સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ – (૧૭) યશ અને અપયશ

નલિન શાહ

{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬) નો  અનુવાદ}

અનુવાદ: પિયૂષ મ. પંડ્યા

૧૯૫૦ના દાયકાની શરૂઆત સુધીનો સમયગાળો એવો હતો કે ગ્રામોફોન રેકોર્ડ્સ ઉપર ગાયક કલાકારોનાં નામ મૂકવામાં નહોતાં આવતાં. અલબત્ત્, ન્યુ થીયેટર્સ અને પ્રભાત ફિલ્મ્સ(ની ફિલ્મો)નાં ગીતો જ્યારે કોઈ સુખ્યાત કલાકારે ગાયાં હોય ત્યારે મોટે ભાગે અપવાદ જોવા મળી જતા. ફિલ્મ ‘મહલ’(૧૯૪૯)ના ગીત આયેગા આનેવાલા માટેનું શ્રેય પાર્શ્વગાયિકા લતા મંગેશકરને નહીં પણ ફિલ્મની નાયિકાના પાત્ર કામીનીને આપવામાં આવ્યું છે.

ફિલ્મ ‘પગલે’ના યુગલગીત તકદીર હંસી આંસુ નીકલે માટેનો યશ મૂળ ગાયકો રાજકુમારી અને તલત મહમુદને નહીં પણ ફિલ્મના પરદે એને ગાનારાં કલાકારો બેગમ પારો અને સેરીને આપવામાં આવ્યો છે. આને કારણે અમીરબાઈ અને રાજકુમારી જેવાં ખ્યાતનામ ગાયકોએ ગાયેલાં અનેક ગીતો એવાં છે જે તેમના નામે નોંધાયાં નથી.

ગાયકોનાં નામનો અધિકૃત રીતે ઉલ્લેખ કરવામાં નહોતો આવતો એનું એક કારણ એ હતું કે એમ કરવું જરૂરી નહોતું ગણાતું. નામ જાહેર ન કરવાનું અન્ય એક કારણ એ હતું કે કેટલાંક ગાયકો એક રેકોર્ડીંગ કંપની સાથે કરારબધ્ધ હોવા છતાં ખાનગી રાહે અન્ય કંપની માટે પણ ગાઈ લેતાં. આવાં ‘કસૂરવાર’ કલાકારો માટે પોતાના નામનો ઉલ્લેખ ન થાય તે બાબત કાનૂની ઢાલ બેની રહેતી. ૧૯૫૦ની શરૂઆતમાં લતા મંગેશકરનો દબદબો પ્રસ્થાપિત થયો અને તેમણે ગાયકને શ્રેય મળે તે માટે અવાજ ઉઠાવ્યો ત્યારે આ પરિસ્થિતિ બદલાઈ.

એક કલાકાર માટે તેના કામ થકી તેની ઓળખનું મહત્વ આર્થિક વળતર કરતાં જરાયે ઓછું આંકી ન શકાય. આ કારણથી તેની સર્જકતાને શ્રેય મળે તે અગત્યનું છે. પણ, એવા બનાવો છે કે જ્યાં કલાકારોએ સંજોગોવશાત આર્થિક વળતર સામે શ્રેયને જતું કર્યું હોય.

કવિ પ્રદીપે લક્ષ્મી પ્રોડક્શન્સની કાદમ્બરી, વીરાંગના, સતી તોરલ અને આમ્રપાલી જેવી ફિલ્મો માટે ‘મીસ કમલ બી.એ.’ જેવા છદ્મનામથી ગીતો લખ્યાં. પણ, એમની શૈલી છાની ન રહી અને તેમને કરારબધ્ધ કરનારી કંપની ફિલ્મીસ્તાનના અધિષ્ઠાતાઓને તે વિશે શંકા પડી ગઈ. જો કે તેઓ એને કાયદેસર રીતે સાબિત ન કરી શક્યા.

૧૯૪૨ની ફિલ્મ ‘બસંત’ (હમ કો હૈ પ્યારી હમારી ગલીયાં)નાં લોકપ્રિય ગીતો ની તરજ અનિલ બિશ્વાસે બનાવી હતી પણ તે માટેનું શ્રેય પન્નાલાલ ઘોષને આપવામાં આવ્યું હતું. એક સામયિકમાં મેં આ બાબતનો ઉલ્લેખ કર્યો ત્યારે થોડાં વર્ષો પહેલાં મદ્રાસના જાણીતા સંગીતવિવેચક અને સંગ્રાહક વી. એ. કે. રાવે તે સામયિકના તંત્રી ઉપર પત્ર લખ્યો હતો. તેમણે મારા વિધાનની યથાર્થતાને પડકારતાં કહ્યું કે પન્નાલાલ ઘોષ ખ્યાતનામ વાંસળીવાદક અને મહાન સંગીતકાર હતા, તેમને નામ કમાવા માટે અનિલ બિશ્વાસની જરૂર ન પડે.

અનિલ બિશ્વાસ

હકીકત એ હતી કે અનિલ બિશ્વાસને કામની સખત જરૂર હતી અને ‘વસંત’નું  સંગીત તૈયાર કરવા માટેની બોમ્બે ટોકીઝ તરફથી મળેલી તક ઝડપી લેવી તેમને માટે અનિવાર્ય હતી. તેઓ તે સમયે અસ્તાચળ તરફ જઈ રહેલા નેશનલ સ્ટુડીઓ સાથે કરારબધ્ધ હતા. આથી સંજોગો એવા હતા કે બિશ્વાસે વાદ્યવૃંદનિયોજક પન્નાલાલ ઘોષ (યોગાનુયોગે તે બિશ્વાસના સાળા થતા હતા)ને ગીતોની તરજો બનાવવા માટેનું શ્રેય પણ આપવું પડ્યું. લખતાં પહેલાં મેં આ બાબતે બિશ્વાસે કરેલી કબૂલાતની ખાતરી અશોક કુમાર, નિર્માતા શશધર મુખરજી અને કવિ પ્રદીપ જેવા બોમ્બે ટૉકીઝના વરિષ્ઠો પાસેથી કરી હતી.

બિશ્વાસને મળેલા શ્રેયને લાગે-વળગે છે ત્યાં સુધી તેમની કારકીર્દીના અંતિમ ચરણમાં કરુણ-રમૂજી એવી એક ઘટના બની. તેમના નિવૃત્ત થઈ ગયાનાં વીસ વર્ષ પછી તે સમયે દિલ્હીમાં રહેતા અનિલ બિશ્વાસને દૂરદર્શન પર પ્રસારિત થનારી સૌ પ્રથમ ધારાવાહિક હમ લોગ(નું સંગીત તૈયાર કરવા) માટે કરારબધ્ધ કરવામાં આવ્યા. તેમણે માત્ર ટાઈટલ સંગીત અને બે ગીતો માટે સ્વરનિયોજન કર્યું. તે સિવાયનું સંગીત તેમણે તૈયાર ન કર્યું હોવા છતાં લાંબા સમય સુધી ચાલતી રહેલી ધારાવાહિકની શ્રેયયાદીમાં તેમનું નામ ચમકતું રહ્યું. લગભગ એ જ અરસામાં મુંબઈ મ્યુનીસિપલ કોર્પોરેશને મિલ્કતને લગતી એક જૂની કાયદાકીય બાબત અંગે તેમની ઉપર ત્રણ લાખ રૂપીયાનો દાવો માંડ્યો. અધિકારીઓની દલીલ એવી હતી કે દૂરદર્શન તરફથી નિયમીત ધોરણે મળતી રહેલી આવકને લઈને અનિલ બિશ્વાસ તે રકમ ભરવા માટે સક્ષમ હતા. ૭ જાન્યુઆરી ૧૯૮૮ના રોજ અનિલ બિશ્વાસે મુંબઈ ખાતેની તેમની જૂની સોલિસીટર પેઢી જેષ્ઠારામ એન્ડ કંપનીની મદદથી આ પ્રશ્નને નિપટાવવાની જવાબદારી મને સોંપી. આખરે એમ પ્રસ્થાપિત થયું કે ધારાવાહિકના સંગીતનું શ્રેય તેમને ખાતે નોંધાતું હોવા છતાં અનિલ બિશ્વાસને તેની સાથે કોઈ લેવાદેવા નથી. આમ થતાં કોર્પોરેશને કેસ પડતો મૂક્યો.

કારકીર્દીના શરૂઆતના તબક્કામાં અત્યંત જરૂરી હતું ત્યારે બિશ્વાસને ૧૯૩૬ની ફિલ્મ ‘મનમોહન’ માટે તેમના બનાવેલા ગીત તુમ્હી ને મુઝ કો પ્રેમ સીખાયા માટે યશ આપવામાં નહોતો આવ્યો (ફિલ્મના સંગીતકાર અશોક ઘોષ હતા.). નસીબની બલીહારી છે કે, કારકીર્દીના અંતિમ ચરણમાં એમને માથે પોતે જે નહોતું કર્યું (હમ લોગનું સંગીત) એનું શ્રેય ઓઢાડી દેવામાં આવ્યું.

નૌશાદને કારદાર પ્રોડક્શન્સ જેવા પ્રતિષ્ઠિત નિર્માતાગૃહ તરફથી કહેણ આવ્યું ત્યારે તેમણે પણ આવી મૂંઝવણ અનુભવી હતી. માત્ર ચાર ફિલ્મો માટે સંગીત તૈયાર કરી ચૂકેલા નૌશાદ બહેતર તક મળતી હોવાથી લલચાઈ ગયા. પણ વિજય ભટ્ટના પ્રકાશ પીક્ચર્સ સાથે કરારબધ્ધ હોવાથી તેઓ લાચાર હતા. નૌશાદે યુક્તિ કરી અને કારદારની ફિલ્મ ‘નઈ દુનિયા’(૧૯૪૨) માટે ખાનગી રાહે સંગીત તૈયાર કર્યું. તેમના સહાયક જી.એમ. દુર્રાનીએ અસલમાં સંગીતકાર કોણ હતા તેની કોઈને જાણ ન થાય તે રીતે ગીતોના રિહર્સલ અને ધ્વનિમુદ્રણ ઉપર દેખરેખ રાખી. ‘નયી દુનીયા’ રજૂઆત માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ગઈ ત્યાં સુધીમાં નૌશાદના પ્રકાશ પીક્ચર્સ સાથેના કરારની અવધિ પૂરી થઈ ગઈ. અન્યથા તે ફિલ્મના સંગીતકાર તરીકેનું શ્રેય જી.એમ. દુર્રાનીના ફાળે ગયું હોત (જે અસલમાં નૌશાદે તૈયાર કરેલ).

સંગીતકાર વી.જી. ભાટકર(કભી તનહાઈયોં મેં હમારી યાદ આયેગી)ને ૧૯૪૦ના દાયકાના અંતભાગમાં સ્વતંત્ર સંગીતકાર તરીકેનું કામ મળતું હતું ત્યારે કરારનું બંધન નડી ગયું હતું. તેઓ (રેકોર્ડીંગ કંપની) HMV સાથે સંગીતકાર તરીકે જોડાયેલા હોવાથી તેમને અન્યત્ર કામ કરવાની છૂટ ન હતી. પણ તેમણે દીકરી સ્નેહલને ફિલ્મના સંગીત માટેનું શ્રેય આપીને તે માટેનો સરળ ઉકેલ શોધી લીધો.

સ્નેહલ ભાટકર

આ નામ નસીબવંતું નીવડતાં તેમણે HMV છોડ્યા પછી પણ એ જ નામથી સંગીત આપવાનું ચાલુ રાખ્યું. કદીક તેઓ બી..વાસુદેવ નામનો ઉપયોગ કરતા પણ મુખ્યત્વે ગાયક તરીકે.

નિર્માતાઓના તરંગી સ્વભાવ અને જે તે વ્યક્તિને પહેચાન આપવાના મહત્વની સમજણના અભાવને લીધે કલાકારોને શ્રેય ન મળ્યું હોય તેવા કિસ્સાઓ છે. જેમ કે જમાલ સેને તૈયાર કરેલા એક લોકપ્રિય ગીત બીતા હુઆ એક સાવન માટેનું શ્રેય વી.જી.ભાટકરને આપવામાં આવ્યું હતું. આ ગીત કેદાર શર્માની ફિલ્મ ‘શૌકીયાં’(૧૯૫૧) માટે જમાલ સેને સ્વરબધ્ધ કર્યું હતું પણ ફિલ્મમાંથી એ હટાવી દેવાયું. ૩૫ વરસ પછી (કેદાર) શર્માએ ફિલ્મ ‘પહલા કદમ’(૧૯૮૦) માટે તેનો ઉપયોગ કર્યો. તે સમયે જમાલ સેન હયાત ન હોવાથી કેદાર શર્માએ કશાયે ક્ષોભસંકોચ વિના તે ફિલ્મના સંગીતકાર વી.જી.ભાટકરને આ ગીત માટેનું શ્રેય ફાળવી દીધું.

નૂરજહાંએ ગાયેલા લોકપ્રિય ગીત આજ કી રાત સાઝ એ દિલ પુરદર્દ ના છેડ ( ‘જૂગનુ’, ૧૯૪૭)ની ધૂન એ ફિલ્મના સંગીતકાર ફીરોઝ નિઝામીએ નહોતી બનાવી. જી.એ. ચીશ્તીએ આ ગીત રેડીઓ (કાર્યક્રમ) માટે સ્વરબધ્ધ કર્યું હતું.  ફિલ્મના નિર્માતા(નૂરજહાંના પતિ)એ ચીશ્તીની મંજૂરી લઈને એ ગીતને ‘જૂગનુ’માં સામેલ કર્યું, પણ તે માટેનું શ્રેય ફિલ્મના અધિકૃત સંગીતકાર નિઝામીને ફાળવી દેતાં નિર્માતાનો અંતરાત્મા જરાયે ડંખ્યો નહીં.

બૂરી રીતે પીટાઈ ગયેલી ફિલ્મ ‘સ્ત્રી’(૧૯૬૧)નો રસપ્રદ કિસ્સો જાણવા જેવો છે. ફિલ્મ રજૂ કરવામાં આવી તે સમયે નિર્માતા વી.શાંતારામે તે ફિલ્મ માટે શ્રેયનામાવલી જ તૈયાર નહોતી કરી. તેમનું કહેવું હતું કે ફિલ્મ કવિ કાલિદાસની અમર રચના ‘શકુંતલા’ પર આધારિત હોવાથી આદિકવિ સિવાય અન્ય કોઈને શ્રેય લેવાનો અધિકાર હતો જ નહીં (જો કે પછીથી ફિલ્મમાં એને ઉમેરવામાં આવી હતી). આદર્શની દૃષ્ટિએ બહુ ઊંચી વાત છે. પણ, એક વિચાર એવો આવે કે, કવિની અમર રચનાનું ફિલ્મીકરણ કરવામાં આવ્યું ત્યારે જેમ કોઈને યશ ન અપાયો તેમ એની નિષ્ફળતા માટેનો અપયશ કોઈને અપાય કે કેમ?

નોંધ:

ગીતોની લિંક્સ યુ ટ્યુબ પરથી સાભાર લેવામાં આવી છે.

મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

1 thought on “સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ – (૧૭) યશ અને અપયશ

  1. સરસ માહિતી. સરળ અને જાણવા લાયક ક્રમબદ્ધ શંશોધન અને સરળ ભાવનુવાદ પહેલાં રેકોર્ડ પર ગાયકોના નામ આવતા નહિ. આભાર પિયુષભાઇ આ ઐતહાસિક લેખ માટે.

Leave a Reply

Your email address will not be published.