આપણે ખેડૂતો, ક્યાં સુધી તણાયા કરશું આ “ ગાડરિયા પ્રવાહ ” માં ?

કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

નવરાશનો  થોડો સમય કાઢી ક્યારેક એક અખતરો કરી જોજો !. સાંકડો અને ઊંડો મારગ હોય ત્યાં ઘેટાંનું ટોળું હાલ્યું જતું હોય ત્યારે આગળ જઈ, મારગમાં જમીનથી દોઢેક ફૂટ ઉંચેરું એક દોરડું આડું કરી દેવાનું, અને પછી શું થાય છે તે જોવાનું ! દોરડું આડું આવતાં એક પછી એક ઘેટું ઠેકડો મારી, દોરડું કૂદી આગળ નીકળવા માંડશે. ત્રીજા ભાગના ઘેટાં દોરડું કૂદતાં કૂદતાં પસાર થઈ જાય પછી દોરડું જમીન સરસું છોડી દેવું. તો પણ એ જગ્યાએ પહોંચતાં દરેક ઘેટાને કૂદી જતું જોઇ શકશો ! બસ, આનું જ નામ ગાડરિયો પ્રવાહ ! આગળવાળા ઘેટાને તો દોરડું આડું હતું માટે કૂદવું પડતું હતું, પણ પાછળવાળા “આગળવાળાકૂદે છે” માટે કૂદવું,એવું ધારી બુદ્ધિ વાપર્યા વિના કૂદકા મારતા જોઇ શકાય છે.

પણ એ તો બિચારું વગડે વિહરતું ને ઘાસ-ફૂસ ચરી ખાતું જાડી બુદ્ધિવાળું પામર જનાવર છે. જ્યારે આપણે ખેડૂતો સૌ જીવોમાં સર્વષ્રેષ્ઠ બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી ગણાતા જીવ “માણસ” માહ્યલા હોવા છતાં ક્યારેક ક્યારેક ઘેટા જેવું વર્તન કરી બેસતાં કેમ ભળાતાં હઇશું-એ મારે મન એક કાયમી અણઉકેલ કોયડો બની રહ્યો છે.

કાનાદાદા કરે હરખાની વાત :  “નકલને વળી હોતી હશે અકલ ?” એમ બોલી અમારે કાનાદાદા એક દાખલો આપતા : “એક ગામમાં હરખો નામે એક ખેડૂત. બોલાવ્યે-ચલાવ્યે-બધી રીતે સારું માણહ ! પણ એક વાતે એવો અવળચંડો કે કાંક્યને કાંક્ય બખડજંતર કર્યા જ કરે ! એકવાર એવા રવાડે ચડ્યો કે “બસ, ગામના હરજીપટેલ કરે, એવી જ ખેતી મારે કરવી !” પોતાની વાડી જેવી માવજત માગતી હોય, એ પ્રમાણેની કરવાને બદલે પટેલ એની ખેતીમાં જેવા કામો કરે બસ, એવા જ કામો કરવાના રવાડે ચડી ગયો ! ક્યારેક હરજીપટેલની વાડી દીમની પોતે નજર ફેરવી આવે, તો ક્યારેક પટેલના સાથી પાસેથી વાત જાણી લ્યે કે પટેલની વાડીમાં આજ ક્યુ કામ થવાનું છે ?

બન્યું એવું કે એક વાર સાથીને પુછવાનો કે વાડી પર નજર ફેરી આવવાનો મેળ નો રહ્યો, તે પટેલને ઘેર જઈ, ખુદ હરજી પટેલને જ પુછ્યું: “ પટેલકાકા ! આજ મોલાતમાં તમે કયું સાંતી જોડવાના છો ?” પટેલ હતા પોશેલા અને જમાનાના ખાધેલ માણહ ! એને એમ થયું કે ‘આ માળું ખાબોચિયાંનું દેડકું વળી દરિયો ડોળતા મગરમચ્છનો વદાડ કરવા નીકળ્યું છે ! ક્યાં ઇ અને ક્યાં હું ? ક્યાં એનું મારી શેઢામોસમ જેવડું ખેતરડું ને ક્યાં મારી ચાર સાંતીની ખેડ્ય ? મારો વદાડ કરવા હાલી નીકળ્યું છે તે લાવને આજ એનું ય પાણી માપી જોઉં !” એમ મનોમન વિચારી કહે: “ આવ ભાઇ હરખા ! આજ તો અમે ઊભા મોલમાં ‘રપટા’ જોડ્યા છે બે !”  “ હંવ… ત્યારે !” કહી હરખો તો જે ઉપડ્યોને કે રોંઢો ઢળતાં ઢળતાં ઊગીને  ઊભી થયેલ કૂણી મોલાતના મૂળિયાં નીચેથી રપટાની રાંપ ફેરવી કાઢી આખા કટકામાં ! તમે જ કહો, મોલની શી દશા થઈ હશે ? વગર વિચાર્યે ધણ વાંહે ઢાંઢી થવા જતાં માથે ફાળિયું ઓઢીને પોકે પોકે રોવાનો વારો આવ્યો હરખાને !”

નર્સરીઓનો રાફડો ફાટ્યો :  અમારા સૂકા વિસ્તારમાં ફળપાકોનો વ્યાપ વધે એ હેતુસર ૧૯૮૮ માં પંચવટી બાગમાં દાડમ, બોર, આમળાં જેવા વાડીના જ વૃક્ષોમાંથી કલમો બનાવવાની નર્સરી શરૂ કરેલી. નર્સરીમાંથી કલમોનો થતો ઉપાડ જોઇ કેટલાક ખેડૂતોને એમ થયું કે “ નર્સરીમાં તો બહુ રળાય એવું લાગે છે.” એકે કરી, બીજાએ કરી, ને એમ કરતાં કરતાં નાનકડા ગામમાં જ બોર-કલમોની ૭-૮ નર્સરીઓ બની ગઈ ! ચોરે ને ચૌટે બસ, બોર-કલમોના જ ભાવતાલ ને કોણ ગ્રાહક કોની નર્સરી પર જાય છે, એનું જ રાખવાનું ધ્યાન ! “ફલાણાભાઇ કલમના છ રૂપિયા લે છે, હું ચારમાં આપીશ.” એવી હરિફાઇઓ શરૂ થઈ. છેલ્લે છેલ્લે તો એવી હાડ્ય હાડ્ય થઈ કે વાળંદની દૂકાનેય બોર-કલમો વેચાતી હોય એવી સ્થિતિ આવી ગઈ,અને બધી જ નર્સરીઓ ક્યારેબંધ થઈ ગઈ, તેની શેઢા-પાડોશીને પણ ખબર ના રહી,એમ એકાએક બંધ થઈગઈ. જેની નર્સરી શરૂ છે તે આજે પણ સરસ કમાણી કરે છે.

બોરના બગીચાઓનો ખો બોલાવી દીધો ! :  એ જ અરસામાં પંચવટી બાગમાં ગોલા-ઉમરાન બોરડી ઉછેરેલી. બાગમાં પાકતા બોર અમે લક્ઝરી બસ દ્વારા સુરત મોકલતા અને સારા ભાવ મેળવતા. અમારી વાડી તો મુલાકાતીઓની અવર-જવરથી હાંફતી વાડી ! એકે જોયું, બે એ જાણ્યું, ત્રણે વખાણ્યું ને માળું વાયુવેગે વાત એવી ફેલાણી કે “બોરનીખેતીમાં તો અઢળક કમાણી દેખાય છે !” જોકે વાતે ય સાચી હતી-જ્યાં સુધી બોરના બગીચાઓની સંખ્યાં માપની હતી ત્યાં સુધી ! પણ સારાએ સૌરાષ્ટ્રમાં બોરની ખેતી પાછળ પાગલ બની જઈ, એટલા બધા ખેડૂતોએ બોરડી વાવી દીધી કે એ બધીમાં જ્યારે બે-ત્રણ વરસે બોરાં માંડ્યા ઉતરવા અને પીઠમાં માંડ્યા ભરાવા ત્યારે ખરી ખબર પડી કે “અલ્યા ! પાઘડીનો  વળ પૂગી ગ્યો છેડે ! માગ અને પૂરવઠાનો નિયમ સમાંતર જળવાય તો ભાવ મળે માફક, બાકી એક ખટારો બોરાં માંડ ખપાવી શકવાની ક્ષમતા હોય, એ માર્કેટમાં પાંચ ખટારા બોરાં ઉતરી પડે તો પીઠુંયે હાંફવા જ માંડેને ?  આ થોડા ઘઉં, બાજરો,જીરુ કે મગફળી જેવું સૂકું-નક્કર ઉત્પન્ન છે કે તાત્કાલિક ન વેચીએ તોય હાલે ! બોરાં તો કહેવાય રાંધણું ! ત્રીજા-ચોથા દિવસે થઈ જાય રાતાચોળ ને માંડે ગંધ મારવા ! પછી કોણ એનો ધણી થાય, તમે જ કહો ! વેપારી એવા નાખી દીધાના મૂલે માગે કે વાડીએથી પીઠામાં પોગાડવાનું ખટારાભાડુંયે માથે પડે !

આપણે સૌરાષ્ટ્રવાસીઓ આરંભે હોઇએ છીએ શૂરા ! બોરડી ચોપવામાં  હૈસો…હૈસો… કરી જે ઉતાવળથી સૌ લાગી પડ્યા’તા એકસામટા-બસ, એમ જ હવે સૌ “બોરનીખેતીમાં તો કંઇ ભલીવાર નથી ભળાતું, મેલો કોદાળી !” કરી,એકે ખોદી, બે એ ખોદી, અને હાલ્યું એતો… એવી ઝપટ બોલાવી કે બધાએ ખોદી કાઢ્યે જ હાશ કર્યું ! બોરની ખેતીનો સાગમટે વિદાય કાર્યક્રમ ગોઠવી દીધો. જેમણે થોડી ધીરજ ધરી, લાંબો વિચાર કરી, થોડા થોડા ઘેરા ઊભા રાખ્યા, એ ખેડૂતો આજે પણ બોરની ખેતીમાં બહુસારી કમાણી કરી રહ્યા છે.

જરૂર વિના દવાનો છંટકાવ : નામ નહીં દઉં, મેં મારા જાણીતા એક ખેડૂતભાઇને ઊગીને ઊભો થઈ હજુ બે જ પાંદડે હો ! ત્રીજું પાંદડું ઉપર નહોતું નીકળ્યું એવા કપાસના પાક પર દવા છાંટતો ભાળી, જીપ ઊભી રાખી,તેની પાસે જઈ પૂછ્યું કે: “આવડા જીણકુડા છોડવામાં કઈ જીવાત કનડવા માંડી છે કે મોટો ત્રણ ફૂટ પહોળો દવાનો ફુવારો એના માથે ફેરવ્યે જાઓ છો ?” મને કહે-“શું હીરજીભાઇ તમે પણ, આમ ચારે બાજુ નજર તો કરો ! એકે એકના ખેતરમાં દવાના પંપ હાલે છે કે નહીં ? બધા છાંટતા હોય પછી મારે કેમ ન છાંટવી તે સમજાવશો મને ?” એણે તો ઉલટાનો મને ઉધડો લીધો.

મારે કહેવું પડ્યું:“ભલાભાઇ ! એ બધાના કપાસ સામું તો જરાક નજર કર. એ બધા આગતર ઉગાડેલ હોઇ મોટામોટા થઈ ગયેલા છે. એને કંઇ તકલીફ થઈ હશે તો છાંટતા હશે, પણ તારો કપાસ હમણાના વરસાદે ઉગાડેલો, કેટલો પાછતર છે એનો તો વિચાર કર ! જેનો નાળ હજુ ખડ્યો નથી એવા આ છોડવાને ક્યાં દવાની જરૂર છે તે આદુ ખાઇને મોટા ઉપાડે મંડાણો છે ફ.ર.ર ફ.ર.ર બુદ્ધિનું પ્રદર્શન કરવા !” મારે જરા તીખા શબ્દોમાં વઢીને દવાનો પંપ બંધ કરાવવો પડ્યો બોલો !

થોડા વરસ પહેલાં કેટલાક ખેડૂતોના મનમાં એવું ઠસાઇ ગયેલું કે “આપ્સા-80 કપાસની ખેતીમાં બહુ ફાયદો કરે છે.” અને માળો માલધારીઓના ડીંગડિયા તારની માફક ખેડૂતોમાં વાયરો વાત લઈને જે ઊડ્યો, તે જેને હોય એને મોઢે બસ આપ્સા-80 જ છાંટવાની વાત નીકળે ! અરે, તમને શું વાત કરું, અમારા વિસ્તારમાં આપ્સા-80ની બાટલીઓ મળવી મુશ્કેલ બની ગઈ, અને છેક સુરત બાજુથી ખેડૂતોના છોકરાઓ દોડાપાટી કરી, અરે ઓન દઈનેય મેળવ્યે પાર કરી ગામડે મોકલવા માંડેલા. આપ્સા-80 બાબતે મારો કોઇ વિરોધ નથી. એ એનું કામ એની મર્યાદામાં રહીને જરૂર કરતું હશે. પણ એની પાછળ ઉંધુ ઘાલીને પડી જવાની ગાંડાઇ કરવાની જરાય જરૂર નહોતી.

આપણો પાક ક્યો છે ? તેમાં સવા-કવા કે રોગ-જિવાતની સ્થિતિ શું છે ? અને સામે આપ્સા-80નું ખરેખર કામ શું છે ? તે જાણવું કે જાણ્યા વિના બસ દે દે ને દે જ, આંધળે બહેરું કૂટ્યા જ કરવાનું ? બીજાને વાદે મારેયે બસ મંડી જ પડવાનું ?

જે.સી.બી. મશીનનો ઢગ ખડકાયો :  “બધા ભાઇઓ ખેતીમાં રોકાઇ રહીએ, એના કરતા લાવોને એક-બે ભાઇ ખેતીને સંલગ્ન હોય એવો કોઇ પેટાધંધો શરૂ કરીએ” એવું વિચારી મારા નાના ભાઇઓ [કાકાના દીકરા] જેસીબી મશીન લાવ્યા. જમીન લેવલ કરવી, પાળા બાંધવા, તળાવડી બનાવવી, પાઇપલાઇનની ચર ગાળવી, મકાનના પાયા ગાળવા,ટ્રેલરમાં માટી ભરવી, બીનજરૂરી ઝાડવાં ખોદવાં જેવા વિવિધ પ્રકારના કામો રાક્ષસીઢબે થતાં જોઇ, કલાકનું લોંઠકું ભાડું સાંભળી “ હાલોને આપણેય આવું મશીન ખરીદીએ” એવું નક્કી કરી બીજા બે જણ લાવ્યા. “અલ્યા, હાલ્ય આપણે બે ભાગિયા બની સહિયારું મશીન લાવીએ” એમ બે લાવ્યા, ત્રણ લાવ્યા, પાંચ લાવ્યા….ને નાનકડા ૧૫૦૦ની વસ્તી ધરાવતા ગામમાં ૧૫ જેસીબી આવી ગયા.જેને નાની ખેતી હોય, ખેતીમાંથી બીજું કામ કરવાનો સમય બચતો હોય, તેઓ આવા સાધનથી પૂરક કમાણી મેળવવાનો પ્રયત્ન કરે તે ઠીક ગણાય, પણ સો સો વીઘાના ખાતેદાર, ખેતીમાં ક્યાંય તાણ્યાય ન પહોંચતા હોય તેઓ પણ ભાડા કરવા બેંકલોન લઈ જેસીબી લઈ આવ્યા. અને જુવાનિયા એવી દોડધામમાં રોકાયા કે એની ખેડ્યમાં પડવા માંડ્યા ઘોબા ! જેમ જાજા રાંકાએ ખોળ થાય મોંઘો, એમ એકબીજામાં “કોણ સસ્તુ કામ કરી આપે” એવી હરિફાઇએ ચડવાનું થયું. ને બે-ત્રણ વરહે કહ વિનાનો ધંધો લાગતાં એકે વેચ્યુ, ને બીજાએ વેચ્યું ને એમ કરતા કરતા જેમ દેખાદેખીથી ખરીદ્યા હતા તેમ દેખાદેખીથી મોટાભાગનાએ પાછા વેચી પણ માર્યાં. જે બે-ત્રણ જણાએ પોતાના સંજોગો અને જરૂરિયાત જોઇને ખરીદ્યા હતા તેમણે નથી વેચ્યા,તેઓ આજે પણ રળેછે

નેટ અને ગ્રીન હાઉસનો ખોદ્યો  ખોભ : કૃષિના નવા વિજ્ઞાને આધુનિક ખેતીની ઘણી નવી દિશાઓ ખોલી દીધી છે. એમાં એક નવો અભિગમ એકર-બે એકરમાં સરકારની ધીંગી સબસીડીનો લાભ લઈ નેટ કે ગ્રીનહાઉસ ઊભા કરી, તેમાં વિવિધ પાકોના કટાણે ફાલ લેવરાવી,  પુષ્કળ કમાણી કરી શકાય છે તેવી જાડી વાત જાણ્યા પછી અમારા વિસ્તારમાં ૮-૧૦ નેટ અને ગ્રીનહાઉસ ઊભાં કરાયાં છે. સરકાર તરફથી મળતી સબસીડીની દોડધામ અને વધારાના ખર્ચા કર્યા પછી તેમાં પાક ઉગાડવાનો થયો ત્યાં કોઇને કૂવા-બોરમાં પાણી ડૂક્યાં, કોઇને આવી સ્પેશિયલ ખેતી કરવા મજૂર તૈયાર ન થયા, તો કોઇકે રંગબેરંગી-કેપ્સીકમ મરચાં ઉગાડ્યાં તો એનું સ્થાનિક માર્કેટ ન મળ્યું, ને બહાર દૂર મોકલવાની ગણતરી માંડી તો માલના ઉપજણ કરતાં તણામણ મોંઘું થયું !

નેટ અને ગ્રીનહાઉસની ખેતી ખૂબ જ ફાયદાકારક છે તે વાત સાવ સાચી છે. પણ કોને ? જેની પાસે ડ્રીપ પૂરતાં યે પાણી હોય !  વાડીએ વીજળી આવી ગઈ હોય, નજીકમાં જ મોટું શહેર હોય, અને શહેરમાં આપણા આ વિશિષ્ટ ઉત્પાદન-ફળ,શાકભાજી,કે ફૂલોનું જબ્બર માર્કેટ અને તીખી માંગ હોય એને ! બાકી ૧૫-૧૭ કે ૨૨-૨૫ પેટીનો ખર્ચ કરીને બનાવેલ સ્પેશ્યલ સગવડ નીચે તૈયાર કરેલ તરબૂચ, ટેટી, મરચાં કે ટમેટાં-કાકડી- ગઢડા, ઢસા, બોટાદ કે દામનગરની માર્કેટમાં મોકલવાના થાય તો ત્યાં કોને આવી પેદાશની પરખ હોય ? આવી નાની માર્કેટમાં તમે ખુલ્લા ખેતરમાં પકવીને લાવ્યા હો કે નેટ-ગ્રીનહાઉસમાં,એને શું ફેર પડવાનો કહો જોઇએ ! ગોળ અને ખોળ એક જ છાબડે તોળાવાના હોય ત્યાં નેટ અને ગ્રીનહાઉસની ખેતી પોસાય કેમ ? મુંઝારાનો પાર નથી રહ્યો, એ એકના વદાડે બીજો, ને બીજાના વદાડે ત્રીજો, એમ ભેંશનાં શિંગડાંમાં પગ ભરાવી ચૂકેલા મારા એવા કેટલાક મિત્રોની  મને પૂરી જાણ છે.

સાગ ઉગાડ્યો યે એમ અને કાઢ્યો યે એમ :  અમે પણ ગુજરાતના ખેડૂતોના વાદે ચડી આવો હૈસો….હૈસો..કરીને, કહોને ગાડરિયા પ્રવાહમાં ખેંચાઇને ૨૫ વીઘા જમીનમાં સાગની ખેતી કરી હતી. અમે નહોતી તપાસ કરી કે અમારી જમીનનો દળ કેટલો ઊંડો છે એની, કે નહોતું જોયું જમીન ગોરાડુ-ચીકણી કે કેવા પ્રકારની છે એવું યે ! અરે, નહોતું વિચાર્યું કે સાગ જેવા બહુવર્ષીય ઝાડવાને આ નપાણિયા અને છાશવારે વરસાદનું માઠું પડે એવો દુકાળિયો વિસ્તાર ફાવશે કે નહીં એવું યે, અને બીજાનો વદાડ કરી જે દુ:સાહસ કરેલું, એમાં અમે નાપાસ થયા. ન ફાવી અમારી નીચે ચીકાશવાળી જમીન સાગને કે ન આપી શક્યા ડ્રીપ દ્વારા પણ જરૂરી પિયત એને ! પરિણામ ? પરિણામે જોઇએ એવી જાડાઇ સાગ પકડતા નહોતા. ૭-૮ વરસ પછી રાંડ્યા પછી ડહાપણ આવ્યું કે ‘આપણે આપણી હાલ્ય છોડી, બીજાની હાલ્યે હાલવા ગયા,એમાં આ ભૂંડી દશા થઈ છે !’ અને અમારે સાગને મૂળ સમેત ઉખાડવા જેસીબી મૂકવું પડ્યું.

સો વાતની એક વાત :  સ્વામી વિદિત આત્માનંદજીએ ફૂલછાબ-પંચામૃતમાં કહ્યા પ્રમાણે “માત્ર દેખાદેખીથી આપણે કેટલીબધી વસ્તુઓ કરતા હોઇએ છીએ ! કે કેલિફોર્નિયાની ફેશન તરત જ ન્યુયોર્ક પહોંચે અને પછી ત્યાંથી અમદાવાદમાં આવે ! ત્યાં જીન્સ શરૂ થાય કે તરત જ અમદાવાદમાં પણ યુવાનો તે પહેરવાલાગે !”  ઠીક છે, મોજશોખની બાબતોમાં એકબીજાની નકલ કરતા રહેવી હજુ થોડીકેય ક્ષમ્ય છે. પણ જે વ્યવસાયમાંથી આપણા જીવન ગુજરાન માટેનો રોટલો રળવાનો છે તેમાં લાંબો વિચાર કર્યા વિના, માત્ર દેખાદેખીથી આવા દુ:સાહસો કરવા લાગીશું તો ભૂંડેહાલે પસ્તાવાનો વારો ક્યારે આવી જાય-કાંઇ કહેવાય એવું નથી મિત્રો !


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.