સમાજ દર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
ઉખિયા એ દક્ષિણ બાંગ્લાદેશના કોક્સ બજાર જિલ્લામાં જંગલ વિસ્તારમાં આવેલો એક તાલુકો છે. અહીં કુટુપુલાંગ નામનો નિરાશ્રિતો માટેનો વિશ્વનો સૌથી મોટો કેમ્પ આવેલો છે. વાચક મિત્રોને યાદ હશે કે આજથી પાંચેક વર્ષ પહેલાં એટલે કે ઓગષ્ટ ૨૦૧૭માં પોતાનાં વતન મ્યાનમારમાંથી રોહિંગ્યા નામે ઓળખાતા પ્રજાના એક સમૂહે હિજરત કરવી પડી હતી. મ્યાનમારના લશ્કરના જુલમને કારણે સાતેક લાખ જેટલી મોટી સંખ્યામા હિજરત કરીને આવેલા એ રોહિંગ્યાઓ માટે આ કેમ્પ ઊભો કરવામાં આવ્યો છે. જો કે આ ઉપરાંત બીજા અન્ય નાના નાના કેમ્પો પણ ઉભા કરવામાં આવ્યા છે.બાંગ્લાદેશની સરકાર આ નિરશ્રિતોને કોરોના વેક્સિન આપવા સહિત તેમની શક્ય તેટલી કાળજી રાખી રહી છે. રોહિંગ્યાઓ હિજરત કરીને આવ્યા હતા ત્યારે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું હતું કે વર્ષો પહેલા પાકિસ્તાનના લશ્કરના જુલમને કારણે બાંગ્લાદેશના લોકો અને તેમને ખુદને પણ આ સ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું. આથી તેઓ રોહિંગ્યાની પીડાને સારી પેઠે સમજી શકે છે અને આશા વ્યક્ત કરી હતી કે દેશના સોળ કરોડ લોકો ભેગા આ સાતેક લાખ મહેમાનો નભી જશે. પરંતુ એ સમયે શેખ હસીનાને ખ્યાલ ન હતો કે નિરાશ્રિતોનો બોજ તેમને લાંબો સમય વેઠવો પડશે.અને તેમાંથી કેવી સમસ્યાઓ ઊભી થશે.
આવ્યા તો આ મહેમાનો સાતેક લાખની સંખ્યામાં પરંતુ બાંગ્લાદેશના એક અધિકારીનાં કહેવા મુજબ આજે તેમની નોંધાયેલી સંખ્યા ૯,૨૬,૪૮૬ જેટલી થઈ ગઈ છે. તેમનાં માનવા મુજબ ખરેખરી સંખ્યા તો તેનાથી કદાચ ઘણી વધારે હશે. આ લોકોમાં ગરીબી અને નિરક્ષરતા ખૂબ જ છે. અને જેમ દુનિયામાં બધે જ બને છે તેમ રોહિંગ્યા પણ ગરીબ અને અભણ હોવાથી તેમનો વસ્તી વધારાનો દર ઘણો ઊંચો છે. વળી તેમની વસ્તી વધવાનાં બીજા કારણો પણ છે, જેમ કે મૂળ વતનમાં હિંસા અને અશાંતિમાં જ જીવવાનું હતું પણ અહીં તે બાબતે નિરાત છે. અહીં તેમને ખોરાક અનેતબીબી સેવા પણ વધારે સારાં મળે છે. બાંગ્લાદેશની સ્થાનિક પ્રજાનો વસ્તી વધારાનો દર વાર્ષિક એક ટકા જેટલો છે જ્યારે આ છાવણીમાં રહેલા રોહિંગ્યાની વસ્તી વર્ષે છ થી સાત ટકાના દરે વધે છે. ૨૦૧૭માં જ્યારે આ લોકોએ મોટા પાયે હિજરત શરૂ કરી ત્યારે ૭૦,૦૦૦ જેટલી સ્ત્રીઓ તો એ જ સમયે ગર્ભવતી હતી. અહીં ૫૦ ટકા તો ૧૭ વર્ષથી નીચેના છે જેમનાં શિક્ષણની વ્યવસ્થા તો ક્યાંથી હોય? પરિણામે વધુ ને વધુ નિરક્ષર લોકો ઉમેરાતા જાય છે.
અહીં વસ્તી વધારો એ જ માત્ર સમસ્યા નથી. બાંગ્લાદેશના નૌકાદાળના એક નિવૃત અધિકારી અને હાલ સરકારમાં પણ હોદ્દો ધરાવતા મોહમદ નુરુલ અસ્સારનાં કહેવા મુજબ આમાના ઘણા લોકો અપહરણ, ચોરી અને લૂંટ જેવા ગૂનાઓમાં સંડોવાયા છે. કેટલાક તો સરહદ પાસે નશીલી દવાઓની હેરાફેરી કરતા જોવા મળ્યા છે. તેમની આ ગૂનાખોરીની ઝાળ સ્થાનિક લોકોને દઝાડ્યા વિના થોડી રહે? આથી સ્થાનિક લોકો અને રોહિંગ્યાઓ વચ્ચે અવારનવાર ઘર્ષણો પણ થતાં રહે છે.
ગરીબ અને નિરક્ષર તો આ લોકો છે જ ઉપરાંત ધાર્મિક રીતે કટ્ટર પણ છે. આથી બાંગ્લાદેશના સત્તાવાળાઓએ એવી દહેશત પણ વ્યક્ત કરી છે કે આ કેમ્પ ઇસ્લામિક ત્રાસવાદીઓની ભરતી અને ઉછેર માટે પણ સુલભ બની શકે છે. ઉપરાંત ગૂનાખોરી અને સંભવિત ત્રાસવાદ બાંગ્લાદેશની સરહદો ઓળંગીને ખાસ કરીને ભારતના ઉત્તરપૂર્વના પ્રદેશોને પ્રભાવિત કરી શકે છે. આગળ ઉપર આખા ભારતીય ઉપખંડની શાંતિ પણ ડહોળાઇ શકે છે.
જો કે બાંગ્લાદેશને આ નિર્વાસિતોનો બહુ મોટો આર્થિક બોજો ઉપાડવો પડતો નથી. યુનો અને સ્વૈચ્છિક સંગઠનો આર્થિક સહાય કરે જ છે. પણ આ આર્થિક સહાયને કારણે બીજી એક મુશ્કેલી ઉભી થઈ છે. કેમ્પના લોકોને બહારથી મળતી મદદને કારણે તેમનાં ખિસ્સામાં થોડી રકમ તો હોય જ છે. આથી તેમને ઓછા વેતને કામ કરવું પોસાય છે જે સ્થાનિક લોકોને પોસાતુ નથી. આથી સ્થાનિક રહીશો તેમની સામે હરિફાઈમાં ટકી શકતા નથી, રોહિંગ્યા સામે તેમની કડવાશનું આ પણ એક કારણ છે.
આગળ જણાવ્યા મુજબ આ કેમ્પ જંગલ વિસ્તારમાં આવેલો છે અને ત્યાં વન્ય પ્રાણીઓ અને ખાસ કરીને એશિયાઇ હાથીઓનો વસવાટ છે. પરંતુ અચાનક આવી પડેલી આ મોટી માનવવસ્તીને કારણે ત્યાંનાં પર્યાવરણની સમતુલા ખોરવાઈ ગઈ છે. માનવો અને પ્રાણીઓ વચ્ચે ઘર્ષણ થયા કરે છે. આ સમસ્યાની વિશ્વબેન્ક અને યુનોએ નોંધ તો લીધી છે, પણ હાલ કોઈ ઉપાય હાથ લાગ્યો નથી.
ઇતિહાસમાં પોતાનાં વતનમાં થતા જુલમોને કારણે દુનિયાભરમાં પ્રજાઓની હિજરતો થતી આવી છે. પરંતુ સમય જતા તેનો કોઇને કોઈ ઉકેલ નીકળતો હોય છે. કાં તો હિજરતીઓ સ્થાનિક વસ્તીમાં ભળી જતા હોય છે અથવા તો તેમને પોતાનાં મૂળ વતનમાં પાછા ફરવાનું શક્ય બને છે. હિજરત કરીને આવેલા પારસીઓ ગુજરાતની સ્થાનિક પ્રજામાં ભળી ગયાનો ઇતિહાસ જાણીતો છે. તે જ રીતે દેશનાં વિભાજન વખતે ભારત અને પાકિસ્તાનમાંથી ગયેલા શરણાર્થીઓ સ્થાનિક પ્રજામાં ભળી ગયા છે. પાકિસ્તાનનાં લશ્કરના જુલમોને કારણે બાંગ્લદેશમાંથી ભારત આવેલા એક કરોડ જેટલા શરણાર્થીઓમાંથી મોટાભાગના બાંગ્લાદેશમાં પાછા ફર્યા હતા. રશિયાનાં આક્રમણને કારણે પણ લગભગ એક કરોડ જેટલા યુક્રેનના શરણાર્થીઓએ યુરોપના જુદા જુદા દેશોમાં આશરો લીધો છે. યુદ્ધ પૂરું થયા પછી તેમને પણ વતનમાં પાછા ફરવાની આશા છે. પરંતુ રોહિંગ્યા શરણાર્થીઓને ભવિષ્યમાં તેમનાં વતન મ્યાનમારમાં પરત ફરવાની કોઇ આશા નથી, કારણ કે પ્રજાને અને ત્યાંના સત્તવાળાઓ, બેઉને તેઓ અસ્વીકાર્ય છે. બાંગ્લાદેશની પ્રજાને તો અસ્વીકાર્ય છે જ.
હવે આ સમસ્યા ઊભી ક્યાંથી થઈ તે સમજવા દૂરના ભૂતકાળમા જઈએ. રોહિંગ્યા મૂળ તો ભારતીય આર્યકુળના વંશજો છે. ઇ સ ૧૪૦૦ આસપાસ ભારતથી આવીને બર્મા (હાલનું મ્યાનમાર)અને તેની આજુબાજુના પ્રદેશોમાં તેઓ વસેલા. પૂર્વ અને ઇશાન એશિયાની મોંગોલ પ્રજાથી તેઓ દેખાવમાં પણ જુદા પડે છે. મ્યાનામારના લોકોની ભાષા બર્મિઝ છે જે ચીની અને તિબટિયન કુળની નજીકની ભાષા છે જ્યારે રોહિંગ્યા પ્રજાની ભાષા પણ ભારતીય આર્યકુળની છે જે રોહિંગ્યા નામે જ ઓળખાય છે, કાંઇક અંશે તે આપણા દેશની આસામી અને બંગાળીની શાખા હોય તેમ લાગે. રોહિંગ્યા સામાન્ય રીતે મુસ્લિમ ધર્મ પાળે છે પરંતુ ખૂબ નાની સંખ્યામાં હિંદુ રોહિંગ્યાઓ પણ છે. મ્યાનમારમાં તેઓ ઉત્તર તરફ આવેલા રખીન પ્રાંતમાં કેન્દ્રિત થયા છે. તેમની ઐતિહાસિક પૃષ્ઠભૂમિને કારણે તેમને *અરકન[1] ભારતીયો તરીકે પણ ઓળખવામાં આવે છે. દેખાવ, ભાષા ,ધર્મ અને સંસ્કૃતિથી ત્યાંની મૂળ પ્રજા કરતા જુદા પડતા હોવાથી મ્યાનનમારના મૂળ લોકોને ખાસ કરીને બૌદ્ધધર્મીઓને તેઓ સદાકાળ પરાયા જ લાગ્યા છે. મ્યાનમારે કરેલા ૧૯૮૨ના કાયદા પ્રમાણે રોહિંગ્યાઓને તે દેશના નાગરિક પણ ગણવામાં આવતા નથી. આથી તેઓ નાગરિકતાવિહિન(stateless) પ્રજા છે. જુદાંજુદાં કારણોસર સ્થાનિક બૌદ્ધો અને રોહિંગ્યાઓ વચ્ચે વૈમનસ્ય અને ઘર્ષણો ચાલતા આવ્યા છે. આના લીધે લગભગ 1970થી રોહિંગ્યાઓ પડોશી દેશોમાં હિજરત તો કરતા જ આવ્યા છે.
ઇ સ ૨૦૧૨માં એક ઘટના બની. એક બૌદ્ધ મહિલા પર રોહિંગ્યા મુસ્લિમોએ સામૂહિક દુષ્કર્મ કર્યાની વાત બહાર આવી. પરિણામે રખીન પ્રાંતમાં મોટાં રમખાણો ફાટી નીકળ્યા અને ૮૮ લોકોએ જાન ગુમાવ્યા જેમાં ૫૭ રોહિંગ્યા મુસ્લિમો અને ૩૧ બૌદ્ધધર્મીઓ હતા. લગભગ ૯૦,૦૦૦ જેટલા લોકો- મુખ્યત્વે રોહિંગ્યાઓ-વિસ્થાપિત થયા. ઇ સ ૨૦૧૩માં રોહિંગ્યા મુસ્લિમોએ પોતાના હક્કો માટે અરકન રોહિંગ્યા સાલ્વેશન આર્મી નામનાં સંગઠ્ઠનની સ્થાપના કરી. ગામોગામથી યુવાનોની ભરતી કરવામાં આવી. પછીથી સંઘર્ષો વધતા ગયા અને મ્યાનમારની સરકારે અરકન રોહિંગ્યા સાલ્વેશન આર્મીને ત્રાસવાદી સંગઠ્ઠન જાહેર કર્યું . ત્યાર પછી રોહિંગ્યાઓ પર સેનાના હુમલા થતા રહ્યા અને ખૂબ ત્રાસ ગુજારવામાં આવ્યો. છેવટે 25 ઓગષ્ટ 2017ના રોજ સાત લાખ જેટલી મોટી સંખ્યામાં રોહિંગ્યાઓએ હિજરત કર્રી જેમાં લગભગ મુસ્લિમો હતા અને 500 જેટલા હિંદુ રોહિગ્યાઓ પણ હતા. મ્યાનમાર અને બાંગ્લાદેશની સરહદ મુખ્યત્વે સમુદ્ર અને નદીથી બનેલી હોવાથી આ નિર્વાસિતોએ દરિયાઇ અને નદીના રસ્તે હિજરત કરવી પડી હતી.
જે કાંઇપણ બન્યું હોય પરંતુ સરવાળે સહન કરવાનું તો બાંગ્લાદેશને આવ્યું છે. આપણે સમાજમાં વ્યક્તિગત જીવનમાં જોતા આવ્યા છીએ કે કોઇ સેવાભાવી વ્યક્તિ કોઇ અસહાય અને નિરાધાર એવા બીમારની સેવા કરે અને સમાજના બીજા લોકો એકાદ વખત દવાદારૂના પૈસા આપીને ફરજ બજાવ્યાનો સંતોષ માનતા હોય છે. બીમારી લાંબો સમય ચાલ્યા પછીથી તેઓ એ જોવા પણ રહેતા નથી કે પેલા નિરાધાર વ્યક્તિની અને સેવા કરનારની દશા શું થઈ છે. આવું જ કાંઇ બાંગ્લાદેશમાં આશરો લઈ રહી રહેલા રોહિંગ્યા મુસ્લિમો બાબતે થઈ રહ્યું છે. લગભગ દસ લાખ જેટલા રોહિંગ્યાઓને બાંગ્લાદેશે આશરો આપ્યા પછી તે દેશ કેવી સમસ્યાનો સામનો કરી રહ્યો છે તેની દુનિયાને પડી હોય એમ લાગતું નથી. યુનો અને કેટલાક વૈશ્વિક સંગઠ્ઠનોએ આર્થિક મદદ કરીને હાથ ખંખેરી નાખ્યા હોય તેમ લાગે છે. આ ઉપરાંત દુનિયાનું ધ્યાન હાલ રશિયા -યુક્રેનની લડાઈ તરફ હોવાથી રોહિંગ્યા સમસ્યા તરફ લક્ષ્ય અપાતું નથી -બિલકુલ એ જે રીતે જેમ શહેરના પોશ વિસ્તારના પ્રશ્નો તરફ ગરીબ વિસ્તારના પ્રશ્નો કરતા વિશેષ ધ્યાન આપવામાં આવે છે તેમ-
બાંગ્લાદેશ ઈચ્છે છે કે ભારત અને ચીન પોતાની વગ વાપરીને મ્યાનમારની સરકાર પર રોહિંગ્યાઓના પુંનર્વસન માટે દબાણ કરે. પણ હાલ ભારત કે ચીને બાંગ્લાદેશની વાત કાને ધર્યાનાં કોઈ ચિહ્નો દેખાતા નથી. પરંતુ વિશ્વના જનમતે જાગૃત થઈને પોતપોતાની સરકારોને માનવીય અભિગમ દાખવીને સમસ્યાના નિરાકરણ માટે મ્યાનમારની સરકાર પર દબાણ કરવા જણાવવું જોઈએ. જો આમ નહિ થાય તો વૈશ્વિકરણના યુગમાં બાંગ્લાદેશની સમસ્યા માત્ર બાંગ્લાદેશની નહિ રહે, સૌ પ્રથમ ભારતને અસર કરશે અને પછી તે વૈશ્વિક સ્વરૂપ પણ લઈ શકે છે.
[1] અરકનનો વ્યાપક અર્થ આપણે મુસ્લિમ એવો કરીશું, જો કે અકરનનો અર્થ ઇસ્લામના મુખ્ય પાંચ આધારસ્થંભો શાહાદ-(એકેશ્વરવાદમાં શ્રદ્ધા), સલાત (ઇબાદત) ,સામ -saum-(રોજા રાખવા), જકાત(દાન) અને હજ એવો થાય છે
(આ લેખ માટે કુટુપલાંગ કેમ્પથી મનોજ મજુમદારે મોકલેલ લેખ જે તારીખ ૧૯ જૂન ૨૦૨૨ના દિવસે ઇન્ડીયન એક્ષ્પ્રેસમાં પર્સિદ્ધ થયેલા લેખ તેમજ ગૂગલનો આધાર લેવામાં આવ્યો છે.)
શ્રી કિશોરચંદ્ર ઠાકરના સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in । મો. +91 9714936269
કિશોર ભાઇને ધન્યવાદ. ખૂબજ માહિતીપ્રદ અને વિશાળ દ્રષ્ટિકોણથી લખાયેલ અભ્યાસપૂર્ણ લેખ વાંચ્યો અને ગમ્યો. અભિનંદન.
Very good article. શરણાર્થી પ્રશ્ન યુદ્ધ / કુદરતી / માનવ સર્જિત આપતી સમયે પાડોશી દેશે સહન કરવો પડે છે