પુસ્તક પરિચય
પરેશ પ્રજાપતિ

એકબીજા સાથે સંપર્ક જાળવવા ટ્વીટર, વૉટ્સ એપ,SMS કે e-mail જેવાં આધુનિક, ઝડપી તેમજ સુવિધાયુક્ત માધ્યમોના પગલે પત્રલેખન હવે વિસરાતું ચાલ્યું છે. પરંતુ, એક સમયે પત્રલેખન અતિશય પ્રચલિત, હાથવગું તેમજ જાણીતું માધ્યમ હતું, સામાજિક વ્યવહારમાં તો ખરું જ, ઉપરાંત મોટા ભાગના રાજકીય તથા સામાજિક આગેવાનો પત્રો દ્વારા જનસંપર્ક જાળવતા. ખાસ્સી રાજકીય વ્યસ્તતા વચ્ચે પણ ગાંધીજી, સરદાર તથા નહેરુનો પત્રવ્યવહાર ખૂબ જાણીતો છે. આ પત્રોમાં તેમના વિચારો, તત્કાલિન પ્રશ્નો તથા તેને ઉકેલવાની દિશા અને મથામણ વગેરે પાસાઓનું અધ્યયન રોચક તથા મહત્વનું બની રહે છે.
પુસ્તક ‘સપ્રેમ શુભાશિષ’માં ગાંધીજીના અંતેવાસીઓમાંના એક એવા કાકાસાહેબ કાલેલકરના યૂંટેલા ૧૧૧ પત્રો સમાવિષ્ટ છે. આ પત્રો તેમણે પોતાના સહાયક તરીકે૧૯૬૫માં જોડાયેલાં કુસુમબહેનને લખ્યા હતા. કૉલેજનું શિક્ષણ પૂરું કરીને કુસુમબહેન કાકાસાહેબ સાથે જોડાયાં ત્યારે માંડ ૨૩નાં હતાં, જ્યારે કાકાસાહેબ ૮૧ની પાકટ વયના હતા. તેમનો સંબંધ છેક કાકાના દેહાંત સુધી ટક્યો. આમ, કુસુમબહેનને કાકાસાહેબનો ૧૬ વરસ જેટલો દીર્ઘ સહવાસ સાંપડ્યો.
પત્રોના આરંભે કરાયેલા ‘ચિ.કુસુમ’, ‘વ્હાલી કુસુમ’, ‘મારી વ્હાલી દિકરી કુસુમ’ તો ક્યારેક ‘કાવ્યરસિક કુસુમ’ અને ‘સાહિત્યમુગ્ધ કુસુમ’ જેવાં વિવિધ સંબોધનો પરથી બંને વચ્ચેના સંબંધનું ઉંડાણ પામી શકાય છે. દરેક પત્રના અંતે કાકાસાહેબ આશિર્વચન તરીકે ‘કાકાના સપ્રેમ શુભાશિષ’ અચૂક લખતા. પુસ્તકનું શિર્ષક ‘સપ્રેમ શુભાશિષ’ તેનાથી પ્રેરિત હોવાનું અભિપ્રેત છે.
કુસુમબહેન સાથે થયેલા પત્રવ્યવહારમાં ક્યાંક કાકાસાહેબના જીવનની આછેરી ઝલક જોવા મળે છે. ૧ ડિસેમ્બર,૧૮૮૫ના રોજ જન્મેલા દત્તાત્રય બાળકૃષ્ણ કાલેલકરની મૂળ અટક રાજાધ્યક્ષ હતી. એક પત્રમાં તેમણે એ વિશે લખ્યું છે: ‘અમે સતારાના (મહારાષ્ટ્રના) કાલેલી ગામના હોવાથી હકીકતે ‘કાલેલીકર’ તરીકે ઓળખાવા જોઇએ, પણ ‘કાલેલકર’ તરીકે ઓળખાયા.’
કુસુમબહેન હજી યુવાની તરફ કદમ માંડી રહ્યાં હતાં. તેમને મુંઝવતા અથવા મનમાં ઉગેલા પ્રશ્નો તેઓ કાકાસાહેબને લખતાં; જેનો કાકા પોતાની સમજ અને માન્યતાઓ પ્રમાણે જવાબ આપવા પ્રયત્ન કરતા. કેટલીક વાર તાત્વિક ચર્ચાઓ પણ થતી. આમ કાકાના બહોળા જ્ઞાન તથા અનુભવનો લાભ કુસુમબહેનને મળવાની સાથે કાકાસાહેબનું પરોક્ષ રીતે માર્ગદર્શન પણ સાંપડ્યું. આ પુસ્તકમાં સામેલ પત્રોમાંનાં કેટલાંક માર્ગદર્શક લખાણો:
કાકાનો પ્રવાસ શોખ જાણીતો છે. તેમણે કેટલાંક સુંદર પ્રવાસવર્ણનો આપ્યા છે. કુસુમબહેને એક પત્રમાં કરેલું પ્રવાસ વર્ણન કાકાસાહેબને પસંદ પડ્યું. એ વર્ણન કેમ મજાનું જણાયું એ સમજાવતાં કાકાએ લખ્યું, “તારું વર્ણન માત્ર કુદરતનું વર્ણન નથી હોતું, પણ માણવાનું વર્ણન હોચ છે.” કાકાની આ ટિપ્પણી પ્રવાસવર્ણન કેવું હોય તે બાબતે પ્રકાશ પાડે છે.
લોકો જે ‘અભિપ્રાય’ બાંધે તેના વિશે કાકા આમ લખે છે; “…મારા વિશે કોઇ ખોટો અભિપ્રાય બાંધે કે મારા વર્તનનો અવળો અર્થ કરે તો સફાઇ કરવાનો પ્રયત્ન કરું, પણ સામાના અભિપ્રાયને કારણે જો હું દુઃખી થઉં તો મને ગમે ત્યારે દુઃખી કરવાનો અધિકાર તેને સોંપ્યો (કહેવાય). એ ધારે ત્યારે હું દુઃખી થાઉં…એવી દયામણી સ્થિતિમાં આપણે કેમ રહીએ?”
પોતાની ‘નબળાઇ’ના સ્વિકાર અંગે કાકાએ આમ લખ્યું છે, “.. અણગમતી એવી કોઇ ખાસિયત જ્યાં સુધી નજરમાં ન આવે ત્યાં સુધી એનો ઇલાજ ક્યાંથી થાય? લોકો ટીકા કરે તો પણ એ વસ્તુ એ નબળાઇ પોતામાં છે એનો સ્વિકાર ન થાય તો પણ એનો ઇલાજ સૂઝે નહિં. ..એ વાત સ્વિકારીએ ત્યારે સમજવું કે એનો આપણામાંથી નાશ થવાનો.”
દુઃખ વિશે તેમણે લખ્યું, “દુઃખ ઊંડું હોઇ શકે પણ, ક્યારેય અસહ્ય ન હોઇ શકે.” આમ કહી દુઃખનું મહત્વ સમજાવતાં તેઓ લખે છે કે દુઃખો તો કેળવણી આપે છે.
જીવનસાથીની પસંદગીમાં ચામડીના વર્ણ વિશે છણાવટ કરતાં કાકા કહે છે, “હું તો સ્પષ્ટ માનું છું કે પશ્ચિમના ગોરા લોકો કરતાં આપણી રસિકતામાં વૈવિધ્ય છે, અને સંસ્કારિતાની સાથે ઉદારતા પણ છે. એ જ કારણ છે કે હું પોતાના લોકો પાસે જાતિ-સમન્વય, ધર્મ-સમન્વય અને વંશ-સમન્વયની અપેક્ષા વિશ્વાસપૂર્વક કરું છું.”
કુસુમબહેને ગુરુ-શિષ્ય સંબંધ વિશે ઘણા સવાલો કાકાને પૂછ્યા હતા. એક પત્રમાં કાકાએ તેનો ઉલ્લેખ કર્યો છે કે તેમના પ્રશ્નો પરથી ગુરુ-શિષ્ય સંબંધ વિશે એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું હતું. પુસ્તક ‘સપ્રેમ શુભાશિષ’માં આ વિષયને આવરી લેતા ઘણા પત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ચરણસ્પર્શનું મૂળ ક્યાં અને તે કેમ ટાળવા જોઇએ; ગુરુભક્તિ ઉપર વિશદ છણાવટ તથા ગુરુભક્તિનાં જોખમો; ગમે તેવા પ્રખર ગુરુ પણ સહજ માનવીય ગુણોથી મુક્ત હોઇ શકે કે કેમ એ સંદર્ભે ગુરુને ઇશ્વરતુલ્ય ગણવા કે નહિ; ગુરુ- શિષ્ય કેવા હોય અને તેમનો સંબંધ તથા માનસિકતા કેવી હોય; ગુરુદક્ષિણા શું છે, તે ગુરૂએ ગ્રહણ કરવી કે નહિં વગેરે વિષયો પર કાકાસાહેબે પ્રકાશ પાડ્યો છે. આમ, ગુરુ અને પરમાત્મા જેવા પાસાંઓની ચર્ચા કરતાં રહીને ગુરુનિષ્ઠા અને બ્રહ્મનિષ્ઠા સુધીની કાકાની તબક્કાવાર પત્રસફર આ પુસ્તકમાં આવરી લેવાઇ છે. પત્રોમાં દરેક મુદ્દે તેમનાં જ્ઞાન, સમજ તથા માન્યતાઓ મુજબ તેમણે મોકળા મને ચર્ચા કરી છે. એક પત્રમાં કાકાએ પુનર્જન્મ વિશે પોતાના વિચારો રજૂ કર્ચા છે.
કાકાસાહેબે પોતાના અંતર્મુખી સ્વભાવનો ઉલ્લેખ પણ એક પત્રમાં કર્યો છે. રામલાલ પરીખના (કુલપતિ) આમંત્રણ છતાં પોતે વિદ્યાપીઠમાં હાજર નહોતા રહ્યા તેના કારણમાં ઢળતી ઉંમરે કાકાને સાંભળવાની મુશ્કેલી તથા યાદશક્તિ સાથ ન આપતી હોવાનું જણાવ્યું છે. આ વાતો છે તો કુસુમબહેન સાથેની, પરંતુ આવી ફર્સ્ટ હેન્ડ માહિતી પૂર્ણ વાંચનનો સંતોષ આપવાની સાથે વાચક સમક્ષ કાકાની અંતરછબિ પણ ઉપસાવે છે.
હાલ ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા, દિલ્હી સાથે સંકળાયેલાં કુસુમબહેન શાહે પ્રસ્તાવનામાં કાકાસાહેબ સાથેના પત્રવ્યવહારનો પોતાના ઘડતરમાં ખૂબ મોટો ફાળો હોવાનું જણાવતાં લખ્યું છે કે, ‘કાકાસાહેબ પોતાના માટે આધ્યાત્મિક, જ્ઞાની અને રાષ્ટ્રસેવામાં સમર્પિત ગુરુ હતા. કાકાસાહેબના પત્રો પોતાના માટે જ્ઞાનની પ્રસાદીરૂપ હોવાથી આ પ્રસાદીને સૌ રસિક વાચકો વચ્ચે વહેંચવાના ઉપક્રમે આ પુસ્તક પ્રકાશિત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.’ પુસ્તક ‘સપ્રેમ શુભાશિષ’માં કાકાની ચર્ચાઓ તેમજ નાની ટિપ્પણીઓ જોતાં કુસુમબહેનનો આ હેતુ બર આવ્યો હોય તેમ જણાય છે. આ પુસ્તક થકી કાકાસાહેબની નીખરતી છબિની સમાંતરે કુસુમબહેનની વિશુદ્ધ જિજ્ઞાસા અને સાત્વિકતાની અનુભૂતિ વાંચનારના મનને પ્રસન્ન કરતી રહે છે.
*** * ***
પુસ્તક અંગેની માહિતી:
સપ્રેમ શુભાશિષ: કાકાસાહેબ કાલેલકર
પૃષ્ઠસંખ્યા : 288
કિંમત : ₹ 400
પ્રથમ આવૃત્તિ, એપ્રિલ 2022
પ્રકાશકઃ ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા, રાજઘાટ, નવી દિલ્હી, 110002
મુદ્રક અને પ્રકાશક :વિવેક જિતેન્દ્ર દેસાઇ
વિજાણુ સંપર્ક: sales@navjivantrust.org ; ghss.sannidhi@gmail.com
વિજાણુ સરનામું: www.navjivantrust.org
આ શ્રેણી માટે કોઈ પુસ્તક મોકલવા ઈચ્છે તો શ્રેણી સંપાદક પરેશ પ્રજાપતિને તેમના વિજાણુ સરનામા pkprajapati42@gmail.com પર સંપર્ક કરી પુસ્તકો મોકલવા વિનંતી.