ભૂલો કરવાના અધિકારની ઉંમર

મંજૂષા

વીનેશ અંતાણી

કોઈ અનામ વૃદ્ધાએ લખ્યું છે: “કદાચ મારી આખી જિંદગીમાં પહેલી વાર એવું બન્યું છે કે હું જે બનવા માગતી હતી, જે કરવા માગતી હતી, તે કરી શકું છું. મને રોકનાર કોઈ નથી. હું મારી મરજીની માલિક છું. હું આઝાદ છું. હું વૃદ્ધાવસ્થામાં મળેલી મુક્તિનો આનંદ માણી શકું છું. મારું ઘસાઈ ગયેલું શરીર મને ચોક્કસ તકલીફ આપે છે, મોઢાની કરચલીઓ અને લબડી ગયેલી ચામડી, ઘૂંટણમાં દુ:ખાવો… પરંતુ એનો મને અફસોસ નથી કારણ કે મેં મારા શરીર પાસે બહુ કામ લીધું છે. આમ પણ થોડાં વરસો પછી મારે મારું શરીર જીર્ણ થયેલાં વસ્ત્રની જેમ ઉતારીને ફેંકી દેવાનું છે. મારી પાસે જે કંઈ છે – મારો સુંદર પરિવાર, મારાં સમજુ અને સ્નેહાળ મિત્રો, મારો ભૂતકાળ – એમાનું કશુંય હું મારા નબળા પડી ગયેલા શરીરના સાટામાં અદલબદલ કરું નહીં. હવે મારે જે ખાવું હોય તે બિન્ધાસ્ત ખાઈ શકું છું, પૈસાની ચિંતા કર્યા વિના મારે જે ખરીદવું હોય તે ખરીદી શકું છું. હવે મારે ભવિષ્ય માટે કશુંય રોકાણ કરવાની જરૂર નથી. મારી પાસે જે કંઈ છે તેમાંનું કશું મારી સાથે આવવાનું નથી. હવે મારે એવો છેલ્લો પ્રવાસ કરવાનો છે, જેમાં ખાલી હાથે જવાનું ફરજિયાત છે. વૃદ્ધવસ્થામાં પોઝિટીવ બનવું સહેલું છે. બીજા લોકો તમારા માટે શું કહેશે એની પરવા કરવાની જરૂર રહેતી નથી. મેં આ ઉંમરે સાચું શું અને ખોટું શું એ વિશે પરવા કરવાનું બંધ કર્યું છે. મેં ભૂલો કરવાનો અધિકાર મેળવી લીધો છે.”

વૃદ્ધ સ્ત્રી-પુરુષો માટેની એક સંસ્થાના સંચાલકો એમના સભ્યોને પિકનિક પર લઈ ગયા હતા. ત્યાં એમણે આખો દિવસ બહુ મજા કરી, એકબીજાને મળ્યાં, સુખદુ:ખની વાતો કરી. એમાં જ્યૉર્જ નામનો એંસી વરસનો વૃદ્ધ અને મરિયા નામની સિત્તેર-પંચોતેર વરસની મહિલા બહુ નજીક આવી ગયાં. આખો દિવસ એકબીજાનો હાથ પકડીને ફર્યાં. છૂટાં પડતાં પહેલાં ડિનર વખતે જ્યૉર્જે મારિયાને અચાનક પૂછ્યું, “તું મારી સાથે લગ્ન કરશે?” મારિયાએ તરત જ હા પાડી. પોતપોતાને ઘેર ગયાં. બીજે દિવસે સવારે જ્યોર્જ સાંજે થયેલી વાત વિશે વિચારવા લાગ્યો. એને યાદ આવતું નહોતું કે મારિયાએ એની સાથે લગ્ન કરવાની હા પાડી હતી કે ના પાડી હતી. બહુ વિચાર્યું, પણ કશું યાદ આવ્યું નહીં. એથી એણે મારિયાને ફોન કર્યો. પૂછ્યું, “તમે કાલે મને લગ્ન કરવાની હા પાડી હતી કે ના પાડી હતી? હવે આ ઉંમર મને બહુ યાદ રહેતું નથી, એથી તમને પૂછું છું.” મારિયાએ જવાબ આપ્યો, “અલબત્ત મેં તમને હા પાડી હતી. સારું થયું, તમે મને ફોન કર્યો, નહીંતર હું આખી જિંદગી વિચાર્યા જ કરત કે મારી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ કોણે મૂક્યો હશે.”

એક વૃદ્ધની કેટલીક ફરિયાદ: “તમે નોંધ્યું છે કે દાદરો કેટલો ઊંચો થઈ ગયો છે અને એનાં પગથિયાં કેટલાં બધાં લિસ્સાં થઈ ગયાં છે? આપણે જે શેરીમાં વરસોથી રહીએ છીએ તે શેરી કેટલી લાંબી થઈ ગઈ છે? આજનાં જુવાનિયાંઓ પણ કેવાં અવિવેકી થઈ ગયાં છે. એ લોકો મારી સાથે વાત કરે છે ત્યારે બહુ ધીમે બોલે છે. હું એમને મોટેથી બોલવાની સલાહ આપું છું તોય એ લોકો મનમાની જ કરે છે. શું એમને એમ છે કે હું ફફડતા હોઠ વાંચવાની કળામાં પાવરધો છું? હું ગઈ કાલે બગીચાના બેન્ચ પર બેઠેલી મહિલા પાસે ગયો. મેં એને મારી કેટલીય ઓળખાણ આપી, પણ એ મને ઓળખી શકી નહીં. કદાચ એ મને ઓળખવા તૈયાર જ નહોતી. આજે હું અરીસા સામે ઊભો હતો ત્યારે મને સમજાયું, હવે જૂના સમયમાં મળતા એવા અરીસા મળતા નથી, ક્વૉલિટી બગડી ગઈ છે…”

વૃદ્ધાવસ્થાનું બયાન: “જે સમયે તમને ડિસ્કાઉન્ટની જરૂર હતી ત્યારે તમારે ફૂલ પેમેન્ટ કરવું પડતું હતું, હવે તમને દરેક જગ્યાએ ડિસ્કાઉન્ટ પર ડિસ્કાઉન્ટ મળે છે ત્યારે તમારે એ ચીજો કે એ સેવાઓની જરૂર રહી નથી. તમને વિમાનમાં મુસાફરી કરવી હતી ત્યારે એનું ભાડું પરવડતું નહોતું, હવે તમને એમાં ડિસ્કાઉન્ટ મળે છે ત્યારે તમારે પ્રવાસ કરવાની જરૂર રહી નથી… તમારો વૃદ્ધ પતિ કે તમારી વૃદ્ધ પત્ની એને પોતાને જે યાદ રહ્યું નથી એવું બધું તમને યાદ કરવાનું કહ્યા કરે છે. હવે કોઈ પુસ્તકનાં સો પાનાં વાંચી લીધા પછી જ યાદ આવે છે કે  અરે, આ પુસ્તક તો મેં અગાઉ વાંચ્યું છે!”

અંગ્રેજ ફિલસોફર ફ્રાન્સિસ બૅકને કહ્યું છે: “હું ક્યારેય વૃદ્ધ થવાનો નથી કારણ કે વૃદ્ધાવસ્થા હંમેશાં મારી ઉંમરથી પંદર વરસ નાની જ રહેવાની છે.”

મહાન સાહિત્યકાર વિક્ટર હ્યુગોએ કહ્યું છે: “ચાળીસની ઉંમર યુવાનીની વૃદ્ધાવસ્થા છે, પચાસની ઉંમર વૃદ્ધાવસ્થાની યુવાની છે.”

***

શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Author: Web Gurjari

1 thought on “ભૂલો કરવાના અધિકારની ઉંમર

Leave a Reply

Your email address will not be published.