નવરંગ (૧૯૫૯)

ટાઈટલ સોન્‍ગ

બીરેન કોઠારી

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું:
જૂનું ઝાડુ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી, સોય-દોરો!

કવિ બાલમુકુંદ દવેની કવિતા ‘જૂનું ઘર ખાલી કરતાં’ની આ પંક્તિઓમાં ઘરમાંથી મળી આવેલી કેટલીક ચીજોની વાત કરવામાં આવી છે. આ અને આવી અનેક ચીજો લગભગ દરેકના ઘરમાં ક્યાંક, કોઈક ખૂણે પડી રહેતી હશે. અને ઘર ખાલી કરવાનું ન થાય તો કદાચ દિવાળી અગાઉ થતી સાફસૂફી વખતે જ તે નજરે પડતી હશે. આ પંક્તિઓમાં ‘તૂટ્યાં ચશ્માં’નો ઉલ્લેખ છે. ચશ્માનો કાચ તૂટે યા ફ્રેમ, તેને કાઢી નાખતાં ઝટ જીવ ચાલતો નથી. એ ફરી ન વપરાવાનાં હોય તો પણ ટેબલના ડ્રોઅરમાં છેક ઊંડે પડ્યાં રહે છે.

અમારે ઘેર પણ આવી એક ફ્રેમ હતી- બિલકુલ જૂની સ્ટાઈલની. એની એક દાંડી તૂટી ગયેલી. છતાં અમે ગમ્મત ખાતર, ક્યારેક તે પહેરતા. ખાસ કરીને કોઈક કિરદાર મનમાં આવે ત્યારે એ ફ્રેમ પહેરવામાં આવતી. હિન્દી ફિલ્મોમાં હજી આજે પણ પહેરેલા ચશ્માને એક હાથે ઊતારવાની સ્ટાઈલ ચલણી છે, અને ચશ્માની દુકાનવાળા ભારપૂર્વક કહેતા હોય છે કે ચશ્મા હંમેશા બે હાથે જ ઉતારો. છેવટે સાવચેતીની સામે શૈલીએ ઝૂકવું પડે છે. અમારો મિત્ર વિજય પટેલ (હાલ કેનેડાનિવાસી) જૂની ફિલ્મોનો મહા રસિયો અને અનેક ફિલ્મો તેણે જોયેલી. અમારા ભાગે ફિલ્મો જોવાની ઝાઝી નહોતી આવી. અમારું ધ્યાન ગીતો સાંભળવા તરફ વધુ હતું. વિજય વી.શાંતારામનો પણ ચાહક. એ અમારે ત્યાં આવે ત્યારે પેલી તૂટેલી ફ્રેમ ચડાવે અને સ્થિર ઊભો રહીને એક હાથે એ ફ્રેમ ઉતારતાં બોલતો, ‘મેરે આખિરી ચિત્ર ‘દો આંખે બારહ હાથ’ કે આખિરી દૃશ્ય મેં બૈલ સે લડતે વક્ત મેરી આંખો કો જબરદસ્ત ધક્કા લગા.’ સુજ્ઞજનોને યાદ હશે કે ‘દો આંખે બારહ હાથ’ પછી આવેલી વી.શાંતારામની ફિલ્મ ‘નવરંગ’ના આરંભે,  ટાઈટલ સોન્‍ગ પત્યા પછી પડદા પર ખુદ શાંતારામ કાળા ચશ્મા પહેરીને દેખાય છે, આમ બોલે છે અને પછી ચશ્મા ઉતારતાં બોલે છે, ‘વૈસે તો મેરી આંખે બિલકુલ અચ્છી હૈ.’ આમ, ‘નવરંગ’ ફિલ્મ સાથે વિજયનું અનુસંધાન બરાબર જોડાઈ ગયેલું છે.

એ પછી ‘નવરંગ’ની વિડીયો કેસેટ લાવીને તેમાંથી અમે આખાં ગીતો ઑડિયો કેસેટમાં રેકોર્ડ કરેલાં. એ જ અરસામાં આશા ભોંસલેને મુંબઈ ખાતે મળવાનું થયું (જેનું વિવરણ ‘જલસો’ના ચૌદમા અંકમાં છે) ત્યારે મનમાં ‘નવરંગ’નાં ગીતો જ છવાયેલાં હતાં.

૧૯૫૯માં રજૂઆત પામેલી રાજકમલ કલામંદિર નિર્મિત, વી. શાંતારામ દિગ્દર્શીત ‘નવરંગ’માં સંધ્યા, મહીપાલ, કેશવરાવ દાતે, બાબુરાવ પેંઢારકર જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મનાં કુલ બાર ગીતો હતાં, જે ભરત વ્યાસે લખેલાં અને સંગીતબદ્ધ કર્યાં હતાં સી. રામચંદ્રે. મહિલા સ્વર આશા ભોંસલેનો હતો. એક ગાયિકા અને એક સંગીતકાર કેટલાં વૈવિધ્યપૂર્ણ હોઈ શકે એ ‘નવરંગ’નાં તમામ ગીતો સાંભળતાં સમજાય. અંગત રીતે મને સૌથી વધુ ગમતું ગીત ‘કારી કારી કારી અંધિયારી થી રાત’ (ચીતલકર, આશા) છે. આ ઉપરાંત ‘યે માટી સભી કી કહાની કહેગી’ (મહેન્દ્ર કપૂર), ‘શ્યામલ શ્યામલ બરન’ (મહેન્દ્ર કપૂર), ‘કવિરાજા કવિતા કે મત અબ કાન મરોડો’ (ભરત વ્યાસ અને સાથીઓ), ‘તુમ સૈયાં ગુલાબ કે ફૂલ’ (આશા), ‘અરે જારે હટ નટખટ’ (ચીતલકર, આશા, મહેન્દ્ર કપૂર), ”તુમ મેરે, મૈં તેરી’ (આશા), ‘તુમ પશ્ચિમ હો, હમ પૂરબ હૈ’ (ચીતલકર), ‘આ દિલ સે દિલ મિલા લે’ (આશા), ‘આધા હૈ ચન્દ્રમા રાત આધી’ (આશા, મહેન્દ્ર કપૂર), ‘તૂ છુપી હૈ કહાં’ (આશા, મન્નાડે) તેમ જ ‘રંગ દે રે…’ (આશા, મન્નાડે) જેવાં ગીતો એક સાંભળો અને એક ભૂલો એવાં છે.

(સી.રામચંદ્ર)

આમાંથી ટાઈટલ સોન્ગ તરીકે ‘રંગ દે રે’નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મનાં ટાઈટલ શ્વેતશ્યામમાં છે. ગીતનું સમાપન થાય પછી બંધ બારણા પાછળથી શાંતારામ આવે છે, અને પોતાને થયેલી આંખની ઈજા તેમ જ તેમાંથી થયેલા બચાવ અને એ દરમિયાન પોતે જોયેલા રંગીન સ્વપ્નની વાત કરે છે. સાત રંગ ભરેલા સાત કુંભ ઠલવાય છે, અને ફિલ્મનું ટાઈટલ ‘નવરંગ’ પડદા પર આવે છે અને આખી ફિલ્મ રંગીન બને છે.

(ભરત વ્યાસ)

ભરત વ્યાસના શબ્દો બહુ જ પ્રભાવક બની રહે છે. ટાઈટલ સોન્ગના શબ્દો આ મુજબ છે:

आ आ आ आ आ
आ आ आ आ आ आ

रंग दे रे

रंग दे रे
जीवन की चुनरिया

आ आ आ

रंग दे रे
तन तरंग दे
मन उमंग दे
आज रंग दे रे
ये जीवन की चुनरिया

जीवन की चुनरिया
रंग दे रे

आ आ आ आ आ आ

आआ आआ आआ आआ

रंगों से तूने अपनी छबियाँ सजायीं
छबियाँ सजायीं
किरणों से तूने उनमें
ज्योत जगाई
ज्योत जगाई
वाह रे चितेरे
देखी तेरी चतुराई
इंद्रधनुष में झलके
तेरी परछाई
तन तरंग दे
मन उमंग दे
आज रंग दे रे
ये जीवन की चुनरिया
जीवन की चुनरिया

रंग दे रे

ऐ ऐ ऐ ऐ

तन तरंग दे
मन उमंग दे
आज रंग दे रे

અહીંથી શાંતારામ પ્રવેશે છે અને ગીત ફેડ આઉટ થાય છે.

ये जीवन की चुनरिया

છેલ્લે આ શબ્દો પુનરાવર્તિત થાય છે અને ‘નવરંગ’ નામ આવે છે.

रंग दे रे ऐ ऐ

रंग दे रे ऐ

અહીં આપેલી લીન્ક પર આ ગીત સાંભળી અને જોઈ શકાશે.

 


(તસવીરો: નેટ પરથી સાભાર, લીન્‍ક યૂ ટ્યૂબ પરથી સાભાર)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.