જિંદગીમાં બહુ પામીને પણ કશું ના પામી
નલિન શાહ
વર્ષોથી પથારીમાં પડી પડી ધનલક્ષ્મી હવે કંટાળી ગઈ હતી. વધુ દુઃખ તો એને એ વાતનું હતું કે એની પૂછપરછ કરવા આવનારાંની સંખ્યા હવે નહિવત્ થઈ ગઈ હતી. એની હંમેશાંની મિજબાની માણનાર સહેલીઓ તો તદ્દન અદૃશ્ય થઈ ગઈ હતી. જે સહેલીઓની હાજરીમાં માનભંગ થવાના ડરથી પરણીને આશીર્વાદ લેવા આવેલી બહેનને ધુત્કારી હતી એ જ બહેન હંમેશાં ફોન પર માનસીને એના હાલહવાલ પૂછતી હતી. જે ગામનાં નર્સિંગ હોમનું એણે ઉદ્ઘાટન કર્યું હતું એ નર્સિંગ હોમમાં કેવળ હવાફેર માટે પણ આવવાનું સૂચન કર્યું હતું. સારા ડૉક્ટરોની વ્યવસ્થા ઉપલબ્ધ હતી અને એની દેખભાળની જવાબદારી લેવા પણ તૈયાર હતી. એના મનમાં કોઈ રાગદ્વેષ નહોતો, પણ ધનલક્ષ્મીની જ માન-પાન પામવાની ઉત્કંઠા શમી ગઈ હતી. તબિયતમાં સુધારો થવાની હવે શક્યતા નહોતી રહી. પૈસાનો મોહ હવે નહોતો રહ્યો. માનસી પરાગની સંપત્તિના લોભમાં એને પરણી હતી એ એની માન્યતા કેટલી ખોટી હતી એ સત્ય એને સમય જતાં સમજાયું હતું. માનસી વારસદાર હોવા છતાં વરની સંપત્તિને નહોતી અડતી. હંમેશાં સ્વસ્થ અને સંતુષ્ટ દેખાતી હતી. માનસીના સુખની વ્યાખ્યા સમજવા જેટલી સમજણ ધનલક્ષ્મીમાં નહોતી, પણ એટલું જરૂર લાગ્યું કે મોટા ઘરની વહુ લાવવાના એના કોડ પૂરા થયા હોત તો એ વહુ આજે સાસુને એકલી મૂકીને ચાલી ગઈ હોત, કદાચ બીજું ઘર પણ માંડ્યું હોત, જાયદાદના ભાગલા પણ કર્યા હોત અને સાસુને પૌત્રનું સુખ પણ ભોગવવા ના દીધું હોત.
જિંદગીની આરે આવીને ઊભેલી ધનલક્ષ્મીને સમયે એક વાસ્તવિકતાનું ભાન જરૂર કરાવ્યું હતું કે વહુ અને વ્યક્તિ તરીકે માનસી કુટુંબ માટે વરદાનરૂપ હતી. હવે પસ્તાવો અર્થહીન હતો. એના પ્રભુને એક જ ફરિયાદ કરી કે એના કર્યાનું પ્રાયશ્ચિત કરવાનો મોકો પણ એને પ્રદાન ના કર્યો. હવે મોત નજરની સામે તરવરતું હતું. વારંવાર એક જ વિચાર એને વ્યથિત કરતો હતો, ‘જિંદગીમાં બહુ પામીને પણ કશું ના પામી.’
****
જેમ જેમ ધનલક્ષ્મીની શક્તિ ક્ષીણ થતી જતી હતી એમ એની અસહિષ્ણુતાની માત્રા વધતી જતી હતી. ગુસ્સો ઠાલવતી તો પણ ઘણું ખરું માનસીની સામે. એ કળવું મુશ્કેલ હતું કે એનો ગુસ્સો એના પોતાના પ્રત્યે હતો કે માનસી પ્રત્યે. માનસીએ કેવળ સાસુના સંતોષ ખાતર નિષ્ણાતોને પણ બોલાવ્યા હતા અને ફિઝિયોથેરાપીસ્ટ પણ રોજ આવતી હતી, છતાં સુધારાનાં કોઈ લક્ષણ વર્તાતાં નહોતાં. શક્ય છે કે ધનલક્ષ્મીને જીવવાનો કોઈ રસ નહોતો રહ્યો.
એક દિવસ રોજની માફક એનું બ્લડપ્રેશર માપવા ફિલોમિનાએ પટ્ટો બાંધવા એનો હાથ થામ્યો ત્યાં જ ‘કાંઈ જરૂર નથી’ કહીને ધનલક્ષ્મીએ હાથ પાછો ખેંચી લીધો. ફિલોમિનાને કાંઈ સમજાયું નહીં એટલે એણે માનસીને જાણ કરી. માનસી આવી એટલે ધનલક્ષ્મીએ હાથના ઇશારે એને પાસે બેસવાનો ઇશારો કર્યો. માનસી બેસીને કાંઈ કહે એ પહેલાં જ એને આંગળીના ઇશારે ચૂપ રહેવા સૂચવ્યું. માનસી બેસી રહી. થોડી વાર પછી ધનલક્ષ્મીએ બહુ જ ધીમા અવાજે કાંઈ કહેવાનો પ્રયત્ન કર્યો. માનસીને ના સમજાયું એટલે એણે નીચા વળીને કાન સરવા કર્યા.
‘મારે શશી અને રાજુલને મળવું છે. આવશે?’
માનસીએ વિસ્મયથી કહ્યું ‘શું કામ ના આવે?’
‘તું જો બોલાવે તો કદાચ આવે.’ ના કળાય એવા ભાંગ્યાતૂટ્યા શબ્દોમાં ધનલક્ષ્મી બોલી.
‘ના, તમે બોલાવો તો પણ આવે. શું કામ ના આવે? હું તમારા વતી જ એમને સંદેશો પહોંચાડું છું- તમારી સામે.’
માનસીએ પર્સમાંથી મોબાઇલ કાઢી નંબર લગાવ્યો, ‘શશીબેન,’ એણે સાસુ સાંભળે એમ કહ્યું, ‘મમ્મીની તબિયત સારી નથી. બોલી પણ શકતાં નથી. તમને અને રાજુલને મળવા માંગે છે, આવશો ને, કોઈ પણ વિલંબ કર્યા વગર?’
ધનલક્ષ્મી જોઈ રહી. શશીએ શું કહ્યું એ ના જાણ્યું. બીજો ફોન માનસીએ રાજુલને કર્યો, ‘રાજુલ, મમ્મી તને અને શશીબેનને બહુ યાદ કરે છે. શશીબેન સાંજ સુધીમાં આવી જશે. તમે બંને આવશો એમને મળવા?’
માનસીએ ફોન બંધ કરીને કહ્યું કે શશીબેન હમણાં જ નીકળે છે અને સાંજ સુધીમાં આવી પહોંચશે અને રાજુલે કહ્યું, ‘બેનને કદાચ ના ગમે એટલે હું નથી આવતી; પણ મને જો યાદ કરતાં હોય તો હું ના આવું એવું બને?’
ધનલક્ષ્મી કાંઈ બોલી નહીં, પણ સંતોષની લાગણી એના ચહેરા પર સાફ વર્તાતી હતી.
માનસીને મનમાં અચરજ થયું કે રાજુલે ધનલક્ષ્મી માટે ‘બહેન’ સંબોધન વાપર્યું.
સાંજે શશી અને રાજુલ આવ્યાં અને ધનલક્ષ્મીની બંને બાજુ એના હાથ પકડીને બેઠાં. માનસી ‘હમણાં આવું છું’ કહીને ત્યાંથી સરકી ગઈ. પળો વીતતી ગઈ. કોઈની પાસે કંઈ કહેવાનું નહોતું. ધનલક્ષ્મીની આંખોમાંથી બે ટીપાં સરી પડ્યાં.
થોડી વારની ચુપકીદી પછી શશી બોલી, ‘બેન! દુઃખી થવાની કાંઈ જરૂર નથી. આ તો આનંદનો પ્રસંગ કહેવાય. બા-બાપુના આત્માને કેટલી શાંતિ મળી હશે!’
બસ આટલી જ વાત થઈ. બાકી જે કોઈને કહેવાનું હતું એ આંખના ઇશારામાં કહેવાઈ ગયું.
મોડી રાત્રે બંને વિદાય થયાં. માનસીએ જમવાનો આગ્રહ કર્યો પણ તેઓ ન રોકાયાં.
વર્ષો બાદ પહેલી વાર ઊંઘની ગોળી લીધા વગર ધનલક્ષ્મી સૂઈ ગઈ.