આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૨૦

પ્રવાસી યુ. ધોળકિયા

૭૫ વર્ષનાં સ્વાતંત્ર્યનાં લેખાંજોખાં – એક વિહંગાવલોકન

આ વર્ષે ૧૫મી ઓગસ્ટે આપણે આપણી આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી કરીશું.

સિદ્ધિઓનાં સોપાનો

આ વર્ષોમાં આપણા દેશે સિદ્ધિઓનાં જે સોપાનો સર કર્યાં તેની સંક્ષિપ્તમાં નોંધ લઈએ –

૧) ભારતનું રાજકીય બંધારણ એટલું ઉત્તમ રીતે ઘડવામાં આવ્યું છે કે ધારાગૃહો, ન્યાયપાલિકાઓ, કારોબારી અને વ્યક્તિઓ પોતાની સ્વંતંત્રતા જાળવી રાખી શકેલ છે. એશિયાના અન્ય દેશોમાં આવું ભાગ્યેજ જોવા મળે છે.

૨) ઇ. સ. ૧૯૫૨માં જ્યારે ભારતની સંસદ માટે ચુંટણી યોજાવાની હતી, ત્યારે પંડિત નેહરૂએ દેશને ખૂણેખાંચરે જઈને તમામ લોકોને લોકશાહીના પાઠ ભણાવ્યા. પરિણામે કેટલાક અપવાદો સિવાય દર પાંચ વર્ષે આપણા રાજ્યકર્તાઓને ફરીથી ચુંટાવા માટે મત માગવા લોકો પાસે જવું પડે છે.

૩) સ્વતંત્રતા મળી ત્યારે ભારત સામે સૌથી મોટો પડકાર ૫૬૦થી વધારે દેશી રાજ્યોનો ભારતીય સંઘમાં વિલય કરવાનો હતો. સરદાર પટેલે અથાક પરિશ્રમ અને કુનેહ અને વી પી મેનન જેવા બાહોશ અધિકારીની મદદથી જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરનાં દેશી રાજ્યોના અપવાદ સિવાય એ યજ્ઞ સંપન્ન કર્યો. ઉપરોક્ત ત્રણ રાજ્યોમાં છેવટે બળપ્રયોગ કરવો પડેલો. કાશ્મીર સિવાય  તમામ દેશી રાજ્યોનું ભારતીય સંઘમા જોડાણ સંપૂર્ણ બન્યું.

૪) વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ બે વર્ષના ટુંકા ગાળામાં ઇ. સ. ૧૯૬૬ પહેલાં એમ એસ સ્વામીનાથનની સહાયથી આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ સર્જી અને ભારતને અન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બનાવ્યું. આણંદમાં દુધ ઉત્પાદકોની સહકારી મડળી સ્થાપી કુરિયન વર્ગીસે અમુલ દ્વારા દેશમાં શ્વેત ક્રાંતિ સર્જી.

૫) પી આર એલ અને ઇસરો જેવી વૈજ્ઞાનિક તેમજ આઇ આઈ ટી અને આઈ આઈ એમ જેવી વિશ્વસ્તરની શૈક્ષણિક સંસ્થાઓ સ્થપાઈ. શિક્ષણનો વ્યાપ વધ્યો. સ્ત્રીઓ અને દલિત વર્ગોને પણ રાજ્યાશ્રયનો લાભ મળતાં આ વર્ગો પણ શિક્ષિત થવા લાગ્યા. બ્રિટિશ સમયથી જ આપણા દેશમાં પાશ્ચાત્યાભિમુખ આધુનિકતાનો પવન ફુંકાવા લાગ્યો હતો. પોતપોતાના પરંપરાગત પોષાકોને સ્થાને પુરુષોએ પેન્ટ શર્ટ અપનાવ્યાં અને સ્ત્રીઓએ પારસીઓ જેવી આધુનિક સાડીની શૈલી અને પછીથી સલવાર-કમીઝ અને કૂર્તિ-પેન્ટ જેવાં વસ્ત્ર પરિધાન અપનાવ્યાં.

૬) ભાખરા-નાંગલ, નાગાર્જુન સાગર, દામોદર વેલી જેવી સિંચાઈલક્ષી પરિયોજનાઓ અને નર્મદા જેવી જળ અને વીજળી યોજનાઓથી દેશની જળ અને વીજળીની ખેંચમાં મહદ્‍ અંશે ઘટાડો શક્ય બન્યો.

૭) ઇ.સ. ૧૯૭૧માં વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ ફિલ્ડ માર્શલ સૅમ માણેકશૉની મદદથી પાકિસ્તાનના ટુકડા કરી બાંગ્લાદેશનાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરવામાં સફળતા મેળવી. ઈંદિરા ગાંધીનાં જ નેતૃત્વ હેઠળ ભારતે તેનો પ્રથમ અણુ પ્રયોગ કર્યો.

૮) વડાપ્રધાન નરસિંહરાવે નાણા પ્રધાન મનમોહન સિંહની સહાયથી ઇ. સ. ૧૯૮૯ થી ૧૯૯૧ વ્ચ્ચે લાયસન્સ રાજની સંકળો ખોલવાનું શરૂ કરીને ભારતને વિશ્વ બજાર વ્યવસ્થામાં જોડી દીધું. પરિણામે દસ વર્ષના ટૂંકા ગાળામાં કરોડો ગરીબ પરિવારોની આર્થિ્ક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો, અને તેની સાથે બહુ મોટો મધ્યમ વર્ગ અસ્તિત્વમાં આવ્યો.

૯) ભાષાકીય આધાર લઈને રાજ્યોની નવરચના કરવામાં આવી અને શિક્ષણ તેમજ સરકારી અને જાહેર ક્ષેત્રની નોકરીઓમાં SC, ST અને OBC ને આરક્ષણ આપીને આંતરિક ક્લેશ અને ગૃહયુદ્ધના ભયને ટાળી શકાયો.

૧૦) સિનેમા અને મનોરંજન ક્ષેત્રે સત્યજિત રાય, મણાલ સેન, વિમલ રોય, મણિરત્નમ અને દક્ષિણના અનેક દિગ્દર્શકોએ વિશ્વભરમાં પારિતોષિકો જીત્યાં. હિંદી ફિલ્મ સંગીતની તો વાત જ શી કરવી? દેશની સરહદ પાર કરીને આ ગીતો વિદેશોમાં પણ ભારે લોકપ્રિય છે. આપણે જાણીએ છીએ તેમ ‘આવારા હું’ અને ‘મેરા જૂતા હૈ જાપાની’ રશિયામાં આજે પણ એટલાં જ લોકપ્રિય છે. આ બન્ને ગીતો તૂર્કિમાં પણ લગ્નપ્રસંગે ગવાય છે. ‘અય માલિક તેરે બંદે હમ’ બાંગ્લાદેશની શાળાઓમાં પ્રાર્થના ગીત તરીકે ગવાય છે. હિંદી ગીતોને આટલાં લોકપ્રિય બનાવવા પાછળ કેટલીક મહાન પ્રતિભાઓ છે જેમાંનાં કેટલાંક નામો યાદ કરીને સંતોષ માનીએ.

આર સી બોરાલ, પંક્જ મલિક, કમલ દાસગુપ્તા, ખેમચંદ પ્રકાશ, અનિલ બિશ્વસ, નૌશાદ, એસ ડી બર્મન, શંકર જયકિશન, મદન મોહન, રોશન, ઓ પી નય્યર, સલિલ ચુધરી જેવા સંગીતકારોનાં નામ ગૌરવપૂર્વક ગણાવી શકાય. કે એલ સાયગલ, કાનન દેવી, ખુર્શીદ, શમશાદ બેગમ, ગીતા દત્ત, નૂરજહાં, સુરૈયા, લતા મંગેશકર, આશા ભોસલે, મોહમ્મદ રફી, મુકેશ, મન્ના ડે, તલત મહમુદ, હેમંત કુમાર અને સુમન કલ્યાણપુર જેવાં ગાયકોનાં નામો સહેજે જ યાદી આવી જાય. પંડિત સુદર્શન, આરઝુ લખનવી, ડી એન મધોક,  કવિ પ્રદીપ, ફૈયાઝ હાશમી, મજરૂહ સુલ્તાનપુરી, રાજા મહેંદી અલી ખાન, કૈફી આઝમી, શૈલેન્દ્ર, સાહિર લુધિયાનવી, હસરત જયપુરી, શકીલ બદાયુની, રાજેન્દ્ર કૃષ્ણ. પ્રેમ ધવન, યોગેશ, ગુલઝાર જેવા ગીતકારોનો ફાળો પણ ન જ ભુલાય.

છેલ્લાં સો વર્ષોમાં શાસ્ત્રીય સંગીતે પણ વ્યાપક લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. અબ્દુલ કરીમ ખાન, ફૈયાઝ ખાન, અમિર ખાં, બડે ગુલામ અલી ખાં, ઓમકારનાથ ઠાકુર, બાલ ગાંધર્વ, ભીમસેન જોશી , રોશનઆરા, પ્રભા અત્રે, કિશોરી આમોનકર વગેરે ગાયકો અને બિસમિલ્લા ખાન, પંડિત રવિશંકર, વિલાયત હુસેન, અલી અકબર ખાન, પન્નાલાલ ઘોષ અને વી જી જોગ જેવા વાદકોનાં નામ આદરપૂર્વક લઈ શકાય. દક્ષિણ ભારતનો પણ શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે બહુ અમૂલ્ય ફાળો રહયો છે.

આ યાદી ક્યારે પણ પૂર્ણ ન બને કેમ કે દરેક વાચક આ અંગે પોતપોતાના મજબૂત મત ધરાવતા હોય છે.

આકાશવાણી કેન્દ્રોએ સમગ્ર ભારતને આવરી લીધું. દૂરદર્શન આવતાં આકાશવાણીના વિકાસયાત્રામાં વિઘ્ન આવ્યું, છતાં પણ તેનો વ્યાપ સાર્વત્રિક છે. પછીથી કોમ્પ્યુટર, મોબાઇલ ફોન, ઇન્ટરનેટ, સ્માર્ટ ફોન અને ડિજિટાઈઝેશન આવતાં આપણાં જીવનમાં આમૂલ પરિવર્તન આવતાં ગયાં. હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (IA) નો યુગ આવી રહ્યો છે. યુવાલ હરારી નામના લેખકે ચેતવણી આપતાં કહ્યું છે કે જે કામ આજે બૌદ્ધિકો કરી રહ્યા છે તે હવે રોબોટ્સ કરશે. પરિણામે, ઔદ્યોગિક ક્રાંતિ થતાં જેમ ખેડૂતો અને કારીગરો બેકાર બન્યા તેમ હવે બુદ્ધિથી કામ કરતા લોકો પણ સાવ નકામા બની રહેશે.

ઊણપોનું ઉધાર પાસું

ઉપર વર્ણવી છે એવી અનેક સિદ્ધિઓના જમા પાસાંની સામે જે ક્ષેત્રોમાં  આપણે ઊણા ઉતર્યાં હોઈએ એવાં ઉધાર પાસાંની પણ અહીં નોંધ લઈએ –

૧) આપણે વસ્તી નિયંત્રણ કરવામાં સફળ ન રહ્યા, જેને પરિણામે આટલાં વર્ષોમાં જ આપણી વસ્તી ચાર ગણી થઈ ગઈ.

૨) પંડિત નેહરૂના આદર્શવાદને કારણે વ્યાવહારિક નીતિઓના અમલમાં થયેલી ક્ષતિઓને કારણે ૧૯૪૮માં કાશ્મીરના ચોથા ભાગનો ભૂપ્રદેશ પાકિસ્તાન અને ૧૯૬૨માં અક્ષયચીનનો ભારતીય વિસ્તાર ચીન ઝુંટવી લઈ જઈ શક્યાં.

૩) સમાજવાદની આર્થિક નીતિઓએ દેશનાં અર્થતંત્રને બેહાલ કરી નાખ્યું. પરિણામે હજુ પણ ભારતનાં કરોડો નાગરિકો દારુણ પરિસ્થિતિમાં જીવવી રહ્યાં છે.

૪) પોતાની સત્તા સાચવી રાખવા વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ આપાતકાલિન સ્થિતિ જાહેર કરીને લોકશાહીને આઘાત પહોંચાડેલો. તેઓએ ભિંદરાનવાલેનો ખાતમો કરવા અમૃતસરનાં સુવર્ણમંદિરમાં લશ્કરને મોકલવું પડ્યું, જેને પરિણામે દેશભક્ત, બહાદુર, શીખ કોમ હંમેશ માટે નારાજ થઈ ગઈ.

૫) ૧૯૯૧ પછી આપણી આર્થિક સ્થિતિ સુધરી ખરી પણ કેટલીક માળખાંકીય કચાશો દુર ન થઈ શકવાને કારણે માલસામાનની આપણી આયાત નિકાસ કરતાં હંમેશાં વધારે રહી છે, જેનું એક પરિણામ ડોલર સામે સતત ઘટતું જતું રૂપિયાનું મૂલ્ય છે.

૬) વિશ્વભરમાં આઈ ટી ક્ષેત્રે અગ્રણી અમેરિકન કંપનીઓમાં ટોચનાં સ્થાને ભારતીય મૂળનાં લોકો છે, પણ એ કંપનીના તેઓ માલિકો નથી. તે જ રીતે તબીબી સારવાર જેવાં ક્ષેત્રોમાં પણ ભારતીય મૂળના લોકો અમેરિકા અને યુરોપમાં શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યાં છે, પણ આપણે ત્યાં એ જ સેવાઓ હજુ એ કક્ષાથી ઘણી પાછળ છે.

૭) આજ સુધીની કોઈ પણ સરકારો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવો પર અંકુશ નથી લાવી શકી, પરિણામે લોકોની વાસ્તવિક ખરીદ શક્તિ ઘટતી રહી છે. ઘણાં ઘરોએ ઘરનું બજેટ સંતુલિત કરવા માટે દૂધ જેવા પૌષ્ટિક આહારની ચીજવસ્તુઓ પર કાપ મુકવો પડે છે. પરિણામે આપણાં બાળકોમાં કુપોષણનું પ્રમાણ વૈશ્વિક માપદંડોની સરખામણીમાં ઘણું વધારે છે. આ બાળકોની પેઢી યુવાન થાય ત્યારે ઊંચાઈ, વજન અને અન્ય શારીરિક શક્તિઓની બાબતે નબળી જ રહે છે. આપણા દેશની સ્ત્રીઓમાં પણ એનીમિયાનું પ્રમાણ વધારે છે, જેની વિપરિત અસર નવી જન્મનારી પેઢી પર પડે છે.

૮) આપણો દેશ ચારેબાજુથી દુશ્મનોથી ઘેરાયેલો છે. તેથી રાષ્ટ્રીય બજેટનો મહત્તમ હિસ્સો સંરક્ષણ ખર્ચની પાછળ વપરાઇ જાય છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, ભથ્થાંઓ અને પેન્શનની રક્મ એટલી વિશાળ છે કે એ ખર્ચ કર્યા પછી સરકાર પાસે શિક્ષણ અને જાહેર સ્વાસ્થ્ય સેવાઓ જેવી અતિ મહત્ત્વની જરૂરિયાતો માટે બહુ મોટો હિસ્સો બચતો નથી.

૯) બહુમતી હિંદુઓ લઘુમતીઓ, ખાસ કરીને અહીંના મુસ્લિમો,નો વિશ્વાસ સંપાદન કરવામાં સફળ રહ્યા નથી.

૧૦) બ્રિટિશ પ્રેરિત પશ્ચિમી સંસ્કૃતિ પાસેથી આપણે મેળવ્યું છે તેના કરતાં વધારે ગુમાવ્યું છે. આપણી હજારો વર્ષ જુની સંસ્કૃતિનાં ભવ્ય સામાજિક, આર્થિક, ધાર્મિક અને આધ્યાત્મિક મૂલ્યોમાં આપણે આસ્થા ગુમાવી ચુક્યા છીએ. પરિણામે આપણી ઓળખ પશ્ચિમી સંસ્કૃતિના નબળા નકલકર્તા તરીકેની બની ગઈ છે. આપણે વધારે ભોગવાદી બની ગયા હોવાથી કુદરત સાથેનો તાલમેલ આપણે ગુમાવતાં જઈ રહ્યાં છીએ. તેથી, આપણે જંગલોવિહોણાં બનતાં જઈએ છીએ અને આપણી નદીઓ પ્રદુષિત બની ગઈ છે. જળસંકટો અને પ્રાકૃતિક આપદાઓથી પીડાવાની સજા તો આપણે ભોગવી જ રહ્યાં છીએ.

૧૧) ખેતીવાડીમાં પુરતાં વળતરનો અભાવ અને ગ્રામ્ય ગૃહઉદ્યોગો ભાંગી પડ્યા હોવાથી ગ્રામ્યવાસીઓ શહેર ભણી કૂચ કરી રહ્યા છે. આઝાદીના ૭૫ વર્ષમાં ૧૯ ટકામાંથી વધીને ૩૭ ટકા લોકો શહેરોમાં વસતા થઈ ગયા છે. નગરો અને શહેરો પર વધતાં જતા આ વસ્તી ભારણે ત્યાંની તમામ વ્યવસ્થાઓ ખોરવી નાખી છે.

૧૨) વધતાં જતાં પ્રદૂષણને કારણે શહેરોમાં શ્વાસ લેવાનું મુશ્કેલ બની રહ્યું છે.  વધતાં જતાં વૈશ્વિક તાપમાનની અસરો આપણે ત્યાં વધારે આકરી અનુભવાઈ રહી છે. આવી વિષમ પરિસ્થિતિની લાંબા ગાળાની અસરો નવી ઉછરતી પેઢીઓના શારિરિક અને માનસિક સ્વાસ્થ્ય અને વિકાસ પર પડે છે. જે દેશની ભાવિ યુવા પેઢી આટલી નબળી હોય એ દેશનું ભાવિ પણ ધૂંધળું જ બની જાય છે.

પરંતુ આ ઉધાર પાસાંઓનો અર્થ એમ નથી કે આપણી સરકારોએ ૭૫ વર્ષમાં કંઇ જ સારાં કામો નથી કર્યાં. પરંતુ પ્રસ્તુત લેખમાળામાં રાજકીય કહી શકાય એવી કોઈ પણ ચર્ચાના ઉલ્લેખને સ્થાન નથી, તેથી તે વિશે લખવાનું ટાળ્યું છે.

ઉપસંહાર

આ લેખમાળામાં આપણે ભારતના ઇતિહાસ અને તેની સાંસ્કૃતિક યાત્રાને સરળતાથી સમજવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ હવે ઉપસંહાર કરતી વેળાએ થોડી ગંભીર ચર્ચાથી લેખમાળાને સમાપ્ત કરીએ કેમકે તે દરેક ભારતીયનાં ભાવિ અસ્તિત્વને મૂળભૂત રીતે સ્પર્શે છે.

અહીં જે વિચાર રજૂ કરાયા છે તેનો આધાર જે. સાંઇ દિપકનાં હાલમાં પ્રકાશિત થયેલ પુસ્તક, Bharat That Is India,નો કેન્દ્રવર્તી વિષય છે. પુસ્તકનું ઉપશીર્ષક Coloniality, Civilization and Constitution છે. આ પુસ્તકનો પ્રથમ ભાગ બહાર પડી ચૂકયો છે અને બાકીના બે ભાગ હજુ પ્રકાશિત થશે.

લેખક આપણું ધ્યાન દોરતાં કહે છે કે અંગ્રેજોએ આપણા પર ૨૦૦ વર્ષ શાસન કર્યું અને યુરોપની સંસ્કૃતિ અહીં લાવ્યા. ઇ. સ. ૧૯૪૭માં તેમણે ભારત છોડ્યું તેથી દેખીતી રીતે તેમને સ્થાપેલ સંસ્થાનવાદ (Colonialism)નો અંત આવ્યો. પરંતુ તેઓએ જે માનસિક ગુલામી  (Coloniality) દરેક ભારતીયનાં મનોવિશ્વમાં રોપી દીધી છે તેનાં મૂળ તો વધારે ઊંડાં થતાં જાય છે. દરેક શિક્ષિત ભારતીય આજે પણ પશ્ચિમી મૂલ્યોને આધારે પોતાનું જીવન વ્યાપન કરી રહેલ છે.

પશ્ચિમી સંસ્કૃતિ આપણી આ માનસિક ગુલામીને બરકરાર રાખવા માટે ત્રણ હથિયારોનો ઉપયોગ કરે છે

૧. આધુનિકતાવાદ (Modernity)

૨. તાર્કિકતા (Rationality), અને

૩. ધર્મનિરપેક્ષતા (Secularism)

આ ત્રણેના હથિયારોના પાયામાં ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો પ્રચ્છન્ન રીતે સ્થાપિત છે. તે ભારતીય સંસ્કૃતિનાં આધ્યાત્મિક, ધાર્મિક, સામાજિક અને આર્થિક મૂલ્યોનો હ્રાસ કરે છે.

વળી, ભારતીયોનાં દુર્ભાગ્યે પશ્ચિમી સંસ્કૃતિનાં આક્રમણ પહેલાં ભારત પર ૬૫૦ વર્ષનાં ઇસ્લામિક શાસનનો ક્રૂર પંજો ફેલાયેલો હતો, જેણે આપણ દેશના સાંસ્કૃતિક મૂલ્યોના પાયા હચમચાવી દીધેલા. જોકે તે ખુલ્લો પડકાર હતો, એટલે ભારતીયોએ તેનો મુકાબલો પણ પ્રત્યક્ષ રીતે જ કર્યો. પરંતુ પશ્ચિમી Colonialityનો સામનો કઈ રીતે કરવો તેની આપણને ગતાગમ નથી.

સાંઇ દિપક કહે છે કે આ માટે ભારતીયોએ પોતાનાં પ્રાચીન મૂલ્યોને પુનઃજાગૃત કરવાં જોઈશે. આપણાં આ શાશ્વત મૂલ્યો આજે પણ જીવંત છે, એટલે આપણે આશા રાખી શકીએ કે જે રીતે દક્ષિણ અમેરિકા અને આફ્રિકા પોતાનાં પ્રાચીન મૂલ્યોની જાળવણી ન કરી શકવાને પરિણામે જે રીતે અપ્રાસંગિક બની ગયાં છે તેવા હાલ આપણા નહીં થાય.

આપણી આ લેખમાળાનું સમાપન આપણે કચ્છી સંત મામૈદેવની આગાહીના આશાવાદથી કરીએ કે જેમાં તેઓ કહે છે કે ઇ. સ. ૨૦૮૨માં વિશ્વભરમાં સુવર્ણ યુગનો પ્રારંભ કરવામાં ભારત અગ્રેસર હશે.


સમાપ્ત


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.


આપણા સાંસ્કૃતિક ઇતિહાસમાં ડોકીયું‘ પર ક્લિક કરવાથી ‘આપણે કેટલાં પ્રાચીન’ લેખમાળા બધા જ મણકા એક સાથે વાંચી શકાય છે/ડાઉનલોડ કરી શકાય છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.