મૌલિક અને અનુવાદ વચ્ચેનાં અંતર

નિત નવા વંટોળ

પ્રીતિ સેનગુપ્તા

ભારતમાં અગણિત એવાં કુટુંબો છે જે બધાં અંદરોઅંદર માતૃભાષા નહીં, પણ અંગ્રેજી જ બોલતાં હોય. આવાં કુટુંબોના સદસ્યો તથા યુવાન સભ્યો પરદેશ વસવાટ કરવા આવે છે ત્યારે ઘણી વાર એવું બને છે કે લગભગ પહેલી વાર એ બધાંને માતૃભાષામાં કે રાષ્ટ્રભાષામાં બોલવું પડે છે. કારણ એ કે પરદેશમાં સામાજિક સંપર્ક તો ભારતીયો સાથે જ કેળવવો પડે છે. ભારતીયોને જેટલી ટેવ હોય છે તેટલા પ્રમાણમાં સામાજિક મુલાકાતો પરદેશમાની મૂળ પ્રજા સાથે શફય જ નથી હોતી. વળી, પરદેશમાં સ્થાયી થયેલાં ભારતીયો “આપણું કલ્ચર, આપણું કલ્ચર”નાં ગાણાં ગાતાં થઈ જતાં હોય છે. પછી અન્યોને કઈ રીતે કહેવાય કે ભારતીય ભાષા એમને આવડતી જ નથી?

પરદેશમાં આવી વસેલાં સાઠ ટકા જેટલાં ભારતીયોને તો તે શહેર કે દેશની મૂળ (બિન- ભારતીય) પ્રજા સાથે કોઈ સંપર્ક થતો જ નથી, અને તેથી આ મૂળ પ્રજાનાં જીવન અને “કલ્ચર” વિષે ખાસ જાણકારી પણ એવાં ભારતીયોને હોતી નથી. પણ હા, મૂળ પ્રજા માટે મન ફાવે તેવા મત જર્‌ર બાંધી લેવાતા હોય છે.

જો પ્રાદેશિક્તામાંથી જાતને થોડી છૂટી કરી લઈએ તો બીજી પ્રજાઓની અનેકવિધ પ્રવૃત્તિઓ પણ ધ્યાનમાં આવી શકે, અને ઘણું નવું, જુદુ જાણવા મળી શકે. બીજાં ‘કલ્ચર”માં, અને બીજી ભાષાઓમાં પણ આપણાં જેવી જ મુશ્કેલીઓ હોય છે, ને સાથે જ, ગૌરવની અનુભૂતિ પણ હોય છે. આપણી તેમજ અન્ય પ્રજાનાં અનેકવિધ પાસાં વિષે જાણવામાં રસ હોય તો ઘણો આનંદ પણ મળવા માંડતો હોય છે.

એક વાર, ન્યૂયોર્ક શહેરની નજીકના એક મહાવિદ્યાલયમાં યોજાયેલા ભાષાંતર પરના એક અધિવેશનમાં ભાગ લેવાનું બન્યું, અને વિશ્વની વિવિધ ભાષાઓમાં જે કામ થઈ રહ્યું છે તેનો થોડો ચિતાર મળ્યો. વિષય હતો : “ભાષાંતર – અગ્રતા, મીમાંસા, અમલ?, અને એનું આયોજન મુખ્યત્વે હતું અનુવાદકો, વિવેચકો, વિદ્દાનો, ગદ્ય-લેખકો અને કવિઓ માટે. કુલ છત્રીસ બેઠકો યોજાઈ હતી. ઉપરાંત, વિભિન્ન ભાષાઓમાં વર્કશોપ પણ ગોઠવાયા હતા. હાજરી આપનારાં કેટલાંક જણની ફરિયાદ હતી કે ચાર-પાંચ બેઠકો જુદા જુદા રૂમોમાં એક સાથે થતી હતી, જેને લીધે પામવાનું ઓછું, અને ચૂકી જવાનું ઘણું વધારે થતું હતું.

જે જે ભાષાઓમાં નિબંધ રજૂ થયા એની યાદી તો જુઓ : પોર્તુગીઝ, રશિયન, લેટિન, હિબ્રુ, સ્પૅનિશ અને ચીની (પ્રાચીન તેમજ સમકાલીન). આમાંની કેટલીક ભાષાઓમાં, ઉપરાંત ડચ, રુમેનિયન ને પોલિશ ભાષાઓમાં કાવ્ય-વાંચન પણ થયું. આપણા દેશની ભાષાઓનું પ્રતિનિધિત્વ બાકાત નહતું. મેં મૂળ હિન્દી અને ગુજરાતીમાં લખેલા મારાં કાવ્યોના મેં જ કરેલા અંગ્રેજી અનુવાદો વાંચ્યા હતા. પ્રોફેસેર પ્રસાદે ક્નડ ભાષાનાં દાસ-કાવ્યોના કેટલાક

તરજુમા વાંચેલા, તથા એન્ડ શૅલિન્ગ નામના એક અમેરિકને સંસ્કૃત અને પાલી ભાષાનાં પ્રાચીન ટૂંકાં કાવ્યોના પોતે કરેલાં અંગ્રેજી રૂપાંતર વાંચેલાં.

અલબત્ત, આ બધી બેઠકોમાં શ્રોતાઓ પોતપોતાની ભાષા-જાણકારી પ્રમાણે વહેંચાઈ જતા હોય. પણ “વિશ્વ-કવિતા – પ્રાચીનથી આપણા કાળ સુધી” નામની બેઠકમાં ઘણા વધારે શ્રોતા હતા. કેટલાક અનુવાદકોએ ઘણી અનુદિત કૃતિઓનું પઠન કરેલું. પરદેશી ભાષાઓનું મૌલિક સાહિત્ય કેટકેટલા પ્રમાણમાં અંગ્રેજીમાં રૂપાંતર પામી રહ્યું છે, એ વિષે આટલી જાણ તો ત્યારે જ થઈ. આ કામ કરનારાં લગભગ બધાં અમેરિકાની મહાશાળાઓ સાથે જોડાયેલાં હોય છે.

આ અધિવેશનમાં ભાગ લેવા માટે દૂર દૂરથી આવેલાં હતાં. સ્વતંત્ર રીતે અનુવાદ વિષયક કામ કરનારાં પણ હતાં. ખાસ તો, એક રશિયન અને એક ચીની અભ્યાસી અંગ્રેજી સાહિત્ય- કૃતિઓને પોતપોતાની માતૃભાષામાં ઉતારવાના ભગીરથ કામમાં પરોવાયેતા હતા. ભાષાઓ કઠિન, કલ્પન સાવ જુદાં, ને છતાં આ કામ થાય છે, તે પ્રશસ્ય નથી?

વળી, જે જે ભાષાઓમાં વર્કશૉપ યોજાયાં હતાં તેનાં નામ જોઈને મને જ નવાઈ લાગી હતી. આફ્રકાનર (મૂળ ડચમાંથી ઊતરી આવેલી, દક્ષિણ આફ્રિકામાં વપરાતી ભાષા). આર્મીનિયન, ચીની-પ્રાચીન, ચીની-સમકાલીન, ગ્રીક-પ્રાચીન, ગ્રીક-સમકાલીન, ફ્રેન્ચ, જર્મન, હિબ્રુ, હિન્દી, ગુજરાતી, ઈટાલિયન, પોર્તુગીઝ, રશિયન, સંસ્કૃત, સ્પેનિશ, તુકી. સૂચિ તો ઘણી જ મહતત્વાકાંક્ષી હતી, પણ ભાગ લેનારાંની સંખ્યા ઓછી જ રહેતી. મને પ્રશ્ન થયો જ, કે વિદ્યાથીઓ કેમ વધારે સંખ્યામાં આ લાભ નહતા લઈ રહ્યા? કદાચ બધા દેશોમાં વિદ્યાર્થીઓનાં વલણ સરખાં જ હોતાં હશે.

ભાષાઓનાં સ્વરૂપ, શફ્યતાઓ અને એમાં ઊભા થતા પ્રશ્રો અંગે ચર્ચાઓ આ બેઠકોમાં થઈ. યશ મૌલિક કૃતિના સર્જકને મળવો જોઈએ કે સારા અનુવાદકને? અનુવાદ કરતાં પહેલાં એ કૃતિને વાંચવાની, એ કર્તાને વિષે જાણવાની જર્‌ર ખરી કે નહીં? અનુવાદકે મૂળ કૃતિને વફાદાર કેટલા અંશે રહેવું જોઈએ? કેટલી હદ સુધી બાંધછોડ કરી શકાય? વગેરે. ભાષા સાથે ‘કલ્ચર? અને કલ્પન પણ જુદાં હોવાનાં. દરેક બેઠકમાં વક્તાએ આ વાત તો કરી જ. જો સ્પેનિશ અને અંગ્રેજી જેવી બે પશ્ચિમી ભાષાઓમાંની કૃતિઓ પણ સંદર્ભો અને વાતાવરણને બદલ્યા વગર રૂપાંતર પામી ના શકતી હોય, તો એક પશ્ચિમી ને એક પૂર્વીય જેવી ભાષાઓના પારસ્પરિક રૂપાંતરોમાંના અવરોધોની તો વાત જ શુ? એમાં વિષય, સૂચિતાર્થ, સંવેદન, મૂલ્ય વગેરે પણ ભિન્ન જ હોવાનાં. દા.ત. આપણે જેને વાંચતાં ભાવાદ્ર બની જઈએ તે “મેઘદૂત”માંનું વાદળ દ્વારા પ્રિયતમાને સંદેશ મોકલવાનું કલ્પન ઘણાં બિન-ભારતીયોને વિચિત્ર અને વાહિયાત લાગે છે.

આ જ અધિવેશનમાં પ્રદર્શિત થયેલાં પુસ્તકોમાંનું, મીરાબાઈનાં ગીતોના અનુવાદનું પુસ્તક જોતાં મને મોટો આઘાત લાગેલો. જે શબ્દોથી, જે નામોથી, મીરાબાઈની રચનાઓની અંતરંગ ઓળખ મળે છે તે “મેરે તો ગિરિધર ગોપાલ” અથવા “મીરા કે પ્રભુ ગિરિધર નાગર” જેવા શબ્દો અંગ્રેજી અનુવાદોમાં સમૂળગા પ્રયોજાયા જ નહતા. એને સ્થાને, મીરા-ભજનોમાં આવતા “શ્યામ”ના નામ પર ધ્યાન કેન્દ્રિત કરીને અનુવાદકે “ડાર્ક વન” (Dark One) સંબોધન વાપર્યા કર્યું હતું .

એ અનુવાદક એંન્ડુ શેલિન્ગને મેં જરા ઉત્તેજિત થઈને પૂછ્યું હતું, “ગિરિધર ગોપાલ અને ગિરિધર નાગર જેવા શબ્દોની અનુપસ્થિતિ તમને નડતી નથી? મીરાનાં પદ અમારાં જીવનનો અભિન્ન અને ઊંડો અંશ છે. આવું લુપ્તિકરણ મને અસહ્ય લાગે છે.” જવાબમાં એમણે કહ્યું કે “એ નામાભિધાન સાચવવાં શકૂય જ નથી.” પણ નથી શા માટે? તે તે પાના પર નામોને, સંબોધનોને સરસ સમજૂતી સાથે અવશ્ય મૂકી દઈ શકાત.

મીરાની વાત હતી તેથી મનને માઠું લાગી ગયું, બાકી આવી ક્ષતિ કે લુપ્તિ વગરના અનુવાદ કોઈ પણ ભાષામાં હોય એમ માનવું જ અશકય છે. રૂપાંતરનો લાભ એટલો કે વિશ્વના સાહિત્યની ઉપલબ્ધિ તો થાય, ને દુનિયાના ઉત્તમ સાહિત્ય સાથે કૈંક ઓળખાણ તો થાય.


સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે

Author: Web Gurjari

2 thoughts on “મૌલિક અને અનુવાદ વચ્ચેનાં અંતર

  1. મૂળ કૃતિ નું હાર્દ અને અક્ષર સઃઅનુવાદ/ ભાષાંતર જળવાઈ રહે તોજ અસલી લેખ ની મર્મ સમજાય, પ્રયાસ પ્રશંસનીય છે

Leave a Reply

Your email address will not be published.