મારે મરવું નથી કારણ કે…

સોનલ પરીખ

‘મારે મરવું નથી. મને બચાવી લો. કંઈ પણ કરો – મને જિવાડો.’

એ વૃદ્ધ સજ્જનનું ગળું ભરાઈ આવ્યું. ઉપસેલી નસોવાળા સૂકા બરછટ હાથે તેમણે ખુરશીના હાથા એવી રીતે પકડી રાખ્યા હતા કે જો છોડી દેશે તો મૃત્યુ ઊંચકીને એમને લઈ જશે ! ફિક્કી ચામડી બેબાકળા ચહેરા પર કંપતી હતી. આંખોમાં ડર અને સ્તબ્ધતા થીજી ગયાં હતાં. તેઓ ખૂબ અસહાય અને હતાશ લાગતા હતા. હવા પણ જાણે તેમની પીડાના વજનથી ભારે ભારે થઈ ગઈ હતી.

‘કેન્સર ઘણું વધી ગયું છે.’ હું શબ્દો ચોર્યા વગર બોલી. તેમ કર્યા વગર બીજો રસ્તો નહોતો.

‘એટલે કે કોઈ આશા નથી? પ્લીઝ, એવું ન કહો. કહો કે આશા છે. રિપૉર્ટ ફરી વાર જુઓ. તમારા સિનિયરની સલાહ લો. નિદાનમાં કદાચ ભૂલ હોય. તમે તો ડૉક્ટર છો. છેવટે એટલું કહો કે કૅન્સર જીવલેણ નથી.’

‘હું તમને લાંબો સમય વ્યવસ્થિત રાખવાની અને પીડા વગર જિવાડવાની કોશિશ કરીશ.’

‘પણ મારે મરવું જ નથી.’ તેમણે પોતાના ધ્રૂજતા હાથમાં મારી હથેળી જકડી લીધી. તેમના હાથ ઠંડા હતા; મૃત શરીરના હોય તેવા. પણ તેમની હથેળીનો કંપ હું મારી હથેળીમાં અનુભવી રહી. થોડી વારે મેં મારો હાથ હળવેથી સેરવી લીધો.

નીચું જોઈ તેઓ માથું ધુણાવતાં બબડતા હતા : ‘મારે મરવું નથી. મારે મરવું નથી..’

દર વખતે આ જ દૃશ્ય ભજવાય. કોઈના માથા પર મૃત્યુ તોળાતું હોય, તેને મરવું ન હોય, તે બચવા માટે એવા કાલાવાલા કરે; જાણે અમે ડૉક્ટરો તેમને જિંદગી આપવા સમર્થ હોઈએ ! આ બધાની અસર હું ડૉક્ટર છું તો પણ; મને થાય તો ખરી. રોગ અને મૃત્યુ પાસે આખરે માણસ અસહાય છે એ સ્વીકારવું કંઈ સહેલું નથી. તે છતાં અમે છેક સુધી લડ્યે જતા હોઈએ છીએ. આવી રીતે વર્તીને તેઓ મારો આત્મવિશ્વાસ તોડી નાખતા.

હવે વાતો પૂરી થઈ ગઈ હતી. તેઓ આવતા ને આવતાંની સાથે રડવા માંડતા. હું પણ ચુપચાપ રહેતી. તેમને રડવા દેતી, જોતી રહેતી. મને કરુણા પણ ઉપજતી અને ધિક્કાર પણ જાગતો. એવું વાતાવરણ ઊભું થતું, જાણે આ સ્થિતિમાં મેં એમને મૂક્યા હોય. અસાધ્ય કૅન્સરના મરણોન્મુખ રોગીઓની સારવાર ‘પેલિએટિવ કૅર’ની ખાસ તાલીમ મેં લીધી છે. અંત સમયની પીડા અને મૃત્યુને સહ્ય બનાવવામાં દર્દીઓને મદદ કરવી તે મારું કાર્યક્ષેત્ર છે. એટલે હું છેવટે તેમને આશ્વાસન આપતી, શાંત પાડવાની પૂરેપૂરી કોશિશ કરતી, થોડી આધ્યાત્મિક વાતો પણ કરતી; છતાં તેમનું રડવાનું કેમેય અટકતું નહીં. મારી ધીરજની કસોટી થવા લાગતી ને અંતે ક્ષોભ અને ત્રાસ પામીને હું તેમનો હાથ પકડી હળવેથી ઊભા કરતી અને બહાર મૂકી આવતી. એક રડતો વૃદ્ધ બીમાર પુરુષ અને તેને બહાર મુકી જતી યુવાન ડૉક્ટર ! એવું દૃશ્ય રચાતું કે બહાર બેઠેલા દર્દીઓ, મારી રિસેપ્શનિસ્ટ અને વૉર્ડબૉય સુધ્ધાં તેમના તરફ સહાનુભૂતિથી અને મારા તરફ તિરસ્કારથી જોતાં. ક્યાંય સુધી મને કળ ન વળતી.

‘તમે અત્યંત નિરાશ થઈ ગયા છો’ એક દિવસ મેં કહ્યું.

‘હા.’ તેમની આંખો છલકતી હતી.

‘તમને તકલીફ થાય છે, દુઃખાવો કે બળતરા?’

‘હા… ના… કદાચ. ખબર નથી પડતી.’ અને આંસુ સરવા માંડ્યાં.

ફરી વાર તેઓ હતાશાની અતળ ખાઈમાં ગરક થતા જતા હતા અને મને પણ ખેંચી જતા હતા. હું ખેંચાઈ રહી હતી. મને ગુસ્સો આવતો હતો. આખરે આયુષ્યના નેવુંમા વર્ષે મૃત્યુનો આટલો ડર શા માટે ? સુખોદુઃખોથી ભરેલી એક લાંબી જિંદગી તેમણે જીવી લીધી હતી, પછી આટલી વિહ્વળતા શા માટે ? મને તેમના ખભા પકડી હલાવી નાખવાનું ને બૂમ પાડીને પૂછી લેવાનું મન થતું હતું, ‘આખરે, દીકરીથીય નાની ઉંમરની ડૉક્ટર પાસેથી કેવા પ્રકારનું આશ્વાસન ઈચ્છો છો તમે ?’

ખરેખર તો આ ક્ષણે શાંતિ અને ધૈર્યમાં એમની તમામ અસહાયતા ઓગળી જવી જોઈએ. મૃત્યુને ગરિમાથી સ્વીકારી લેતાં અનેક યુવાનો અને બાળકો પણ મેં જોયાં છે. આ પુરુષ આ ઉંમરે આટલો બધો નિર્બળ કેમ બને છે ? આટલો બધો કેમ પડી ભાંગે છે કે કેમેય કરીને તેને ઊભો કરી શકાતો નથી ?

મારી અકળામણ વધતી હતી. કદાચ બહાર દેખાતી પણ હશે. તેઓ ધ્રૂજતા ધ્રૂજતા ચુપચાપ બેઠા હતા. આંસુથી ખરડાયેલા ગાલ પર ફરી ફરી આંસુ વહેતાં હતાં.

મેં કહ્યું, ‘કદાચ બીજા કોઈ ડૉક્ટર તમને વધુ મદદ કરી શકશે. હું…’

‘ના, ના, મારે બીજા કોઈ પાસે જવું નથી. તમે મને છોડી ન દેશો.’

‘ભલે, નહીં છોડું.’

‘હું મરવા નથી માગતો. મારે જીવવું છે કારણ કે… કારણ કે હું પ્રેમમાં છું.’

હું સ્તબ્ધ ! પ્રેમમાં ? આ ઉંમરે ? કાન પર અથડાયેલા શબ્દો જાણે મનમાં પચતા નહોતા !

તેઓ તો જાણે ક્યાંક બીજે, બીજી દુનિયામાં ચાલ્યા ગયા હતા. મનમાં જાત સાથે વાત કરતા હોય એમ તેઓ બોલવા લાગ્યા, ‘અમારાં લગ્ન થયાં ત્યારે તે સોળ વર્ષની હતી.’ આટલાં ડર, પીડા અને કંપન વચ્ચે પણ તેમના ચહેરા પર એક કોમળ તેજ પથરાયું. થોડા ન સમજાય તેવા શબ્દો… પછી તેઓ ક્યાંય સુધી મૌન રહ્યા. મારા મનમાં ચિત્ર આવ્યું – સાગરના તળિયે એક મરજીવો છીપ ભેગી કરી રહ્યો છે. મનમાં ઊછળતી ઉત્સુકતા દબાવી હું ધીરજથી તેમને જોતી રહી.

અંતે મૌન તૂટ્યું : ‘મેં વચન આપ્યું હતું કે જીવનભર તેને સંભાળીશ.’

હું પારાવાર ક્ષુદ્રતા અનુભવતી હતી. ‘મને કહ્યું કેમ નહીં ?’

‘તમે પૂછ્યું નહોતું.’

‘હવે પૂછું છું. તમારાં પત્ની વિશે મને કહો.’

‘કહું?’ તેમના ચહેરા પર મેઘધનુષ ખીલી ઉઠ્યું.

‘હા. બધું કહો.’

અને તેઓ કહેવા લાગ્યા – ભાગલા વખતે સર્વસ્વ ગુમાવીને થાકેલાં શરીર, વિચ્છિન્ન આત્મા અને ચાર નાનાં બાળકો સાથે આ દેશમાં આવેલાં પતિ–પત્ની વિશે, દિવસે નાનીમોટી નોકરીઓ કરી રોટલો રળતા ને રાત્રે નાઈટ સ્કૂલમાં ભણતા યુવાન વિશે, કરકસરથી ઘર ચલાવતી, બાળકોને કેળવતી ને સંઘર્ષરત પતિના હૃદય પર શાંતિનો હાથ ફેરવતી પ્રિયતમા વીશે, યુવાનીનાં વીતતાં ગયેલાં વર્ષો, સંઘર્ષનાં ધીરે ધીરે મળતાં ગયેલાં ફળ અને આયુષ્યની સરતી જતી રફતાર વિશે. ‘રોજ રાત્રે અમે છયે જણ ઢુંબો વળીને જે મળ્યું હોય તે પ્રેમથી ખાઈ લેતાં, એકબીજાને ખવડાવી દેતાં. થાકથી તૂટી પડ્યો હોઉં ત્યારે એ ખભે હાથ મૂકીને કહેતી – ‘આપણે સાથે છીએ તો નવી જિંદગી જરુર મળશે ને હું ભાંગેલી કમર સીધી કરી વિશ્વાસપૂર્વક કામે લાગતો.’

આ બધું કહેતી વખતે તેમના અવાજમાં જરાય કંપ ન હતો. તેમણે કહ્યું, ‘તમને કદાચ મારી વાત જૂના જમાનાની, ચીલાચાલુ લાગશે. પણ સાચું તો એ જ છે કે, અમારા પ્રેમે જ અમને શક્તિ આપી હતી. તેનું મોં જોઈને મારા પગમાં નવું જોમ આવતું ને મને જોઈને તેનામાં પ્રાણ પુરાતો. આમ જ જીવન વીત્યું, બાળકો મોટાં થયાં, દુઃખો પણ પૂરાં થયાં અને હવે…’

ફરી તેમનો અવાજ તૂટી ગયો. આંખો વહેવા માંડી. પણ હવે હું આ આંસુનું મૂલ્ય જાણવા પામી હતી. પ્રેમનું આ કેવું સ્વરુપ હતું ! જે પ્રેમ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં તેમને સ્થિર રાખતો હતો, તે જ પ્રેમ આ વયોવૃદ્ધ અવસ્થાએ તેમને બાળકની જેમ રડાવી રહ્યો છે ! હું આમને ડહાપણના, સાંત્વનાના શબ્દો કેવી રીતે કહું ? મને સમજાય છે, તેઓ સાચા છે. જેનો થરથરતો હાથ, હાથમાં લઈને જીવનભર સાથ આપવાનો કોલ દીધો હતો, જેને ગર્વથી, પ્રેમથી, અધિકારથી આજ સુધી રક્ષી હતી; તેને આ વૃદ્ધ અવસ્થાએ એકલી મૂકીને જઈ શકાતું નથી. પણ જવું તો પડશે. આ મૃત્યુનો ડર નથી, વિયોગનો પણ નથી; બસ એક જર્જરિત વૃદ્ધ નારીમૂર્તિ સામે આવે છે ને ધૈર્યના બધા બંધ તૂટી જાય છે.

‘ના, તમે ચીલાચાલુ નથી. જૂના જમાનાના નથી. આ પ્રેમ, આ સ્વપ્નો જ તો દરેક યુગનું જીવનબળ છે.’

તેમના હાથ પર હાથ મૂકીને હું બોલી, ‘તમારી વાત ખુબ જ સુંદર અને અત્યંત અદભૂત છે.’

તેમણે બે હાથમાં મારી હથેળી પકડી, ‘એવું નથી. તમે આંખ ખોલીને જુઓ તો આવો પ્રેમ ઘણી જ્ગ્યાએ દેખાશે.’

અને પહેલી વાર તેઓ શાંતિપૂર્વક ગયા. મને શાંતિ આપીને ગયા. હવે છેક મને સમજાયું કે તેઓ મારી પાસેથી શું ઈચ્છતા હતા. મારે તેમના હૃદય સુધી પહોંચવાનું હતું. તેમની પીડા સમજવાની હતી. દવા કે ઈલાજમાં નહીં; તેમની શાંતિ પોતાના મનની વાત વહેંચવામાં હતી.

મને મારી અધીરાઈ માટે શરમ આવતી હતી. કેટલી ઉપરછલ્લી હતી મારી યુવાની અને જીવન તો કેટલું ગહન, કેટલું શાંત ! ધીમા, ડગમગતા, સરખું સાંભળી કે બોલી ન શકતા જીર્ણ શરીરવાળા વૃદ્ધોને જોઈ તેમને નીરુપયોગી, નકામા, અકારણ જીવ્યા કરતા અને સંવેદનવિહોણા ધારી લેતા વાર નથી લાગતી; પણ યુવાનીનો ચળકાટ એક દિવસ ખલાસ થઈ જાય છે. ત્યાર પછી પણ પ્રેમ જીવતો હોય છે; જિંદગીનો અર્થ જીવતો હોય છે. જો જોવા માગીએ તો દેખાય; અનુભવવા માગીએ તો જોઈ શકાય.

એ અમારું છેલ્લું મિલન હતું. ત્યાર પછી તેઓ કદી ન આવ્યા. એક દિવસ સમાચાર મળ્યા કે તેઓ મૃત્યુ પામ્યા છે. મેં ઑફિસમાં કહેવડાવ્યું કે તેમને ત્યાંથી કોઈ પેપર્સ લેવા આવે તો મને મળે.

અઠવાડિયા પછી તેમના પુત્રને મળવાનું થયું. ચાલીસેક વર્ષનો ગંભીર સમજદાર પુરુષ. મેં પૂછ્યું, ‘તેમની છેલ્લી પળો કેવી વીતી ?’

‘શારીરિક કષ્ટની ફરિયાદ નહોતા કરતા. પણ જીવ જતા વાર લાગી. વારે વારે મા સામે જોયા કરતા હતા.’

‘અને તમારાં મા ?’

‘મારી મા છેલ્લાં વીસ વર્ષથી અંધ છે. તેની સારસંભાળનો બધો જ ભાર છેક સુધી પિતાજીએ ઉપાડ્યો. અમે ઘણું કહ્યું કે નર્સ રાખીએ, કૅરટેકર રાખીએ; પણ ન માન્યા. કહે, મારે બીજું કામેય શું છે ? અત્યાર સુધી એણે મારી કેટલી સેવા કરી છે, થોડું હુંયે કરું – ને નાનુંમોટું બધું પોતે જ કરતા. રોજ બહાર લઈ જાય. ઝીણું ઝીણું વર્ણન સતત કરતા જાય ને મા તેમનો હાથ પકડી ચાલતી હોય, રસથી સાંભળતી હોય. વચ્ચે પૂછતી જાય, ‘આ ઘંટડી શાની વાગી ?’ ‘બાજુમાંથી શું દોડી ગયું ?’ ‘આજે પાંદડાં કેમ બહુ ખખડે છે ?’ ઘરમાં પણ બન્ને સાથે ને સાથે જ-’ પછી ગળું ખંખેરી કહે, ‘જોડી તૂટી, ડૉક્ટર.’

‘તમારાં મા બહુ દુઃખી થયાં હશે ?’

એ ભાઈ નીચું જોઈ ગયા. થોડી વારે કહે,

‘શાંત હતી આમ તો. એક વાર બોલી હતી – “સારું થયું, મારા પહેલા તેઓ ગયા. મારે પહેલા જવાનું થાત તો એમને એકલા છોડી કેમેય જઈ ન શકત. તેમની જેમ વલખતી રહેત.”

મેં પુછ્યું, “તને કોણે કહ્યું તેઓ વલખતા હતા ?” તો બોલી નહીં. છલકતી આંખે નીચું જોઈ ગઈ.’

‘તમે કહ્યું, શાંત હતી – ‘હતી’ શબ્દ વાપરેલો ને ?’

‘હા.’

‘એટલે – એટલે કે…’

‘પિતાજી ગયા પછી ચાર દિવસે મા પણ મૃત્યુ પામી. ઊંઘમાં જ ચાલી ગઈ. પેલે દિવસે બોલી હતી કે હવે જીવીને શું કામ છે ? ભગવાનની માળા કર્યા કરતી હતી આખો દિવસ.’

દર્દીના મૃત્યુ પછી સગાવહાલાને મળવાનો પ્રસંગ આવી રીતે ક્યારેક આવે. તેવે વખતે તેઓ વાતો કરવા આતુર હોય છે. તેમની લાગણીઓ ઘવાય નહીં, તેવી રીતે વાત ટૂંકાવવાની અમને તાલીમ અપાય છે. હું પણ આ શીખી છું. સૌજન્ય જાળવીને થોડામાં પતાવવું એ નિયમને અનુસરું છું. પણ તે દીવસે એ નિયમ મેં તોડ્યો. એ ભાઈએ તેમના પિતા વિશે ઘણી બધી વાતો કરી, કે દાદા કેવા ગરમ સ્વભાવના પણ અત્યંત પ્રેમાળ હતા. રેફ્યુજીઓને કેટલી મદદ કરતા, પરિવારને કેટલો ચાહતા – અનેક પ્રસંગો. આ બધી વાતો મેં પૂરી સાંભળી. પણ મારી આંખો સામે એક જ દૃશ્ય રચાતું રહ્યું – ઝૂકી આવેલું આકાશ, સાંકડો રસ્તો, એકબીજાંનો હાથ પકડી ચાલ્યું જતું દમ્પતી અને તેમના પર મંજરીઓ ખેરવતાં ઘટાદાર વૃક્ષો !

દર્દીઓ તરફ જોવાની એક નવી દૃષ્ટિ મને મળી છે. વ્હીલચૅરમાં બેઠેલા, અધ્ધર જીવ અને ખોવાયેલી દૃષ્ટિવાળા, જીર્ણ-કંપતા શરીરવાળા વૃદ્ધોને જોઈને હું મારી જાત સાથે એક કમિટમેન્ટ કરું છું કે, તેમના અંતની ઘોષણા કરવાની ઉતાવળ કરવાના બદલે હું તેમની સફરના મુકામોને, તેમની સાથે માણીશ. તેમની સ્મૃતિની અને મારી સમજની ગ્રંથિઓને ઓગાળીશ.

આખરે, આપણે શું જોઈએ – મુક્તિ, વિમોચન. ખરું ને ?


સોનલ પરીખ : પરિચય

જન્મ: 10-10-1959, ખેડા જિલ્લાના ધર્મજ ગામમાં. મહાત્મા ગાંધીનાં છઠ્ઠી પેઢીના વંશજ.

શિક્ષણ: એમ.એ., બી.એડ., યુજીસી નેટ, કંઠ્ય સંગીત વિશારદ છે.

વ્યવસાય: લેખન, પત્રકારત્વ

અનુભવ: મુંબઈ સર્વોદય મંડળ અને મુંબઈ ગાંધી સ્મારક નિધિ, મણિભવન જેવી ગાંધીસંસ્થાઓમાં વહીવટી તેમ જ સંશોધનકાર્યનો તેમ જ ‘નવનીત સમર્પણ’ તથા ‘જન્મભૂમિ’ના તંત્રીવિભાગમાં કુલ પંદરેક વર્ષ કામ કર્યું છે. હાલ લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં ગાંધી અભ્યાસકેન્દ્ર ‘ગાંધીભારતી’ તેમ જ લોકભારતી મુખપત્ર ‘કોડિયું’ના સંપાદનમાં કાર્યરત.

લેખન: લેખનયાત્રા 2003થી કાવ્યસંગ્રહ ‘નિશાન્ત’ સાથે શરૂ થઈ. આજ સુધીમાં બે કાવ્યસંગ્રહ, બે નવલકથા, એક દીર્ઘ કિશોરકથા, છ ગાંધીપુસ્તકો, છ વિચારવલોણું પુસ્તિકાઓ, પાંચ પરિચયપુસ્તિકાઓ, ત્રણ લેખસંગ્રહ, દસેક અનુવાદો અને એક સ્મૃતિચિત્ર આપ્યાં છે. પાંચ જેટલાં પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા છે. 300થી વધારે પુસ્તકોનાં અવલોકન કર્યાં છે અને ‘જન્મભૂમિ’, ‘ફૂલછાબ’, ‘કચ્છમિત્ર’, પ્રબુદ્ધ જીવન’ તેમ જ ‘વિચારવલોણું’માં નિયમિત કૉલમો ચાલે છે.

ઇ-મેલ સંપર્ક : sonalparikh1000@gmail.com 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.