મારી પગપાળા ખેપ

સોરઠની સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ

અંગ્રેજીમાં એક કે’વત છે, “ટાઈમ એન્ડ ટાઇડ વેઇટ ફોર નન” એમ સમયનું ઝરણું દી’રાત વહ્યા કરે છ અને એની હારે માણસ, એની વિચારધારા અને પરિણામે સમાજ અને સામાજિક મૂલ્યો પણ સતત બદલાણા કરે છ. દરેક સ્તરે આ બદલાવ કદાચ આપણે તાત્કાલિક જોઈ ન સકીયેં પણ ડારવીનના ઈવોલ્યુસનની જેમ ઈ થાયા તો કરે જ છે. હવે જેને મારી જેમ જીવનના સાડાસાત દાયકા જોયા છ એને દા.ત. વહાનવ્યવ્હારમાં પગપાળા ને ગાડાથી લઈને એરોપ્લેન સુધી, ધ્વનિ અને ચિત્રમૂદ્રરણે ચાવીવાળા તાવડીવાજાથી બ્લ્યુટૂથ ને બ્લયુરે ડી.વી.ડી. લીગી, સમાચારની આપ-લેમાં સથવારે ચીઠ્ઠીથી ટેક્સ્ટ મેસેજ લગી, રે’વાના ઘરોમાં બાપદાદની આલીશાન હવેલીથી એક બી.એચ.કે.ના ઘોલકીના ઘર લગી ને ઘરના રસોડે માટીની હાંડીમાં ચુલાની રસોઈથી પરાયા ઘરના ટિફિન લગીના બદલાવ જોયા છે, અનુભવ્યા છે. આમાના ઘણા બદલાવોનું કારણ ઈ ઓગણમી સદીથી માનવ જીવનમાં આવેલું ટેક્નોલોજીનું ઘોડાપુર ને ધડ વીનાના માથા જેમ ભાગતોદોડતો માણસ.

અલબત્ત, ઘણીખરી ટેક્નોલોજીનો હેતુ ઈ છે કે માણસ જે તે કામ ઓછી મહેનતે, ઓછા પૈસે, ઓછા સમયે અને વધુ ચોક્સાઈએ પતાવે જેથી પ્રોડક્ટિવિટી વધે. હવે જો આપણે ઈચ્છીયેં તો કેટલાય બદલાવો વિષે કેટલાંય પુસ્તકો લખી સકીયેં પણ કમનસીબે આજે વિગતે લખવાનો, લખાયેલું વાંચવાનો, વાંચેલાને પચાવાનો ને પછી એના ઉપર ચિંતન કરવાનો સમય કોની આગળ છે ભલેને ટેક્નોલોજીનો પ્રાથમિક હેતુ જ મેહનત અને સમય બચતનો છે. બીજું, જેમ દરેક વસ્તુના ફાયદા હોય એમ ગેરફાયદા પણ હોય જ છે અને દરેક વખતે નવી પેઢી ખોટી ને જૂની સાચી એમ પણ નથી હોતું. મારા જેવાં જુના મોડલોએ જુવાન પેઢી પાસેથી ઘણું શીખવાનું છે અને મારા મતે જો ગઈકાલની અને આજની પેઢી ખભેખભો મેળવીને હાલે તો બેય પેઢીને ફાયદેફાયદા જ છે.

હવે હું નિવૃત છું ને એમાં પણ વળી ટેક્નોલોજીએ તો મને માખી ને બીજાની મેથી મારવાનો વધુ વખત દીધો છ એટલે આજ થ્યું કે મારી એકાદ પગપાળા મુસાફરી વિષે ક્યાંક લખું. તો હું જૂનાગઢ તાબાનાં જે ગામડાંઓમાં મોટો થ્યો યાં અંતર પ્રમાણે હું હાલતો કે ગાડામાં કે સીગરામમાં જાતો. ઈ જમાને પગે હાલતા લોકો કાં ઉઘાડા પગે હોય ને કાં ઓખાઇજોડા, ગામના મોચીએ સીવેલ એડીએ નાળ ને આંગળે નારંગી જડેલ જોડા કે ચંપલ પે’રતા. ત્યારે બે પટ્ટીનાં સિલોપર્સ હજી નો’તાં જનમ્યાં. મારી પેલી લાલ રંગની નાળ-નારંગી વાળા પાડાના ચામડાની બૂટની જોડી મેંદરડામાં દુર્લભભાઈ મોચીએ ચોથા ધોરણમાં હું હતો ત્યારે સીવીતી બાકી યાં લગી હું પણ ઉઘાડપગો જ હતો. આ બુટ પે’રતો ત્યારે અચૂક પાનીએ ડંખ પડતો ને એડીએ કપાસી થાતી પણ ઘરમાં બુટ હતા એટલે મારાં માંની ધાકે હું પે’રતો ખરો. અલબત્ત, ત્યારે પગમાં મોજાં તો મોટા સાહેબો જ પે’રતા ને અમે તો ઈ ભાળ્યાં પણ નો’તાં. ઉપરાંત ચોમાસે કોઈ પગમાં કાંઈ ન પે’રે કારણ કાચા રસ્તે ગરાકીચડમાં પગનાં ખૂંતી જાય. લાબું અંતર કાપવાનું હોય ત્યારે અમે ગાડા કે સીગરામમાં જાતા.

જેને ખબર ન હોય એના માટે ઈ ટાણે ગાડું રોજીંદો ખેડનો માલસામાન હેરવવાફેરવવામાં ને મુસાફરીમાં વપરાતું. એમાં એક લાબું જોતરું કે જેના થડે ગાડું હલાવનાર ખેડુ બેસતો ને જોતરના આગળના ભાગે ધોંસરે નાથેલા બે બળદ જોડાતા. ગાડામાં બે લાકડાના પૈડાં રે’તાં પૈડે લોઢાની વાટ ચડતી. સામાન્ય રીતે ગાડા કે બળદને શણગારતા નહીં. મુસાફરી જો લાંબી હોય તો ગાડામાં બેસવા સારું રાડાની પથારી કે ગાદલું નાખતા. સીગરામમાં ગાડું નાનું હોય, બેસનારાઓ માટે ગાદી મુકાતી, સીગરામ માથે ઋતુથી બચવા માફો બંધાતો, એક બળદ જોડાતો ને ઘણીવાર ઈ બળદ ઉપર ભાતીગળ જુલ નખાતી. ગાડા ને સીગરામનું પિતરાઈ ઈ વેલડું. વેલડે એક કે બે બળદ જોડાતા, બળદ ને વેલડાને લદોલદ શણગારતા ને ખાસ તો દરબારોનાં રાણીસાહેબા કે વહુ-દિકરીઓ એમાં મુસાફરી કરતાં.

બાળપણમાં મેં સનખડા, દેલવાડા, મેંદરડા, ચોરવાડ ને વિસાવદરમાં કોક મંદિરે જાવા, કોકના ખેતરે કે વાડીએ રેંટ કે કોષના થાળે નાવા, બાજરાનો પોંક, શેઈડીનો વાડ, કાચાં કેળાંના પોપટીયાં, કેસર કેરી, વિલાયતી જાંબુ કે રોટલા ને રીંગણાનું ભડથું ખાવા ચારછ નાડાવા હાલીને અસંખ્ય ખેપું મિત્રો ને પરિવાર હારે નાખી છ. અમે દોસ્તારું હાલતા ત્યારે ચડ્ડીના એક ખીસામાંથી સીંગદાળીયા, બીજામાંથી ઘાણી કે પેરણના ગુંજામાથી મમરા કે એવો કોરો નાસ્તો ફાકતા પલ્લો કાપતા ને રસ્તામાં કોક ખેડુના કોષે કે રેંટે બે ખોબાનું પ્યાઉ કરીને પાણી પીતા. ઘેઘુર વડલાની વડવાઈએ ફંગોળા ખાઈ ને પાકા ટબ્બા લાલચોળ ટેંટા પણ ખાતા. પીપળે ચડીને ઓરકોરમણો રમતા, પથરા ફેંકી આંબલીના કાતરા પાડીને ખાતા, ઋતુ પ્રમાણે કડવા લીંબડાનો મોર ને લીંબોડી કે ચોરીને આંબાનો મોર ને કેરી ખાતા. રસ્તામાં એકલદોકલ ગાય-ભેંસ કે ઘેંટી-બકરી હોય તો એને દોઈને દૂધની શેડ સીધી મોઢામાં જીલતા ને રસ્તામાં નદીનાળાંમાં કે વોંકળે બેએક ધુબાકા પણ મારી લેતા ને આમ જ્યાં પુગવાનું હોય યાં પુગી જાતા. મજા ઈ હતી કે સૌ દોસ્તારુંનું ઘેરથી પરયાણ ક્યારે કરવું ઈ નક્કી હોતું પણ ક્યારે સામે પુગવું ઈ નહીં કારણ અમારી મોજે અમે હાલતા ને અમારા સમયે સામી જગ્યાએ પુગતા. આવી ઘણી ખેપુ મને આજ પણ યાદ છે પણ એક વધુ યાદગાર ખેપ ઈ મેંદરડાથી આલીધ્રાની.

આલીધ્રા મેંદરડાથી પાંચેક કી.મી. ઉત્તરે છેટું થાય ને મધુવંતીના પૂર્વના કાંઠે આવેલ “આલીધ્રા આશ્રમ”ની પવિત્ર જગ્યાથી જાણીતું. આ ગામ ને વિસ્તારના “વાળા” કાઠીઓ રાજા હતા. આલીધ્રા ગામની સ્થાપના દરબાર શ્રી. ભીમા વેલેરાવાળાના દીકરા કુમાર શ્રી. મોકા ભીમાવાળાએ કરેલ. ત્યાર પછી ૧૯૨૦થી રાજકોટની રાજકુમાર કોલેજમા ભણેલ દરબાર શ્રી. અમરાવાળા મોકાવાળા આલીધ્રાની ગાદીએ આવ્યા ને ૧૯૬૦માં રાજકુમાર જ કોલેજમાં ભણેલ આલીધ્રાના છેલ્લા દરબાર શ્રી. વેલરાવાળા અમરાવાળા ગાદીએ આવ્યા.

અમે જેને જોયા ને જાણ્યા ઈ આલીધ્રા દરબાર શ્રી. અમરાવાળા

ત્યારે ૧૯૫૬ના ચોમાસે મેંદરડા ઇલાકામાં વરસાદની તાણ થઇ, પાણી આછરી ગ્યાં, ખેતરુંમાં ઉભા મોલ સુકાંવસુકાંવ હતા, પશુઓને ખાવા સીમસેઢે ચારો ઓ.છો થાતોતો, આખાય વિસ્તારમાં સુકા ઘાંસની એક વંજી ખડકાય એટલું ઘાંસ નોતું ને આમ દુકાળ આઘેરો વરતાતો. એટલે પછીના પોષે આલીધ્રાના દરબનાર શ્રી. અમરાવાળા મોકાવાળાએ ગામમાં ચોવીસ કલાકની બાળકોની અખંડ રામધૂન બેસાડી ને બપોરે ને સાંજે ગામનાં કુતરાઉંને લાડવા ને ગાંઠિયા ખવરાવ્યા. આ ધૂનમાં અમારી મેંદરડાની તાલુકાશાળાના સવારના ત્રીજા અને બપોરે ચોથા ધોરણે ભાગ લીધો એટલે અમને ત્રીજા ધોરણમાંથી શંકરભાઇ માસ્તર હાલતા સવારથી બપોર આલીધ્રા રામધૂનગાવા લઇ ગ્યા. અમે સમયે પુગી ગ્યા ને રામધૂન શંકરભાઇના મંજીરાં ને ગામના ભીખા વાળંદના ઢોલકે અમે ચારેક કલાક જમાવી.

પછી અમે ખીચડી ને શાક ખાઈને શંકરભાઇએ પાંચપાંચ વિદ્યાર્થીઓની ચારેક ટુકડી કરીતી ઈ મુજબ દરેક ટુકડીમાં એક વિદ્યાર્થીના હાથમાં ગાંઠિયાનું ને બીજાના તેલ ને ગોળમાં બનેલ ઘઉંના લોટના ભાખરના લાડુનું તગારું લઈને આલીધ્રા ગામમાં કુતરાઉંને ખવરાવા નીકળ્યા. મારી ટુકડીમાં જુસબ, અબ્દુલ, ચંદુ, શંભુ ને હું એમ પાંચેય તોફાની. અમે કુતરાઉંને લાડવા દીધા પણ તગારું ગાંઠિયા અમે જ ફાકી ગ્યા ને પછી ખબર પડી કે બીજી ટુકડીઓએ પણ એમ જ કરેલ. પણ સાહેબ, ઈ ખાલી તગારાં લઈને અમે પાછા આવ્યા, અમારે ઘેર પુગ્યા ને કમોસમનો પછેડીફાડ વરસાદ બેએક દી’ એવો ત્રાટક્યો કે મધુવંતી શિયાળે બે કાંઠે થઇ, કુવે બેત્રણ હાથ પાણી ઉંચા આવ્યાં ને આલીધ્રાના ખેડુઓએ ફાળીયાં પાથરી ચોરે બેસીને અમારા ત્રીજા ધોરણની ભક્તિનાં બે મોઢે વખાણ કર્યાં. આલીધ્રા દરબાર શ્રી. અમરાવાળા પણ રાજીનો રેડકો થ્યા ને અમારા વર્ગ અને શંકરભાઇને સામા અઠવાડિયે “ભાત” ખાવા નોતર્યા. પણ સાહેબ, ઈ બપોરના “ભાત”માં અમે પરીસવાની થાળીએથી જાતે સરકતી ઘીએ લસલસતી દરબારી લાપસી, ભીંડાનું લાલચટક શાક, માટીની દેગમાં ચૂલે ચડેલ મગ, વ. દરબારગઢની ભોજનશાળામાં બેસીને અમારી ઉંમરથી વધુ ખાધું. દરબાર સાહેબે પોતે પણ અમારી હારે જ ઈ દી’નો “ભાત” ખાધો.

આમ અદકું ખાઈને ઉઠ્યા ને દરબારગઢની ફળીમાં આવ્યા એટલે દરબારસાહેબના ખાસા અને મદદનીશ પુનકુબાપુએ અમને પાસેથી દરબારગઢની “ડીસોટો” મોટર દેખાડી (ત્યારે અમે કારને મોટર કે’તા). પછી એને આગળ હેન્ડલ ભરાવી, એને બેચાર વાર ઘુમેડીને મોટર ચાલુ કરી એટલે અમે સૌ બીના ઈ “ઘયડ, ઘયડ” અવાજથી. ઈ બીના એટલું જ નહીં અમારા માંથી કેટલાયે તો યાં જ નક્કી કરી લીધું કે “બે બાપનો જો હું ક્યારેય મોટર પાસે જાઉં તો.” મારી જીંદગીની મેં પણ આ પે’લી જ મોટર જોઇતી પણ મેં મોટર પાસે ન જાવાનું પણ્ય પણ નો’તું લીધું. મોટર જોઈ લીધી એટલે એક ગોલકાએ અમને દરબારગઢના તબેલે આઠ હાથ ઉંચા જાતવંત ઘોડા ને ગમાણે “નવચન્દ્રી” ભેંસ ને “ગીર” ને “સાહિવાલ” એમ બે જાતની ગાયનું ધણ દેખાડયું. આ ધણ જોઈ લીધું એટલે એક વડારણે એક ગાય દોઇને અમને બધાને તાંસળીતાંસળી તાજું દૂધ ને માય શાકરની ગાંગડી એમ પીવા દીધું.

આલીધ્રામાં અમે જોઈતી એવી મોટર

આ બધું પત્યું એટલે અમને દરબારગઢ અંદરથી ફરીને દેખાડ્યો કે જેમાં એક મોટા ખંડની આલીશાન દીવાલે દરબારસાહેબે શિકાર કરેલ સિંહ, વાઘ, દીપડા, ચીતલ, સાબર, વ.ના ડોકાં ને ચામડાં ને સામેની દીવાલે તમંચા, તલવાર, ગુપ્તી, ભાલાં, મોરી, જામગ્રી, બેજોટાળી બંધુક, બખ્તર, બૂંગીયો, વ. ગઢનાં ઓજારો ટાંગ્યાતા. પછી અમને ઈ ગોલકાએ ગઢનું રસોડું ને કોઠાર દેખાડ્યાં. વિશાળ રસોડે ચારેક મોટી ચૂલ, ભાતભાતનાં કાંસા, પીત્તળ, જર્મન ને ત્રાંબાનાં વાસણો અભેરાઈએ ને કાળી માટીની દેગો ને તાવડીઓ, લાલ માટીની પાણીની નાંદો, લાકડાના ભારા, છાણાંનો ટીંબો, વ. ગાર કરેલ ભોં ઉપર બધું વ્યવસ્થિત ગોઠ્વ્યુંતું. કોઠાર પણ ઘણો જ મોટો હતો ને એમાં બારેમાસ અનાજના સાણા મોટાંમોટાં થાળાં હારે, ત્રણેક ઘંટી ને બેચાર ઘંટલા, જમીનમાં ખાંડણી, પડખે સાંબેલાં, ખજૂરીની બેચાર સાવ્યણી વ. એમ અમે જોયું. ગોલકાએ અમને કીધું કે ઈ રસોડે રોજના ૪૦-૫૦ માણસ ને ઉપરાંત ગઢના મહિમે’માન એમ ત્રણ ટંક જમતાં. આમ દરબારગઢમાં ફરીને બધું જોવું ઈ બધા વિદ્યાર્થીઓ માટે એક જુદો જ લાહવો હતો પણ મેં આ ને આવા દરબારગઢો પપ્પાના દાક્તરી ધંધાને લીધે અગાઉ ઘણીવાર જોયાતા પણ મારા ત્રીજા ધોરણના મિત્રો હારે તો મેં પણ દરબારગઢ પે’લી વાર જોયોતો.

આલીધ્રા દરબારગઢની કચેરીની પરસાળ

દરબારગઢ દર્શન પત્યું એટલે શંકરભાઇ માસ્તરે અમને દરબારસાહેબની કચેરીની પરસાળમાં લાઈનબંધ બેસાડ્યા. પછી જાજરમાન વ્યક્તિત્વવાળા કાઠી પોષાકમાં દરબારસાહેબ કચેરીએથી બારા આવ્યા ને એક સાગના કઠોડા વાળા હિંચકે તકિયાના ટેકે એના દરબારી ઠાઠે ગોઠવાણા. અમને સૌને એને કીધું, “બાળકો, માં ખોડિયારના તમારા સૌ ઉપર ચાર હાથ છે ને તમારી ભક્તિથી જ આજ આલીધ્રાની સીમ પાછી લીલી થઇ છ.” પછી વારાફરતી અમને દરેકને બોલાવીને એક પાટી, લાલ ને ધોળા એમ પાટીમાં લખવા બે કાતરા ને એકથી ઊંઠાં લગીની દેશીઆંકની ચોપડી એમ બધાને દીધું ને અમે સૌએ દરબારસાહેબને પગે લાગીને સ્વીકાર્યું. છેલ્લે આ બધું પત્યું ને દી’ આથમે ઈ પે’લાં અમે આલીધ્રાની સીમની ટુંકી કેડીએ મેંદરડા મોજે તોરા છોડીને પાછા પોગી ગ્યા.


ડૉ. દિનેશ વૈષ્ણવનો સંપર્ક  sribaba48@gmail.com   પર થઈ શકે છે

 

Author: Web Gurjari

4 thoughts on “મારી પગપાળા ખેપ

Leave a Reply

Your email address will not be published.