ન્યૂડ… નેકેડ… અને પ્રોટેસ્ટ : અકસીર કે અશ્લીલ?

ભાત ભાત કે લોગ

જ્વલંત નાયક

૨૦ મે, શુક્રવાર. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક હિરોઈન આકર્ષક ડ્રેસ પહેરીને રેડ કાર્પેટ પર ઉભી રહીને ફોટો સેશન કરાવી રહી છે. આજુબાજુ ઉભેલા સેંકડો લોકોનું ધ્યાન અભિનેત્રીની અદાઓ પર છે. અનેક ફોટોગ્રાફર્સ ધડાધડ કેમેરાની ચંપ દબાવી રહ્યા છે. એવામાં અચાનક અણધારી ઘટના બની ગઈ. થોડે દૂર ઉભેલી યુવતી અચાનક પોતે પહેરેલો કાળો ગાઉન ફગાવી દઈને લોકોની વચ્ચે આવી ગઈ. સ્વાભાવિક રીતે જ કેમેરામેનના લેન્સ અને લોકોની નજરો પેલી અભિનેત્રી પરથી હટીને આ ટોપલેસ યુવતી પર કેન્દ્રિત થયા. યુવતીએ પોતાના નગ્ન શરીર પર યુદ્ધવિરોધી ચિતરામણ કર્યું હતું અને તે રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને ઘાંટા પાડી પાડીને વખોડી રહી હતી.

***      ***      ***

        ન્યૂડ પ્રોટેસ્ટ. જાહેર સ્થળોએ બધાની હાજરીમાં, કોઈ એક મુદ્દા તરફ લોકોનું ધ્યાન દોરવા માટે એકલ-દોકલ વ્યક્તિ અથવા વ્યક્તિઓનો સમૂહ પોતાના વસ્ત્રો ઉતારીને મા-જણી અવસ્થામાં આવી જાય, એને ન્યૂડ પ્રોટેસ્ટ (નગ્ન વિરોધ) કહેવામાં આવે છે. છેક ઇ સ ૧૯૦૩માં કેનેડિયન ઈમિગ્રેશન પોલીસી વિરુદ્ધ અનેક સ્ત્રી-પુરુષોએ નેકેડ માર્ચ યોજીને પોતાનો વિરોધ નોંધાવેલો. એ પછી તો ‘પેટા’ સંસ્થાનું ‘એન્ટી ફર કેમ્પેઈન’ હોય કે બ્રેક્ઝિટની ઘટના હોય… અનેક મુદ્દે પોતાના વિરોધ નોંધાવવા માટે અમુક સાહસિકો જાહેરમાં વસ્ત્ર ત્યાગ કરતા રહ્યા છે. એમના આવા વિરોધની ફળશ્રુતિ શું, એવો પ્રશ્ન ઘણાના મનમાં ઉઠતો રહે છે. એક મોટો વર્ગ આ પ્રકારના પ્રોટેસ્ટને મીડિયામાં ફૂટેજ ખાવા માટેનું હાથવગું હથિયાર માત્ર ગણે છે. આ બધામાં સાચું શું?

સૌથી પહેલા અંગ્રેજી ભાષાના બે શબ્દો વિષે થોડી ચર્ચા કરવી જોઈએ. નગ્નતાને વ્યાખ્યાયિત કરવા માટે બે શબ્દો છે, Nude (ન્યૂડ) અને Naked (નૅકેડ). આમ જુઓ તો બંનેનો અર્થ એક જ છે – વસ્ત્રવિહીન શારીરિક અવસ્થા. પરંતુ જો ઝીણું કાંતીએ તો બંને શબ્દોની અર્થછાયામાં થોડો ફરક જણાશે. ઘણા વિદ્વાનો માને છે કે ન્યૂડ એટલે નગ્ન ખરું… પણ બિભત્સ, અશ્લીલ કે જાતીયતાથી ખદબદતું નહિ! અમુક વિદ્વાનો ન્યૂડ શબ્દને કલાત્મકતા સાથે જોડે છે. કોઈ સ્ત્રી સ્નાન કરતી હોય કે પોતાના બાળકને સ્તનપાન કરાવતી હોય તો એનું ચિત્ર કલાત્મક ગણાય, અશ્લીલ નહિ. જયારે કોઈ પણ જાતના આર્ટિસ્ટિક એપ્રોચ વિના, માત્ર જાતીય વૃત્તિઓ ઉશ્કેરવા માટે વપરાતી નગ્નતાને ‘નેકેડનેસ’ કહેવાય. જો કે આ બાબતે વિદ્વાનો અલગ અલગ મંતવ્ય ધરાવતા હોય છે.

બુકર પ્રાઈઝ વિજેતા જ્હોન બર્ગરે “Ways of Seeing” નામનું દમદાર પુસ્તક લખ્યું છે. સ્ત્રીઓને વિજ્ઞાપનોમાં અને ઓઈલ પેઈન્ટીંગ્સમાં કઈ રીતે દર્શાવવામાં આવે છે, અને આપણે એ કૃતિઓને કઈ નજરે જોઈએ છીએ, એ વિષે વિષદ છણાવટ કરતા સાતેક નિબંધો બર્ગરે આ પુસ્તકમાં લખ્યા છે, જેમાં ન્યૂડિટી અને નેકેડનેસ વચ્ચેનો તફાવત બર્ગરે પોતાની રીતે સમજાવ્યો છે. બર્ગર માને છે કે ‘ન્યુડ’ હોવું એટલે તમારા અનાવૃત્ત શરીરને સેક્સ્યુઅલી રજૂ કરવું, અને લોકોના પ્રતિભાવ માટે તૈયાર રહેવું. જ્યારે ‘નેકેડ’ હોવું એટલે લોકો શું વિચારે છે એની સાડાબારી રાખ્યા વિના પોતે જેવા છે એવા રજૂ થઇ જવું! આમ, બર્ગર લોકોના પ્રતિભાવની સાપેક્ષે ન્યૂડ અને નેકેડ શબ્દોને વ્યાખ્યાયિત કરે છે. આ વિષય પર તેમની એક ટીવી સિરીઝ પણ થઈ, જે યુટ્યુબ પર જોઈ શકાય છે.

ઉદાહરણ દ્વારા સમજીએ.

‘સ્ટ્રીપટીઝ’ (striptease) એટલે એવો ડાન્સ, જેમાં કમનીય કયા ધરાવતી સ્ત્રી મ્યુઝિકના તાલે પોતાના વસ્ત્રો એક પછી એક ઉતારતી જાય, અને છેલ્લે સંપૂર્ણ નગ્ન થઇ જાય. વિદેશની અનેક નાઈટ ક્લબ્સમાં (અને ભારતની અનેક હાઈ પ્રોફાઈલ પ્રાઈવેટ પાર્ટીઝમાં) આ પ્રકારના એડલ્ટ શો થતા હોય છે. આ પ્રકારનું નૃત્ય કરનાર સ્ત્રી સ્ટ્રીપર તરીકે ઓળખાય છે. સ્ટ્રીપર જ્યારે પોતાનું શરીર અનાવૃત્ત કરતી હોય, ત્યારે એના મનમાં પુરુષ દર્શકો રીઝશે કે નહિ, એની ચિંતા હોય છે. એનો દરેક મૂવ પુરુષોનું ધ્યાન આકર્ષિત કરવા માટે હોય છે. આથી જ્હોન બર્ગરની વ્યાખ્યા મુજબ અનાવૃત્ત સ્ટ્રીપર ‘ન્યૂડ’ ગણાય. બીજી તરફ વિદેશમાં કેટલીક સ્ત્રીઓ ‘Free the Nipples’ મૂવમેન્ટ ચલાવે છે. આ સ્ત્રીઓની માગ એવી છે કે પુરુષોની માફક સ્ત્રીઓને પણ ઉઘાડી છાતીએ ફરવાની પરવાનગી હોવી જોઈએ! અહીં આ સ્ત્રીઓને સમાજ (અથવા પુરુષ ‘દર્શક’) શું વિચારશે, એની તમા નથી હોતી. માત્ર સમાનતાના અધિકાર ખાતર કે પોતાની સ્વતંત્રતા ખાતર જાહેરમાં ટોપલેસ થનાર સ્ત્રી, જ્હોન બર્ગરની વ્યાખ્યા મુજબ ‘નેકેડ’ કહેવાય.

આ બધી ચર્ચા અને પિષ્ટપેષણ પછી કંઈક એવું સત્ય સમજાય છે કે નગ્નતા કરતા, નગ્નતા પાછળનો હેતુ વધુ મહત્વનો છે! જાણીતા કવિ અને તબીબ ડૉ પ્રકાશ કોઠારી કહે છે કે “Sex lies between two ears, not between two legs.” અર્થાત, જાતીયતા તમારા શારીરિક અંગોમાં નહિ પણ તમારા મસ્તિષ્કમાં પેદા થતી હોય છે. એટલા માટે જ મસાલા સોંગમાં ડાન્સ કરતી સ્ત્રીની ક્લીવેજ આપણને વિહવળ કરી શકે છે, પણ સ્તનપાન કરાવતી સ્ત્રીનું ઉઘાડું અંગ જોયા પછી પણ જાતીય વિચારો નથી આવતા. (જો આવતા હોય, તો એને વિકૃતિ ગણીને કાબૂમાં રાખવી!)

અહીં ફિલ્મ ‘બેન્ડીટ ક્વિન’ અંગેની એક વાત યાદ આવે છે. દાયકાઓ પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મ ડાકુરાણી ફૂલનદેવીના જીવન પરથી ઉતરેલી, અને ફૂલનના જીવનમાં જાતીય અત્યાચારોની ભરમાર હતી. ખાસ કરીને, એને સંપૂર્ણ અનાવૃત્ત અવસ્થામાં કુવા સુધી જઈને પાણી ભરવાની ફરજ પડાયેલી, એ ઘટના બહુ જાણીતી છે. ફિલ્મ રિલીઝ થઇ એ વખતે લેખક-દિગ્દર્શક શેખર કપૂરે એક ઇન્ટરવ્યુમાં કબુલ કરેલું, કે કુવા પરથી પાણી ભરવાવાળો સીન કઈ રીતે શૂટ કરવો, એ મારા માટે સૌથી મોટી ચેલેન્જ હતી. ડાકુઓ અને ગામવાસીઓના પાત્ર ભજવતા અનેક જુનિયર આર્ટિસ્ટની વચ્ચેથી એક સ્ત્રી સંપૂર્ણ નગ્નાવસ્થામાં કુવા સુધી જાય, એનો લોંગ શોટ ફિલ્માવવાનો હતો. શેખરને ડર હતો કે ક્યાંક કોઈક જુનિયર આર્ટિસ્ટ્સ પેલી સ્ત્રી વિષે અશ્લીલ કમેન્ટ પાસ ન કરી દે. પણ થયું એનાથી સાવ ઉલટું! જ્યારે એ દ્રશ્યનું શૂટિંગ પૂરું થયું, ત્યારે એક જુનિયર આર્ટિસ્ટ ફૂલન પર થયેલ અત્યાચારોથી વ્યથિત થઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો! નગ્નતાને તમે કઈ રીતે જુઓ છો, અને એ દ્રશ્ય તમારા માનસપટ પર કેવી અસર છોડી જાય છે, એ પણ બહુ મહત્વનું છે!

Picasso Pablo (dit), Ruiz Picasso Pablo (1881-1973). Paris, musée Picasso. MP210.

હવે વાત નગ્નતાના ‘ઉપયોગ’ વિષે. ઉપર કહ્યું એમ નગ્નતા શ્લીલ છે કે અશ્લીલ, એનો આધાર એની પાછળના ‘હેતુ’ ઉપર રહેલો હોય છે. કેટલાક લોકો નગ્નતાનો ઉપયોગ જાહેર વિરોધ પ્રદર્શનના હેતુસર કરે છે. લેખની શરૂઆતમાં જણાવ્યું, એવા અનેક પ્રકારના વિરોધ પ્રદર્શન માટે જાહેરમાં નગ્ન થવાનો ચાલ જોર પકડતો જાય છે. એ સાથે જ એવી ચર્ચાઓ પણ ઉઠે છે, કે આવા વિરોધ પ્રદર્શનોનો ખરો હેતુ શું? આવા પ્રદર્શનો કેટલી હદે અકસીર ગણાય? કે પછી સાવ અશ્લીલ ગણાય?

ટીકાકારોનું માનવું છે કે અમુક પ્રકારના પ્રદર્શનકારીઓ ન્યૂડિટી અને નેકેડનેસ વચ્ચે ચાલાકીપૂર્વકની ભેળસેળ કરે છે, કેમકે વસ્ત્રો ઉતારવા પાછળનો એમનો મૂળ હેતુ વધુને વધુ લોકોને પોતાની તરફ આકર્ષિત કરવાનો જ હોય છે! બીજી તરફ ઘણા પ્રદર્શનકારીઓનું માનવું છે કે અમે કોઈ પણ રીતે લોકોને અમારા તરફ આકર્ષિત કરીને જનહિતનો મુદ્દો રજૂ કરીએ, તો એમાં ખોટું શું છે? વળી કેટલાક માને છે કે સ્ત્રીઓ માટે જાહેરમાં નગ્ન થઇ જવું, એ હતાશાની ચરમસીમા દર્શાવે છે. જ્યારે પોતે સાવ લાચાર અને નિ:સહાય અવસ્થામાં મૂકાઈ જાય, તેમ છતાં બાકીની દુનિયાને એની કશી પડી જ ન હોય, ત્યારે સ્ત્રી પાસે દુનિયાનું ધ્યાન ખેંચવા માટે પોતાના શરીર સિવાય કશું જ નથી હોતું!

ટીકાકારો કહે છે કે આ પ્રકારના પ્રદર્શનો બહુ ફળદાયી નથી નીવડતા! કેમકે તમે ગમે એટલી સંવેદનશીલ બાબત રજૂ કરો, પણ સ્ત્રીનું નગ્ન શરીર મોટા ભાગના દર્શકોના મનમાં મુદ્દા પ્રત્યેની નિસ્બત કરતા વિકાર જ વધુ જન્માવે છે! આ વાતમાં થોડો દમ છે જ. સંવેદનશીલ માનવીઓની વાત જુદી છે. પરંતુ જ્યારે તમે મોટા સમૂહ સામે આ પ્રકારનું પ્રદર્શન કરો છો, ત્યારે મોટા ભાગના લોકો મુદ્દા પ્રત્યેની નિસ્બતને કારણે નહિ, પણ ‘વિશિષ્ટ પ્રકારની જીજ્ઞાસાપૂર્વક’ તમને નિહાળે છે! ઉલટાનું કેટલાક તો આવા પ્રદર્શનો પછી તમને ‘હલકા’ ગણી લે છે અને તમારા મુદ્દાની વિરુદ્ધ ઉભા રહી જાય છે! થોડા વર્ષો પહેલા કેટલીક સ્ત્રીઓએ સ્વિડનની એક મસ્જીદ બહાર ટોપલેસ થઈને “No Sharia and Free Women”ના નારા લગાવેલા. એ વખતે સ્થળ પર હાજર લોકોની ભીડે આ સ્ત્રીઓને “Whores from Hell” કહીને નવાજી હતી!

સો મોરલ ઓફ ધી સ્ટોરી ઇઝ, આપણે શ્લીલ કે અશ્લીલ વિષે ગમે એટલું બૌદ્ધિક પિષ્ટપેષણ કરીએ, તેમ છતાં ન્યૂડ પ્રોટેસ્ટની અસરો બાબતે મતભેદ રહેવાના જ છે. કળાના માધ્યમોમાં નગ્નતા કેટલી હદે સ્વીકાર્ય ગણાય, એ મુદ્દો પણ હંમેશા ચર્ચાઓમાં ચાલતો જ રહેશે. આખરે દુનિયામાં એકસરખી ભાતના નહિ, પરંતુ ભાત ભાત કે લોગ વસે છે, અને દરેક જણ પરિસ્થિતિને પોતાને ચશ્મે જ જુએ છે.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Author: Web Gurjari

1 thought on “ન્યૂડ… નેકેડ… અને પ્રોટેસ્ટ : અકસીર કે અશ્લીલ?

Leave a Reply to Suresh Jani Cancel reply

Your email address will not be published.