પગદંડીનો પંથી : ભાગ ૧ – ૧૬ : Missed Call

ડૉ. પરેશ તે વખતે Cardiothoracic Surgeyમાં Registrar તરીકે જોડાયો હતો. આમ તો આ વિભાગ Super-Speciatilityનો કહેવાય, પણ એમાં જનરલ સર્જરીમાંથી પણ Residents હોય, કારણ કે એ વિભાગમાં PG (પોસ્ટ ગ્રૅજ્યુએટ) થઈ શકાતું ન હતું. જો કે MS (General Surgery)ના વિદ્યાર્થીઓ માટે બધા જ વિભાગનું જ્ઞાન મળે એ Blessings હતા, જેથી જૂના MS થયેલા ડૉક્ટરો Master of One and Jack of All થઈ શકતા હતા. ડૉ. પરેશને પણ જુદા-જુદા વિભાગમાં, ખાસ કરીને Plastic Surgeryમાં પણ બહોળો અનુભવ મળ્યો હતો. વળી જ્યારે એને આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ મળી ત્યારે પ્લાસ્ટિક સર્જરીના ઉપરીએ તેમને નવા ડિપાર્ટમેન્ટમાં Mch. Plastic Surgeryની ડિગ્રી માટે આમંત્રણ પણ આપેલું, પણ ડૉ. પરેશે ના પાડેલી, કારણ કે MS થતા સુધીમાં એણે જિંદગીનાં ૩૦ વર્ષ ખૂબ જ વિપરીત સંજોગો અને મુસીબત વેઠીને કાઢ્યાં હતાં. હવે તેને જીવનમાં શાંતિથી જીવવું હતું. જો એ દરખાસ્ત સ્વીકારી હોત તો એ શહેરનો Mch. (Plastic Surgery)નો પહેલો ડૉક્ટર હોત! પણ જે સમયે જે નિર્ણય લેવાય એ જિંદગીમાં યોગ્ય જ હોય એવું નથી બનતું!

હા, તો મૂળ વાત પર આવીએ. ડૉ. પરેશ હૃદય અને છાતીના વિભાગના સીનિયર રજિસ્ટ્રાર હતો, અને પ્રોફેસરો સાથે મળી હૃદય અને છાતી, ફેફસાં વગેરેનાં ઑપરેશનો આસિસ્ટ કરતો હતો. ઘણાં ઑપરેશન જાતે પણ કરી શકવાની ક્ષમતા તેમણે કેળવી હતી; એટલે સુધી કે Pneumonectomy (એક આખું ફેફસું કાઢી નાખવું) અને Open Mitral Valvotomy (હૃદયનો વાલ્વ જે સાંકડો હોય તેને પહોળો કરવો) જેવાં ઑપરેશન તે જાતે કરી શકતો હતો.

આવા સમયે, એક આર્મિનો જવાન, જેના કોઈ સગાનું ઑપરેશન તેણે અગાઉ કરેલું હોવાથી તેને મળવા આવ્યો. ડૉ. પરેશ સાથે મિત્રતા થઈ, અને એણે Triple X Rumની દારુની બોટલ ડૉ. પરેશને ભેટમાં આપી. એ સાંજે ડૉ. પરેશ તો પ્રમાણભાન સમજ્યા વગર બરાબર ઠપકારીને પોતાના રૂમમાં સૂઈ ગયો.

રાત્રે લેખિતમાં ઇમર્જન્સી કૉલ આવ્યો. ડૉ. પરેશે અડધી ઊંઘ, અડધા ભાનમાં કહી દીધું,

“આજે મારો વારો નથી… બીજાને બોલાવો.” જો કે વારો બીજા કોઈનો નહીં, એનો જ હતો! બીજીવાર પણ એણે પટાવાળાને પાછો કાઢ્યો. કૉલ હવે સીધો હેડ પ્રોફેસર પાસે ગયો, એમણે તો એ કૉલ એટેન્ડ કરી લીધો. સવારે ડૉ. પરેશને પોતાની ભૂલ સમજાઈ. તેને સ્પષ્ટ લાગ્યું, કે હવે આ ભૂલની સજા મોટી જ હશે! ઉપરી પ્રોફેસરે તેને બોલાવ્યો, એટલે વૉર્ડનું કામ પતાવીને તે પ્રોફેસરને મળવા ગયો.

“સાહેબ, હું ખોટા ભ્રમમાં હતો કે આજે હું કૉલ પર નથી, અને એ કારણે જ મેં કૉલ એટેન્ડ કર્યો ન હતો. હું માફી માગું છું, આવું ફરી નહીં થાય.”

“તને ખબર છે, તારી આ હરકતથી દર્દીનો જાન ગયો હોત! અને બીજા દિવસે પેપરમાં આપણા નામ સાથે દવાખાનાનો ધજાગરા ઊડ્યા હોત!”

“હા સાહેબ, મોટી ભૂલ છે, માફ…”

“માફી લખી આપ, કે આ બધું અજાણતાં થયું છે, અને ફરીથી આવી ભૂલ નહીં કરું!”

ડૉ. પરેશે માફી લખી આપી, પ્રોફેસરને પગે પડી ફરીથી કામે વળગ્યો.

ડૉક્ટર પણ આખરે તો માણસ છે ને!


ડૉ. પુરુષોતમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.