એક અનન્ય નટસમ્રાટ-અમૃત જાની (ભાગ ૧)

લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

રાજકોટ રેડિયો સ્ટેશન શરુ થયું ૧૯૫૫ની સાલના જાન્યુઆરી મહિનામાં, એ વખતે રાજકોટનો રેસકોર્સ વિસ્તાર નિર્જન જેવો હતો અને દૂર દૂર સુધી વેરાન હતું . રેડિયો સ્ટેશન એક કૌતુક સમાન હતું જેને દૂરથી પણ જોઇને લોકો રોમાંચ અનુભવતા. શરુઆતમાં ખાસ કાર્યક્રમો નહોતા આવતા, પણ  એનો સુવર્ણયુગ શરુ થયો ૧૯૬૦ પછી. ઓછામાં ઓછો એ પૂરો એક દસકો ચાલ્યો. હેમુ ગઢવી, દિવાળીબેન ભીલ અને ભજનિકો પ્રાણલાલ વ્યાસ અને મુગટલાલ જોશી એ બધા જ સિતારાઓ રાજકોટ આકાશવાણીના આકાશમાં ઉગ્યા અને હંમેશને માટે લોકહૃદયમાં સ્થાન પામ્યા. એવી પ્રતિભાઓને ગામડે ગામડે ફરીને ખોળી કાઢનારા મરજીવાઓ ચંદ્રકાંત ભટ્ટ, ગીજુભાઇ વ્યાસ અને વસુબહેન ભટ્ટ. એમણે તો કરાંચીથી નિર્વાસિત થઇને આવેલા ઇંદુલાલ ગાંધી (‘આંધળી માનો કાગળ’ અને ‘ભાદરમાં ધૂએ લુગડાં ભાણી’ જેવાં અમર ગીતોથી ખ્યાત),  અમૃત જાની અને હરસુખ કીકાણી જેવા જામેલા કલાકારોને નિમંત્રીને પોતાના સ્ટાફમાં સામેલ કર્યા તો ભરત યાજ્ઞિક, હસમુખ રાવળ, કે દેવેન શાહ જેવા એ વખતે નવોદિત કહેવાય તેવા નાટ્યકારોને પોતાની નિશ્રામાં ઘડ્યા. (છેલ્લામાં છેલ્લા સમાચાર એવા છે કે એ ઐતિહાસિક રેડિયો સ્ટેશનની સ્વતંત્ર હસ્તી આ જુલાઇ  માસથી મીટાવી દેવામાં આવી છે અને હવે તેનું અસ્તિત્વ કેવળ રિલે સેન્ટર તરીકે સંકોચી દેવામાં આવ્યું છે.)

(અમૃત જાની)

અમારા જેવા કે જેમણે અમૃત જાનીને માત્ર આકાશવાણીમાં જ જોયા છે તેમને એમના જૂની (અને નવી પણ) રંગભૂમિમાં તેમણે કરેલા અતિ માતબર પ્રદાનની ખબર ના હોવી સ્વાભાવિક છે,  પરંતુ ઇતિહાસના સોનેરી પૃષ્ઠોને કોઇ વાંચે કે ના વાંચે, પણ  એ તો અમીટના અમીટ  જ રહે છે. મરજીવાઓને એ મળી જ રહે છે.

તેમનો જન્મ ૧૯૧૨ માં જુલાઇની ૧૭ મીએ મોરબી પાસેના ટંકારામા, એટલે આ વર્ષ તેમની જન્મશતાબ્દિ ઉપરાંતના દસમા વર્ષનું આવ્યું. જૂના નાટકોમાં સ્ત્રીપાઠ કરવામાં અવિચળ નામના પામનારા બે પુરુષ કલાકારો એટલે જયશંકર સુંદરી અને બીજા આ અમૃત જાની. પણ બેઉની તુલના ના કરાય. બન્ને અતુલનીય હતા. અને ત્રણેક વર્ષથી વધારે સમય સમકાલીનો પણ રહ્યા નહોતા.  ૧૯૨૭માં અમૃત જાની અવેતન તખ્તા પર રાજકોટની એક સાંસ્કૃતિક સંસ્થાના ‘ભારત ગૌરવ’માં માત્ર પંદર વર્ષની કુમળી વયે છાયાદેવીની ભૂમિકાથી પ્રવેશ્યા અને એ સ્ત્રીપાઠની અદ્‍ભુત અદાકારી જોઇને એ વખતે રાજકોટમાં શો કરતી ‘રૉયલ નાટક મંડળી’ના માલિક મહાભાઇ શેઠ, દિગ્દર્શક અને અભિનેતા લાલજી નંદા અને સોરાબજી કાત્રક તેમને પોતાની નાટક મંડળીમાં લઇ ગયા. એ માટે એમણે અમૃત જાનીના પિતા જટાશંકર સુંદરજી જાનીને બહુ સમજાવવા પડ્યા. કારણ કે છેક ૧૯૦૦ થી એ ખુદ રંગભૂમિ પર અભિનય આપતા આવેલા હતા અને કેટલાક નાટકોનું તો દિગ્દર્શન પણ કરી ચૂકેલા હતા.  પરંતુ એ જમાનામાં નાટકવાળાઓની મથરાવટી મેલી ગણાતી. એને ભવાયા-તરગાળાની કોટીના ગણવામાં આવતા. મોટા ઘરના મોભીઓ પોતાના સંતાનોને-અરે, છોકરીઓ તો ઠીક, પણ છોકરાઓને પણ-નાટકની લાઇનથી દૂર જ રાખતા. જટાશંકર જાની પણ પુત્ર નાટકમાં જાય તે માટે  જરા પણ રાજી નહોતા. પરંતુ રૉયલ નાટક કંપનીવાળાઓની સતત સમજાવટને કારણે અને વિશેષ તો નબળી આર્થિક સ્થિતીને કારણે હા પાડવા મજબૂર બન્યા. કારણ કે, દીકરાને ઓફર થયેલો માસિક રૂ ત્રીસનો પગાર એ જમાનામાં બહુ જંગી ગણાય તેવો હતો. (મોરબી રાજ્યના ફોજદારનો પગાર પણ એટલો નહોતો.)

એ રીતે રૂપાળા, કોમળ અને સુંવાળા ચહેરાવાળા અમૃત જટાશંકર જાનીનો એ વયને અનુરુપ સ્ત્રીપાત્રો ભજવવા માટે ધંધાદારી રંગભૂમિ પર પ્રવેશ થયો. રૉયલ નાટક મંડળીમાં તેમને પધ્ધતિસરની આંગિક અને વાચિક અભિનય ઉપરાંત નૃત્યની અને સંગીતની તાલીમ આપવામાં આવી. આમ છતાં તરત તો કોઇ મોટો રોલ ના જ મળે. પણ નાના નાના પાઠ ભજવવાની મિષે તાલીમ અપાતી રહેતી. એ ‘રૉયલ’માં જોડાયા એ જ દિવસોમાં એ લોકોના ‘શાહજહાં’ નાટક્નું રિહર્સલ ચાલી રહ્યું હતું. જૂનાગઢમાં એનો પહેલો ખેલ હતો તેમાં અમૃત જાની સ્ત્રીઓના એક વૃંદમાં જ દેખાયા. એમણે એ વૃંદના સમૂહગીતમાં માત્ર બે લીટીની એક સાખી ગાવાની હતી એ સાચું, પણ એમણે ‘સ્ત્રી’ દેખાવાનું હતું અને એ રીતે એમના ‘સ્ત્રીયાવતાર’ની શરૂઆત કરવાની હતી. એ એમણે સફળતાપૂર્વક કરી બતાવ્યું. સુપ્રસિદ્ધ નાટ્ય સંશોધક ધીરેન્દ્ર સોમાણીએ લખેલા અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રગટ થયેલા પુસ્તક ‘ગુજરાતી રંગભૂમિ: રિધ્ધિ અને રોનક’ નામના ગ્રંથમાં જણાવ્યા મુજબ  ૧૯૨૯ની સાલમાં ‘લગ્નબંધન’ નાટકમાં તેમણે કમળાની અને એ જ વર્ષે ‘સરસવતીચંદ્ર’માં કુમુદસુંદરીની ભૂમિકા કરી. ‘નટવર્ય અમૃત જાની’ (સંપાદક: તેમના પુત્ર અને ‘નયા માર્ગ’ના તંત્રી એવા ઇન્દુકુમાર જાની)માં સ્વર્ગસ્થ દિલીપ રાણપુરાએ લખેલા પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે  સૌથી પ્રથમ અને મહત્વની સ્ત્રીભૂમિકા તેમણે એ જ અરસામાં ‘ભૂલનો ભોગ’ નાટકમાં ગંગા નામના પાત્રની કરી. ખેર, પણ એ પછી અમૃત જાની પોતાના અનન્ય અભિનય કૌશલ્ય અને બેનમૂન સહજ પ્રતિભાના બળ પર એ પછીનાં એકવીસ વર્ષો સુધી સ્ત્રીપાઠ ભજવતા રહ્યા અને એ દરેક ભજવણીમાં પોતાનો જીવ રેડતા રહ્યા, તેમજ અજોડ સિદ્ધિ અને પ્રસિદ્ધિને વર્યા. એમની નામના ગુજરાતની બહાર છેક કોલકતા, દિલ્હી અને કરાંચી સુધી ફેલાઇ. મંચ પર એમના પ્રવેશને કરાંચીના પ્રેક્ષકો તાલીઓના ગડગડાટથી વધાવતા. એ બધી વાતો એમણે પોતાના ‘અભિનયપંથે’ પુસ્તકમાં જરા પણ આત્મશ્લાઘા કર્યા વગર સંયમિત શૈલીમાં બહુ રસભર ઢબે આલેખી છે. જેનો સારાંશ પણ આ નાનકડા લેખમાં સમાવવો અશક્ય છે.

(સ્ત્રીભૂમિકામાં અમૃત જાની)

બહુ મજાની વાત તો એ છે કે જૂની રંગભૂમિ પરથી ૧૯૫૪-૧૯૫૫માં એક્ઝિટ લીધા પછી પણ તેમણે નાટક સાથેનો નાતો તોડ્યો નહિ. પરંતુ નવી રંગભૂમિ પર પદાર્પણ કરીને અતૂટ રાખ્યો. જૂની રંગભૂમિ આમેય તે પછી ધીરે ધીરે આથમી રહી હતી અને આધુનિક નાટ્યમંચ આગળ આવી રહ્યો હતો. છેલ્લે એમણે દેશી નાટક સમાજ, ભાંગવાડી, મુંબઇમાં દસ વર્ષ કામ કર્યું. એનાં અનેક નાટકોને પોતાના અભિનયથી દીપાવ્યાં, પણ હવે એ કંપની પણ બંધ થવાને આરે હતી અને તબિયત પણ સાથ નહોતી આપતી. એટલે એમણે રાજકોટ આવી જવાનો નિર્ણય કર્યો અને 1956માં મુંબઇથી રાજકોટ આવી ગયા. અને પછી ‘સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમી’માં માત્ર રૂ દોઢસોના પગારે લેક્ચરર તરીકે જોડાઇ ગયા. અહીં તેમણે નાટ્ય ધુરંધર એવા માર્કંડ ભટ્ટ અને ઉર્મિલાબહેન ભટ્ટ ઉપરાંત બાપાલાલ રાવળ (સુરેશ રાજડાના સસરા અને શેતલબહેન  રાજડાના પિતા) રામજી વાણીયા અને બીજા ઉમદા કલાકારો સાથે નવી રંગભૂમિને ઓજસ્વી બનાવવાનું કામ કર્યું. દેવેન શાહ અને ભરત યાજ્ઞિક જેવા અત્યારે સુવિખ્યાત પણ એ  વખતે પાંગરતા એવા અનેક જુવાનોને અમૃત જાનીએ એક પિતા જેવો સ્નેહ આપ્યો અને નાટ્યના એકેએક અંગની સમજણ અને તાલીમ આપી. દેવેન શાહ જેવા અત્યારના સફળ પટકથા-સંવાદ લેખક અને વિડીઓ ફિલ્મ નિર્માતા કહેતા હતા,   ‘અમને એ વાતનો ભારે રોમાંચ હતો કે અમને એ અમૃત જાની એક વત્સલ પિતાની જેમ નાટક અને સંવાદ અદાયગીના પાઠ પઢાવતા હતા કે જે અમૃત જાનીને તેમની રંગમંચની કારકીર્દીના મધ્યાહ્નકાળ વેળા મુંબઇથી રાજકોટ પ્લેનમાં આવતા ત્યારે એ સમયના માલવીયા શેઠ કે દુર્ગાપ્રસાદ દેસાઇ જેવા લક્ષ્મીનંદનો એરપોર્ટ પર ફૂલોના હાર લઇને રિસીવ કરવા જતા. એમણે જ મને મહાકવિ નાનાલાલનું ‘અકબરશાહ’  હાથમાં પકડાવીને તેને કેમ માઇક સમક્ષ વાંચી શકાય તે શિખવ્યું. ભરત યાજ્ઞિક કહેતા હતા કે અમૃત જાનીએ જ મને શિખવ્યું કે શબ્દો નિર્જીવ નથી હોતા  એટલે એને ઉભા કરતાં અને જીવાડતાં આપણને આવડવું જોઇએ. અમૃત જાનીએ જૂની રંગભૂમિમાં જે ખેડાણ કર્યું એ એમના દ્વારા મારા સુધી પહોંચ્યું અને હવે હું એને મારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી રહ્યો છું.’

(વક્તવ્ય આપી રહેલા અમૃત જાની, સૌથી ડાબે મૃણાલિની સારાભાઈ)

થોકબંધ ગુજરાતી ફિલ્મોના અને અનેક ઉત્તમ નાટકોના લેખક રામજી વાણીયા સાથે અમૃત જાનીએ  ‘ધન્ય સૌરાષ્ટ્ર ધરણી’ નામે એક સુંદર નાટક કર્યું. અને પછી નાટ્યગુરુ સ્વ. જશવંત ઠાકર સાથે ભજવેલું એક ઊત્તમ નાટક  તે ‘અંતરનો અપરાધી’.

૧૯૬૨ના ઓક્ટોબર-નવેમ્બરમાં ચીન સાથેના આપણા યુદ્ધ વેળા સૌરાષ્ટ્રનાં ગામડાઓ સુધી ભજવાયેલું નાટક તે જ ‘ધન્ય સૌરાષ્ટ્ર ધરણી.’ એ નાટક જ્યારે મુંબઇની જયહિંદ કૉલેજમાં ભજવાયું ત્યારે જોવા આવેલા ડૉ. રમણલાલ યાજ્ઞિક અને ડૉ. ડી જી વ્યાસ જેવા ચાહકોએ તેમને મુંબઇ આકાશવાણીમાં ડ્રામા આર્ટિસ્ટ તરીકે જોડાઇ જવા વીનવ્યા અને તેઓએ એમની વાત સ્વીકારી અને જોડાઇ તો ગયા પણ ફરી તબિયતે દગો દીધો. ગીજુભાઇ વ્યાસ અને બીજા મિત્રોની મદદથી માંડ રાજકોટ બદલી કરાવી અને છેક ૧૯૭૦ સુધી રાજકોટ આકાશવાણીમાં જ સેવાઓ આપી.

(અભિનય દર્શાવતા અમૃત જાની)

આ લખનારા તરીકે મને એ વાતનો આનંદ અને રોમાંચ બન્ને છે કે `૧૯૭૪-૭૪ ના મારા રાજકોટ નિવાસના ઉદાસ દિવસો (મારા અંગત કારણો)માં એ રોજ એલ આઇ સી ઓફિસ સામેના મારા ‘આશિયાના’  નામના નિવાસ સ્થાને પોતાના મોર્નિંગ વૉક વખતે અર્ધો કલાક માટે પણ રોજ આવતા અને મારે ત્યાં એમને પ્રિય અને આમ તો મરડાની દવા જેવું દહીંનું ઘોળવું પીતા. મને ગમગીન જોઇને મને હૂલાવવા-ફૂલાવવા મને હીરો કે વિલન કલ્પીને સ્ત્રી પાત્રના સંવાદો હાવભાવ સાથે બોલી બતાવતા. ક્યારેક એક માત્ર પ્રેક્ષક એવાં મારાં પત્નીને કહેતાં: ‘જૂઓ, બહેના ! (આ એમનું ખાસ સંબોધન) ઇર્ષા ના કરતા હો, હું કાંઇ સાચુકલી સ્ત્રી નથી ! તમારે ગભરાવાનું કોઇ કારણ નથી.’  એમની આ ભલી ચેષ્ટા ઘડીભર ‘પલ ભર કે લિયે કોઈ હમેં પ્યાર કર લે, જૂઠા હી સહી’ના ધોરણે મને આનંદ પમાડી જતી. એ પછી ત્રણેક વરસે હું વડોદરા હતો ત્યારે એમણે ત્યાંની ફેકલ્ટીની નાટ્યશાળામાં આ જ સંવાદો માર્કંડ ભટ્ટને કેન્દ્રમાં રાખીને ‘ભજવી’ બતાવ્યા. લોકોએ એમને રીતસર ઉંચકી જ લીધેલા. આ એમના અભિનયનો જાદુ હતો. એમણે એ વખતે ઉપસ્થિત ઉર્મિલાબેન ભટ્ટને હારતોરા કરેલા..

(ઉર્મિલા ભટ્ટને હાર પહેરાવતા અમૃત જાની)

મારા અંગત મિત્ર હતા એવા રાજકોટના રેડિયો ઉદઘોષક અને નાટ્ય કલાકાર સ્વ. દેવેન શાહના શબ્દો હજુ મારા મનમાં ગુંજે છે. દેવેન કહેતો હતો કે અમૃત જાની એમના ગુરુ હતા, પણ શિષ્ય તરીકે નહીં, પુત્ર તરીકે એમને શિખવતા હતા. એમની પાસેથી દેવેનને વોકલ (સ્વરકળા)ની જે ટ્રેઇનિંગ મળી, એ એને એની રેડિયોની કામગીરીમાં બહુ કામ લાગી. દેવેનને સૌ પહેલાં એમણે કવિ નાનાલાલનું ‘અકબરશાહ’ પકડાવેલું ને કહ્યું કે – વાંચ બેટા ! એ મિત્રોને કહેતા કે રેડિયો માટે કોઇ છોકરાને તૈયાર કરાવવો હોય તો એની પાસે પહેલાં નાનાલાલ વંચાવો.

શબ્દનો લય, સ્પષ્ટતા અને ઉચ્ચારની કળા અમૃતભાઇએ દેવેનને શીખવી.

જો કે, એમનો સ્વભાવ ઉગ્ર અને મૂડી હતો એટલે એમને સાચવવા પડતા હતા. એક વાર દેવેન શાહ અને સાથીઓએ ‘ધન્ય સૌરાષ્ટ્ર ધરણી’  નામનું નાટક ભજવેલું. એમાં અમૃત જાની જંગલમાં રહેતા એવા ખૂંખાર આદિવાસી વેગડા ભીલનો રોલ કરતા. આ પાત્ર માટે એકવડિયા શરીરના અમૃતભાઇ કપડાં અને મેકઅપમાં ખાસ્સી મહેનત કરતા. પણ એ જ્યારે સ્ટેજ પર આવતા ત્યારે બધાની આંખો સામે જાણે કે એમનું એકવડિયું શરીર ઓગળી જતું. બસ માત્ર એમનો અવાજ જ રમ્યા કરતો. જો કે, એમની એક અડગ શરત એ રહેતી કે એમનો મેકઅપ  વાણીયાએ જ કરવો. મુંબઇથી કોઇ મેકઅપમેન આવે, તો પણ એ રામજીભાઇને જ યાદ કરતા ને રામજીભાઇ પણ એમની રગ પારખી ગયા હતા.એમને ફોસલાવી ફોસલાવીને મેકઅપ કરતા છતાં ક્યારેક એ રામજીભાઇ ઉપર પણ તપી જતા. પોતે જમણા હાથે લાલ પટ્ટી બાંધતા હતા. એ એમની એવી માનસિક જરુરત હતી કે કદી એને હટાવતા નહીં. એવામાં એક દિવસ રામજીભાઇ એ પટ્ટી ભૂલી ગયા ને અમૃતદાદા હઠ પર અડી ગયા. કહે હવે મારાથી સ્ટેજ પર જવાશે જ નહીં. મારાથી રોલ જ નહી થાય. કારણ કે રામજીભાઇએ મને લાલ પટ્ટી નથી લગાવી. બધા ચિંતામાં પડી ગયા. હવે તાત્કાલિક તો રિબીન ક્યાંથી લાવવી?  ત્યાં રામજીભાઇએ જ રસ્તો કાઢ્યો. તરત જ સફેદ રંગનું કાપડ લઇ આવી એમાંથી પટ્ટી કાપી, પલાળીને મેકઅપની લાલી હતી, એમાં ભીની કરીને બાંધી દીધી. એ રાજી થઇ ગયા અને પછી જ સ્ટેજ પર ગયા. અમૃત જાનીને ચાલીસ વર્ષનો વિશાળ ફલક નાટકમાં મળ્યો અને એ પછી પણ રેડિયો અને એવી બધી પ્રવૃતિઓના વરસ તો અધિકમાં. એ આકાશવાણીમાં બદલી પામીને રાજકોટમાં આવ્યા ત્યારે એમની ઉંમર પચાસ ઉપરની તો ખરી જ,  ને તો ય રાજકોટના નાટ્યકાર બાપાલાલ રાવળે એવો દૃઢ આગ્રહ રાખ્યો કે ‘શેતલને કાંઠે’ નાટકમાં દેવરાનો રોલ તો તમારે જ કરવાનો. અમૃતભાઇએ  આંખો ચમકાવીને કહ્યું, ‘અરે, મારી આ ઉંમરે જુવાન વ્યક્તિનો રોલ કરું તો કેવો લાગું!’ પણ બાપાલાલે ય અડગ કે ‘ગુરૂ, આ રોલ તો તમારે કરવો જ પડશે.’ બાપાલાલ માન્યા જ નહીં, ને અમૃતભાઇએ ખરેખર એ રોલ ભજવી બતાવ્યો. સામે ઇલાબહેન એમનાથી અડધી જ ઉંમરના, પણ આ અમૃતભાઇ સ્ટેજ પર આવે ત્યારે ખબર ન પડે કે આ માણસ ૫૫ વર્ષનો છે કે ૨૫ વર્ષનો.

(વેગડા ભીલની ભૂમિકામાં અમૃત જાની, સાથે દીના  ગાંધી)

એમનો સૌથી પહેલો પરિચય દેવેનને ‘માનવતાના મૂલ’ નાટક દરમિયાન થયો હતો, જે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર દ્વારા એમણે કરેલું. પછી તો દેવેનને પહેલી વાર નાટક ‘શેણી વિજાણંદ’ માં એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો. પછી તો ‘શેતલને કાંઠે’માં, ને ‘ધન્ય સૌરાષ્ટ્ર ધરણી’ માં પણ એમની સાથે કામ કર્યું.

’૨૪ વર્ષે’ નામનું એક નાટક દેવેન શાહ અને મિત્રોના હાથમાં આવ્યું. એ વખતે ભારત પાકિસ્તાનના ભાગલા થયાને ૨૪ વર્ષ થતા હતા. એટલે ઉપરથી સૂચન મળ્યું કે તમે આ વિષય પર કંઇક લખો. દિલ્હીમાં પણ આ જ વિષય પર નાટકો ભજવાવાનાં હતા. અને અહીં પ્રમોદ સોલંકીએ એના પર નવી વાર્તા લખી. એમાં ઘટના એવી હતી કે બે સગા ભાઇઓ છે, ને યુવાન થતાં એમની વચ્ચે મિલ્કતના મામલે ઝગડો થાય છે. સારી એવી નાટકીય ઘટનાઓ પછી ભાગ પડે છે. એ થીમ અમે મંજૂર કરાવી દીધી. નાટક ભજવવાનો દિવસ આવી ગયો. ને પાછું બ્રોડકાસ્ટિંગના દિવસે ખબર પડી કે આની સ્ક્રિપ્ટ તો લખાઇ જ નથી. પ્રમોદ સ્ક્રિપ્ટ લખવાનું જ ભૂલી ગયેલો. બપોરના ત્રણ વાગી ચૂક્યા હતા. હવે શું કરવું? એટલે અમૃત  જાનીને સાથે રાખીને દેવેન, ભરત યાજ્ઞિક અને મિત્રો  મળ્યા. નક્કી કર્યું કે લખવાનો સમય તો હવે રહ્યો નથી, તો નાટક લાઇવ જ ભજવીએ. અને આમ અમૃત જાનીની રાહબરી નીચે એ લોકોએ ’૨૪ વર્ષે’ નાટક લાઇવ કર્યું. એમાં અમૃત જાનીએ મોટાભાઇનો રોલ કરેલો. એ વખતે એમની સાથે ફક્ત થીમ ડિસ્કસ જ કરેલી, જેમ કૉફી હાઉસમાં આપણે કરીએ તેમ જ. માત્ર ૧૦ મિનિટ માટે,  લાઇવ અને માત્ર એક વ્યક્તિએ  કરવાનું હોય તો એ હજીય સહેલું પડે, પણ એકી સાથે દસ-પંદર જણાં ભાગ લેતા હોય, ત્યારે જે કસોટીભર્યો અનુભવ થાય, એ તો એ કરનારને જ સમજાય. એમાં શ્રોતાઓનો રસભંગ પણ ન થવો જોઇએ- એ શરત તો પાછી ઉભી જ હોય. એ નાટકમાં અમૃત જાનીએ પોતે, દેવેને, ભરત યાજ્ઞિકે, અનુજભાઇએ, પ્રમોદભાઇએ, અને હસમુખ  રાવળે- ભાગ ભજવેલો. એ બધાએ નક્કી કરેલું કે- આ આપણું પાત્ર છે, ને આપણે એને સંભાળી લેવાનું છે અને એને આ દિશામાં આપણે લઇ જવાનું છે. આ બધું એ લોકોએ છેલ્લા બે કલાકમાં જ વિચારેલું. દેવેન મને કહેતો હતો કે ૪૦ વર્ષની મારી રેડિયોની નોકરી રહી, એમાં પહેલા ૫ વર્ષ મેં આર્ટિસ્ટ તરીકે વિતાવેલા, એટલે કુલ ૪૫ વર્ષ મારી કારકિર્દીના રહ્યા, પણ આ પ્રકારનો મારો આ એક માત્ર અનુભવ રહ્યો.

એવી જ મઝાની સ્મૃતિ છે સુવિખ્યાત નાટ્ય અને સ્વરના સુવિખ્યાત કલાકાર એવા રાજકોટના ભરત યાજ્ઞિકની. તે અને બીજી રસપ્રદ વાતો આવતા હપ્તામાં ……


(ક્રમશ:  )


લેખકસંપર્ક :
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક, મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “એક અનન્ય નટસમ્રાટ-અમૃત જાની (ભાગ ૧)

Leave a Reply

Your email address will not be published.