અમેરિકાની ગૃહ હિંસાનું કારણ ગન કલ્ચર છે.

નિસબત

ચંદુ મહેરિયા

બે એક માસ પહેલાં અમેરિકાના ટેક્સાસ પ્રાંતની પ્રાથમિક શાળામાં ઘટેલી માસફાયરિંગની ઘટનાએ, ન માત્ર અમેરિકી સરકાર અને સમાજને, વિશ્વ સમાજને હલબલાવી નાંખ્યા હતા. આ ઘટનામાં દસ વરસથી નીચેની ઉમરના ઓગણીસ બાળકો અને તેમના બે શિક્ષકો સહિત એકવીસ નિર્દોષ લોકોને, અઢાર વર્ષીય યુવાને ધડાધડ ગોળીઓ છોડી મારી નાંખ્યાં હતાં. અમેરિકાની ગન વિકૃતિના પરિણામે સર્જાયેલી આ કંઈ પહેલી ઘટના નહોતી અને છેલ્લી પણ નહીં હોય પરંતુ હવે પ્રેસિડેન્ટ જો બાઈડેનની પહેલથી સંસદે ગન કન્ટ્રોલ બિલ પસાર કરીને તેના પર લગામ લગાવવાનો પ્રયાસ કર્યો છે.

છેલ્લા પચાસ વરસોમાં બંદૂકના કારણે પંદર લાખ અમેરિકીઓના મોત થયા છે. આ આંકડો એટલે પણ બહુ મોટો અને મહત્વનો છે કે છેલ્લા અઢીસો વરસોમાં અમેરિકાના ગૃહયુધ્ધો અને યુધ્ધોમાં પણ આટલા બધા લોકો મરાયા નથી. રોજના સરેરાશ ત્રેપન અમેરિકી નાગરિકોના મોતનું કારણ બંદૂક હોય છે. ૨૦૨૦ના વરસમાં ૪૫,૨૨૨ લોકોના મોત બંદૂક્થી થયા હતા. તેમાં ચોપન ટકા લોકોએ બંદૂકથી આત્મહત્યા કરી હતી અને તેંતાળીસ ટકા લોકોની હત્યાઓ બંદૂકથી થઈ હતી.

હથિયાર ખરીદવાનો અને ધારણ કરવાનો અમેરિકાના નાગરિકોને મૂળભૂત અધિકાર છે. ઈ.સ. ૧૭૯૧માં,. આશરે સવા બસો કરતાં વધુ વરસો પૂર્વે, બીજા બંધારણ સુધારા દ્વારા આ અધિકાર આપવામાં આવ્યો હતો.તે સમયે અમેરિકામાં બ્રિટિશ હકુમત હતી. કાયમી સરકારી સુરક્ષા દળના અભાવે નાગરિકોને સ્વરક્ષા માટે નાના હથિયારો ધારણ કરવાનો અપાયેલ અધિકાર વખત જતાં શોખ અને મોભાનું પ્રતીક તથા ગૃહહિંસાનું કારણ બની ગયો છે. તેમાં હથિયાર ઉત્પાદક કંપનીઓનું આર્થિક હિત અને રાજકીય પક્ષો સાથેની સાંઠગાંઠ ઉમેરાતા અમેરિકી સમાજમાં બંદૂક સંસ્કૃતિ કે અપસંસ્કૃતિ ઉદભવી છે. લાખો નિરીહ નાગરિકો જીવ ગુમાવીને અને તેમના સ્વજનો જિંદગીભરની પીડા વેઠીને તેના માઠા પરિણામ ભોગવે છે.

સ્વિત્ઝરલેન્ડની સંસ્થા ‘સ્મોલ આમ્સ સર્વે’ના અધ્યયન મુજબ વિશ્વમાં ૮૫.૭ કરોડ સિવિલિયન ગન કે નાગરિકો પાસેની બંદૂકો છે. તેમાંથી એકલા અમેરિકી નાગરિકો પાસે જ ૪૦ કરોડ છે. ૬૬ ટકા અમેરિકીઓ પાસે તો એકથી વધુ બંદૂકો છે.દર સો નાગરિકે ૧૨૦ ગન છે. દુનિયાની કુલ વસ્તીમાં અમેરિકાની વસ્તી (૩૩ કરોડ) પાંચ જ ટકા છે પરંતુ દુનિયાની કુલ બંદૂકોમાં તેની પાસે  ૪૬ ટકા છે.

જગત જમાદાર, સર્વસમાવેશી ઉદાર લોકતંત્ર, સંપન્ન અને વિકસિત દેશની ઓળખ ધરાવતા અમેરિકામાં હથિયાર ધારણ કરવાના બંધારણીય અધિકારને કારણે લોકો ચણા-મમરાની જેમ ગન ખરીદે છે. ૧૯૬૮ના અમેરિકી ગન કન્ટ્રોલ એકટ મુજબ ૧૮ વરસથી વધુ વયના નાગરિકો નાનું હથિયાર અને ૨૧થી વધુ વયના હેન્ડગન જેવું મોટું હથિયાર ખરીદી શકે છે અને સાથે રાખી શકે છે. અમેરિકાની સરકારોનું હથિયારો પ્રત્યે ઉદાર વલણ છે., રાજકીય સંરક્ષણ છે. હથિયાર ઉત્પાદક અને વિક્રેતા કંપનીઓનું રાજકીય દબાણ પણ કારણભૂત છે. એટલે આત્મરક્ષાના સાધન તરીકે મળેલો બંદૂકનો અધિકાર ખુદનો અને અન્યનો જીવ લેવાનું સાધન બની ગયો છે.

હથિયાર ખરીદતાં પૂર્વે જે તે વ્યક્તિની તપાસ કરવાની જોગવાઈનો કડકાઈથી અમલ થતો નથી. એટલે બંદૂકોની ધૂમ ખરીદી થાય છે અને મોટાપાયે હિંસા થાય છે. ૨૦૨૦માં માસ ફાયરિંગમાં ૫૧૩ લોકોને મારી નંખાયા હતા. વળી કાયદેસર ખરીદી ઉપરાંત ગેરકાયદે ખરીદી, સગીરોની બંદૂક કે તેના પાર્ટ્સની ઓનલાઈન ખરીદી ,મિત્રો કે સગાવહાલા પાસેથી  ખાનગી કે અંગત ખરીદી જેવા રસ્તે ઘોસ્ટ ગન  તથા એસેમ્બલ ગનનો વેપાર થાય છે.

૨૦૨૦ના વરસમાં ૧.૧ કરોડ બંદૂકોનું ઉત્પાદન થયું હતું. જે છેલ્લા વીસ વરસોમાં  દસ ગણું વધુ છે. અમેરિકાના હથિયાર ઉધ્યોગની વાર્ષિક આવક રૂ. ૯૧ હજાર કરોડની છે અને અઢી લાખ કરતાં વધુ લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે. અમેરિકી અર્થતંત્રમાં પણ તેનો મોટો ફાળો છે. પચાસ લાખની સભ્યસંખ્યા ધરાવતી અમેરિકાની ગન ઉત્પાદકો-વિક્રેતાઓની શક્તિશાળી સંસ્થા નેશનલ રાઈફલ એસોસિએશને તેમના વેપારને ટકાવવા ૨૦૧૦ થી ૨૦૨૦ના દસ વરસોમાં ૧૫૫ મિલિયન ડોલર પોલિટિકલ લોબિંગ પાછળ ખર્ચ્યા હતા.એટલે પોણાભાગના સાંસદો બંદૂક ઉત્પાદકો અને વિક્રેતાઓના કાયમ સમર્થનમાં હોય છે.  ટેકસાસની ઘટના પછી કેટલાક રિપબ્લિકન સાંસદોએ પણ ગન કલ્ચર બિલનું સમર્થન કર્યું છે એ સાચું પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટૃમ્પ અને તેમની પાર્ટી તો હંમેશા બંદૂક ઉત્પાદકોના પક્ષે જ હોય છે.

એમ તો મેક્સિકો અને ગ્વાટેમાલા દેશોના નાગરિકોને પણ હથિયારનો મૂળભૂત અધિકાર છે. પરંતુ આ દેશોમાં અમેરિકા જેવી હિંસા જોવા મળતી નથી. દુનિયાના સૌથી ખુશહાલ, ધનિક અને ખુલ્લા અમેરિકી સમાજમાં એકલવાયાપણું, રંગભેદ, કુટુંબભાવનાનો લોપ, સ્પર્ધામાં પાછળ રહેવાનો ડર,સામાજિક –આર્થિક વિષમતા  અને અસલામતી જેવા કારણોથી બંદૂકોથી આત્મહત્યાઓ અને હત્યાઓ થાય છે. એટલે જ બંદૂકોના બનાવનારા અને વેચનારા કહેતા હોય છે કે ‘બંદૂકો કોઈને નથી મારતી, લોકો એકબીજાને મારે છે કે જાતે  મરે છે.” બંદૂકોનો આત્મરક્ષા માટે ભાગ્યે જ અને અન્ય કારણોસર વધુ ઉપયોગ થાય છે. તેથી તેનો મૂળ ઉદ્દેશ ફળીભૂત થતો નથી.

ટેકસાસની ઘટના પછી જેમ ગન કલ્ચરના વિરોધમાં તેમ તરફેણમાં  પણ લોક જુવાળ જોવા મળ્યો છે. “હવે એક પણ વધુ ગન નહીં” નો નારો જેમ પોકારાતો રહ્યો તેમ “મારી બંદૂક ખરીદવાની આઝાદી કાયમ રહેવી જોઈએ” નો નારો પણ બુલંદ થતો રહ્યો હતો.. એટલે સંસદે કાયદો પસાર કર્યો અને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થયા છતાં આ મુદ્દે સમાજ વિભાજિત જ છે. પ્રેસિડન્ટ બાઈડેને સ્વીકાર્યું છે કે આ કાયદાથી ગન ખરીદીના અધિકાર પર આકરા પ્રતિબંધનું તેમનું ચૂંટણી વચન સંપૂર્ણ પૂર્ણ થયું નથી.વર્તમાન સુધારામાં ગન ખરીદી પૂર્વે સઘન ગંભીર તપાસ, જોખમી અને અપરાધીઓના હથિયારો પરત લેવાનો રાજ્યોને અધિકાર તથા શાળાઓમાં બાળકોની સલામતી અને માનસિક સ્વાસ્થ્યના કાર્યક્રમો માટે સરકારી નિધિની જોગવાઈથી કદાચ  તે  હિંસાને અટકાવવામાં મદદરૂપ થઈ શકશે.એવી આશા શિકોગા ઘટના પછી નિરાશામાં પરિણમે છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “અમેરિકાની ગૃહ હિંસાનું કારણ ગન કલ્ચર છે.

  1. અમેરિકન પોલીટીક્સ માં એક શબ્દ બહુ પ્રચલિત છે. તે “LOBBY & LOBBYING”. વગદાર જૂથ તે માંહેનું એક એટલે NRA- National Rifle Association – A charitable organization:-
    NRA ની કાર્ય પધ્ધતિ: બધાજ વગદાર રાજકીય નેતાઓને પોતાના Payroll પર રાખવા અને નિભાવવા.

Leave a Reply

Your email address will not be published.