જોસેફ અને જ્હોન કેનેડી : પિતા-પુત્ર બન્ને એક જ સ્ત્રી પાછળ પાગલ હોય ત્યારે…

ભાત ભાત કે લોગ

જ્વલંત નાયક

વાત અમેરિકાના એક સમયના અતિલોકપ્રિય પ્રમુખ જ્હોન એફ. કેનેડીના પિતા જોસેફ કેનેડીની છે. જ્હોન કેનેડી વિષે આપણે ત્યાં ઘણું લખાયું છે. પણ જોસેફ કેનેડી વિષે આપણે ખાસ કશું નથી જાણતા. કદાચ જ્હોન કેનેડીની ય બહુ ઈચ્છા નહિ હોય કે આપણે એમના પિતા વિષે બધું જાણી લઈએ! ખેર, એ જે હોય તે, પણ જોસેફ કેનેડી કંઈ એમ ભૂલાવી દેવાય એવું વ્યક્તિત્વ નહોતું. માર્ક ઓલીવર નામક બ્લોગરે જોસેફ વિષે માહિતીપ્રદ લેખ લખ્યો છે. જોસેફ પોતે ડેમોક્રેટિક પાર્ટીના મોટા નેતા ગણાતા. આઈરીશ કેથોલિક સમાજમાં પણ એમનું ખાસ્સું વર્ચસ્વ હતું. જોસેફ શેરબજારના પણ મોટા ખેલાડી! ઇસ 1929માં જ્યારે વોલસ્ટ્રીટ મોટી પડતીનો ભોગ બન્યું, એ પછી શેરબજારની ઉઠાપટક પર ચાંપતી નજર અને નિયંત્રણ રાખવા અમેરિકાની સંઘીય સરકારે “સિક્યોરીટી એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)”ની રચના કરી. તત્કાલીન અમેરિક પ્રેસિડેન્ટ રુઝવેલ્ટે જોસેફ કેનેડીને SECના પ્રથમ ચેરમેન બનાવેલા. આ બધું કહેવાનો ભાવાર્થ એટલો જ, કે પુત્ર જ્હોન કેનેડી જેટલી લોકપ્રિયતા ભલે ન મળી હોય, પણ પિતા જોસેફ કેનેડી પણ પાંચમાં પૂછાય એવા વ્યક્તિ તો હતા જ. પરંતુ ઉપર પ્રથમ ફકરામાં ચોખવટ કરી એમ, આપણે આજે કેનેડી પિતા-પુત્ર વચ્ચેના ઊર્મિસભર સંબંધો વિષેની લાગણી સભર વાતો નથી કરવાના, બલકે જોસેફ કેનેડીના કેટલાક ‘કારનામા’ વિષે ચર્ચા કરીશું.

જોસેફે પોતાની કારકિર્દીમાં ખાસ્સા ડૉલર્સ બનાવ્યા. ફાયનાન્સનાં ક્ષેત્રમાં જોસેફની હથોટી સારી હતી. માત્ર 25 વર્ષની કુમળી વયે તો એ બેન્કના પ્રેસિડેન્ટની ખુરસી સુધી પહોંચી ગયેલા. જો કે આ માટેનો બધો શ્રેય જોસેફની કામ પ્રત્યેની ધગશ અને સખત મહેનતને ફાળે જાય છે. પણ સ્ટોક માર્કેટમાં એણે જે કબાડો કર્યો, એનાં વખાણ થઇ શકે એમ નથી. જાણકારો કહે છે કે નાણાકીય બાબત અંગે ઊંડી સૂઝબૂઝ ધરાવતા જોસેફે શેર માર્કેટમાંથી એ રીતે પૈસા બનાવ્યા, જાણે સોનાની ખાણમાંથી સોનુ ઉલેચતો હોય! ઈનસાઈડ ટ્રેડીંગ, કૃત્રિમ અછત વગેરે જેવા હાથકંડા અપનાવીને જોસેફે શેરમાર્કેટમાંથી અઢળક ડૉલર્સ રળી લીધા. એ સમયે હજી કાયદા આજના જેટલા કડક નહોતા, એટલે ચાલી ગયું. પણ જોસેફે જે કર્યું, એ સીધેસીધી છેતરપિંડી જ હતી! ખૂબીની વાત એ હતી કે પોતે કરેલા આર્થિક ગોટાળા બાબતે જોસેફ પૂરેપૂરો સભાન હતો. એણે એના સહાધ્યાયી રહી ચૂકેલા મિત્રને કહેલું, “સરકાર નવા કાયદા બનાવીને આ બધી બાબતોને ગેરકાયદેસર જાહેર કરે, એ પહેલા આપણે સ્ટોક માર્કેટમાંથી અઢળક કમાઈ લેવું જોઈએ!” થયું એવું કે પ્રેસિડેન્ટ રુઝવેલ્ટે તોફાનીને મોનિટર બનાવતા હોય એ રીતે જોસેફને જ સિક્યોરીટી એન્ડ એક્સચેન્જ કમિશનનો ચેરમેન બનાવી દીધો. એ પછી જોસેફે પોઝિટીવ દિશામાં મગજ વાપરીને પોતે જ એવા કાયદા બનાવ્યા, જેનાથી સ્ટોક માર્કેટમાં થતી ‘જોસેફ બ્રાંડ’ છેતરપિંડી પર અંકુશ મૂકી શકાય! છે ને કમાલની વાત!

જ્યાં રૂપિયા કમાવાની વાત આવે, ત્યાં કાયદાને તડકે મૂકવામાં જોસેફને કોઈ નાનમ નડતી નહિ. વાત તો એવી પણ છે કે અમેરિકામાં જ્યારે દારૂબંધી લાગુ કરવામાં આવી, ત્યારે જોસેફે દારુના ગેરકાયદેસર વેપારમાંથી અઢળક માલ કમાઈ લીધો. દારુબંધીએ અમેરિકામાં અનેક માફિયા ગેન્ગ્સને જન્મ આપ્યો. આ બધામાં અલ કપોનનું નામ સૌથી મોટું હતું. ખૂંખાર માફિયા બોસ અલ કપોનનું નામ પડે ત્યાં ભલભલા ભડવીરો ધ્રુજી ઉઠતા. એક વાયકા એવી પણ છે કે જોસેફે દારુના ધંધામાં અલ કપોન સાથે પણ ભાગીદારી કરેલી. આ બધી વાતોમાં કેટલું તથ્ય હશે, એની કોઈ સાબિતી મળતી નથી. પણ હા, અમેરિકન સરકારે જ્યારે દારૂબંધી ઉઠાવી લેવાનો નિર્ણય કર્યો, ત્યારે જોસેફ કેનેડીએ દારુનો ગંજાવર જથ્થો વેચાણઅર્થે માર્કેટમાં મૂકેલો! આવડો મોટો જથ્થો એની પાસે ક્યાંથી આવ્યો, એ સવાલનો કોઈ ચોક્કસ જવાબ નથી મળતો. જોસેફે પોતાના બચાવમાં કહેલું કે સરકારે દારૂબંધી ઉઠાવી લીધી, એ પછી કાયદેસર રીતે એણે દારુનો જથ્થો ખરીદીને માર્કેટમાં વેચાણઅર્થે મૂકેલો. આમાં સાચું ખોટું જીસસ જાણે.

નાની ઉમરમાં આડાતેડા રસ્તે અઢળક રૂપિયા કમાઈ ગયેલો માણસ ચારિત્ર્ય બાબતે શિથિલ ન થાય તો જ નવાઈ! ૧૯૧૪માં રોઝ ફિટ્ઝગેરાલ્ડ નામની સ્ત્રી સાથે જોસેફે લગ્ન કર્યા. પાછળથી આ જ રોઝની કૂખે જ્હોન એફ કેનેડીનો જન્મ થયેલો. પણ જોસેફ કેનેડીએ તો રોઝ સાથે લગ્ન થતાવેંત બીજે ફાંફા મારવાના ચાલુ કરી દીધેલા. આમાં ઓલ ટાઈમ ક્લાસિક ગણાતી ફિલ્મ ‘સનસેટ બુલેવાર્ડ’ની અભિનેત્રી ગ્લોરિયા સ્વેનસન સાથેનું અફેર ખાસ્સું ચર્ચાસ્પદ બન્યું. બે વર્ષ ચાલેલો આ સંબંધ એટલો ચર્ચાયો કે જાહેર જીવનમાં કોઈને એનો છોછ જ ન રહ્યો! રોઝ સાથે પરણેલો જોસેફ ખુલ્લેઆમ ગ્લોરિયા સાથે ફરતો હતો. હદ તો ત્યારે થઇ, કે જોસેફ વેકેશન માણવા યુરોપ ગયો ત્યારે કાયદેસરની પત્ની રોઝ અને ગર્લફ્રેન્ડ ગ્લોરિયા, બંનેને સાથે લઇ ગયો! (આ વાંચીને આપણા ઘણા ગુજરાતી શેઠ લોકોનાં મનમાં ઈર્ષ્યાની આગ ભડકી ઉઠી હશે!) રોઝ ઉદાર હૃદય રાખીને આખો તમાશો જોઈ રહી અને જોસેફ એક પછી એક સ્ત્રીઓ બદલતો રહ્યો. કેનેડી દંપત્તિનાં સંતાનો પણ પિતાના અફેર્સથી બરાબર વાકેફ હતા. એથીય  આગળ વધીને કહીએ તો પિતા જોસેફનો ‘વારસો’ સંતાનોએ બરાબર સાચવ્યો. ચાર્મિંગ દેખાવના જ્હોન કેનેડી પણ પિતાને પગલે ચાલતા હોય એમ મશહૂર ફિલ્મ એક્ટ્રેસ મેરેલીન મનરોના દીવાના હતા. જ્હોને પિતાનો રંગીન મિજાજ બરાબર પચાવ્યો હતો. જોસેફ હંમેશા પોતાના પુત્રોને કહેતા, “વધુને વધુ સ્ત્રીઓ સાથે સૂવાનું રાખો!” ૧૯૪૦માં જ્હોન કેનેડી પોતાના પિતાને એક પત્રમાં લખે છે, “An awful lot of people were there, three girls to every man, so I did better than usual.”

મેરેલીન ડીટ્રીચ નામની જર્મન-અમેરિકન અભિનેત્રી અને ગાયિકા પોતાના લવ અફેર્સ બાબતે પ્રખ્યાત હતી. ૧૯૩૮માં એનું પ્રેમ પ્રકરણ જોસેફ કેનેડી સાથે બરાબર ચાલ્યું. એના દશકો બાદ, ઇસ 1963માં જ્યારે જોસેફના પુત્ર જ્હોન કેનેડી અમેરીકાનાં પ્રમુખ હતા, ત્યારે એ પણ મેરેલીન ડીટ્રીચને વ્હાઈટ હાઉસ ખાતે મળવા બોલાવતા. આ મુલાકાતો બેડરૂમ સુધી પહોંચી હોવાની ચર્ચા છે. એ સમયે મેરેલીનની ઉંમર પૂરા સાઠ વર્ષની હતી, તેમ છતાં પ્રેસિડેન્ટ જ્હોન પોતાના પિતાની આ ભૂતપૂર્વ પ્રેમિકા તરફ આકર્ષાયેલા! એક આડવાત, મેરેલીન ડીટ્રીચના અનેક પ્રેમીઓમાં એક નામ અભૂતપૂર્વ નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શોનું પણ હતું!

જોસેફ કેનેડી રાજકારણમાં ય અગ્રેસર હતા. અને એમના પોલિટિકલ એજન્ડા પણ જરા જુદા પ્રકારના – વિવાદાસ્પદ નીવડે એવા રહ્યા છે. એક વાર જોસેફે એક પત્રકારને કહેલું, “બ્રિટનમાં લોકશાહી જેવું કંઈ છે જ નહિ. તેઓ જર્મની સામે લડે છે, કારણકે (બ્રિટનનું) અસ્તિત્વ ટકાવી રાખવા માટે એ જરૂરી છે. બાકી બ્રિટન કે અમેરિકાને ફાસીઝમ સામે લડવામાં બીજો કોઈ રસ નથી!” જોસેફ કેનેડીની આ વાત કદાચ વિચિત્ર લાગશે, પણ એ સમયના રાજકીય સંજોગો મુજબ એ મહદઅંશે સાચી હતી. જોસેફ દ્રઢપણે માનતો હતો કે અમેરિકાના રાજકારણ ઉપર યહુદીઓ હાવી થઇ ચૂક્યા છે. અને પ્રેસિડેન્ટ રુઝવેલ્ટ પણ આ યહુદી પ્રભાવથી મુક્ત નથી. સ્વાભાવિક રીતે જ પ્રેસિડેન્ટ રુઝવેલ્ટ જોસેફની આવી વાતોથી ખફા થયા. એમણે કહ્યું કે જોસેફ યહુદી વિરોધી વાતો ફેલાવી રહ્યા છે, અને આ રીતે એ હિટલરનું સમર્થન કરે છે! આ ઘટના પછી રુઝવેલ્ટે જોસેફની હકાલપટ્ટી કરી, અને એ સાથે જ જોસેફની રાજકીય કારકીર્દીનો અંત આવી ગયો! રુઝવેલ્ટ ભલે ખીજાયા, પણ તમે ઇતિહાસ તપાસશો, તો જણાશે કે જોસેફની વાત સાવ નકારી કઢાય, એવી નહોતી. એમાં તથ્ય તો હતું જ!

કહેવાય છે કે જોસેફને એક પુત્રી પણ હતી, રોઝમેરી કેનેડી. બિચારી માનસિક બીમારીનો ભોગ બનેલી. જો પ્રમુખપદના ઉમેદવારના લોહીના સંબંધીને માનસિક રોગ હોય, તો એ બાબતને ગંભીર ગણવામાં આવે છે. કેનેડી ફેમિલીએ ક્યારેય રોઝમેરી વિષે જાહેર ચર્ચા કરી નહિ. કેનેડી પરિવારની આ કમનસીબ દીકરીને હંમેશા છાને ખૂણે રાખવામાં આવી. જોસેફ કેનેડીના સેક્રેટરીએ એક વાર કહેલું, “ભલે રોઝમેરીનાં અસ્તિત્વને ઢાંકી દેવામાં આવ્યું હોય, પણ મને ખબર છે કે એ છે, મેં કેનેડી પરિવારના ફેમિલી ફોટોગ્રાફમાં એને જોઈ છે!”

દરેક પરિવારને પોતાના અંગત રહસ્યો હોય છે!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.