લ્યો, આ બ્રાહ્મણે મુસ્લીમ કન્યાના લગ્ન પણ કરાવ્યાં ! (ભાગ ૧)

લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

 “મારા પપ્પા તમને યાદ કરે છે. જલદી આવી જાઓ!” ટીકુનો ફોન તે દિવસે અચાનક સવારે નવ વાગ્યે આવ્યો અને મારા મનમાં ધ્રાસકો પડ્યો. એના પપ્પા એટલે કે મારા મિત્ર વીરેન્દ્ર આચાર્યને તો ગળાનું કૅન્સર હતું. દિવસો ગણાતા હતા અને એ પણ સભાનપણે. આ જગતમાંથી વિદાયના મૂડમાં હતા-છતાં ખુશમિજાજ હતા.

“બહુ સિરિયસ છે?”

“ના, જરાય નહીં.” ટીકુએ મારી ધારણા વિરુદ્ધ જવાબ આપ્યો. અને મને હાશકારો થયો. હવે વાંધો નથી. આખા દિવસમાં ગમે ત્યારે જઈ શકાશે.

“સાંજે બૅન્કમાંથી છૂટીને આવી જઈશ.”

“સાંજે નહીં, અત્યારે જ બોલાવે છે !”

ટીકુ (વંદના) તો  ઠાવકી સમજદાર છોકરી હતી. એના શબ્દોમાં અવિશ્વાસનું કોઈ કારણ નહોતું, પણ આ વાત સમજાતી નહોતી- જો એના પપ્પા અત્યારે ગંભીર ન હોય તો હાલ ને હાલ શા માટે બોલાવે ?

“મારી પાસે બૅન્કની કૅશની ચાવી છે. વહેલામાં વહેલો આવું તો પણ અગિયાર વાગ્યે બૅન્કમાં ચાવી સોંપીને કૅશ બહાર કઢાવીને ખાસ રજા લઈને આવી શકું અને તો પણ બાર સાડા બાર તો વાગી જ જાય-ચાલશે ને?”

“ના!” એણે કહ્યું : “હાલ ને હાલ બોલાવે છે.” પછી ઉમેર્યું : “શું કામ છે એની મને ખબર નથી.”

મણિનગરથી છેક નારણપુરા પહોંચવાનું હતું. મારી બૅન્ક કાળુપુરમાં હતી. મારા મનમાં ગડમથલ થઈ હતી. શી રીતે બધું શક્ય બનશે ? થોડી ક્ષણો તો ધૂંધવાટમાં વીતી-વીરેન્દ્રભાઈ પર ગુસ્સો પણ ચડ્યો, પણ પછીથી ઘણો વિચાર કર્યો કે મરણપથારી પર પડેલા માણસ પર આપણે ખીજ કરવી ? કેમ જાણ્યું કે ખરેખર એમને મારું કોઈ તાકીદનું કામ નહીં હોય ? જરૂરી નથી કે છેલ્લા ડચકે હોય ત્યારે જ મને યાદ કરે. ફોન મુકાઈ ગયો હતો. ફરી પૂછીને સવારનો એ વીતતો જતો કીમતી સમય વેડફવાનો કોઈ જ અર્થ નહોતો.

છતાં મેં એક કામ કર્યું. જરા વહેલો બૅંન્ક પર પહોંચી ગયો. કૅશની ચાવીઓ કોઈને સોંપીને જુનું વાસ્પા સ્કૂટર પલાણીને નીકળ્યો. છતાં નારણપુરા હૉસ્પિટલે પહોંચતાં સાડા અગિયાર તો થઈ જ ગયા. પહોંચ્યો ત્યારે વીરેન્દ્રભાઈ આરામથી એમના બિછાનામાં પડ્યા પડ્યા મારી રાહ જોતા હતા. બાજુમાં ટીકુ હતી – મેં ટીકુને ઠપકો આપ્યો : “ફોનમાં એટલું ન કહેવાય કે શું કામ હતું !”

“મને ખબર નહોતી.” ટીકુ બોલી : “હજુ પણ નથી.”

મેં વીરેન્દ્રભાઈનો હાથ હાથમાં લીધો મનમાં જરા ખીજ તો હતી જ. છતાં મોં મરકાવ્યું. પૂછ્યું : “બોલો.”

“આ દવાખાનામાં કામ કરતી એક છોકરી તમને મળવા માગે છે. તમારા લેખો વાંચે છે.”

વાચક-ચાહક હોય એમાંય કોઈ છોકરી હોય-તો વિશેષ આનંદ થાય, પણ હવે એ અધીરાઈ ઓગળી ગઈ હતી કે કોઈ બોલાવે કે યાદ કરે એટલે તરત જ દોડી જઈએ. છોકરી હોય તો પણ શું ? મને પછી સાંજે આવું ત્યારે ન મળી શકાય ? ફોન કરીને એ પત્ર લખીને મળવા ઘેર ન આવી શકાય ?

“એટલા માટે મને અહીં બોલાવ્યો ?” મેં કટાક્ષમાં સ્મિત કરીને કહ્યું : “સાંજે તો હું આવવાનો જ હતો.”

“સાંજે એ ડ્યુટી પર નથી હોતી.” વીરેન્દ્રભાઈ બોલ્યા : “આમ તો એની ડ્યુટી સવારે નવ વાગે જ પૂરી થઈ જાય, પણ તમને મળવા માટે એ રોકાઈ ગઈ છે.”

“એને કોણે કહ્યું કે હું તમારો મિત્ર છું. ને સાંજે આવવાનો છું ?”

“એમ ન માનશો કે તમે જ નાટક લખો છો. વાર્તાઓ લખો છો ને તમે ઈચ્છો ત્યારે માત્ર તમે જ તમારાં પાત્રોને એકબીજા સાથે મેળવી શકો કે રમાડી શકો, વિછોડવી શકો…. કુદરત એ મોટામાં મોટી નાટ્યકાર છે. અને ચાહે તેને, ચાહે ત્યારે કોઈ પણ નિમિત્તે મેળવી શકે.”

“સવારે મારા પપ્પા મને આજે કરવાના ફોનની યાદી લખાવતા હતા. એમાં તમારું નામ લીધું અને છોકરી રૂમમાં દાખલ થઈ. એના હાથમાં ઈન્જેકશન હતું. એ થંભી ગયું. કહે, તમે હમણાં કોનું નામ લીધું ? તો મેં કહ્યું રજનીકુમારનું.”

ટીકુ આ રીતે માંડીને વાત મને કરતી હતી – મને રસ પડતો હતો. કારણ કે હું એમાં પરોક્ષ પાત્ર હતો.

“પછી ?” મેં પૂછ્યું.

“એ છોકરી કહે કે હું ઘણા વખતથી એમનો પત્તો શોધતી હતી. મારે એમને મળવું છે, ક્યારે આવવાના છે ? મેં કહ્યું કે હું એમને સાંજે આવવાનું કહેવાની છું. તો કહે કે એમને અત્યારે ન બોલાવી  શકાય ?”

“અને એટલે તેં મને ફોન કર્યો એમ ને ? અને તે પણ માંદા માણસની આણ દઈને !” મારા સ્વરમાં થોડો ઠપકો હતો તે ટીકુને સ્પર્શ્યો. એ નીચું જોઈ ગઈ. બોલી : “એની આટલી બધી ઉત્કંઠા જોઈને પપ્પાએ જ મને કહ્યું કે રજનીકુમારને હાલ ને હાલ આવવાનું કહે…..આ છોકરીને ક્યાં સુધી ખોટી કરવી !”

“પણ મને ફોનમાં આ વાત કેમ ન કરી !” મેં પૂછ્યું : “હું એની જોડે ફોનથી વાત કરી લેત. બીજો કોઈ સમય એવો ગોઠવત કે એને અને મને બન્નેને અનુકૂળ હોત.”

આ વાત ચાલતી હતી ત્યાં જ એ છોકરી પ્રવેશી. એ રૂમની આજુબાજુ જ ઘૂમરાતી હતી. અમારી વાતચીતનો બોલાશ સાંભળીને આવી. એને જોઈને તરત જ ખ્યાલ આવ્યો કે અગાઉ એને અથવા એની તસવીરને ક્યાંક જોઈ છે. ક્યાં? હા, યાદ આવ્યું – અમદાવાદ શહેરની મહિલાઓમાં સૌથી વધુ સુંદર, લાંબા કેશ ધરાવતી મહિલાઓની એ સ્પર્ધા હતી. એમાં આ છોકરી અસ્મા પરવીન અબ્બાસી સૌ પ્રથમ નંબરે આવેલી. એના વાળ એના પગની પાનીએ અડતા હતા. આમ તો આવી તસવીરો યાદ ન રહે…. પણ આ રહી હતી, કારણ કે આ છોકરીના વાળ તો ઠીક, પણ ચહેરો જ વિશિષ્ટ હતો. એના ચહેરા પર જે સૌંદર્ય હતું એમાં કોઈ આક્રમકતા નહોતી. મોગલાઈ બંધારણવાળો ચહેરો હતો. જોતાંવેંત અંદાજ આવી જાય કે આ ઈસ્લામી પવિત્ર સૌંદર્ય છે, ખાનદાની છે. પરદાનશીન રહેવા માટે સર્જાયું છે, પણ એને જોઈને કોઈને વિકાર  ન જન્મે. બલકે એના પર નજર પડતાંવેંત સામા પુરુષમાં પણ શાલીનતા પ્રવેશે.

એણે સહેજ ગરદન ઝુકાવીને મને આદાબ કર્યા-બોલી : “આપને મેં તસવીરોમાં ક્યાંક જોયા હતા.”

લેખકોની તસવીરો આપણે ત્યાં ક્યાં વારેવારે પ્રગટ થાય છે ! કદાચ આ છોકરી ખોટું બોલતી હતી. મને સારું લગાડવા, પણ એણે મારો એ ભ્રમ બીજા જ એના વાક્યમાં ઓગાળી દીધો : “પાકિસ્તાનના એક પેપરમાં તમારી તસવીર હતી.”

એની વાત સાચી હતી. પાકિસ્તાનના ‘વતન’ કે કોઈ અખબારમાં મારા ગામ જેતપુર વિષેનો મારો ‘અભિયાન’માં પ્રગટ થયેલો લેખ ફરી વાર છપાયો હતો અને એમાં આદમ સુમરોએ આપેલો મારો ફોટો છપાયો હતો. આ છોકરીને ત્યાં પાકિસ્તાનથી કેટલાંક છાપાં આવતાં હશે. એ મારાં લખાણો ભારતમાં વાંચતી હતી, પણ અહીં ભારતમાં મારી તસવીર એને પાકિસ્તાનના એક અખબારમાંથી મળી હતી !

“તમે અહીં શું કરો છો ?”

“હું અહીં ઑપરેશન આસિસ્ટન્ટ છું.” એણે કહ્યું : “મેં પેરામેડિકલનો કોર્સ કર્યો છે.”

“સરસ” મેં કહ્યું : “ડૉકટર કેમ ન થયાં ?”

એ નીચું જોઈ ગઈ. એ બોલી : “બસ, થોડા માર્ક ખૂટ્યા કારણ કે…..

‘કારણ કે’ની પાછળ એની અતૃપ્ત ઝંખનાની કહાની હતી. એ ભણતી હતી એ દિવસો દરમ્યાન અમદાવાદમાં કોમી રમખાણ ફાટી નીકળ્યાં હતાં. એનું ઘર ખાડિયામાં હતું. અને કૉલેજ બીજા સ્ફોટક વિસ્તારમાં હતી. કૉલેજ ચાલુ હોય એ દરમ્યાન એનું ઘર, એનો લત્તો આગની જ્વાળાઓ વચ્ચે હોય અને એનું ઘર અને લત્તો કંઈક જંપ અનુભવતાં હોય ત્યારે એની કૉલેજનું ફર્નિચર વેરણછેરણ થઈને કૉલેજના કંપાઉન્ડમાં પડ્યું હોય. એમ બન્યું હતું. એટલે એની આવનજાવન ઉચ્ચક જીવે થઈ, ત્રુટક ત્રુટક થઈ, હાલાકી-ટેન્શન અને ‘મારો કાપો’ના અવાજો વચ્ચે થઈ અને પરિણામે સીડીનું છેલ્લું પગથિયું એ ચૂકી ગઈ એની ઝંખનાનું આકાશ એક તસુભાર છેટું રહ્યું.

બોલતાં બોલતાં એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. વીરેન્દ્રભાઈએ મારા તરફ જોઈને કહ્યું : “પહેલી જ મુલાકાતમાં તમે એને ખોટી રડાવી.”

“અત્યારે તો આખું અમદાવાદ રડે છે.” મેં કહ્યું : “એને રડવા દો.”

નવાઈની વાત હતી કે આ બધા જ વરવા શોરબકોર વચ્ચે એનો વાચનનો શોખ બરકરાર રહ્યો હતો. ગુજરાતી છાપાં અને મૅગેઝિન્સ એ નિયમિત વાંચતી. એની માતૃભાષા ઉર્દૂ હતી, પણ એનો ગુજરાતી વાચનનો શોખ કોઈ ગુજરાતી છોકરીને પણ જરા ઝંખવાણી પાડી દે તેવો હતો. એને ગમતા લેખકોનાં લખાણ એણે પેસ્ટિંગ કરી કરીને ફાઈલ પણ બનાવી હતી.

“તમારાં લખાણોની ફાઈલ મેં બનાવી છે.” એણે કહ્યું : “એની પર તમારા હસ્તાક્ષર લેવા છે.” પછી પૂછ્યું : “અમારે ઘેર આવશો ?”

“ના!” મેં કહ્યું : “આ વીરેન્દ્રભાઈનું ઘર તારા ઘર નજીક જ છે, પણ એ બ્રહ્મપુરીની પોળમાં રહે છે ને તું અબ્બાસી સ્ટ્રીટમાં. નામોના આ વિરોધાભાસે અત્યારે આખા અમદાવાદને બાનમાં લીધું છે. હું બ્રહ્મપુરીમાં આવું, પણ અબ્બાસી સ્ટ્રીટમાં આવતાં મારા પગ થથરે, ને તું અબ્બાસી સ્ટ્રીટમાં રહે, પણ ચાર જ શેરી દૂર આવેલી બ્રહ્મપુરીની પોળમાં આવતાં તારો શ્વાસ ફડકી જાય, સાચું ?”

“સાચું” એણે કહ્યું : “હું જાઉં, પણ એક વાર તમારે મારે ત્યાં જરૂર આવવું પડશે.”

એ દિવસે તો એ ગઈ. પછી ફરી કદી મળાયું નહીં – હું પણ બદલી પામીને મણિનગર આવતો રહ્યો. વીરેન્દ્રભાઈ થોડા જ દિવસોમાં અવસાન પામ્યા અને એ નિમિત્તે બે વાર બ્રહ્મપુરીની પોળે ગયો, પણ થોડે જ દૂર આવેલી અબ્બાસી સ્ટ્રીટ ! અંગારા પર ચાલીને ત્યાં જવાનું કોણ પસંદ કરે !

પણ એક દિવસ એનો નાનો ભાઈ સુહૈલ મારી પાસે આવ્યો. ખૂબ સરસ, સૌમ્ય રીતભાતવાળો જુવાન હતો. એના હાથમાં ચાર લીટીની ચબરખી હતી : “મારાં લગ્ન આવે છે. એમાં તમારો તો કેટલો બધો મોટો ફાળો છે ? જરૂર આવશો. તમારે જ સાક્ષીમાં સહી કરવાની છે,” પછી નીચે લખ્યું “જોખમ લઈને પણ.” અમદાવાદ ત્યારે અશાંત હતું. છતાં હું એ અનોખી શાદીમાં ગયો. કેવી હતી એ અનોખી શાદી ? એ અનોખી શા માટે હતી ?

**** **** ****

“હલો…” કમસીન, નાજુક, યુવાન અને લજ્જાશીલ એવી ખાનદાન કુટુંબની છોકરીના ચહેરા ઉપર ફોન પર વાત કરતી વખતે શરમના શેરડા ફૂટતા હતા. અવાજને લેશમાત્ર ઊંચો કરીને બોલવાની આદત એને નહોતી. છતાં ફોન પર એને બહુ ઊંચો અવાજ કરીને બોલવું પડતું હતું. “હલો…..હલો…..હલો….” અમારી પચીસેક જણાની નજરો એના ઉપર મંડાયેલી હતી. યુવતી અસ્મા પરવીન અબ્બાસી એનાથી સભાન હતી. એટલે ઝૂકેલી શરમાળ નજર વધુ ઝૂકી જતી હતી.

“ઈન્ટરનેશનલ કૉલ છે.” મેં મારા મિત્ર પ્રભાકર વ્યાસને કહ્યું : “ક્યારેક સાવ કાનમાં મોં કરીને કોઈ બોલતું હોય એવો અવાજ આવે. અને ક્યારેક વચ્ચે સાત સમુદ્ર ગાજતા હોય એની આરપાર થઈને આવતો હોય એવું પણ લાગે.”

“લગ ગયા.” અચાનક એક વૃદ્ધ દાઢીવાળાના મોં પર ચમક આવી ગઈ : ‘લગ ગયા. અબ બરાબર લગ ગયા. સુનિયે અબ ઠીક સે બાત હોતી હૈ.”

(દુલ્હા સાથે વાત કરી રહેલા મૌલવી અને તેમની બાજુમાં લેખક)
(દુલ્હા સાથે વાત કરી રહેલી અસ્મા)
(શાદીની રસમ અદા કર્યા પછી મૌલવી અને લેખક)

“હલો……હલો મીઝુ” અસ્મા પરવીન એ જ ક્ષણે સીધી-સાદી છોકરી મટીને ‘કન્યા’ એટલે કે ‘દુલ્હન’ બની ગઈ. ચમકીલો ભડકીલો પોષાક પહેરવાની એની નામરજી હતી. હાથે મેંદી મૂકવાની પણ એણે પરવા કરી નહોતી. આમ છતાં પણ આ બધું ક્ષણવારમાં અદૃશ્ય રીતે એના ઉપર મુકાઈ રહ્યું હોય એમ એની આખી સિકલ થઈ ગઈ. એના સ્વરમાં હવે જરી કંપ આવી ગયો. ખુશીનો કંપ, ધ્રુજારી જે હૃદયના ધબકારામાંથી પેદા થાય છે તેવી, એવા અવાજે એ બોલી : “હલો હલો મીઝુ મીઝુ, સુન રહે હો તુમ ? સુન રહે હો, ના ?”

‘સામેથી દુલ્હામિંયા મિઝાનુરહેમાન નઝરૂલ ઈસ્લામ શું બોલ્યા એ તો એમને જોનારને શી રીતે સંભળાય? પણ અસ્મા પરવીનના મોંની રેખાઓ ઉપરની લિપિમાંથી એ ઉકેલી તો શકાતી હતી. મિઝાનુરહેમાન ઉર્ફે ‘મીઝુ’ ત્યાંથી બોલ્યા હશે ! “હો હો. ઠીક સે સુન રહા હું એકદમ ઠીક સે…..કૈસી હો તુમ ? ઠીક તો હૈ ? ખૈરિયત સે ?”

“હા….હા…..” અમારી કલ્પના સાથે જ અહીં અસ્માના જવાબનો બરાબર તાળો મળી ગયો. એ બોલી : “હો મૈં તો ખૈરિયત સે હું ઔર તુમ ? ક્યા મેરે ફોન પર ઈતઝાર થા તુમ્હેં ?”

ફરી આપણી કલ્પના. મીઝુ બોલ્યો હશે : “હાં. ઈસ ફોન કા તો મુઝે તાઉમ્ર (જીવનભર) ઈન્તઝાર થા.”

આ ‘પ્રેમલાપ’ હવે લાંબો ચાલવા દેવાની જોનારાઓની મરજી નહોતી. બધા અધીરા હતા. ક્યાં સાઉદી-અરેબિયામાં આવેલું જિદાહ, અને ક્યાં અમદાવાદ ? સાડા ત્રણ હજાર માઈલ દૂરથી દુલ્હા અને દુલ્હન આમ ‘કૈસે હો તુમ ?’માં મિનિટો કાઢી નાખે ! ના પોસાય. ચાલો ચાલો, અમને સજા કરો. એક જ બેડીમાં બન્નેને બાંધો દો. લગ્નની બેડી. જલદી ‘શાદી કી રસમ અદા કી જાય.’

મારી સાથે પ્રભાકર વ્યાસ આવેલા તેમને આગલી પાછલી વાતની કંઈ જ ખબર નહીં. વટેમાર્ગુની જેમ જ આવી ચડેલા. “ચાલો ને!” એમને મેં કહ્યું : “બૉમ્બેથી આવો છો. અમદાવાદ આવીને આજે સાંજે ટી.વી.ના પડદે કોઈ ફિલ્મ જોવા બેસી જવાના હતા. યા કોઈ નાટક, એ કરતાં ચાલો મારી સાથે. હું તમને અસલી જીવનની ફિલ્મનું અસલી શૂટિંગ બતાવું.”

“ક્યાં જવાનું છે ?” એમણે પૂછ્યું હતું –“કોનું શૂટિંગ છે ?”

“શૂટિંગ કોઈનું નથી. અસલી જીવન છે. આપણે ખાડિયામાં પાંચ કૂવા પાસે એક પાક મુસ્લિમ છોકરીનાં લગ્નમાં જવાનું છે.”

આ પાછલા વાક્યે હમણાંના પાછલાં થોડાં વર્ષોના ઈતિહાસનો કડવો સ્વાદ એમને આપ્યો. એ જરા ચિંતામાં પડી ગયા. ખાડિયાનું નામ જ એવું રહ્યું છે. હમણાં હમણાં પંજાબ જેવું. સેલ્સમેન જેવા આક્રમક હોય એ પણ જ્યાં જતા ડરે. પંજાબનો પ્રવાસ ટાળે.

પણ એમની શંકાને શાંત કરી : “જુઓ અમદાવાદ અત્યારે શાંત છે. કરફ્યુ ચાલતો નથી. રવિવારની ફિલ્મ ચાલે છે. કરુણ ફિલ્મ હોય તો જ આ સમયે ટી.વી.માંથી ટિયર ગૅસ છૂટે છે. એ સિવાય શાંતિ છે. તમે બેધડક મારી સાથે ચાલો. અરે, આમાં તો ઊલટું કોમી ભાઈચારાની વાત આવે છે. ‘મજહબ નહીં સિખાતા આપસમેં બેર રખના’ની પંક્તિ આપણે બહુ ગાઈ, પણ જીવતી જોવી હોય તો જોવા ચાલો, ફિલ્મોમાં આપણે અજબગજબ બનાવો બહુ જોયા પણ તે બધા મનગઢંત, જ્યારે આમાં તો તદ્દન નવતર અને અજબ-ગજબનો બનાવ આજે જોશો ‘ટેલિફોનિક શાદીનો’– દુલ્હન અહીં અને દુલ્હો સાડા ત્રણ હજાર માઈલ દૂર. દુલ્હન ભારતની અને દુલ્હો પૂર્વ બંગાળનો. પરિચય થયેલો સાઉદી અરેબિયામાં અને હવે અમેરિકા જઈને રહેવાના મનોરથ નવદંપતીને છે. આવી શાદી જોઈ છે કદી ?”

“પણ ટેલિફોન પર લગ્ન ?” પ્રભાકર વ્યાસને બહુ નવાઈ લાગી : “એ કેવી રીતે બને ? હિંદુમાં તો ઠીક, અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરવાના હોય, પણ મુસ્લિમ કોમમાં તો કહે છે કે દુલ્હા દુલ્હનને પરસ્પર સાક્ષીઓની હાજરીમાં પૂછીને ચોપડે સાક્ષીઓની સહી કરાવ્યા પછી જ શાદી પાકી બનતી હોય છે. જ્યારે ટેલિફોન પર આ બધું કેવી રીતે થશે ?”

“જવાબ માગો નહીં. મેં કહ્યું : “જવાબ જુઓ, ચાલો! મારી સાથે.”


(ક્રમશ: )


લેખકસંપર્ક :
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક, મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

3 thoughts on “લ્યો, આ બ્રાહ્મણે મુસ્લીમ કન્યાના લગ્ન પણ કરાવ્યાં ! (ભાગ ૧)

  1. જીદાહ અને અમદાવાદ વચ્ચે સર્જાઈ રહેલા આ નવતર સંબંધ વિશે આતુરતા….

  2. બે ભાગને કારણે પહેલો ભાગ વાંચ્યા બાદ ઉત્કંઠા થાય એ સ્વાભાવિક છે. બીજા ભાગની રાહ.

Leave a Reply

Your email address will not be published.