कीर्तन:- काहू जोगीया की नजर लागी, मेरौ कान्हर बारौ रोवै

સૂરદાસનાં વ્રજ ભાષાનાં પદોનો આસ્વાદ

પૂર્વી મોદી મલકાણ

कीर्तन:- काहू जोगीया की नजर लागी, मेरौ कान्हर बारौ रोवै

राग:- सारंग

काहू जोगीया की नजर लागी, मेरौ कान्हर बारौ रोवै 

मेरी गली जिन आऊ जोगीयाँ अलख- अलख कर बोलेरी ।

“सूर” प्रभु को यहै अचंभौ तीन लोक सब मोहै ।

घर -घर हाथ दिखावै जसोदा दूध पिवै नहीं सोवै ।

राई लौन उतारि यशोदा जोगिया यह को है ।

શ્રી પ્રભુ પ્રગટ્યા છે તેનાંથી સર્વે વ્રજવાસીઓ તો હર્ષિત થયાં છે, પણ હજુ તો આ હર્ષ ઠંડો પડે તે અગાઉ ભગવાન મહાદેવ જોગીયાનું રૂપ લઈ મૈયા પાસે પધાર્યા અને લાલના દર્શન અંગેની વાત કરી. પણ મહાદેવ તો મહાદેવ છે. આપ તો સમાધિમાંથી ઊઠીને સીધા પધાર્યા હતાં તેથી આપે જટાયુક્ત વેશ દૂર કર્યો ન હતો. આમેય મહાદેવજીને ક્યાં ફર્ક પડે છે પોતાનાં આ વેશથી? આપ તો આજ વેશે મૈનાવતીને ત્યાં ગયેલાં અને આજ વેશે આપ પ્રભુ દર્શન માટે પધાર્યા છે. બંને જગ્યાએ રહેલ બંને માતાઓ દેવાધિદેવના આ સ્વરૂપને ઓળખી શકતી નથી આથી માતા મૈનાવતીની જેમ યશોદાજી પણ ડરી ગયાં અને પોતાનાં લાલનને જોગીનાં હાથમાં મૂકવાની ના કહી દીધી. માતાની ના સાંભળી જોગી યમુનાજીને તટ્ટે જઈ બિરાજી ગયાં. આ બાજુ લાલન પણ ખૂબ રડવા લાગ્યાં. લાલનના રૂદન સાથે માતા તો પરેશાન થાય જ છે પણ સૂરદાસજી પણ પરેશાન થાય છે આથી યશોદાજી કહે છે કે, મારો બાલ કનૈયો રડી રહ્યો છે, કોઈ જોગીની ( અહીં નામ નથી આપ્યું -કેવળ જે ગૃહે આવેલો તેની તરફ સંજ્ઞા કરેલી છે. ) નજર લાગી ગઈ છે. મારી ગલીમાં કોઈ યોગી અલખ નિરંજન, અલખ નિરંજન એમ બોલી રહ્યો હતો. યશોદાનો લાલ હવે નથી તો દૂધ પીતો કે નથી સૂતો. શાંત કરવા મથતી માતાના બધાં જ પ્રયત્ન નિષ્ફળ જઈ રહ્યાં છે. આથી આપ પ્રત્યેક ગોપીઓના ગૃહમાં જઈ તેને પૂછે છે કે જુઓ તો મારા લાલાને શું થઈ ગયું છે? તે કેમ શાંત નથી થતો? પછી કોઈ ગોપી માતાને રાઈલૂણ ઉતારવા કહ્યું. આથી માતાએ વારંવાર રાઈલૂણ દ્વારા લાલા પર લાગેલી નજર ઉતારી. નજર ઉતર્યા પછી “સૂરદાસજી” ના પ્રભુ શાંત થઈ ગયાં અને સુખરૂપ સૂઈ ગયાં.
 
પૂર્વી મોદી મલકાણ -યુ.એસ.એ | purvimalkan@yahoo.com
 
નોંધ:- યશોદાના લાલા મોટા થઈ રહ્યા છે તે વાત પણ શ્રી સૂરદાસએ બહુ સુંદર રીતિથી કરી છે. પણ એ સમય સુધી પહોંચતા આપણને થોડી વાર લાગશે. આથી મિત્રો સૂરદાસજીનાં કિર્તનોનો રસાસ્વાદ આ લેખમાળાનો પ્રથમ ભાગ અહીં પૂર્ણ કરું છું. 
નવા વિષય પરની મારી શ્રેણી ઓકટોબર ૨૦૨૨ થી શરૂ થશે

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.