો સમય હતો, નવી પ્રૅક્ટિસ શરૂ કરેલી, એટલે ડૉ. પરેશે દવાખાનું ખુલ્લું રાખેલું. બાકી મોટાભાગના સર્જન-ફિઝિશિયનો રજા ઉપર બહાર ફરવા ગયા હતા. શહેરમાં રોશની અને ફટાકડા ફૂટવાની જાણે હરીફાઈ જામી હતી. જમી પરવારી લોકો બાળકો સાથે આનંદમાં વ્યસ્ત હતા. ત્યારે ડૉ. પરેશને કૉલ આવ્યો. ના, દાઝવાનો કે એક્સિડેન્ટનો કેસ ન હતો, પણ એક ઝેર પીધેલી છોકરીની બાબત હતી.

પહેલાં તો ઘેરથી જ ડૉક્ટરે એને લેવાની ના પાડી, કારણ કે એ કે સ્પષ્ટ રીતે ફિઝિશિયનનો કેસ હતો, અને મેડીકોલીગલ થતો હતો. થોડીવારમાં છોકરીનો બાપ ઘરે આવ્યો, જે ડૉ. પરેશનો પહેલાંનો પડોશી હતો.

“ભાઈ, તારે મારી છોકરીને દાખલ કરવી જ પડશે! એક તો એણે ઝેરી દવા પીધી છે, અને અત્યાર એ બેભાન છે. કોઈ ડૉક્ટર મળતા નથી. રક્ષા તારી પડોશી બહેન છે. (નામ બદલ્યું છે)”

“પણ આ મારું કામ નથી, ફિઝિશિયનનું કામ છે…”

“ખરું, પણ અમારે વાત બહાર પણ પાડવી નથી. એ એના લફરાવાળા છોકરા સાથે પરણવાની હઠ કરતી રહી, અમે ના પાડી, તેથી આમ થયું છે. ચાલ ભાઈ, જલદી કર…”

આવી તો ઘણી ચર્ચા થઈ, પણ લાંબુ ન કરતાં કહેવું પડે છે કે ડૉ. પરેશને ગયા વગર છૂટકો ન હતો.

રક્ષાની તપાસ કરી, મરવાની અણી પર હતી. મોઢામાંથી ફીણ નીકળતું હતું, હાર્ટબીટ ખૂબ વધી ગયા હતા. આંખની કીકીઓ (Pupils) સાંકડી (Pinpoint Pupils) થવા માંડી હતી, પણ લાઈટથી હજી સંવેદન બતાવતી હતી. Positive Organophosphatesનો ચોખ્ખો કેસ થતો હતો. ડૉ. પરેશે દાખલ કરી, કેસ પેપર ઉપર બાપની સહી લીધી કે…

“દર્દી મરવાની અણી પર છે, અને બીજા ડૉક્ટર ન મળવાથી માનવતાને ધ્યાનમાં રાખીને ડૉ. પરેશ દવા કરે છે. આ પોલીસકેસ થાય છે, પણ અમારે પોલીસકેસ કરવો નથી.”

બધી જ જાતની દવાઓના ઇંજેક્શનો અપાવા લાગ્યાં. Endotrachial Tube અને Ambubagથી શ્વાસોચ્છવાસ કરાવી રક્ષાને જિવાડવાના પ્રયત્નો ડૉ. પરેશ એકલે હાથે કરતા રહ્યા. છતાં જે થવાનું હતું તે જ થયું. રક્ષાએ રાત્રે બે વાગ્યે દમ તોડ્યો.

પ્રેમ-પ્રકરણ હતું, અને મેડિકોલીગલ કેસ હતો. સગાંવહાલાં લાશને લઈ જઈને બાળી દે તો Evidenceનો નાશ કરવાનો આરોપ ડૉક્ટર ઉપર પણ આવે. એનો પ્રેમી જ જો વિરોધ કરીને પોલીસકેસ કરે તો?

આખરે જે થશે તે જોયું જશે, એવું વિચારીને ડૉ. પરેશે લાશ આપવાની ના પાડીને પોલીસને ફોન કર્યો. અને બીજું થાય પણ શું?

પોલીસે પહેલાં તો ડૉક્ટરને મા-બેન સમાણી કેટલીયે ગાળો આપી, છતાં આવ્યા, બધા કેસપેપર જપ્ત કર્યા, જેમાં લખ્યું હતું, “અમારે પોલીસકેસ કરવો નથી.” લાશને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપી.

“ડૉક્ટર, કાલે અગિયાર વાગે કોર્ટમાં હાજર થવું પડશે.”

ડૉ. પરેશને પરસેવો છૂટી ગયો, પણ આટલું કર્યું તે યોગ્ય કર્યું તે સવાર થતાં સમજાઈ ગયું. સવારે ખબર પડી કે છોકરીના પ્રેમીએ પણ ઝેર ઘોળ્યું છે!

બપોરે કોર્ટમાં હાજર થયો. ડૉક્ટરને પ્રાયોરિટીથી પહેલાં જ બોલાવવામાં આવે છે. જજસાહેબે ડૉ. પરેશને પૂછ્યું,

“આ લીગલ કેસ છે તેની જાણ હોવા છતાં તમે પોલીસને જાણ નથી કરી, એ તમારો ગુનો કબૂલ છે?”

“હા, સાહેબ!”

“આ તમારી પહેલી ભૂલ છે, આથી તમને માફ કરવામાં આવે છે. માફીપત્ર પર સહી કરી આપો.”

“હા સાહેબ…”

સહી-સિક્કા થઈ ગયા. ડૉ. પરેશ હેમખેમ ઘેર પહોંચ્યા અને નક્કી કર્યું કે હવેથી કોઈ કાળે કોઈના પણ દબાણમાં આવવું નહીં.

0-0-0-0

બીજો કેસ

શિયાળાની ઠંડીના દિવસો. રાતમાં બહાર કોઈ ચકલુંય ના ફરકે એવા દિવસોમાં વહેલી સવારે આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર પરેશને કૉલ આવ્યો, લેખિત. (તે જમાનામાં એંસીના દાયકામાં ફોન આટલા સુલભ ન હતા.)

“તમે ગઈ સાંજે દાખલ કરેલો દર્દી બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળ્યા પછી વૉર્ડમાં શિફ્ટ કર્યો છે. તાત્કાલિક માથાનો એક્સ રે લીધો છે, બીજા ટેસ્ટ કરાવવા મોકલ્યા છે, તાત્કાલિક આવો.” સીનિયર રેસિડેન્ટની સહી.

ડૉ. પરેશ મોઢું ધોઈને દોડ્યો. (ત્યારે તેની પાસે સાઇકલ હતી.) તપાસીને જોયું તો બહાર કંઈ પણ વાગવાની નિશાની ન હતી, પણ બધાં જ ચિહ્નો જમણી બાજુ Subdural Haemorrhage બતાવતાં હતાં. તાત્કાલિક Angiography કરાવડાવી, અને બપોર સુધીમાં નિદાનને પુષ્ટિ મળી એટલે, સૌ સગાંની સંમતિ લઈ સર્જરી માટે એને ઑપરેશન ટેબલ પર લીધો.

ઑપરેશનમાં માથામાં ચીરો મૂકી, હાડકામાં કાણું કરી (Triphine) જમા થયેલું લોહી અને ગઠ્ઠા બહાર કાઢ્યા, અને જરૂરી કામ પૂરું કરી રિકવર થશે જ એ આશાએ વૉર્ડમાં પાછો મોકલી આપ્યો.

પણ કુદરતનું કરવું કોણ ભાખી શક્યું છે! દર્દીને સાંજ સુધીમાં ગુમાવ્યો! રેસિડેન્ટનો પ્રશ્ન હતો, “સાહેબ, પોસ્ટમૉર્ટમ માટે મોકલું?”

ડૉ. પરેશ હા કહે એ પહેલાં દર્દીનાં સગાં અને જે મિત્રના દબાણથી દર્દીને દાખલ કરાયેલો એ મિત્રની વિનંતી અને દબાણ, અને કંઈ વાંધો નહીં આવે એવી ખાત્રી મળવાથી, ડૉ. પરેશે લાશને ઘેર લઈ જવાની છૂટ આપી.

અને આ શું થયું!

સ્મશાનમાં પહોંચી ગયેલી લાશ પોસ્ટમૉર્ટમ માટે પાછી લાવવામાં આવી. બન્યું એવું, કે દર્દીની પત્નીએ પોલીસને ફોન કર્યો, કે જે લાશને બાળવા લઈ ગયા છે તે મારા પતિનું ખૂન થયું છે, અને અમુક સંસ્થાના માલિકે ચાવીનો ઝૂમખો મારીને તેના માથામાં ઈજા પહોંચાડી હતી, તેથી તે મરી ગયેલા હોઈ ખૂનનો કેસ બને છે.

ડૉ પરેશ આગળ વિચારે ત્યાર પહેલાં પોલીસના માણસો આવી પહોંચ્યા અને પૂછપરછ શરૂ કરી.

“તમે કેમ પીએમ માટે ના પાડી?”

“ઑપરેશન મેં  જ કર્યું છે. મોતનું કારણ હું જાણું છું. કેસપેપરમાં મેં એ લખાવેલું જ છે. ફક્ત પીએમથી સગાંસંબંધી હેરાન થાય નહીં એટલે મેં લાંબો વિચાર ન કર્યો કે બીજું પણ કારણ હોઈ શકે.”

“ઠીક છે, કોર્ટમાં કેસ ચાલે ત્યારે જવાબ આપજો.” કહીને પોલીસનું ધાડું તો ચાલ્યું ગયું. ડૉ. પરેશને હવે પોતાની ભૂલો સમજાવા માંડી.

પહેલાં તો દર્દી ઊંચા BPનો દર્દી હતો, અને મેડિકલ વૉર્ડમાં દાખલ હતો. જે મિત્ર સાથે દરરોજ સાંજે ભેગા થઈને ગપ્પા મારી આનંદ કરતા હતા તેના દબાણથી સર્જિકલ વૉર્ડમાં દાખલ કરાવેલો. ડૉ. પરેશ આસિસ્ટન્ટ હેડ હતો, એટલે સર્જિકલ સિવાયનો કેસ દાખલ કરવો સહેલું હતું, પણ યોગ્ય ન હતું. બીજી ભૂલ એ, કે ફરીથી દબાણમાં આવીને લાશનું પોસ્ટમૉર્ટમ ન થવા દીધું!

થોડા મહિના પછી કોર્ટમાં કેસ ચાલ્યો. ડૉ. પરેશને સમન્સ આવ્યું. બધી તૈયારી સાથે કોર્ટમાં ડૉક્ટરને સૌથી પહેલો કઠોડામાં ઊભો કરાયો. સામાન્ય જરૂરી વિધિ પત્યા પછી જજસાહેબે પૂછવાનું શરૂ કર્યું.

“તમે સર્જન છો, અને અનુભવી છો, કેમ PM ન કરાવ્યું?”

“ઑપરેશન મેં જ કરેલું હતું, અને Extradural Haematomaની ખાત્રી એક્સ રે અને એન્જ્યોગ્રાફી દ્વારા કરી જ હતી. દર્દીને હાઈ બ્લડપ્રેશર હતું, તેથી ઊભા થયેલા Haemorrhage (લોહી વહી જવું)થી મગજ પર દબાણ આવ્યું, જે તેના મોતનું કરણ છે.”

“પણ અહીં તો એવું કહેવાયું છે કે ચાવીનો ઝૂમખો મારવાથી મગજમાં નુકસાન થયું છે, અને ખૂનનો કેસ બને છે. એવું થાય ખરું?”

“સાહેબ, મને ચાવીનો ઝૂમખો બતાવવામાં આવે.”

ચાવીનો ઝૂમખો ખાસ્સો મોટો હતો, જેમાં લાંબી, ભારે ચાવીઓ પણ હતી.

“સાહેબ, મારા કેસપેપરમાં ક્યાંય નોંધ નથી કે દર્દીને બહાર માથાની ચામડી પર વાગવાના નિશાન હોય. જો આ ઝૂમખાથી અંદર સુધી નુકસાન થાય, તો બહાર નિશાની હોવી જ જોઈએ, તે નથી. દર્દીની હિસ્ટરીમાં આવી નોંધ નથી. આ કારણે મારો અભિપ્રાય છે, કે આ ઝૂમખાના મારથી આ મરણ થયું નથી.”

“ચાલો, બીજો સાક્ષી.”

ડૉ, પરેશ યોગ્ય જવાબ આપીને જ છૂટ્યો હતો. અહીં થોડી વિગતો આપવી જરૂરી લાગે છે. આ દર્દી ડૉ. પરેશના મિત્રનો પડોશી હતો, જે શહેરની જાણીતી સંસ્થામાં કામ કરતો હતો. કોઈ તકરારમાં જે ભાઈએ તેને ચાવીનો ઝૂમખો મારેલો, તે શહેરના એક રાજકારણીનો સગો થતો હતો. જો કે આ કેસમાં જુઠ્ઠું બોલીને બચાવવાની વાત ન હતી, એટલે ડૉ. પરેશ કોર્ટમાં બચી ગયા.

અને હા, PMનો રિપોર્ટ ડૉ. પરેશે આપેલા મરણના કારણની પુષ્ટિ કરતો હતો.

સત્યમેવ જયતે!


ડૉ. પુરુષોતમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.