સાંસદો-ધારાસભ્યોના પેન્શનનું ઔચિત્ય

નિસબત

ચંદુ મહેરિયા

દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જેના ધારાસભ્યોને પેન્શન મળતું નથી. કારણ કે ગુજરાતમાં હજુ ગાંધીની આણ પ્રવર્તે છે કે ગાંધીનું તપ સાબૂત છે.ગાંધીજી માનતા હતા કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ લોકસેવાને વરેલા હોઈ તે ‘મતદારોની પરિસ્થિતિમાં અને તેમના જ વાતાવરણમાં તેમની સેવા કરશે’. પ્રધાનો કે ધારાસભ્યો ‘સાહેબ લોકોની જેમ ન રહી શકે સરકારી સાધનોનો ઉપયોગ પણ ખાનગી ઘરકામ માટે ન કરી શકે’.

પણ આજે તો સાંસદો અને ધારાસભ્યો તગડા પગાર-ભથ્થાં તો મેળવે જ છે. સાંસદ કે  ધારાસભ્ય મટી ગયા પછી પેન્શન અને તેમના મરણ પછી તેમના વારસદારોને કુટુંબ પેન્શન પણ મળે છે !. ગુજરાત તેમાં અપવાદ છે. ગુજરાતના સાંસદોને પેન્શન મળે છે પણ ધારાસભ્યોને મળતું નથી !. તે મેળવવાના પ્રયાસો જરૂર થયા છે પરંતુ ગાંધીમાર્ગી લોક આંદોલનોને કારણે સફળ થઈ શક્યા નથી.

થોડા દિવસો પહેલાં ગુજરાત એક્સ એમએલએ કાઉન્સિલે ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની તેમની પુરાણી માંગ દોહરાવી છે. તો ગુજરાતના સરકારી કર્મચારીઓએ નવી પેન્શન સ્કીમને બદલે જૂની પેન્શન સ્કીમ લાગુ પાડવા સંગઠિત તાકાત સાથેનું અસરકારક આંદોલન ઉપાડ્યું છે. પંજાબની આમ આદમી પાર્ટીની સરકારના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યમાં ‘એક ટર્મ એક પેન્શન’ની નીતિ જાહેર કરી છે તેને કારણે પણ ધારાસભ્યો-સાંસદોના પેન્શનનો પ્રશ્ન ચર્ચામાં છે.

સરકારી કે અન્ય સેવામાં કામ કરતા અધિકારી-કર્મચારીને પાંત્રીસ-ચાલીસ વરસની નોકરી પછી પેન્શન મળે છે. પરંતુ આપણા માનનીય સાંસદો અને ધારાસભ્યોને એક દિવસ(રિપિટ એક દિવસ)  માટે પણ જો તે સાંસદ કે ધારાસભ્ય બને તો પેન્શન મળે છે.! પેન્શનપાત્ર નોકરી ધરાવતી વ્યક્તિ નિવૃતિ કે રાજીનામા પછી એમપી, એમએલએ બને તો તેને તેની અગાઉની નોકરીનું પેન્શન યથાવત મળતું રહે છે તે ઉપરાંત એમપીએમએલએનું પેન્શન મળે છે. જો કોઈ ધારાસભ્ય, લોકસભા કે રાજ્યસભાનો સભ્ય બને તો તેને  ધારાસભ્યના પેન્શન ઉપરાંત લોકસભા-રાજ્યસભાના સભ્યનું પેન્શન પણ મળે છે. જો ધારાસભામાં કે સંસદમાં એક થી વધુ ટર્મ ચૂંટાયા હોય તો ટર્મદીઠ પેન્શન મળે છે.

ઘણા માનનીય પૂર્વ જનસેવકોને મળતું પેન્શન રાષ્ટ્રપતિના કે ટોચના સનદી અધિકારીઓના પગાર કરતાં પણ વધુ હોય છે.પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રતાપસિંહ બાદલ શાયદ દેશમાં સર્વાધિક વાર ધારાસભ્ય હોવાનો વિક્રમ ધરાવે છે. જેટલીવાર ચૂંટાવ તેટલીવારના પેન્શનના હિસાબે અગિયારવારના ધારાસભ્ય બાદલસાહેબને મહિને ૫.૭૬ લાખ રૂપિયાનું પેન્શન મળે છે. પંજાબના બીજા પૂર્વ મુખ્યમંત્રી રાજિંદર કૌર ભટ્ટલને માસિક રૂ. ૩.૨૫ લાખ પેન્શન મળે છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાને ૨ લાખ, પૂર્વ ધારાસભ્ય અજય યાદવને રૂ. ૨.૩૮ લાખ  બિહારના રમઈ રામને રૂ.૧.૪૬ લાખ માસિક પેન્શન મળે છે. હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ભજનલાલના પત્ની જસમાદેવીને તેમનું ખુદનું પૂર્વ ધારાસભ્યનું માસિક રૂ.૬૧,૮૦૦ અને ભજનલાલના વિધવા તરીકે કુટુંબ પેન્શન રૂ. ૯૯,૬૧૯ મળે છે.

ધારાસભ્યોના પેન્શન રાજ્યેરાજ્યે અલગ અલગ હોય છે. પંજાબમાં મહિને રૂ. ૭૫,૦૦૦, મણિપુરમાં ૭૦,૦૦૦ મહારાષ્ટ્રમાં ૫૦,૦૦૦, ઝારખંડમાં ૪૦,૦૦૦, હિમાચલમાં ૩૬,૦૦૦ , રાજસ્થાનમાં ૩૫,૦૦૦, ઉત્તરપ્રદેશમાં ૩૦,૦૦૦ અને મધ્યપ્રદેશમાં ૨૫,૦૦૦ પેન્શન મળે છે. જોકે આ તો મૂળભૂત પેન્શનની રકમ છે તેના પર મોંઘવારી અને અન્ય ભથ્થા ઉમેરાય છે. એક અંદાજ મુજબ દેશમાં એક સાંસદને માસિક સરેરાશ રૂ.૨.૬૮ લાખ અને ધારાસભ્યને એકાદ લાખ પેન્શન મળે છે.

દુનિયાના અન્ય દેશોમાં જનપ્રતિનિધિઓના પગાર-ભથ્થા નિર્ધારિત કરવા માટે આયોગ કે સમિતિ જેવી અલગ વ્યવસ્થા હોય છે પરંતુ ભારતમાં દલા તરવાડીપણું ચાલે છે એટલે સાંસદો કે ધારાસભ્યો પોતે જ પોતાના પગાર અને પેન્શન નિર્ધારિત કરે છે અને વધારે છે. ‘સાંસદોના વેતન, ભથ્થા અને પેન્શન અધિનિયમ, ૧૯૫૪’માં અત્યાર સુધીમાં ત્રીસ કરતાં વધુ સુધારા થયા છે.સત્તાપક્ષ અને વિપક્ષ આ એક બાબતમાં એક મત હોય છે એટલે વગર ચર્ચાએ, સર્વાનુમતે,  ભારે નફફટાઈથી પોતાના જ પગાર અને પેન્શનમાં પોતે જ વધારો કરતું બિલ પસાર કરી દે છે. છે. સાંસદોને ૧૯૭૬માં રૂ. ૩૦૦ માસિક પેન્શન મળતું હતું જે ૨૦૧૮માં વધારીને ૨૫,૦૦૦ થયું છે. જોકે દેશના ૨૧ રાજ્યોના ધારાસભ્યો કરતાં સાંસદોને મળતું પેન્શન ઓછું છે.

ચૂંટાયેલા જનપ્રતિનિધિને આપવામાં આવતું પેન્શન કેટલું ઉચિત છે તે ચર્ચાનો વિષય છે. નબળી આર્થિક સ્થિતિ ધરાવતા જનપ્રતિનિધિનો હવાલો આપીને તેનું ઔચિત્ય  સમજાવી શકાય  તેમ નથી. કેમ કે દેશમાં ૮૨ ટકા સાંસદો અને ધારાસભ્યો કરોડપતિ છે. વળી તમામને પેન્શન તો જરાય વાજબી નથી. મોટા રાજનેતા, ઉધ્યોગપતિ, ફિલ્મકાર, ધારાશાસ્ત્રી, અખબાર કે મીડિયા સમૂહના માલિક પણ હાલના માપદંડે પેન્શનને પાત્ર છે કે પેન્શન મેળવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ પૂર્વ રાષ્ટ્રપતિ તરીકેનું પેન્શન અને સવલતો ભોગવે છે સાથે ધારાસભ્ય અને સંસદસભ્ય તરીકેનું પેન્શન પણ મેળવે છે. હિંદી ફિલ્મોના એક જમાના સુપરસ્ટાર ધર્મેન્દ્ર, ઉધ્યોગપતિ રાહુલ બજાજ, નવીન જિંદલ અને સાવિત્રી જિંદલ એવા કેટલાક નામ છે જેમને પેન્શન મળતું હતું કે મેળવે છે.

હરદમ રાગ સેવા આલાપતા રહેતા પ્રજાના સેવકો પ્રજાના પૈસે નિવૃતિ પછી પણ પેન્શન રૂપી મેવા મેળવતા રહે તે જરાય ઉચિત નથી.ધારાસભ્યોના પગાર અને પેન્શન પાછળ ૨૦૧૮માં દેશમાં રૂ. ૧૧૦૦ કરોડ અને સાંસદોના પગાર-પેન્શન પાછળ રૂ.૩૦૦ કરોડ ખર્ચાયા હતા. બેવડા કે ત્રેવડા પેન્શન પર પણ જો લગામ મુકાય તો મોટી બચત થઈ શકે તેમ છે.પંજાબમાં વરસે રૂ. ૮૦ કરોડની બચત થવાની છે.

વળી પંજાબના તમામ રાજકીય પક્ષોએ એક કાર્યકાળ માટે એક જ પેન્શનના સરકારના  નિર્ણયનું સમર્થન કર્યું છે. પ્રકાશસિંહ બાદલે હવેથી પેન્શન નહીં લેવાનો નિર્ણય કર્યો છે. ૨૦૧૮માં જ્યારે સાંસદોના પેન્શનમાં વૃધ્ધિ અંગે તત્કાલીન લોકસભા સભ્ય અને હાલના યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વડપણ હેઠળની સંસદીય સમિતિએ પેન્શનની મૂળભૂત રકમ રૂ. ૩૫,૦૦૦ રાખવા ભલામણ કરી હતી. પણ સરકારે તેના બદલે રૂ.૨૫,૦૦૦ જ પેન્શન માન્ય રાખ્યું હતું.

જન સેવકો કર્મચારીઓ જેવી પગાર-ભથ્થાની અપેક્ષા ન રાખી શકે જ્યારે કેન્દ્ર અને રાજ્યોના બજેટમાં સરકારી કર્મચારી-અધિકારીના પગાર કરતાં પેન્શનની રકમ વધુ  હોય અને કેન્દ્ર સરકારે ૨૦૦૪ થી સરકારી કર્મીઓ માટે પેન્શન યોજના બંધ કરી દીધી હોય ત્યારે તો સાંસદો-ધારાસભ્યોનું પેન્શન જરાય ઉચિત ઠરતું નથી. વડાપ્રધાનની એક હાકલે હજારો લોકોએ રેલવે અને ગેસની સબસિડી જતી કરી હતી..વડાપ્રધાન ખમતીધર સાંસદો અને ધારાસભ્યોને પણ પેન્શન જતું કરવા અપીલ કરે તો કેવું સારું .


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “સાંસદો-ધારાસભ્યોના પેન્શનનું ઔચિત્ય

  1. વરસો પહેલાં 1969 મા તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી એ રાજા ઓ જેમણે પોતાના રાજ્યો વિલીનીકરણ મા અખંડ ભારત દેશ બનાવા માટે આપ્યા એમનુ pention બંધ કરી દીધું
    અત્યાર ના લેભાગુ સ્વાર્થી દેસ ને ખોખલો કરી દેવા માગતા ઝમીર વહેંચી ખાધેલ MP, Mla wants life time pention આ બધું વીર્યવીહીન પ્રજા ને કારણે બને
    અફસોસ

Leave a Reply

Your email address will not be published.