તપસ્વિની [૨]

કલમના કસબી : કનૈયાલાલ મુનશી

રીટા જાની

તપસ્વિની એ સાંપ્રત સમાજના પ્રવાહોને આલેખતી યુગકથા છે. તેના પાત્રો લેખક અને સર્જક મુનશીની મનોભૂમિમાં આકાર લે છે પણ તેમાં પ્રતિબિંબિત થાય છે ગાંધીયુગ. કથાના પાત્રો પણ એ યુગનો સંઘર્ષ અનુભવે છે. તેમાં જોવા મળે છે ક્યાંક રીતરિવાજોમાં જકડાયેલો સમાજ તો બીજી તરફ સમાજમાં આદર્શ અને નીતિમત્તાનું નિર્માણ કરવાના સ્વપ્નો અને પશ્ચિમ અને પૂર્વના સંસ્કારો વચ્ચેથી નવસર્જનના પ્રભાતનું કિરણ. ગતાંકમાં આપણે મુનશીની સામાજિક નવલકથા ‘તપસ્વિની’ ની રોચક શરૂઆત જોઈ. આપણા સ્મૃતિપટ પર ગતાંકથી છવાયાં છે એવાં પાત્રો જે તપસ્વિની નવલકથાનો પ્રાણ છે –રવિ, રાધારમણ, શીલા,ઉદય, એલીસ તથા ગણપતિશંકરની સંઘર્ષની વાત પણ જાણી. મુનશીની કથાવસ્તુ અને શૈલીના પ્રવાહમાં વાચક અનાયાસે જ વહી જાય છે અને આગળ શું થયું તે જાણવા તલપાપડ ન થાય તો જ નવાઈ.

કથાનો બીજો વિભાગ ઘણો ટૂંકો છે. તપસ્વિની એ સમાંતર પ્રવાહોને રજૂ કરતી કૃતિ છે. તેમાં ક્યાંક સમાજ તો ક્યાંક રાજકારણ પ્રસ્તુત થાય છે. એક તરફ ગાંધીજી અને દેશપ્રેમી લોકો છે તો ક્યાંક છે રવિદાસ ચૂડગર કે રવિશંકર ત્રિપાઠી.  ગાંધીજી તો સત્ય અને શુદ્ધિના આગ્રહી હતા. પણ રાજકારણમાં બધા સાધન અને સાધ્ય બંનેની શુદ્ધિનો આગ્રહ રાખે એવું બનતું નથી. રાજકારણમાં આગળ વધવા કેવા દાવપેચ ખેલાય છે તેની ઝલક અહી મળી રહે છે. રવિદાસ ચુડગર ઉર્ફે રવિશંકર ત્રિપાઠી પોલિટ બ્યુરોના  પ્રધાનમંત્રી કોમરેડ સન્યાલ સાથે રહી કોમ્યુનિસ્ટ કલાની ઉપરની શ્રેણીમાં આવ્યો હતો, ભાષણ કરવામાં એ એક્કો બની ગયો હતો તો પ્રપંચથી પ્રચારકાર્ય  સફળ બનાવવું, કામગરોમાં વિદ્વેષ ફેલાવી  ફૂટ પાડવી , હડતાલોથી મિલમાલિકો પાસે  તોબા પોકરાવવી, જે  કામદારો પક્ષની આજ્ઞા વિરુદ્ધ કામ પર જાય તેને  ગૂંગળાવવા; આ બધી કલામાં નિપુણ રવિને  રશિયા જઈ આવેલી કોમરેડ મોના જેવી સાથીદાર મળે છે. તે રવિની કામચલાઉ ધર્મપત્ની બનીને રહે છે. . તે રવિને કહે છે –“પાર્ટીનું કામ એ આપણો ઘરસંસાર…જ્યાં સુધી બંનેને ફાવશે ત્યાં સુધી એ સંસાર ચલાવીશું, નહીં ફાવે તો એકબીજાને સાફસાફ કહી દઇશું.”

નવલકથાનો ત્રીજો વિભાગ સ્વામીરાજ ઉપર છે. ઉદયની બહેન રાજબા નર્મદાકિનારે રહેતા સ્વામીરાજના વાડા ઉપર જાય છે અને ઉદયને પત્ર દ્વારા જણાવે છે. સ્વામીરાજના અવાજમાં વહાલસોયાપણું છે. એ હોય ત્યાં પાપ, પાખંડ, અપુણ્યનો સંચાર થતો નથી. એ તો એવું કહે છે કે પાપ તો અપુણ્યની જનની છે, અપુણ્યમાંથી પુણ્ય જન્મે છે. તેઓ તેમના પૂર્વજીવન અને સાધનાની વાત રાજબાને કરે છે. તેઓ રાજબાને સમજાવે છે કે શ્રદ્ધા રાખ તો સિદ્ધિ પ્રગટશે, અપુણ્યમાંથી પુણ્ય પ્રગટશે. સંસારચક્ર માત્ર સમુદ્રમંથન છે. તેમાંથી પાપ અને પુણ્ય, સુખ અને દુખનાં ફીણ નીકળે તો જ અમૃત નીકળે . જે સુંદર છે તે સત્ય પણ છે ને શિવ પણ છે. રાજબાને એવું લાગ્યું કે સદીઓની શ્રદ્ધાએ અહીં કેવું સરસ પ્રેરણાસ્થાન બનાવ્યું છે. અહીં મુનશીનું આધ્યાત્મિક ઊંડાણ છતું થાય છે.

નવલકથાના ચોથા વિભાગ ’માથેરાન’માં આ સુંદર રમણીય સ્થળની પશ્ચાદભુમાં પ્રસંગોની વાતો વણાયેલી છે. દિવાળીના તહેવારો ઉજવવા અહીં કવિ મત્તમયુર, ઉદય, રાધારમણ, શીલા, હાઈનેસ સમરસિંહ, મહારાણી હંસકુંવારબા આવ્યાછે.. કવિ મત્તમયુર પાસે શબ્દોનો વૈભવ છે પણ સંવેદનાનો નથી. કવિનો  ખોટો અહંકાર, બેરિસ્ટર રાધારમણના છાનગપતિયાં , ઉદય અને શીલાની સંસ્કારિતા અને એકબીજાની ભાવનાઓની સમજ, સમરસિંહ અને હંસકુંવારબાના લોકલાજ છોડી મોજમજાની કહાણીઓ, જેવા પ્રસંગો દિવાળી અને નવા વર્ષની ઉજવણી  સાથે સાથે આકાર લે છે.

જીવન એ ક્યારે પણ નથી માત્ર ધર્મક્ષેત્ર કે નથી માત્ર કુરુક્ષેત્ર. તે બંનેનું સંમિશ્રણ છે.  ક્યાંક યુધિષ્ઠિરના સત્યને પડકારવા શકુનિના દાવપેચ પણ આકાર લે છે. રામાયણના આદર્શો અને મહાભારતના બનાવોને સાથે લઈને સંસાર ચાલે છે. પુરાતન અને અર્વાચીન વચ્ચેનો સમયસેતુ જીવન હોય કે સમાજ હંમેશા જોવા મળે છે. માત્ર બાણાવળી હોવું પૂરતું નથી, કૃષ્ણનું માર્ગદર્શન પણ યુદ્ધ જીતવા જરૂરી હોય છે. અને તેથી જ પ્રસંગોને સાંપ્રત વાતાવરણમાં રજૂ કરવાનો કસબ એ વિશિષ્ટતા છે. કદાચ એ જ વિશેષતા આપણે માણી રહ્યા છીએ ‘તપસ્વિની ‘ના સ્વરૂપે .

કથા હોય કે કથાનક, ફિલ્મ હોય કે નાટક હંમેશા એક તબક્કે વળાંક પણ લે છે અને વિરામ પણ. વિરામ એ વાચક ને વધુ રોચક ઉત્તરાર્ધ તરફ લઈ જવાનું એક સોપાન છે. આપણે પણ એવા જ એક સોપાન પર સર્વોત્તમની પ્રતીક્ષા સાથે…

મળીશું ….આવતા અંકે..


સુશ્રી રીટાબેન જાનીનો સંપર્ક janirita@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.