ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : મણકો ૩ – જંગલી સ્ટ્રોબેરીઝ – Wild Strawberries – Smultronstallet

ભગવાન થાવરાણી

આવો, લેખમાળાના આ ત્રીજા મણકામાં વાત કરીએ ઈંગમાર બર્ગમેનની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક અને અનેકના ( અને મારા ) મતે એમની શ્રેષ્ઠતમ એવી ૧૯૫૭ની બ્લેક એંડ વ્હાઈટ ફિલ્મ વાઈલ્ડ સ્ટ્રોબેરીઝ વિષે. એમની દીર્ઘ કારકિર્દીના બિલકુલ મધ્યાહ્ને એમણે આ ફિલ્મ સર્જેલી. ફિલ્મ વિષે વાત માંડતાં પહેલાં અનિવાર્ય છે વાત કરવી બર્ગમેનના ગુરુ અને આ ફિલ્મના ૭૮ વર્ષીય નાયક VICTOR SJOSTROM વિક્ટર સીસ્ટ્રોમ વિષે.

વિક્ટર સ્વીડીશ ફિલ્મોના પિતામહ ગણાય છે. સ્વીડનમાં ફિલ્મો બનવાની શરુઆત થઈ એ સાયલંટ યુગથી એ સ્વીડીશ ફિલ્મોનું ચાલકબળ હતા. નિર્દેશક, પટકથાલેખક અને અભિનેતા એવા સીસ્ટ્રોમે ૧૯૧૨ થી ૧૯૩૭ દરમ્યાન ૫૪ ફિલ્મો દિગ્દર્શિત કરી અને ૩૬ ફિલ્મોમાં અભિનય કર્યો. બર્ગમેને એમને આ બેનમૂન ભૂમિકા અને ફિલ્મ માટે પસંદ કર્યા એના વીસ વર્ષ પહેલાં જ એ દરેક રીતે નિવૃત થઈ ચૂક્યા હતા. એમનું સ્વાસ્થ્ય પણ કથળી ચૂક્યું હતું. ફિલ્મમાં કામ કરવા એ કોઈ રીતે રાજી નહોતા. બર્ગમેન પોતે એમનાથી અને એમની મૂંગી ફિલ્મ PHANTOM CARRIAGE ( 1921 ) થી એ હદે સંમોહિત હતા કે દર વર્ષે એકવાર તો એ ફિલ્મ જોતા જ. બર્ગમેનની અનેક ફિલ્મોમાં મૃત્યુને બહુ ગહન રીતે ચર્ચવામાં આવ્યું છે (એમની ફિલ્મ SEVENTH SEAL – 1957 માં તો મૃત્યુ જ નાયક છે !) એ એમના આ ગુરુ સીસ્ટ્રોમને આભારી છે. (PHANTOM CARRIAGE માં વિક્ટર પોતે જ નાયક છે અને ફિલ્મના કેન્દ્રસ્થાને મૃત્યુ છે. ફિલ્મનો વિષય એવી લોકવાયકાની આસપાસ વણાયેલો છે કે વર્ષના અંતિમ દિવસે જે માણસ મૃત્યુ પામે એણે પછીનું આખું વર્ષ મૃત્યુ – ગાડી હાંકીને પછીના વર્ષે મૃત્યુ પામનારાઓના આત્મા એકઠા કરવાના !) એમને એવું કહીને આ ભૂમિકા કરવા ફોસલાવવામાં આવેલા કે એમણે ‘માત્ર ઝાડ નીચે પડી રહી સ્ટ્રોબેરીઝ ખાતાં ખાતાં પોતાના ભૂતકાળ વિષે વિચારતા રહેવાનું છે’. હકીકત ઉલ્ટી હતી. આખી ફિલ્મ એમના ખભા પર હતી અને એક સિવાયના દરેક દ્રષ્યમાં એમની હાજરી છે.

એકવાર વિક્ટર આ ફિલ્મના નાયક પ્રોફેસર આઈઝેક બોર્ગની ભૂમિકા (ફિલ્મમાં નાયકની ઉંમર પણ ૭૮ વર્ષ છે) માટે માની ગયા પછી બાકીના પાત્રોની વરણી આસાન હતી. સત્યજીત રાયની જેમ બર્ગમેનનું પોતાના અઢાર કલાકારો – કસબીઓનું એક વર્તુળ હતું જેઓ બર્ગમેન ચીંધે તે નાની- મોટી કોઈ પણ ભૂમિકા કરવા સદા તત્પર રહેતા.

ફિલ્મના સ્વીડીશ શીર્ષક SMULTRONSTALLET[1] નું અક્ષરશ: ભાષાંતર ભલે જંગલી સ્ટ્રોબેરીઝ થાય પણ એનો નિહિતાર્થ દિલચસ્પ છે. ભૂતકાળના સમય કે સ્થળનો એ હિસ્સો જે સ્મૃતિમાં ચિરસ્થાયી હોય અને જેને માણસ મનોમન ઝંખતો રહે ! એનો એક અર્થ વસંતનો પ્રાદુર્ભાવ અથવા જીવનનું નવેસરથી આગમન પણ થાય. આપણે ફિલ્મ જોઈશું તો જણાશે કે આ અર્થ કેટલો સાર્થક છે.

ફિલ્મ વયોવૃદ્ધ અને વિધુર એવા ડોક્ટર / પ્રોફેસર આઈઝેક બોર્ગના જીવનની અને વિશેષ તો એમની એક લાંબી, સવારથી સાંજ સુધીની રોડ મુસાફરીની વાત કરે છે. એ ડોક્ટર ઉપરાંત દેશના પ્રતિષ્ઠિત બેક્ટેરિયોલોજીસ્ટ છે. સ્વભાવે એકલસુરા, મિજાજી, જિદ્દી અને ઘમંડી. થોકબંધ માન-અકરામ હાંસલ કર્યા છે, પરંતુ નહીંવત પ્રેમ. હાલ સ્ટોકહોમમાં એકલા, પોતાની વર્ષો જૂની અને લગભગ એમની જ ઉંમરની ઘરના સભ્ય જેવી નોકરાણી એગ્ડા સાથે રહે છે. એમનો પ્રૌઢ દીકરો ડોક્ટર ઈવાલ્ડ ( Gunnar Bjornstrand ) અને પુત્રવધૂ મેરિયન ( Bibi Anderson ) એમનાથી અલગ લુંડ નગરમાં રહે છે. એ બન્નેને પણ આઈઝેક માટે ખાસ આદર નથી. એમના માતા-પિતાના દસ સંતાનોમાંથી એ એકલા જ હવે હયાત છે. હા, એમના ૯૬ વર્ષીય મા હજુ જીવે છે પણ એ પણ એમના જેવા અતડા છે અને અલગ એકલા રહે છે.

જ્યાંથી એ તબીબી ડોક્ટર થયા એ લુંડ યુનિવર્સીટીએ પચાસ વર્ષ બાદ એક ભવ્ય સમારંભમાં એમનું સન્માન કરી એમને માનદ ડોકટરેટની પદવી એનાયત કરવાનું નક્કી કર્યું છે. મૂળ પ્રોગ્રામ પ્રમાણે એ એગ્ડા સાથે હવાઈ રસ્તે લુંડ જવાના હતા પણ અચાનક કશુંક સુજી આવતાં એમણે કાર લઈને રોડ દ્વારા જવાનો મનસૂબો કરેલ છે. માત્ર દોઢ કલાકની આ ફિલ્મમાં મુખ્ય વાત છે એમની આ ( અંતિમ ! ) મુસાફરીની અને એ દરમ્યાન દુ:સ્વપ્નો અને દિવાસ્વપ્નો દ્વારા એ જે જુએ છે અને સફરના સાથી મુસાફરો સાથેના સંવાદ દ્વારા જે આત્મ-સાક્ષાત્કાર કરે છે તેની. એ પોતે પણ ઝળુંબી રહેલા મૃત્યુ વિષે સતત વિચારશીલ છે અને મનોમન જિંદગીનું પુનર્મૂલ્યાંકન કરતા રહે છે. એમના હમસફરો પણ જાણે એમનો હાથ પકડીને ભૂતકાળની કોઈને કોઈ ઘટના તરફ લઈ જાય છે.

ફિલ્મની શરુઆતમાં જ પ્રોફેસર આત્મકથન કરે છે. ‘ લોકો સાથેના સંબંધોમાં આપણે મુખ્યત્વે એમના ચરિત્રનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. હું આ બધામાંથી ખસી ગયો છું અને પરિણામે સાવ એકલો પડી ગયો છું. આખી જિંદગી કઠોર પરિશ્રમ કર્યો. જિંદગીનો શુક્રગુઝાર છું. પહેલાં રોજીરોટીનો સંઘર્ષ અને પછીથી વિજ્ઞાન પ્રત્યે સમર્પણ. આ ઉંમરે જૂઠ બોલવા માટે હું વધુ પડતો ઉમરવાન ગણાઉં. જીવન પાસેથી એકમાત્ર અપેક્ષા હવે એ છે કે મને જેમાં ખરેખર રસ પડે છે એવી પ્રવૃત્તિઓ કરવા દે . હું એક એવો તરંગી વૃદ્ધ છું જેને ભાવુકતા, સ્ત્રીના આંસૂ અને બાળકનું રુદન પસંદ નથી. ‘

વાતની શરુઆત કરીએ , ડો બોર્ગ વહેલી સવારે લાંબી મુસાફરીએ નીકળે એની આગલી રાતે એમણે જોયેલાં એક વિચિત્ર અને ભયાનક સ્વપ્નથી.

એક ઉનાળુ સવારે એ મોર્નીંગ વોકમાં નીકળ્યા છે. શહેરની શેરીઓ તદ્દન નિર્જન છે. કોઈ કાળા માથાનો માનવી દેખાતો નથી. એમની પદચાપના પણ પડઘા સંભળાય છે. રસ્તા પરની જાહેર ઘડિયાળના કાંટા ગાયબ છે. ( એમના સ્થગિત થઈ ગયેલા જીવનની તેમ ! ) એમની પોતાની ખિસ્સા ઘડિયાળના કાંટા પણ નથી. એમને પોતાના જ ધબકારા સંભળાય છે.

અચાનક એ ફૂટપાથની વચ્ચોવચ ઊભેલા એક શખ્સને જૂએ છે. એના ખભે પાછળથી હાથ મૂકે છે અને એ માણસ ટાંકણી ભરાવેલા ફુગ્ગાની જેમ સડક પર ફસડાઈ પડે છે.

દૂરથી બે ઘોડાની બગી જેવી એક શબગાડી આવતી દેખાય છે. ચાલક-વિહોણી. ઘોડિયાંની જેમ હાલકડોલક થાય છે. એની અંદરથી જાણે કોઈક શિશુના રડવાનો અવાજ સંભળાય છે. બગીમાંથી એક કોફીન બહાર ફેંકાય છે અને બગીનું એક પૈડું લેમ્પપોસ્ટ સાથે ધડાકાભેર અથડાઈને છૂટું પડી જાય છે. બગી આગળ વધી જાય છે.

કોફીનમાંથી લાશનો હાથ બહાર નીકળેલો છે. નજીક જતાં એ હાથ પ્રોફેસરનો હાથ મુશ્કેટાટ જકડી લે છે. એ લાશ ખુદ પ્રોફેસર બોર્ગની છે ! લાશના ચહેરા પર કુટિલ હાસ્ય છે ! પ્રોફેસર સફાળા જાગી જાય છે. જીવન અને મૃત્યુની જુગલબંદી ! એમનું પોતાનું શબ એમનો હાથ પકડીને જાણે એમના નિશ્ચિત પ્રારબ્ધ ભણી ખેંચે છે. સાથોસાથ નવજાત શિશુનું રુદન !

હવે લગભગ આખા દિવસનો લાંબો માર્ગ પ્રવાસ. એમની સાથે છે એમના પુત્રવધૂ મેરિયન ( Ingrid Thulin ) જે પતિ સાથે ઝઘડીને પ્રોફેસર સાથે રહેવા આવી છે. સસરાના સન્માન સમારંભમાં એ પણ જોડાવા ઈચ્છે છે. આ કાર હવે જાણે માનવીય સંબંધોનું મંચન – સ્થળ છે. સસરા-વહુ વચ્ચે મન ઊંચા છે. બન્ને એકબીજા લગી પહોંચવા જાણે ઝઝૂમે છે. મેરિયન ધૂમ્રપાન કરવાની શિષ્ટાચારપૂર્વક અનુમતિ માંગે છે અને પ્રોફેસર સ્ત્રીઓમાં એ દૂષણની સમાજ પરની અસરોની રામાયણ માંડે છે. વિષય પરિવર્તન કરવા છતાં બન્ને વચ્ચેનો મનમુટાવ દેખાઈ આવે છે. મેરિયન એકથી વધુ એવા બનાવો ટાંકે છે જ્યારે બોર્ગ એની સાથે સાવ અમાનવીય રીતે વર્તેલા પણ એમને એમાંનું કશું યાદ નથી ! મેરિયન ઈરાદાપૂર્વક એમને કહે છે કે એમનો ખુદનો પુત્ર ઈવાલ્ડ પણ એમને ધિક્કારે છે. પ્રોફેસર એને પોતાના ગઈરાતના સ્વપ્ન વિષે કહેવા માંગે છે પણ મેરિયન તડને ફડ કહે છે કે એને સપનાઓમાં રસ નથી !

બોર્ગ અચાનક કારને બાજુના આડરસ્તે વાળે છે. એમના મતે તો એ ‘ અચાનક સ્ફૂરેલો વિચાર ‘ છે પણ એ સ્પષ્ટ છે કે એ નાનકડો ઉપ-રસ્તો કોઈક રસપ્રદ જગ્યાએ જાય છે અને આ જ કારણસર એમણે ગંતવ્ય – સ્થાને રોડ દ્વારા જવાનું ગોઠવ્યું હતું.

એક પીળું , જૂનવાણી, વિચિત્ર ભાસતું મકાન. વૃક્ષોથી ઘેરાયેલું. આ એ જ મકાન છે જેમાં આઈઝેકે પોતાના જીવનના પ્રથમ વીસ વર્ષનો ઉનાળો વિતાવેલો. એ એક ખાસ જગા મેરિયનને દેખાડવા ઈચ્છે છે. જંગલી સ્ટ્રોબેરીના છોડ. અચાનક એ સ્વયંને એ છોડ આગળ અટૂલા ભાળે છે. એ સ્ટ્રોબેરી ખાય છે. વર્તમાન ભૂતકાળમાં ઓગળી જાય છે. એમને એ સમયની સારા ( બીબી એંડર્સન ) દેખાય છે. એમની યુવાનીની પ્રેમિકા અને પિતરાઈ બહેન. પીળા વસ્ત્રોમાં એ સ્ટ્રોબેરી વીણે છે. એ બોર્ગની એટલી નજીક છે કે બોર્ગ એને અડી શકે – હિંમત કરે તો !

હા, એ હિંમતનો અભાવ અને પોતાની એક સુશીલ અને મર્યાદાશીલ યુવક તરીકેની છબી જાળવી રાખવાની હોંશમાં જ પ્રોફેસર સારાને એમના પોતાના જ મોટા ભાઈ સિગફ્રીડ પાસે હારી ગયા હતા. સ્ટ્રોબેરી વેરાઈ જાય છે, મનોમન એક આદર્શ યુવક જેવા આઈઝેકને વરેલી સારા વિચાર બદલીને સિગફ્રીડને પરણી જાય છે અને આઈઝેક માટે મૂકી જાય છે હતાશા અને વિષાદ !

પ્રોફેસર દિવાસ્વપ્નમાંથી જાગે છે . સામે ઊભી છે સાક્ષાત સારા. ખરેખર એ એમણે ગુમાવી દીધેલી પ્રેમિકા નહીં, પણ એમની કારમાં પોતાના બે સાથીદારો સહિત લિફ્ટ ઈચ્છતી એક વાસ્તવિક અલ્લડ છોકરી છે. એ ત્રણે અને મેરિયન કારમાં આગળ વધે છે. ડોક્ટર બોર્ગને આ નવા અવતારે આવેલી અને રંગેરૂપે એ જ જૂની સારા અને એની ચંચળ, ઉચ્છૃંખલ પ્રકૃતિમાં રસ પડે છે. એ સારાને પોતાની સારા (જે હવે પંચોતેરની અને છ બાળકોની માતા છે) ની વાત કરે છે. સારા કહે છે ‘ઘડપણથી મોટું કોઈ દુખ નથી.’ ડો બોર્ગ એને જોઈ રહે છે (જાણે કહેતા હોય ‘ તું પણ એવું કહીશ !’)

અચાનક સામેથી આવતી એક કાર એમની કાર જોડે અથડાતાં માંડ બચે છે. એમની કાર રોડ નીચે ઊતરી જાય છે. સામેની કાર ઊંધી વળી જાય છે. એ કારમાંથી અલમાન (Gunnar Sjoberg – બર્ગમેનની ટીમના વધુ એક કાયમી સભ્ય) અને એમના પત્ની માંડ બહાર નીકળે છે. કોઈને ઈજા થઈ નથી. એ લોકો પોતાની ભૂલ કબૂલે છે. એમની બગડી ગયેલી કારને રોડની બાજુમાં મૂકી અલમાન દંપતિ પણ પ્રોફેસરની કારમાં જોડાય છે. કાફલો આગળ વધે છે. નવાગંતુક દંપતિ સખત ઝઘડાખોર છે. પતિ નિરંતર પત્નીનો ઉપહાસ કરે છે અને પત્ની એ અપમાનનો જવાબ હિંસક રીતે વાળે છે. એ બન્નેની ‘ અભદ્ર ‘ નોંકઝોંક સહન ન થતાં ડ્રાઈવિંગ કરતી મેરિયન એમને રોડ પર જ ઉતરી જવાનું કહે છે. બન્ને શર્મિંદગી અનુભવતાં ઊતરી જાય છે.

આ એ જ વિસ્તાર છે જ્યાં વર્ષો પહેલાં ડોક્ટર બોર્ગ તબીબી પ્રેક્ટીસ કરતા હતા. સમગ્ર વિસ્તારના લોકોને એમના માટે હજી પણ જબરો આદર છે. આગળ પેટ્રોલ ભરાવવા કાર થોભાવે છે તો પંપનો કર્મચારી એકરમેન (Max Von Sydow – બર્ગમેનની અનેક ફિલ્મોનો નાયક – અહીં સાવ ટચૂકડી ભૂમિકામાં – મહાન સર્જકોની આ જ ખાસિયત, એમની એક ફિલ્મમાં નાયક હોય એ પછીની જ ફિલ્મમાં નગણ્ય રોલ પણ હોંશે હોંશે કરે, સર્જક પરના અતૂટ વિશ્વાસને કારણે !) અને એની સગર્ભા પત્ની ડોક્ટરને ઓળખે છે. એ લોકો વિવેકપૂર્વક પેટ્રોલના પૈસા લેવાનો ઈંકાર કરે છે. ઊલટાનું અહોભાવપૂર્વક પોતાના આવનારા સંતાનનું નામ ડોક્ટરના નામ પરથી રાખવાનું એલાન કરે છે ! ‘આ વિસ્તારના બધા લોકો તમારા કરજદાર છે, સાહેબ!

રસ્તામાં સારા અને સાથીદારો સાથે ભોજન પતાવી પ્રોફેસર કહે છે ‘ મારી મા અહીં નજીક જ રહે છે. મળી આવું. ‘ મેરિયન પણ સાથે જાય છે.

૯૬ વર્ષીય મા હજી કડે-ધડે છે. ઝાંખી નજરને કારણે દૂર ઊભેલી મેરિયનને એ પ્રોફેસરની પત્ની ધારી કહે છે ‘ મારે એને નથી મળવું. એણે આપણા કુટુંબની પ્રતિષ્ઠાને બહુ નુકસાન પહોંચાડ્યું છે. ‘ સાચી ઓળખ મળતાં ‘ તો એ ભલે અહીં આવીને મારું અભિવાદન કરે. ‘ મેરિયન આ રુક્ષતા જોઈ રહે છે. એ વિચારે છે, એમનો દીકરો અને પૌત્ર મહદંશે એમની જ પ્રતિકૃતિ છે !

‘તારો વર ક્યાં? તારું બાળક ક્યાં ?’ ના જવાબમાં જ્યારે મેરિયન કહે છે કે અમે નિ:સંતાન છીએ ત્યારે  ‘ આ આજકાલના લોકો તો જુઓ ! મેં દસ છોકરાં જણ્યા. ‘

એમણે પોતાના બાળકો રમતા એ રમકડાં એક ખોખામાં સાચવી રાખ્યાં છે. એમની ફરિયાદ છે કે એમના પૌત્ર-પૌત્રીઓ એમનો ભાવ પૂછતા નથી. ‘હા, પૈસા ઉછીના જોઈતા હોય તો દોડતા આવે. મારો વાંક એ કે હું મરતી નથી. મરું તો મિલકતનો હિસ્સો બધાંને મળે ને !’ ડોસી એક નાનકડી ઘડિયાળ કાઢે છે. એમાં પણ કાંટા નથી. (પેલા પહેલા સ્વપ્નવાળી ઘડિયાળની જેમ !) એમના માટે પણ સમય સ્થગિત છે, એમના પુત્ર આઈઝેકની જેમ ! બલ્કે એમ કહેવું વધુ ઉચિત રહેશે કે એ બન્નેએ જાણી – જોઈને સમયને થંભી જવા દીધો છે.

થોડીક મિનિટોની આ મુલાકાત આપણને દર્શક તરીકે પ્રોફેસર બોર્ગનું ચરિત્ર સમજવામાં સહાયભૂત થાય છે. વિદાય લીધા બાદ મેરિયન રસ્તામાં બોર્ગને કહે છે છે પણ ખરી કે આ બાઈ મૃત્યુ કરતાં પણ શુષ્ક છે !

ફરી મુસાફરી. પ્રોફેસર સારાની કાલીઘેલી વાતો સાંભળી રાજી થાય છે. એમને જાણે એમની યુવાનીની સારાની પુનર્પ્રાપ્તિ થઈ છે. મેરિયન ડ્રાઈવીંગ કરે છે. બાજુમાં બેઠેલા આપણા નાયકને ફરીથી ઝોકું આવી જાય છે. બહાર વરસાદ પડે છે. એમની સ્મૃતિઓમાં પણ ઉથલપાથલ છે. હવેનું દિવાસ્વપ્ન શારડીની જેમ છેદે છે એમને.

ફરી સ્ટ્રોબેરી વીણતી સારા. મજાની વાત એ કે આ અને અન્ય દરેક સપનામાં પ્રોફેસર બોર્ગ પોતાની વર્તમાન ઉંમરમાં દેખાય છે જ્યારે અન્ય સૌ જે-તે સમયની અવસ્થામાં. સારા એમની સામે આયનો ધરે છે. ‘તું એક ચિંતાગ્રસ્ત બુઢ્ઢો લાગે છે, જે ટૂંક સમયમાં મરી જવાનો. મારી સામે તો આખી જિંદગી પડી છે. ખોટું ન લગાડ. મારી વાત ટાળ નહીં. હું તારા ભાઈને પરણવાની છું. પ્રેમ તો એક રમતનું નામ છે. બસ ! તારા જેવા વિદ્વાનને ખબર હોવી જોઈએ. તું બધું જાણવા છતાં કશું નથી જાણતો.’ સારા ઊભી થઈ જતી રહે છે બચપણના મકાનમાં.

કટ ! પ્રોફેસર કોઈક મકાનનો દરવાજો ખખડાવે છે. દરવાજો અલમાન ( જેની કાર જોડે અકસ્માત થયેલો અને જેને કારમાંથી ભરરસ્તે ઉતારી મૂકવામાં આવેલો )ખોલે છે પણ હવે એ જૂદી ભૂમિકામાં છે. જાણે અગાઉના અપમાનનું વેર વાળવા આવ્યો હોય તેમ હવે એ એક પરીક્ષક છે. એ પ્રોફેસરને એક પરીક્ષાખંડમાં દોરી જાય છે. એ એક રીતે અદાલત – ખંડ પણ છે. પ્રેક્ષકાગારમાં પ્રોફેસરના છૂટાછવાયા પરિચિતો બેઠા છે. પરીક્ષક કડકાઈથી પૂછે છે ‘ પરીક્ષાપોથી લાવ્યા છો ? બોર્ગ પરીક્ષાપોથી આપે છે. ‘લો. બેક્ટેરિયોલોજીસ્ટ છો તો આ માઈક્રોસ્કોપમાંના બેક્ટેરિયાને ઓળખો જોઈએ.’ પ્રોફેસરને કશું દેખાતું નથી. ‘ચાલો, એ ન આવડ્યું તો આ બોર્ડ પર લખ્યું છે એનો અર્થ કહો.’ પ્રોફેસર ફરી અવાક! પરીક્ષક એ લખાણના અર્થનો સંકેત આપે છે પણ એ સમજી શકતા નથી. સામે બેઠેલા લોકો વેધક નજરે એમના અજ્ઞાનને નિહાળે છે. ‘ તમારા પર ગંભીર આક્ષેપો છે. તમે તમારા વ્યવસાય અને જિંદગીમાં બેદરકાર, સ્વાર્થી અને નિર્દય રહ્યા છો. ચાલો, આ સ્ત્રીને તપાસો જોઈએ. ‘ બાજુની ખુરશીમાં એક અચેત સ્ત્રી બેઠી છે. (આ પાત્ર એટલે અલમાનની કજિયાખોર પત્ની તરીકે પહેલાં આવી ચુકેલ કલાકાર) એને જોઈને પ્રોફેસર કહે છે ‘ આ તો મરી ગઈ છે. ‘ ત્યાં એ સ્ત્રી આંખો ખોલે છે અને ઉપહાસપૂર્ણ અટ્ટહાસ્ય કરે છે!

પરીક્ષક પરીક્ષાપોથીમાં પોતાનો ચુકાદો લખે છે. ‘ હવે તમને તમારી પત્ની આગળ લઈ જઉં. ‘ બહાર ખુલ્લામાં એમની પત્ની અને એનો પ્રેમી. ‘ ઘણા લોકો ત્રીસ વર્ષ પહેલાંની ઘટનાઓને ભૂલી જાય પણ તમારે તો આ યાદ રાખવું જોઈએ. તમે આ બધું આ જ જગ્યાએ ઊભા રહીને જોયું હતું. ‘ એમના પત્ની પ્રેમી આગળ પોતાના પતિના ટાઢાબોળ, લાગણીશૂન્ય હોવાની ફરિયાદ કરે છે.

પ્રોફેસર જાગે છે. કહે છે ‘ ગજબના સપના આવે છે. કેમ જાણે મારે સ્વયંને જે કહેવાનું છે એ જાગૃત અવસ્થામાં સાંભળવાનો જ ન હોઉં ! હું ક્યાં મરી ગયો છું. હું તો આ રહ્યો ! ‘  ‘ તમે અને તમારો દીકરો બન્ને સરખા છો. ‘ કહી હવે મેરિયન સ્મૃતિમાં સરી પડે છે. રુક્ષ, અતડો અને સદા નારાજ એનો પતિ ઈવાલ્ડ . મેરિયન એને પોતાની સગર્ભાવસ્થાની વાત કરે છે. ઈવાલ્ડને બાળક જોઈતું નથી. ‘હું પોતે પણ વણજોઈતું સંતાન હતો. મારા પિતાને એ પણ ખાતરી નથી કે હું એમનું જ સંતાન છું. મારે એવી કોઈ પણ જવાબદારી ન ખપે જેનાથી મારે આ જગતમાં એક પણ દિવસ વધારે જીવવા મજબૂર થવું પડે.’ મેરિયન સમસમી રહે છે.

ફરી વર્તમાન. સમગ્ર દિવસ અને એના અનુભવોમાંથી પસાર થયા બાદ પ્રોફસરમાં કશુંક બદલાયું છે. એ મેરિયનને કહે છે ‘ તારે સિગરેટ પીવી હોય તો ભલે પી. મને વાંધો નથી. ‘ સારા અને સાથીદારોને બોર્ગના થનારા સન્માનની જાણ થઈ છે. એ લોકો રાજીના રેડ છે.

લુંડ શહેર આવી પહોંચ્યું છે. પ્રોફેસરના સન્માનની તડામાર તૈયારીઓ. નોકરાણી એગ્ડા પહેલેથી પ્રોફેસરના પુત્ર ઈવાલ્ડના ઘરે પહોંચી ગઈ છે. બધા ત્યાં પહોંચે છે. મેરિયન અને ઈવાલ્ડ વચ્ચેનો બરફ પીગળતો હોય એવું જણાય છે.

પ્રોફેસર આઈઝેક બોર્ગના અભિવાદનનું ભવ્ય સરઘસ. લોકોના ટોળા વચ્ચે ઊભેલી સારાના ચહેરા પર પરમ આનંદ. ( એનાથી રુડું એમના માટે શું ? ) બેંડ – વાજાં, તોપની સલામી. એ હવે લુંડ યુનિવર્સિટીના ગૌરવવંત વિદ્યાર્થી અને શહેરના પનોતા પુત્ર છે. સમારંભના અધ્યક્ષ એમને  પરંપરાગત તાજ પહેરાવે છે. પ્રોફેસર આયોજકો, એકઠી થયેલી માનવમેદની, યુનિવર્સિટી અને લુંડ શહેર આગળ નતમસ્તક છે.

સમારોહ સમાપન બાદ દીકરાનું ઘર. એગ્ડા ( એમના માટે નોકરાણી શબ્દ બંધબેસતો નથી . એ એનાથી વિશેષ છે ! ) ખુશ છે. પ્રોફેસર આજ સવારના એમની સાથેના પોતાના વર્તન બદલ દિલગીરી વ્યક્ત કરે છે. એમને કદાચ એ મહાસત્ય સમજાયું છે કે ભીતરના ખાલીપા સન્માનોથી ભરાતા નથી ! અચાનક એ કહે છે ‘આપણે આટલા વર્ષોથી સાથે છીએ તો એકબીજાને તુંકારે સંબોધીએ તો કેમ ?’  ‘ ના. એવા દેખાડાની જરૂર નથી. જેમ છે તેમ બરાબર છે.’

રાત્રિ. શયનખંડની વસાયેલી બારી બહારથી કોઈક ગાતું હોય એવું સંભળાય છે. બહાર નીચે સારા અને એના મિત્રો પ્રોફેસરના માનમાં ગીત ગાય છે. એ લોકો કાયમી વિદાય લેવા આવ્યા છે. ‘તમે સરઘસમાં કેવા જાજરમાન લાગતા હતા ! તમને ઓળખીએ છીએ એનો ગર્વ છે અમને. અમે નીકળીએ હવે.‘ સારા આગળ વધીને ‘હું તમને ચાહું છું. આજે, કાલે, હમેશાં .  હું પણ તને કાયમ યાદ રાખીશ.’ પ્રોફેસર ભાવુક બની જાય છે. ( ઔર જીનેકો ક્યા ચાહિયે ! )

‘ ગુડ નાઈટ ‘ કહેવા આવેલા મેરિયન – ઈવાલ્ડ કહે છે કે એમની વચ્ચે હવે સમાધાન થઈ ગયું છે. પ્રોફેસર પોતાની સાથે પ્રવાસમાં જોડાવા બદલ મેરિયનનો આભાર માને છે. બધા વિદાય થયા પછી એ સ્વગત કહે છે ‘ આખો દિવસ ચિંતિત અને ગમગીન રહ્યો. બચપણને યાદ કરી એક અજબ શાંતિનો અહેસાસ થાય છે. ‘ આંખો મીંચાતાં એ જ બચપણનું ઉનાળુ વેકેશનનું ઘર, ભાંડરડાંની ચહલપહલ, ધીંગામસ્તી . સારા તો હોય જ. એ કહે છે  ‘ હવે સ્ટ્રોબેરી બચી નથી. ચાલ હું તને દરિયા તરફ લઈ જાઉં . ‘ એ એમને કાંઠે મૂકીને ચાલી જાય છે. બોર્ગ દૂર – દૂર નીરખતા રહે છે. એ હવે પ્રસન્ન છે. એમને હવે બધું સાર્થક લાગે છે. એ જાગે છે. જાગતી આંખે બધું જૂએ છે. એમને કદાચ જિંદગી નવેસરથી સમજાઈ છે.

—-:—-:—-:—-:—-:—-:

આ ફિલ્મ એક પ્રબુદ્ધ માણસની અતીતમાં ભાવુક યાત્રાની વાત છે. એવો માણસ જેને આદર – સન્માન ભરચક મળ્યા પણ પ્રેમ નહીંવત. માત્ર બાર કલાકની મુસાફરી દરમ્યાન થતી મુલાકાતો, અનુભવો, દુ:સ્વપ્નો અને દિવાસ્વપ્નોના માધ્યમ દ્વારા એમને સમજાય છે કે આદર વિદ્વત્તાથી મળે પણ પ્રેમ માત્ર અને માત્ર સહૃદયતાથી મેળવી શકાય ! ફિલ્મને  ‘ પશ્ચાત્તાપના ઉભરા અને ઉદ્વેગથી ઉત્ફુલ્લ શાંતિ અને સમાધાન તરફની આંતરિક મુસાફરી‘ તરીકે બિરદાવાઈ છે. આ ફિલ્મને મહાન બનાવે છે એ હકીકત કે એ જીવન-સંધ્યાએ પહોંચેલા અનેક એવા લોકોની વાત છે જેમણે જીવનની વસંતમાં કરેલી પોતાની ક્ષતિઓના કારણે ઘણું ગુમાવ્યું છે અને હવે જીવનમાં પાછા જઈ એ બધું સુધારવું નામુમકિન છે. એક જ રસ્તો બચે છે – હવે પછી જેટલું બચ્યું છે એ જીવન નવી રીતે જીવવું ! જો એને ફિલ્મની વિસંગતિ કહી શકાય તો માત્ર એ કે પ્રોફેસર આઈઝેક બોર્ગનું પાત્રાલેખન એક અતડા, રુક્ષ અને ઘમંડી પુરુષનું છે જ્યારે મહાન અભિનેતા વિકટર સીસ્ટ્રોમ એ ભૂમિકામાં કશુંક એવું ઉમેરે છે કે આપણને એમના પ્રત્યે ખીજ કે અણગમા કરતાં પ્રેમ અને સહાનૂભુતિ વધુ ઉપજે !

આ ફિલ્મ બનાવવાનો વિચાર બર્ગમેનને એક વાર ડ્રાઈવીંગ કરતાં રસ્તામાં એમના દાદીનું ઘર આવ્યું ત્યારે આવેલો. એમને થયું કે એવું બને તો કેવું સરસ કે એ દાદીના ઘરનો દરવાજો ઉઘાડીને સીધા બચપણમાં પ્રવેશે અને અંદરનું બીજું બારણું ખોલી પાછા પરત વર્તમાનમાં ! જરાક આગળ જઈને કોઈક ગલીમાં વળે અને વળી કોઈ અલગ કાલખંડમાં !

બર્ગમેનને પાણીના રેલાની તેમ વહેતો સમય દિગ્મૂઢ કરી દેતો. બચપણના રમકડાં, અવાજો અને ગંધ એમને હમેશા યાદ રહેતાં. એમણે એક વાર એમના પ્રેમિકા લિવ ઉલમાનને કહેલું  ‘ હું મારા ભાઈને જોઉં ત્યારે મને એમ થાય કે હજી ગઈકાલે જ તો અમે બન્ને ઉઘાડા પગે બગીચામાં રખડતા હતા. આ અનુભૂતિ મારા મનમાં ભય જન્માવે છે. ‘ 

શેક્સપિયર માટે જે મહત્વ એમની કૃતિ કીંગ લિયરનું હતું એ બર્ગમેનની કારકિર્દીમાં આ ફિલ્મનું છે. જે રીતે આ ફિલ્મમાં બોર્ગ પોતાની વીતેલી ઉંમરમાંથી પસાર થઈ પોતે કરેલી ભૂલો – જે હવે સુધારી શકાવાની નથી – વિષે વિચારી , હવે એનો સ્વીકાર એ જ ઉકેલ છે એ હકીકત સમજે છે એ જ રીતે કીંગ લિયર પણ વંચિતતા અને પાગલપણમાંથી બહાર આવી પોતાની વાસ્તવિક સ્થિતિનો સાક્ષાત્કાર કરે છે. ફિલ્મના નાયકને પણ પોતાના વિષેના સત્યો રસ્તે જતાં જોયેલાં કેટલાક સ્વપ્નો પછી સમજાય છે. એમના પુત્રવધુ એમને આત્મ-નિરીક્ષણ માટે બળતણ પૂરું પાડે છે. કીંગ લિયરની જેમ જ બોર્ગ પણ સ્વયં સમક્ષ, પૂર્ણ નહીં તો આંશિક રીતે નવા સ્વરૂપે ઊભરે છે. પિતા, પતિ અને પ્રેમી તરીકે એમણે કરેલી ભૂલો હવે તેમને સમજાય છે.

જેમણે સત્યજીત રાયની ૧૯૬૬ની ફિલ્મ ‘ નાયક ‘ જોઈ છે અથવા મારી લેખમાળા સત્યજીત રાયની સૃષ્ટિમાં એ ફિલ્મ વિષે વાંચ્યું છે એમને ખ્યાલ આવશે કે એ ફિલ્મની  ‘ પ્રેરણા ‘ એટલે આ વાઈલ્ડ સ્ટ્રોબેરીઝ. એ ફિલ્મમાં પણ નાયક ( ઉત્તમ કુમાર ) કલકત્તાથી દિલ્હી ટ્રેન દ્વારા કોઈક મોટું સન્માન પામવા નીકળે છે અને રસ્તાના અનુભવો, સ્વપ્નો અને એક પત્રકાર સ્ત્રી ( શર્મીલા ટાગોર ) એમને એક નવા જ ‘ સ્વ ‘ નો પરિચય કરાવે છે.

વિખ્યાત હોલીવુડ ફિલ્મકાર વૂડી એલન પણ બર્ગમેનના પરમ ભક્ત છે. એમની ત્રણ – ત્રણ ફિલ્મો સ્ટારડસ્ટ મેમરીઝ ( ૧૯૮૦ ), અનધર વુમન ( ૧૯૮૮ ) અને ડિકંસ્ટ્રક્ટીંગ હેરી ( ૧૯૯૭ ) આ ફિલ્મ પરથી પ્રેરિત છે. મહાન ફિલ્મ સર્જકો આંદ્રે તારકોવ્સ્કી અને સ્ટેનલી કુબ્રીકની પણ આ માનીતી ફિલ્મ.

ફિલ્મના નાયક વિક્ટર સીસ્ટ્રોમ ફિલ્મ પૂરી કર્યા બાદ એકાદ વર્ષ પછી અવસાન પામ્યા.

ફિલ્મને ૧૯૫૮ના બર્લિન ફિલ્મ મહોત્સવમાં શ્રેષ્ઠ ફિલ્મનું સુવર્ણ-પદક મળેલું.

ભલે જીવનમાં ભૂલો કરી હોય, ભલે સન્માન વધુ અને પ્રેમ નહીંવત મળ્યાં હોય પણ જીવનની સમી સાંજે જીવન સાથે સુલેહ કરી લીધી હોય, કોઈ ઉદ્વેગ, રંજ કે ફરિયાદ ન હોય અને સંગાથે કોઈક સારાની સલૂણી સ્મૃતિઓ હોય, પછી જોઈએ શું ?

[1]


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

8 thoughts on “ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : મણકો ૩ – જંગલી સ્ટ્રોબેરીઝ – Wild Strawberries – Smultronstallet

 1. I do not see any relation between ઈંગમાર બર્ગમેનની or વિક્ટર સીસ્ટ્રોમ વિષે with Gujarat, Gujarati or Gurjari.

  I hope somebody is screening the posts

  1. હા. સ્ક્રીનિંગ તો થતું જ હશે.
   છતાં સંપાદકોને વધુ ખબર !

 2. ફિલ્મમાં મને બહુ ખબર નથી પડતી. બહુ જોઈ પણ નથી.
  પરંતુ
  આપે જે રસિકતાથી આખી વાત ઊપસાવી એ વાંચવાની મજા પડી ગઈ.
  જય હો…
  🌹

  1. …તે છતાં આર્ટીકલ વાંચવા અને માણવા બદલ હાર્દિક આભાર સંજુભાઈ !

 3. આપણે ત્યાં કેટલીક ફિલ્મો ફ્લેશબેક માં બની છે . જયારે આ ફિલ્મ માં ફ્લેશબેક ની સાથે સાથે વર્તમાન પણ સાથોસાથ ચાલે છે.
  ” બચપણને યાદ કરી એક અજબ શાંતિનો અહેસાસ થાય છે. ‘ આંખો મીંચાતાં એ જ બચપણનું ઉનાળુ વેકેશનનું ઘર, ભાંડરડાંની ચહલપહલ, ધીંગામસ્તી”
  આપણે સૌને આવો અનુભવ થતો હોય છે.
  આદર અને પ્રેમ વચ્ચેના તફાવત ને બખૂબી પ્રદર્શિત કરતી ફિલ્મ Wild Strawberries ને સુંદર અને બારીકાઇ થી રજુ કરવા બદલ અભિનંદન અને આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published.