વિદ્યાર્થીઓ શાળા છોડે છે કે શાળા વિદ્યાર્થીઓને છોડે છે ?

નિસબત

ચંદુ મહેરિયા

સરકારી પરિભાષામાં એને સ્કૂલ ડ્રોપ આઉટ ચિલ્ડ્રન અર્થાત શાળા છોડી જતા વિદ્યાર્થીઓ કહે છે. ગુજરાત સરકારની આ વરસની પ્રવેશોત્સવની જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો છે કે  બે દાયકા પહેલા ગુજરાતમાં ધોરણ એક થી આઠનો ડ્રોપ આઉટ રેટ ૩૭.૨૨ ટકા હતો. જે ૨૦૨૦-૨૧માં લગભગ દસ ગણો ઘટીને ૩.૩૯ ટકા થઈ ગયો છે. જોકે આ દાવામાં અર્ધસત્ય છે. કેમ કે બે દાયકા પહેલાં ધોરણ ૧ થી ૮ નું એકમ નહોતું અને માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક તથા કોલેજ –યુનિવર્સિટીના ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચતા પહોંચતા કેટલા વિદ્યાર્થીઓ ટકે છે તે ભયાવહ વાસ્તવિકતા માત્ર પ્રાથમિક શિક્ષણના ડ્રોપ આઉટ રેટથી જાણી શકાતી નથી.

૨૦૨૦ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના શાળા છોડી જતા બાળકો સંબંધી પ્રકરણ ત્રણમાં જણાવવામાં આવ્યું છે કે દેશનો ધોરણ ૬ થી ૮નો જી ઈ આર (ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો) ૯૦.૯ ટકા છે. એટલે કે પહેલા ધોરણમાં દાખલ થયેલા બધાં બાળકો પાંચમા ધોરણ સુધી જ બરાબર ટકે છે. તે પછી તેઓનું શાળા છોડવાનું શરૂ થાય છે. ધોરણ ૧ થી ૫માં ૧૦૦ ટકા બાળકો , ધોરણ ૬ થી ૮માં ઘટીને ૯૦.૯ ટકા, ધોરણ ૯-૧૦માં ૭૯.૩ ટકા અને ધોરણ ૧૧ અને ૧૨માં ૫૬.૫ ટકા થઈ જાય છે. આ સરકારી દસ્તાવેજમાં એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે ૬ થી ૧૭ વરસના સ્કૂલ ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓની સંખ્યા દેશમાં ૩.૨૨ કરોડ છે. ૨૦૨-૨૧માં પ્રાથમિક શિક્ષણનો નેશનલ ડ્રોપ આઉટ રેટ ૦.૮ ટકા જ છે પણ માધ્યમિક શિક્ષણનો ૧૪.૬ ટકા છે.

શાળા છોડી જતા બાળકોની આ વાસ્તવિકતા અંગે ભારત સરકાર સજાગ થઈ છે. ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ બાદ શાળા છોડી જતાં બાળકોને ફરી શાળામાં દાખલ કરવા તેણે પ્રયત્નો આદર્યા છે. દેશભરમાં સ્કૂલ ડ્રોપ આઉટનો સર્વે અને તેમને શાળામાં દાખલ કરવા માટે આર્થિક સહાયથી માંડીને શિક્ષણ સંસાધનો પૂરા પાડવાની દિશામાં સરકાર ગંભીર બની છે.

આખરે બાળકો શાળા છોડી જાય છે (સ્કૂલ ડ્રોપ આઉટ) કે તેમને શાળા બહાર ધકેલવામાં આવે છે(પુશ આઉટ) ? તે લાખેણો સવાલ છે.૨૦૧૯-૨૧ના પાંચમા કુટુંબ આરોગ્ય સર્વેક્ષણ, યુનિફાઈડ ડિસ્ટ્રીક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન અને કેન્દ્ર સરકારના શિક્ષા મંત્રાલયના આંકડાના અધ્યયન પરથી જણાય છે કે આપણી શૈક્ષણિક, સામાજિક અને આર્થિક અનવસ્થાને કારણે બાળકોને શાળા બહાર ધકેલવામાં આવે છે કે તેમને શાળા છોડી જવા વિવશ કરાય છે.

અધ્યયનો જણાવે છે કે ૨૦ ટકા છોકરીઓ અને ૧૬ ટકા છોકરાઓના શિક્ષણનો ખર્ચ તેમનું કુટુંબ વહન કરી શકતું નથી એટલે તેમને શિક્ષણ છોડવાની ફરજ પડે છે.૧૩ ટકા છોકરીઓ અને ૧૦ ટકા છોકરાઓને માબાપને ઘરકામમાં મદદ કરવા રોકાવું પડે છે એટલે તે ભણતર છોડે છે. ૬ ટકા છોકરા અને ૨.૫ ટકા છોકરીઓને રોકડ રકમ  કે વસ્તુના બદલામાં કામ કરવું પડે છે એટલે તે શાળા છોડે છે. ૪.૪ ટકા છોકરા અને ૨.૩ ટકા છોકરીઓને માબાપને ખેતીવાડી કે કુટુંબના વ્યવસાયમાં મદદ કરવાની થતાં તે ભણતર અધૂરું મૂકે છે.

માત્ર આર્થિક જ નહીં શૈક્ષણિક કારણોસર પણ વિદ્યાર્થીઓ ભણવાનું છોડે છે. ૫ ટકા છોકરાઓ અને ૪ ટકા છોકરીઓ એકના એક ધોરણમાં નાપાસ થવાના કારણે શિક્ષણને અલવિદા કરે છે. ૫ ટકા છોકરા-છોકરીઓ ઉપલા ધોરણમાં પ્રવેશ મેળવી ન શકવાને કારણે શાળા છોડે છે. ૬ ટકા છોકરીઓ અને ૨ ટકા છોકરાઓ શાળા ઘરથી દૂર હોવાથી, ૪ ટકા છોકરા –છોકરીઓને આગળનો અભ્યાસ જરૂરી ન લાગતો હોવાથી, ર ટકા કન્યાઓ અસલામતીના કારણે તથા ૧.૭ ટકા પરિવહન અને અન્ય સુવિધાના અભાવે શાળા છોડે છે. અભ્યાસમાં રસ-રુચિના અભાવે સૌથી મોટી સંખ્યામાં વિધાર્થીઓ અભ્યાસ છોડે છે. આઘાત અને આશ્ચર્યજનક બાબત છે કે ૨૦૧૯-૨૦ના વરસમાં ૬ થી ૧૭ વરસના ૩૫.૭ ટકા કુમારો અને ૨૧.૪ ટકા કન્યાઓએ અભ્યાસ છોડવાનું કારણ તે કંટાળાજનક અને તેમની રસ-રુચિને અનુકૂળ ન હોવાનું દર્શાવ્યું હતું.આટલા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસમાં રુચિના અભાવે શિક્ષણ છોડે તેનો આપણા નીતિનિર્માતાઓ અને શિક્ષણવિદો પાસે જાણે કે કોઈ ઉપાય જ નથી.

બાળલગ્ન, કન્યા શિક્ષણ પ્રત્યે જાગ્રતિનો અભાવ, નાના ભાઈ-બહેનની દેખભાળ , મહિલા શિક્ષકોનો અભાવ , શાળાઓમાં કન્યાઓ માટે ટોઈલેટની સગવડ ન હોવી  જેવા સામાજિક કારણો પણ શાળા છોડવા માટે જવાબદાર છે. દેશની ૩૫.૫ કરોડ મહિલાઓને માસિકનો સામનો કરવાનો થાય છે.પરંતુ તેમાંથી ૩૬ ટકા જ સેનેટરી નેપકિન જેવી સ્વચ્છતા સુવિધા મેળવી શકે છે. દર પાંચમાંથી એક કિશોરી માસિકને કારણે શાળામાં અનિયમિત હોય છે કે શાળા છોડે છે. આજે પણ ૮.૪ કરોડ બાળકો શાળા શિક્ષણની બહાર છે દલિત, આદિવાસી, સામાજિક અને શૈક્ષણિક પછાત, લઘુમતી  જેવા સમાજના વંચિત વર્ગો શિક્ષણથી પણ વંચિત રહે છે. ૨૦૧૭-૧૮નો નેશનલ ડ્રોપ આઉટ રેટ ૧૮.૯૬ ટકા હતો પણ મુસ્લિમ બાળકોનો ૨૩.૧ ટકા હતો. ઓડિસાના મુસ્લિમ બાળકોનો શાળા છોડવાનો દર ૪૭.૪ ટકા, બિહારનો ૩૬.૯ ટકા, હરિયાણાનો ૩૫.૧ ટકા,દિલ્હીનો ૨૫. ૧ ટકા, , ઉત્તરપ્રદેશનો ૧૨.૯ ટકા અને ગુજરાતનો ૪.૩ ટકા હતો.

સરકાર ૨૦૩૦ સુધીમાં માધ્યમિક શિક્ષણમાં સો ટકા નામાંકન કરવા માંગે છે.પરંતુ તે પૂર્વે શાળા છોડવાના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક કારણો દૂર કરવાના છે. ગરીબી, બેકારી, કુપોષણ, વાલીઓનું શિક્ષણ પ્રત્યે ઉદાસીન વલણ , છોકરા-છોકરી વચ્ચેનો ભેદ જેવા કારણોનો કાયમી નિવેડો લાવ્યા સિવાય આ પ્રશ્ન હલ થઈ શકવાનો નથી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ કેટલાક ઉપાયો જણાવાયા છે. સરકારી શાળાઓની વિશ્વસનીયતા અને ગુણવત્તા વધારવી,મફત અને સર્વ સુલભ શિક્ષણ, શિષ્યવૃતિ, મધ્યાહ્ન ભોજન,  કન્યા છાત્રાલયો ઉભા કરવા, સ્થળાંતરિત કામદારોના બાળકો માટે ખાસ સગવડો ઉભી કરવી, સુરક્ષિત અને આકર્ષક સ્કૂલ શિક્ષણ, પૂરતા અને તાલીમબધ્ધ શિક્ષકો, અસરકારક અને પર્યાપ્ત મૂળભૂત શૈક્ષણિક સગવડો જેવા ઉકેલ ત્યારે જ ફળીભૂત થઈ શકશે જ્યારે આ સવાલના ઉકેલ માટે બાળકો અને માતાપિતાની સહભાગિતા નિશ્ચિત કરવામાં આવશે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

4 thoughts on “વિદ્યાર્થીઓ શાળા છોડે છે કે શાળા વિદ્યાર્થીઓને છોડે છે ?

  1. ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે સરકાર દ્વારા કરાતા પ્રયત્નો માત્ર સંખ્યાત્મક બનીને રહી જાય છે. શાળામાં અને શિક્ષણમાં પ્રાણ તો શિક્ષક ફૂંકે. જૂજ અપવાદ બાદ કરતાં સરકારી અને અનુદાનિત નિશાળોમાં દયાજનક સ્તરે શિક્ષકોની ઘટ છે. જે હોય છે તેમની પાસે એટલી બધી બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, જ્યાં એમની પાસે ભણાવવા માટે ભાગ્યે જ અવકાશ રહે છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે આંકડબાજી થકી લોકોની આંખોમાં ધૂળ નાખ્યા સિવાય સરકાર પાસે કોઈ જ ઉપચાર નથી.
    વળી તેને માટેની દાનત પણ નથી, તે અલગ વાત છે.

  2. ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે સરકાર દ્વારા કરાતા પ્રયત્નો માત્ર સંખ્યાત્મક બનીને રહી જાય છે. શાળામાં અને શિક્ષણમાં પ્રાણ તો શિક્ષક ફૂંકે. જૂજ અપવાદ બાદ કરતાં સરકારી અને અનુદાનિત નિશાળોમાં દયાજનક સ્તરે શિક્ષકોની ઘટ છે. જે હોય છે તેમની પાસે એટલી બધી બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, જ્યાં એમની પાસે ભણાવવા માટે ભાગ્યે જ અવકાશ રહે છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે આંકડાબાજી થકી લોકોની આંખોમાં ધૂળ નાખ્યા સિવાય સરકાર પાસે કોઈ જ ઉપચાર નથી.
    વળી તેને માટેની દાનત પણ નથી, તે અલગ વાત છે.

  3. Scholastic article on children driven out of school.Government is not sincere enough to retain the children in schools.All governments including BJP are failure in field of education.

Leave a Reply

Your email address will not be published.