તપસ્યાથી જ તેજસ્વીતા- ભૃગુવલ્લી

ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

દિનેશ.લ. માંકડ

શિક્ષણ સંદર્ભે તૈત્તરીય ઉપનિષદની ભૃગુવલ્લીમાં આગવી વાત એ છે કે અહીં વરુણદેવના પુત્ર ભૃગુએ પિતાને પૂછેલા સવાલો છે.પિતા-પુત્ર પણ ગુરુ- શિષ્ય હોય એમ દર્શાવીને પુત્ર જિજ્ઞાસાને સંતોષવાની પિતાની જવાબદારીનો સંદેશ છે भृ॑गु॒र्वै वा॑रु॒णिः। वरु॑णं॒ पित॑र॒मुप॑ससार। अधी॑हि भगवो॒ ब्रह्मेति॑ ।.જુનિયર કે.જી.થી સંતાનોને ટ્યુશનમાં મોકલતાં વાલી મિત્રોને માટે પડકારરૂપ પાઠ છે. પિતા વરુણએ પણ દરેક સવાલ વખતે, ઉત્તર મેળવવા માટે તપ-અભ્યાસને અતિ સઘન બનાવીને મેળવવાની સૂચના આપી છે.અને ભૃગુએ તે કાર્ય પછી પુષ્ટિ મેળવવા પિતા વરુણ સાથે સંવાદ કર્યો છે.

વર્તમાન શિક્ષણમાં હવે હવે એક સંકલ્પના ઉમેરાઈ છે . શીખવવા‘ ( teaching )  ને બદલે  જાતે શીખવા ‘ (self -learning )  પર ભાર મુકાય છે. હજારો વર્ષ પહેલાં ભૃગુવલ્લીમાં તો આ વાત ભાર મુકાઈ જ ગયો છે.પુત્ર ભૃગુએ જયારે જયારે પ્રશ્ન કર્યો છે ત્યારે પિતા વરુણે પુત્ર, ભૃગુને કઠોર તપ કરીને ઉત્તર શોધવાનો પ્રયત્ન કરવા કહ્યું છે.स तपोऽतप्यत । स तपस्तप्त्वा ॥ તપશ્ચર્યા પૂર્ણ થાય -તાગ મળે એટલે પિતા પાસે આવી પોતે પ્રાપ્ત કરેલ જ્ઞાનની ત્રુટીઓ પૂર્ણ કરે.સમર્થન મેળવે..

બધા જ શિષ્યોને એક વખત પાઠ કરાવ્યા પછી તરત સ્મૃતિમાં આવી જ જાય.એવું નથી હોતું.,એટલે પુનરાવર્તન એ પણ શિક્ષણની અગત્યની વિભાવના છે.ઉપનિષદમાં કેટલાય સ્થળે શિષ્ય ન પૂછે તો પણ કેટલીક આવશ્યક વિદ્યાનું ગુરુ પુનરાવર્તન કરે જ. ભૃગુવલ્લીમાં પણ આ પ્રયોગ દેખાય છે.

બ્રહ્માનંદવલ્લીમાં પંચકોશને પ્રાધાન્ય છે તેમ અહીં પણ પિતા વરુણે, પુત્ર ભૃગુને આ પંચકોશની મહત્તા બતાવતાં તેને પ્રતિપાદિત કરી સમજાવી છે. पञ्चकोशान्तःस्थितब्रह्मनिरूपणम्  અન્ન,પ્રાણ,મન,વિજ્ઞાન અને આનંદ જ બ્રહ્મ છે એમ કહીને ભૃગુવલ્લીનો પ્રારંભ થાય છે.

અન્ન જ બ્રહ્મ છે કહીને ઉપનિષદ થોભી જતું નથી.अन्नं बहु कुर्वीत । तद्व्रतम् । વધુ અન્ન ઉગાડવું એ વ્રત છે કહી કૃષિ પ્રધાનતાની વાત કરી.સાથે સાથે પૃથ્વી જ અન્ન છે,આકાશ એ પૃથ્વીરૂપી અન્નનું આધાર છે પૃથ્વીમાં આકાશ અને આકાશમાં રહેલાં છે. જે મનુષ્ય, ‘અન્નમાં અન્ન રહેલ છે’ એ રહસ્ય સમજે છે તે તે વિષયમાં પ્રતિષ્ઠિત થાય છે .અન્નવાળો અને અન્નને પચાવનારો બને છે તે પ્રજા,પશુ અને બ્રહ્મતેજથી મહાન બને છે.કીર્તિથી મોટો બને છે. महान्भवति प्रजयापशुभिर्ब्रह्मवर्चसेन । महान् कीर्त्या॥

આતિથ્ય સત્કારનું મહત્ત્વ અહીં ઉડીને આંખે વળગે તેવું છે.પોતાને આંગણે આવેલા અતિથિને પ્રતિકૂળ ઉત્તર ન આપવો તે પણ વ્રત છે. न कञ्चन वसतौ प्रत्याचक्षीत । तद्व्रतम् । એટલે કોઈ પ્રકારે અતિથિના સત્કાર માટે ઘણું અન્ન મેળવવું જોઈએ.એટલું જ નહિ આ અનુવાક આગળ કહે છે,’  જેવા આદર સન્માન સાથે અતિથિને અન્ન આપો તેવા જ આદર સાથે દાતા અન્ન પ્રાપ્ત કરે છે.’ .આ ધરોહર આટલી હદે તો કેવળ ભારતીય સંસ્કૃતિમાં જ હોઈ શકે. આખાય ઉપનિષદમાં વ્રતનો મહિમા વિશેષ કહેવાયો છે

ઈશ્વરની સર્વવ્યાપકતાને પુત્રમાં ગ્રથિત કરવા માટે પિતા વરુણ સમજાવે છે કે પરમાત્મા વાણી અને પ્રાણ માં રક્ષા સ્વરૂપે ,હાથમાં કર્મ શક્તિ સ્વરૂપે ,પગોમાં ગતિ,સ્વરૂપે અને ઉત્સર્ગ તંત્રમાં વિરાજમાન છે.क्षेम इति वाचि । योगक्षेम इति प्राणापानयोः ।कर्मेति हस्तयोः । गतिरिति पादयोः । विमुक्तिरिति पायौ । શરીરવિજ્ઞાન નું મૂલ્ય સમજવા આનાથી વધુ મોટું કયું  પ્રમાણ હોઈ શકે ?

પરમાત્માના પ્રાપ્તિ માટે દૈવી ઉપાસના સમજાવતાં ઋષિ વરુણ આગળ કહે છે ,’ વૃષ્ટિમાં તૃપ્તિ રૂપે,વીજળીમાં બળ રૂપે, પશુમાં યશરૂપે ગ્રહો,નક્ષત્રોમાં જ્યોતિ રૂપે ઉપસ્થ પ્રજા ઉત્પન્ન કરવાની અમૃત અને આનંદ દેવાની શક્તિરૂપે સ્થિત છે તથા આકાશમાં સર્વેના  આધારરૂપે રહેલ છે. अथ दैवीः । तृप्तिरिति वृष्टौ । बलमिति विद्युति ॥  यश इति पशुषु । ज्योतिरिति नक्षत्रेषु ।प्रजातिरमृतमानन्द इत्युपस्थे । सर्वमित्याकाशे ।  આમ એક જ અનુવાકમાં શરીરવિજ્ઞાન અને પ્રકૃતિ વિજ્ઞાનની મહત્તા અદભુત રીતે મૂકી છે.

માનવમાત્ર જયારે કોઈ પ્રાપ્તિ માટે ઈશ્વર-પરબ્રહ્મ પાસે કોઈને કોઈ રીતે પ્રાર્થના -ઉપાસના કરેછે.અહીં સકામ ઉપાસનાના પરિણામની વાત કરી છે.જેવી જેની ભાવના તેવું તેનું ફળ. तत्प्रतिष्ठेत्युपासीत । प्रतिष्ठावान् भवति ।तन्मह इत्युपासीत । महान्भवति । तन्मन इत्युपासीत ।मानवान्भवति ॥ ઉપાસ્ય દેવ મન છે એમ સમજી ઉપાસના કરવાથી સાધક મનશક્તિ વાળો થાય..તે નમસ્કાર કરવા યોગ્ય છે એમ સમજી ઉપાસના કરવાથી સમસ્ત ભોગ પદાર્થો વિનીત બને છે.બ્રહ્મ સમજી ઉપાસના કરે તો ઉપાસક બ્રહ્મ બને તેવું દ્રઢતા પૂર્વક આ ઉપનિષદ કહે છે.. नम्यन्तेऽस्मै कामाः ।तद्ब्रह्मेत्युपासीत । ब्रह्मवान्भवति ।અને પંચકોશને સિદ્ધ કરી પરમપદને પ્રાપ્ત કરે છે.एतमन्नमयमात्मानमुपसङ्क्रम्य ।एतं प्राणमयमात्मानमुपसङ्क्रम्य ।एतं मनोमयमात्मानमुपसङ्क्रम्य ।एतं विज्ञानमयमात्मानमुपसङ्क्रम्य ।एतमानन्दमयमात्मानमुपसङ्क्रम्य ।इमाँल्लोकन्कामान्नी कामरूप्यनुसञ्चरन् ।एतत् साम गायन्नास्ते।

ભૃગુવલ્લી પૂર્ણ થતાં થતાં પણ ફરીને અન્નની પ્રધાનતા અન્નના સ્વમુખે કહી જાય છે.,’ અહો ,અહો, હું અન્ન છું ,હું અન્નનો ભોક્તા પણ હું છું.હિરણ્યગર્ભ અને દેવતાઓથી પણ પહેલાં વિદ્યમાન અમૃતનું કેન્દ્ર હું જ છું.મારા એક પ્રકાશની ઝલક સૂર્ય છે.  अहं विश्वं भुवनमभ्यभवा३म्। सुवर्न ज्योतीः ।

             ગુરુ આજ્ઞા એ જ ફલશ્રુતિ છે. ગુરુ પદે કોઈ હોય, પિતા પણ હોય તેની સર્વ આજ્ઞા પાલન એ જ  લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ છે.ભૃગુવલ્લીમાં ગુરુ વરુણ, શિષ્ય ભૃગુને વારંવાર તપ કરીને સ્વયં શોધ  કરવાનો આદેશ કરે છે .સંનિષ્ઠ પ્રયાસ પછી ગુરુ પાસે ઉપસ્થિત થાય અને પૂરક મેળવીને પૂર્ણ થાય. પૂર્ણ  શિક્ષણપ્રાપ્તિની આ ખુબ પ્રાથમિક બાબત છે.આમ ભૃગુવલ્લી તપસ્યાથી તેજસ્વીતા સુધીની છે.-બ્રહ્મવિદ્યા પ્રાપ્તિની સાચી દિશા છે.એટલે જ અહીં આ વિદ્યાને ‘ વારુણી વિદ્યા ‘ અને ‘ભૃગુવિદ્યા ‘ તરીકે ઓળખવામાં આવે છે.  શિક્ષણ – જ્ઞાન પ્રાપ્તિ વખતે ભાવનાઓ કે લાગણીથી ઉપર આજ્ઞાપાલન,શિસ્ત, ગુરુ-શિષ્ય નિષ્ઠા અને જીજ્ઞાસાની પરિસીમાનો દિવ્ય સંદેશ ભૃગુવલ્લીમાં છુપાયેલો છે .

શિક્ષણની અનેક વિભાવનાઓને તૈત્તરિય ઉપનિષદ પ્રસ્તુત કરે છે.પ્રારંભમાં શિક્ષાવલ્લીમાં અધિલોક,અધિજ્યોતિષ, અધિવિદ્યં ,અધિપ્રજ અને અધ્યાત્મની પાંચ મહાન સંહિતાનું વર્ણન અને ફલશ્રુતિ છે. અધ્યયન અને અધ્યાપન કરવા માટે સદાચાર અને મર્યાદાઓના સૂત્ર આપી ને વિચારોની સાથે આચરણનું મહત્ત્વ દર્શાવાયું છે.બ્રહ્માનંદવલ્લીમાં હૃદયગુફામાં રહેલા પરમાત્માંને જાણવા એના અન્નમય કોષ ,પ્રાણમય કોષ મનોમય કોષ,વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષના કલેવરોનું વિવરણ કરી પૂર્ણ આનંદમયતા સુધી પહોંચવાનો માર્ગ બતાવ્યો છે અને ભૃગુવલ્લીમાં તો પિતાપુત્ર -ગુરુશિષ્ય બંનેની તીવ્રત્તમ ઉત્કંઠાથી આ પંચકોશની મહત્તાને પ્રતિપાદિત કરીને બ્રહ્મવિદ્યા સુધી પહોંચવાનો સુયોગ્ય માર્ગ દર્શાવ્યો છે.


શ્રી દિનેશ  માંકડનું સંપર્ક  ઈ-મેલ સરનામું :-   mankaddinesh1952@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.