નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૭૮

મરનારની ઇચ્છાઓનું પાલન કરવું જ રહ્યું ને!

નલિન શાહ

સવારે માનસી ખબર પૂછવા આવી ત્યારે ધનલક્ષ્મીએ એને ધર્મેશભાઈને બોલાવવાની તાકીદ કરી. એટલું કહેવામાં પણ એને જોર પડતું હતું.

માનસી જાણતી હતી કે કુટુંબના જૂના અને વિશ્વાસુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવાના નાતે ધનલક્ષ્મીને ધર્મેશભાઈ પર ઘણો ભરોસો હતો. માનસીએ એમને ફોન કરીને આવવા કહ્યું.

ધર્મેશભાઈએ વૃદ્ધતાના કારણે ઓફિસનું બધું કામકાજ એમના દીકરાના હાથમાં સોંપ્યું હતું. બપોરે એમના દીકરાને લઈને એ આવી પહોંચ્યા. માનસી એમને સાસુના રૂમમાં મૂકીને દરવાજો બંધ કર્યો. બાઈને ચા-નાસ્તો અંદર પહોંચાડવાની તાકીદ કરીને એ ઉપરના ફ્લેટમાં ચાલી ગઈ. એને સાસુની અંગત બાબતોમાં કોઈ રસ નહોતો, ન તો ધનલક્ષ્મીએ એને હાજર રહેવાનું સૂચન કર્યું.

બીજે દિવસે ધર્મેશભાઈનો દીકરો કોઈ અજાણી વ્યક્તિને લઈને આવ્યો અને ધનલક્ષ્મી સાથે બંધ બારણે મસલત કરી ચાલી ગયો. એ અજાણી વ્યક્તિના કાળા કોટ પરથી માનસી પામી ગઈ કે એ કોઈ વકીલ હતો. બે દિવસ પછી ધનલક્ષ્મીએ સીલ કરેલું મોટું એન્વેલપ માનસીના હાથમાં આપીને કહ્યું, ‘સંભાળીને સેફમાં મૂકી દે, મારું વસિયતનામું છે.’ માનસીએ સાસુ પાસે સેફની ચાવી માંગી તો એણે કહ્યું, ‘તારી સેફમાં મૂકી રાખ.’

‘ના. એવી કોઈ જરૂર નથી. ભલે ને તમારી સેફમાં રહ્યું.’

આડકતરી રીતે માનસીનો ઇશારો એ વાત પર હતો કે સાસુની સેફમાં મૂક્યું હોય તો એને ધીરજ રહે કે એની હયાતિમાં કોઈએ ખોલીને વાંચ્યું નથી.

ધનલક્ષ્મીનો ગુસ્સો પીગળી ગયો હતો. ફિલોમિના અને માનસી તપાસવા આવતાં તો એમની સૂચનાઓનું એ યંત્રવત્‍ પાલન કરતી હતી. ફિલોમિનાએ ડૉ. મલ્લિક સાથે કોર્ટ મેરેજ કરી લીધાં હતાં પણ એની હાજરી સવારથી રાત સુધી યથાવત્ હતી. ડૉ. મલ્લિક ધનલક્ષ્મીની ખબર લેવા દર બે દિવસે આવતા હતા. માનસીએ ન્યુરો સર્જનને બોલાવવાની વાત કરી તો ધનલક્ષ્મીએ હાથના ઇશારે ના કહી દીધું. કશ્યપ રાત્રે આવતો ત્યારે એનો હાથ થામી થોડી વાર આંખ મીંચીને પડી રહેતી અને એમાં જ એને સાંત્વના પ્રાપ્ત થતી હતી.

એક અઠવાડિયા પછી ધનલક્ષ્મીએ કાંઈ પણ હુંકારો કર્યા વગર આંખ મીંચી દીધી અને ચિર નિદ્રામાં સરી ગઈ.

મરતાં પહેલાં છેલ્લે છેલ્લે સાસુએ વ્યક્ત કરેલી ઇચ્છા મુજબ માનસીએ એનાં અસ્થિ ગોદાવરી નદીમાં પધરાવવા માટે કશ્યપને નાસિક જવાનું કહ્યું અને પોતે કોઈ ધાર્મિક રીતરિવાજોમાં ન માનતી હોવા છતાં એક વહુ તરીકે પોતાની ફરજ બજાવવા કુટુંબના બ્રાહ્મણ પાસે મૃતકના આત્માની શાંતિ માટે જરૂરી ગણાતી વિધિઓ કરાવી.

ધનલક્ષ્મીના મરણના અઠવાડિયા બાદ ધર્મેશભાઈ ફોન પર માનસીને મળવાનો સમય નક્કી કરી આવ્યા અને ધનલક્ષ્મીને લગતી કેટલીક ઔપચારિક વાતો બાદ એમણે કુટુંબના ભૂતકાળ અને સંપત્તિનો આછો ખ્યાલ આપ્યો. ‘સંપત્તિને લગતી જરૂરી વાતો કરવા હું આવ્યો છું.’ એમણે ગંભીર થઈને કહ્યું. ‘કાકા, એટલા માટે તમારે આ ઉંમરમાં આ તકલીફ  લેવાની જરૂર નહોતી. મને બોલાવી હોત મળવા.’ માનસીએ કહ્યું.

‘ના દીકરી, આ કુટુંબ સાથે મારો બહુ જૂનો સંબંધ છે. મારે તો મારી ફરજ બજાવવી જરૂરી છે. તકલીફ તો કોઈ નથી. દીકરાની મોટર છે જવાઆવવા માટે. કેટલાક સંબંધો તો વારસાગત કહેવાય. એ કદી પૂરા ન થાય’ અને હસતાં હસતાં ઉમેર્યું, ‘હવે ઉંમર થઈ એટલે ક્યારેક ને ક્યારેક ડૉક્ટર તરીકે તને બોલાવવાનો પ્રસંગ આવે પણ ખરો. ત્યારે મારાથી થોડું અવાશે?’

‘કાકા, મધરાતે પણ જરૂર લાગે તો મને હકથી બોલાવી શકો છો. મને પણ મારી ફરજ બજાવવાનો મોકો મળશે.’

થોડી વારની ચુપકીદી પછી ધર્મેશભાઈએ એક સીલબંધ કવર માનસીની સામે ધર્યું, ‘આ ધનલક્ષ્મીબેનનું વસિયતનામું છે. એની કોપી તને પણ એમણે આપી છે. તેં વાંચ્યું?’

‘ના.’

‘કેમ?’

‘એવી કોઈ ઉત્કંઠા નહોતી. ઉતાવળ પણ શું છે? એમની ઇચ્છા મુજબ એમની સંપત્તિની વ્યવસ્થા કરીશ; પછી ભલે એ સંપત્તિ મારી માન્યતાની વિરુદ્ધ એમણે મંદિરોમાં અને બ્રાહ્મણોમાં કેમ ના વહેંચી હોય!’

‘વાત એમ છે કે કોઈના મરણ પછી જિંદગીનો કારભાર કાંઈ થંભી નથી જતો.’ ધર્મેશભાઈએ હળવાશથી કહ્યું, ‘મરનારની ઇચ્છાઓનું પાલન કરવું જ રહ્યું ને!’

ધર્મેશભાઈએ સીલ તોડીને કવર ખોલ્યું.

‘તમે પણ કેમ નથી વાંચ્યું?’ માનસીએ પૂછ્યું.

‘મારે શી જરૂર હતી!’ ધર્મેશભાઈએ હસીને કહ્યું, ‘મને ખબર છે કે અંદર શું લખાયું છે.’ કહીને એમણે કવર ખોલીને કાગળો માનસીની સામે ધર્યા. માનસીએ અચકાતાં અચકાતાં કાગળો લીધા અને વાંચવાના બહાને એક સરસરી નજર ફેરવી.

‘આ બધું ફુરસદે વાંચશો તો ચાલશે. ગામની અને શહેરની મિલકત, ખાસ કરીને જમીન જાયદાદનું વિગતવાર વર્ણન જરૂરી હતું એટલે એની નોંધ કરી છે, જે મારો દીકરો આવીને તને સમજાવશે અને જરૂર લાગે તો કોઈ નિર્ણય લેવામાં મદદ કરશે. આ બધી વાતોનો સારાંશ છેલ્લી ચાર લાઇનમાં સમાયેલો છે, જે તારે જાણવું જરૂરી છે.’

માનસીએ સૂચના મુજબ છેલ્લી ચાર લાઇન વાંચી, જેમાં લખ્યું હતું કે ઉપરના લખાણ મુજબ નોંધાયેલી બધી સ્થાવર મિલકત, ઘરની અને બેંકની સેફમાં મૂકાયેલા દાગીના અને રોકડ રકમ અને એના ફ્લેટ અને રાચરચીલા સર્વેની હકદાર કેવળ માનસી હતી. માનસીને એની મરજી પ્રમાણે એની જોગવાઈ કરવાનો હક્ક પ્રાપ્ત હતો.

માનસી વાંચીને આભી બની ગઈ. એણે તો સપનામાંય નહોતુ કલ્પ્યું અને જાગૃત અવસ્થામાં પણ કોઈ આશા નહોતી સેવી કે સાસુ એનું સર્વસ્વ એને સોંપી જશે. અચરજ એ વાતનું પણ થયું કે કશ્યપનો પણ કોઈ ઉલ્લેખ નહોતો. બધી વાતમાં નિર્ણય માનસીએ લેવાનો હતો.

થોડી વાર માનસી સ્તબ્ધ બનીને બેસી રહી. ‘મારે આ બધું શા ખપનું!’

‘મિલકત ! મિલકત છે.’ ધર્મેશભાઈ બોલ્યા. ‘માણસની ઘણી આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં એ મદદરૂપ થાય છે. વ્યક્તિ અને ડૉક્ટર તરીકે તારી પ્રતિષ્ઠા અને સફળતા જાણીતી છે. છતાં શક્ય છે કે તારી પણ કોઈ આકાંક્ષા હોય, જે પૈસાના અભાવે પૂર્ણ ના થઈ હોય. ને વિચાર કર કે સંપત્તિની બાબતમાં કોઈ પણ પ્રયત્ન વગર ધનલક્ષ્મીબેનનો વિશ્વાસ પ્રાપ્ત કરવો એ કાંઈ મામૂલી ઉપલબ્ધિ ના કહેવાય. શાંતિથી વિચાર કરજે અને કોઈ સલાહ-સૂચનની જરૂર લાગે તો વિના સંકોચ જણાવજે.

ધર્મેશભાઈએ વિદાય લીધી. માનસી સૂનમૂન થઈને બેસી રહી.

Author: Web Gurjari

2 thoughts on “નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૭૮

  1. નલિનભાઈ શાહની નવલકથાનું આ છેલ્લું પ્રકરણ મૃત્યુની વાત સાથે સમાપ્ત થાય છે. સંયોગવશ નલિનભાઈ પોતે પણ ૨૧મીએ ચિર વિદાય લઈ ગયા.

  2. બહુ સરસ આલેખન દર અઠવાડિયે વાંચવા મળતું હતું. જો તેમનું મૃત્યુ ન થયું હોત તો કદાચ નવલકથા આગળ વધારી હોત. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે

Leave a Reply

Your email address will not be published.