તેરે બાદ – ૪

પારુલ ખખ્ખર

આ ‘તારા ગયા પછી’ લખવામાં કેમ હંમેશા મારા વિશે જ લખાઈ જાય છે? અને વાત મારા વિશેની હોવા છતાં કેમ તારા વિશેની હોય એવું લાગ્યા કરે છે? ખબર નહીં કેમ પણ આવા અટપટા વિચારો આવતા રહે છે ! ખરેખર તો તારા પછીની અવસ્થા એ મારી ખુદની સાથેની અવસ્થા છે.હવે જ કદાચ હું મને ઓળખી રહી છું,સમજી રહી છું,બિલોરી કાચ લઈ મનનાં એકએક ખૂણામાંથી હું મને શોધી રહી છું અને દરેક ખૂણામાંથી મારી સાથોસાથ મને તું મળી આવે છે. ખબર નથી પડતી કે આ વાતનો હરખ મનાવું કે શોક?

તારા ગયા પછી મેં અનેકવાર-લગાતાર ઇચ્છ્યું છે કે આ આંખો મીંચાઈ જાય અને ફરી ક્યારેય ન ખુલે પરંતુ એવું થતું નથી. આંખોને જાણે કે આ વાતનો અંદેશો આવી ગયો હોય એમ એણે હવે બળવો પોકાર્યો છે અને બંધ જ નથી થતી.એ સતત જાગ્યા કરે છે ચોવીસ કલાક. અને એક કૌતુક થયું છે..નિરંતર વહેતી આ આંખોના નીર સૂકાઈ ગયા છે.સાવ કોરીધાકોર  આંખોને જોઈ મા ચિંતા કર્યે રાખે છે, જાતજાતનાં અખતરાઓ કર્યે રાખે છે મારા પર. એકવાર એને લાગ્યું કે મને કંઈક વળગાડ છે. એટલે લઈ ગઈ કોઈ ફકીર બાબા પાસે. બાબાએ કોરીકટાક-બેનૂર આંખોમાં એકટક જોયા પછી મારા માથા પર હાથ મૂકી એટલું જ બોલ્યા કે ‘હા, વળગાડ તો છે, પણ જીવતોજાગતો માણસ જેને વળગી જાય એનો કોઈ ઈલાજ નથી બચ્ચી..ખુશ રહેના સીખ લે..વરના મારી જાયેગી.’ કદાચ એણે તારું નામ વાંચી લીધું હતું મારી આંખોમા.

એકવાર વળી નડતર કઢાવવા કોઈ ભૂવા પાસે લઈ ગઈ મા. ભૂવાએ દાણા નાંખી આંખોના વરતારા વાંચ્યા અને કહ્યું ‘નડતરમાં તો એક સંભારણું છે જે મારાથી દૂર થાય તેમ નથી, નીકળી શકે તો તું કાઢી જો બેટા.’ . બોલ હવે..તું જ કહે આ નડતર કેવી રીતે કાઢવું મારે?

બે દિવસ પહેલા મનોચિકિત્સક પાસે મારો કેસ પેશ કરવામાં આવ્યો. આકર્ષક સ્ત્રીદેહ પર તગતગતી બેજાન આંખો જોઈ ડૉકટર પણ છળી મર્યા.’સેલ્ફ હિલિંગ’ની સલાહ અને કંઈક અષ્ટમ્ પષ્ટમ્ દવાઓ લખી આપી અમને રવાના કર્યા.આખરે કંઈ ન સુઝતા આજે આંખનાં ડૉકટર પાસે લઈ ગયેલી માની આંખમાં મે અજીજીભર્યા સ્વરે ધા નાંખી…કે બસ કર હવે..પણ માને તો મા શેની? સાહેબે આંખોમાં ઉડતા રણમાં ટોર્ચ ફેંકી પણ રેતી સિવાય કશું હાથ ન લાગ્યું. અંતે એમણે તારણ કાઢ્યું કે આંખને ભીની રાખતી નસો જ સૂકાઈ ગઈ છે. આંખમાં પાણી નથી પહોંચતું! ડ્રોપ્સ લખી આપ્યા. પ્રીસ્કીપ્શનને હું ફાટી આંખે જોઈ રહી લખ્યું હતું ‘Add Tears’.વાંચીને હસી પડાયું, હસતી રહી, એકધારું હસતી રહી, હસીહસીને લોથપોથ થઈ ગઈ. આંખમાંથી આંસૂ નીકળી પડ્યા એટલું હસી. પાગલની જેમ મને હસતી જોઈ મા રડી પડી અને એનાં ખોળામાં ઢગલો થઈને ધસી પડેલી હું હજુંયે બેઠી નથી થઈ શકી.

તારા પછીનું જીવવું એ જીવવું નથી ઢસડાયા કરવું છે.રાતોની રાતો છતને તાકતી રહું છું.વિચાર્યા કરું કે જેમ ભીંત ફાડીને પીપળો ઉગી નીકળે એમ છત ફાડીને કોઈ હાથ ઉગી નીકળે અને મને ઊંચકી લે તો કેવું ! આ રોજેરોજ છત ફાટવાના વિચારો કરીકરીને હવે સાચ્ચે જ મારા ઓરડાની છત ગાયબ થઈ ગઈ છે.આંખોએ બળવો કર્યો અને ઊંઘ ગાયબ થઈ ગઈ…છત પણ એ જ રસ્તે ચાલી અને ચાલી ગઈ. હવે બચી છે માત્ર ચાર દિવાલો! આ દિવાલોમાં નથી બારી નથી બારણાં.તારા શહેર તરફ પડતી ભીંત પર રોજ એક તક્તી લગાવું ‘અહીંયા એક સ્વસ્થ વ્યક્તિ શ્વસે છે’. રોજ સવારે સ્વસ્થતાની ભીંતો ઉગાડી લઉં અને પહેરી લઉં ચપોચપ.પરંતુ સાંજ પડતા જ પોપડા ખરવા લાગે છે સૂરજની સાથેસાથે સ્વસ્થતાનો ઢોળ પણ ઢળતો જાય, ડૂબતો જાય. ધીમેધીમે રાતના ડાકલા બેસે અને યાદોના જળ હૂહૂ કરતાં ધૂણવા લાગે..મારામાં…! મારી ચારે દિવાલો ધ્રુજવા લાગે, એકએક ઈંટ ખખડવા લાગે. રાત જામતી જાય અને ઈંટો ખરતી જાય.રેતી-ચુનો-સીમેન્ટની ડમરી ચારેતરફ ઉડવા લાગે.ધીમેધીમે બધું જ પેલા જળમાં સ્વાહા થતું જાય. સવાર સુધીમાંતો  આખોયે ઓરડો જળમાં ગરક ! દશે દિશાઓ ઓઢેલી હું અનાવૃત અવસ્થામાં રાખનો ઢગલો થઈને મળી આવું છું રોજ વહેલી સવારે…હા..તારા ગયા પછી જ.

હમણાં વળી કોઈએ કહ્યું રુટીન ચેઇન્જ કરો નહી તો પાગલ થઈ જશો.અને હું મનોમન હસી પડું કે હવે બાકી પણ શું રહ્યું છે? ખૈર..જીમમાં જવાનું શરું કર્યું છે.ટ્રેડમિલ પર ચાલતાં ચાલતાં વિચાર આવે કે આમ આટલી જ સ્પીડમાં ચાલવાથી કેટલા સમયમાં તારા સુધી પહોંચી શકાય?હું ત્રિરાશિ માંડ્યા કરું અને ચાલ્યા કરું.જવાબ વગરનો આ દાખલો લઈને રોજ ઘરે પાછી ફરું. અને હસી પડું મનોમન.

હા..પ્રાણાયામ પણ શરું કર્યા છે. ઊંડા શ્વાસ લો અને છોડો ! દરેક શ્વાસ લેતી વખતે હું મને છાતીમાં ભરી લઉં અને શ્વાસ છોડતી વખતે તને બહાર કાઢ્યા કરું. ઘણા દિવસોથી આમ કરું છું પણ તું કેમ તસુભાર ય ઓછો થતો નથી મારામાંથી અને હું કેમ વધતી નથી મારામાં? આ કૂટપ્રશ્નનો જવાબ શોધવામાં જ રાત પડી જાય છે અને હું ફરી હસી પડું મનોમન જ વળી !

હમણાંથી  ક્યારેક ક્યારેક છાતીમાં ડાબી તરફ દુખ્યા કરે છે. મા હાંફળી-ફાંફળી દવાખાને લઈ જાય.ડૉકટર છાતી પર સ્ટેથો મૂકે, ધબકારાં ગણે, બી.પી. માપે અને કહે ‘કશું ગંભીર નથી , હાર્ટ એની જગ્યાએ જ છે અને ટનાટન ચાલે છે.’ હું ઝબકી જાઉં ‘અરે..આ હાર્ટ કેમ હજું અહીંયા  જ છે? અને છે તો કેમ ટનાટન છે? ખરેખર કશું ગંભીર નથી?’ પછી હું જ હસી પડું કે જે છે તેતો ધકધક કરતું યંત્ર છે પગલી, હૃદય તો ક્યારનું ગયું તે ગયું હવે પાછું નહી આવે.

તારા ગયા પછી બસ…આમ જ નાની નાની વાતો પર હસી પડું છું અને તો ય એવું લાગે છે જાણે વર્ષોથી હસી નથી. ઉદાસીનો એક ભારેખમ પહાડ ઝળુંબી રહ્યો છે સતત મારા પર અને એના બોજ તળે કચડાયા કરવું એ જ નિયતિ છે.કદાચ…! આ ઉદાસીના પહાડને હટાવવાના કંઈ ઓછા પ્રયત્નો નથી કર્યા મેં ! ફરવા જાઉં, દોરડા કુદું, ગીતો  સાંભળું, ફિલ્મો જોઉં, ચિત્રો દોરું, ગાંડીઘેલી કવિતાઓ લખું, રંગોળી પૂરું, તોરણ બનાવું, ગાર્ડનીંગ કરું. આવું તો કંઈકંઈ કર્યે રાખું અને મનોમન ‘રા-વન’ ફિલ્મનું ગીત ગણગણ્યે રાખું

‘कोमल बडी है सांसो की डोरी, रूठन से भी तूट जाये
बावन तरह से जी को मनाया. खोजे अजहून तोरी राहे.’

પહેલા મને આ પંક્તિઓ સાંભળી આશ્ચર્ય થતું કે આ ‘બાવન તરહ સે જી કો મનાયા’ નો અર્થ શો થતો હશે? પણ હવે બરાબર સમજાઈ ગયું છે કે બાવન પ્રકારે તો શું બાવન હજાર પ્રકારે મનાવવાથી પણ મન માનતું નથી. સાચું કહું છું…

કાશ…કોઈ આ મનને મનાવી આપે !

કાશ…આ મરી ગયેલા ઉમળકાને કોઈ જીવતો કરે !

કાશ…આ ભાંગી પડતી દિવાલોને કોઈ ટેકો આપે !

કાશ..આ કાળી બળતરા અને મૂંગા લવકારાનો કોઈ ઈલાજ કરી આપે !

કાશ…

કાશ..

કાશ..

આ કાશનું લિસ્ટ લાંબુ થતું જાય છે.


સુશ્રી પારુલબહેન ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com  વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.