વાત મારી, તમારી અને આપણી
ડૉ. મૃગેશ વૈષ્ણવ.
એમ.ડી.(મનોચિકિત્સક)
તમને ખબર છે ? તમે ક્યારેય શરમાળ ન હતા જે આજે છો. તમે ક્યારેય અપરાધભાવ નહોતા અનુભવતા આજે તે વારંવાર અનુભવો છો ! તમે ક્યારેય તમારી જાતને ઉતારી પાડતા ન હતા. આજે તમે તમારી સતત ટીકા કરો છો. આવું કેમ થયું ? હા હું તમને એ જ જણાવવા આવ્યો છું.
બાળપણથી આજ સુધી તમારી જાણ બહાર તમારી સંખ્યાબંધ સેલ્ફી તમે પાડતા આવ્યા છો.
તમારા બાળપણના અનુભવોને આધારે તમારી જે ‘ઈમેજ’ તમે બનાવી છે, સાચો કે ખોટો જે અભિપ્રાય તમે બાંધી લીધો છે, એવી જ લાગણી તમે અનુભવો છો, એવું જ વર્તન અને વલણ તમે દાખવો છો, એવી જ વાણી તમે ઉચ્ચારો છો અને એની અનુરૂપ જ તમારું ભવિષ્ય ઘડાય છે.
તમારા મોબાઈલ ફોનમાં તમારી ‘સેલ્ફી’ પાડવાનો કેટલા લોકોને શોખ છે ?
તમારા ચિત્ર, વિચિત્ર હાવભાવ તથા મુખમુદ્રા સાથેની તમે તમારી સેલ્ફી પાડો છો અને પછી તે તમારા ગ્રુપમાં વાયરલ કરો છો. સેલ્ફી પાડતી વખતે તમારી સારામાં સારી છબી પાડવાની તમે કોશિષ કરો છો. ખરું ને ?
પણ તમને ખબર છે તમારી આવી અસંખ્ય ‘સેલ્ફી’ તમે કોઈ પણ પ્રકારના મોબાઈલ કેમેરા કે સેલ્ફીસ્ટીક વગર બાળપણથી પાડતા આવ્યાં છો. તમારી આવી તો સેંકડો સેલ્ફી તમે પાડી ચૂક્યા છો.
નાવાઈ લાગે છે ને ? તમે તમારી છબિ પાડો અને તમને તેની ખબર સુધ્ધાં ન હોય ?
હા, એવું જ બને છે, કારણ આ ક્રિયા તમારી જાણ બહાર એવી છાનીછપની થતી હોય છે કે એનો જરા સરખો અણસાર પણ તમને આવતો નથી. તમે એવી કુદરતી રીતે અને સાહજિકતાથી તમારી સેલ્ફી પાડી લો છો જેનાથી તમે સાવ અજાણ હો છો. આ સેલ્ફિમાં દ્રશ્યમાન થતી તમારી ઓળખને પ્રસ્થાપિત કરતાં વરસોના વરસ નીકળી ગયાં હોય છે અને આજે તમે અમુક વર્ષના થયા ત્યારે એ જુદી જુદી છાપ, અલગ-અલગ ચહેરાઓ-લેબલો સાથે તમારી ધૂંધળી કે સ્પષ્ટ છબી તમે બનાવી છે.
તમારા માટે તમે જે ઈમેજ બનાવી છે. સાચો કે ખોટો જે અભિપ્રાય બાંધી લીધો છે. એવી જ લાગણી તમે અનુભવો છો, એવા જ વિચારો તમે કરો છો, એવી જ માન્યતા તમે ધરાવો છો. એવું જ વર્તન અને વલણ તમે દાખવો છો, એવી જ વાણી તમે ઉચ્ચારો છો અને એને અનુરૂપ જ તમારું ભવિષ્ય ઘડાય છે.
પ્રત્યેક વ્યક્તિએ પોતાની ક્ષમતા, પ્રતિભા તથા કાર્યદક્ષતાને અનુરૂપ પોતાની સેલ્ફ ઈમેજમાં સતત સુધારો કરતાં રહેવું પડે. જો તમારી સેલ્ફ-ઈમેજ તમારી ક્ષમતા કરતાં ઓછી છે તેમ તમે માનતા હોવ તો તમારા માં આત્મવિશ્વાસનો અભાવ છે. તમે લઘુતા કે હીન ભાવનાના શિકાર છો.
આનંદ, ખુશી, પ્રેમ, ધિક્કાર અને આશા જેવા લક્ષણોનો સરવાળો એટલો પૂર્ણ સેલ્ફ ઈમેજ વિશેની સમજ.
સેલ્ફ-ઈમેજ એટલે વ્યક્તિએ પોતાના મનમાં પોતાના વિશે સંઘરી રાખેલ છબિ અથવા છાપ. વ્યક્તિ પોતાના વિશે શું વિચારે છે કે પૂતે કેવો છે, તેમ માને છે કે અનુભવે છે એને ‘સેલ્ફ-ઈમેજ’ એટલે કે સ્વછાપ કે સેલ્ફી કહેવાય છે.
બાળક પૃથ્વી પર આવ્યો છે સાવ કોરી સ્લેટ સાથે. તેને પોતાની જાત માટે કોઈ અભિપ્રાય નથી.
હું સારો ગણાઉં કે ખરાબ ગણાઉં ? તે વિશે એને કંઈ જ ખબર નથી, પણ જન્મ બાદ તેને જાત-જાતના અનુભવો થાય છે. તેના પરથી તે પોતાની ઓળખાણના અંશો મેળવતો રહે છે.
આ સેલ્ફી ની રચના કોઈ કાગળ પર થતી નથી. કોઈ પણ પિક્સેલ કેમેરામાં કંડારાતી નથી. પરંતુ બાલ્યાવસ્થાથી આજ દિન સુધી બનેલ સારી-નરસી ઘટનાની છાપ સેલ્ફી સ્વરૂપે તમારા મગજમાં કંડારાતી રહે છે.
બાળક જેમ-જેમ મોટો થતો જાય છે તેમ-તેમ તેનાં માં-બાપ, આસપાસના સ્વજનો, તથા અન્ય લોકો તેને માટે જાત-જાતના વિશેષણો વાપરતા રહ્યે છે. તેને ટોકતો રહે છે, શું ન કરવું જોઈએ તેમ જણાવતા રહે છે અને બાળકોની કોરી સ્લેટમાં એની મર્યાદાઓ, ખામીઓના આંકા પાડી તેની સેલ્ફી ઉપસાવતા રહે છે.
“ગંદોગોબરો”, “માંદલો”, “રડમસ” , “નકામો” , “હઠીલો” , “તોફાની” , “જિદ્દી” , “માથે પડેલો” જેવાં વિશેષણો બાળક આસપાસથી સાંભળતો રહે છે.
જો માતા-પિતા સમજુ અને સંસ્કારી તથા પ્રેમાળ હોય તો બાળકને ‘ચબરાક’ , ‘વહાલો’ , ‘લાડકો’ , ‘બચૂડીયો’ , ‘હસમુખો’ , ‘મજાનો’ , ‘ડાહ્યો’ વગેરે વિશેષણો સાંભળવા મળવાના.
પહેલાં પ્રકારના વિશેષણો મનમાં નકારાત્મક છબિ કંડારે છે જ્યારે બીજા પ્રકારના વિશેષણો પોઝીટિવ સેલ્ફ ઈમેજ ઉપસાવે છે.
બાલ્યાવસ્થામાં રોજીંદા જીવનમાં બનતી વિવિધ ઘટનાઓની છાપ તમારા મનમાં અંકાઈ જાય છે. દા.ત. , તમારાં માતા-પિતા કે વડીલ તમને ઠપકો આપતાં જુદા જુદા પ્રસંગે તમારી બાલ્યાવસ્થામાં નીચે મુજબ વિધાનો તમારા વિશે ઉચ્ચારે છે.
“થોડું ભાન રાખ… અક્કલ વગરના.”
“તું મોટો થઈને તારા કાકા જેવો બબૂચક ન પાકતો.”
“સાવ ડોબા જેવો છે… આટલી પણ ખબર પડતી નથી ?”
તમારાં માતા-પિતા કે વડીલના આવાં વાક્યોથી તમને આઘાત લાગશે અને એની છાપ તમારા મન પર પડશે. એને માન્યતા તરીકે તમે સ્વીકારતા જશો.
કારણ એ વખતે તમે નિર્દોષ બાળક હતા. તમારી જાતને ઓળખવા માટે તમારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. તમારાં મા-બાપ જે તમને લાડકોડ કરે છે, તમારાં કપડાં, ખોરાક, રમકડાં, પુસ્તકો પૂરાં પાડે છે, તમારી નાની-નાની બાબતમાં કાળજી લે છે, તમે બીમાર પડો તો દવા-દારૂ કરાવે છે. આવાં મા-બાપ તમારા માટે કંઈ ખોટું શું કરવા રહે ? જે કહે તે સાચું જ કહેને ? અને આમ તમારા માતા-પિતા, વડીલ કે શિક્ષકે આપેલ તમારા વિશેનો અભિપ્રાય તમે સાચો ગણી લો છો.
તમારા વિશેનો જે અભિપ્રાય તમે સાચો ગણી લો છો તેવી જ લાગણી તમે અનુભવો છો અને તે પ્રમાણે જ તમે વર્તન કરો છો. જેમ કે…
“હું મૂરખ છું” , “હું નકામો છું.”
“હું માથે પડેલો છું” , “હુ બબૂચક છું.”
“હું ઠોઠ છું” , “હું દોઢડાહ્યો છું” , “હું ડફોળ છું.”
“હું ભોપાભાઈ છું” , “હું માંદલો છું.”
અને જેવી લાગણી અનુભવો છો એ મુજબ વર્તન કરો છો.
હવે જો બાળપણમાં તમારા વડીલે કોઈ કારણોસર તમને શાબાશી આપી હોય તો તમે ખુશ થયા હશો તેની ‘સેલ્ફી’ પણ તમારા મગજમાં પડી જવાની. આમ, તમારા વડીલ તમને એમ કહે કે :
“અમારો ચિન્ટુ તો ભારે હોશિયાર.”
“અરે તારા જેવો સારો કોઈ છોકરો ન હોય” , “તારામાં ઘણી સારી આવડત છે.”
“તારી જીજ્ઞાસા અને કુતૂહલવૃત્તિ પર અમને ગર્વ છે.”
“અમારો ચિન્ટુ ચાલાક છે. ગમે તેવી મુશ્કેલીમાં કામ પતાવે.”
તમારાં માતા-પિતા કે વડીલના આવાં વાક્યો તમારી પોઝીટિવ-સેલ્ફી તમારા મનમાં કંડારે છે. જો આવાં વાક્યો વારંવાર સાંભળવા મળે તો તમને તમારા વિશે ઉજળો અભિપ્રાય બંધાય છે. એવા સંજોગોમાં તમારી સેલ્ફી કંઈક આવી હશે :
“હું હોશિયાર છું.”
“હું ચાલક છું.” , “હું સારો છું.”
“હું વહાલો અને લાડકો છું.”
“હું અક્કલ-આવડતવાળો છું.”
“હું સમજદાર છું.”
આમ તમારી તંદુરસ્ત ‘સેલ્ફી’ તમારા મનમાં કંડારાતી જશે જેને કારણે તમે મોટા થઇ પોઝીટિવ સેલ્ફ-ઈમેજ ધરાવશો., તમારી જાત માટે ગૌરવ અનુભવશો અને વડીલોનાં આવાં વિધાનોના આધારે તમે તમારી ઓળખ મેળવશો જે તંદુરસ્ત સેલ્ફ-ઈમેજનો ભાગ બનશે.
મેં અગાઉ કહ્યું તેમ તમારે માટે તમે જે અભિપ્રાય સાચો ગણી લીધો હશે તેવી જ લાગણી તમે અનુભવશો અને તેને અનુસરીને વર્તન કરશો.
જો તમે તમારી જાતને ડફોળ ગણી લેશો તો એવું વર્તન કરવા પ્રેરાશો જે ડફોળમાં જ ખપે.
જો તમે તમારી જાતને ભોળી ગણતા હશો તો એવું જ વર્તન કરશો કે જેથી લોકો તમને બનાવી જાય.
તમે તમારી જાતને લાચાર, અસહાય ગણાતા હશો તો તમારી સમસ્યા વખતે લાચારી અનુભવે કોઈ તમને એમાંથી ઉગારે એમ વિચારશો અને વરતશો.
તમે તમારી જાતને “હોશિયાર” , “ચાલક” , “અક્કલવાળો” ગણાવતા હશો તો તમે એવું જ વર્તન કરશો જેથી તમે તેવા જ પુરવાર થાવ.
ન્યૂરોગ્રાફ :-
બાળક જન્મે છે ત્યારે એની જન્મકુંડલી બનાવી એનું ભવિષ્ય જાણવાની કોશિશ કરાય છે. હકીકત માં બાળક સફળ થશે કે નિષ્ફળ, તેનો આધાર તેના બાલ્યાવસ્થા ના ઉછેર અને અનુભવો ને અનુરૂપ તેના મનમાં કંડારાયેલ તેની સેલ્ફી પર હોય છે.
સંપર્ક – ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.
ઈ-મેલ ઃ mrugeshvaishnav@gmail.com
Website: www.drmrugeshvaishnav.com