નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૭૪

હું તો ચાહતો હતો કે તમે મને ભુલાવી દો

નલિન શાહ

કલકત્તા એરપોર્ટ પર ડૉ. બાસુ એમની પત્ની સાથે હાજર હતા. એકબીજાના પરિચય બાદ ડૉ. બાસુ કોઈ પણ પ્રકારની મહેમાનગતિની ઔપચારિકતા કર્યા વગર કાર સીધી હોસ્પિટલ હંકારી ગયા. એમણે જ ડૉ. મલ્લિકને ફોન પર આસિત સરની માનસીને મળવાની ઇચ્છાની જાણ કરી હતી. રસ્તામાં ડૉ. બાસુએ કહ્યું કે ડૉક્ટર આસિતને મોતનો ડર તો ક્યારેય નહોતો, પણ છેલ્લા કેટલાક મહિનાથી જિંદગીમાં પહેલી વાર એમને અંદરથી હતાશા અનુભવતા હોય એવુ લાગતું હતું. એમને જ બીમારીમાંથી ઉગરવાની ધગશ નહોતી રહી. હવે તો સભાન અવસ્થામાં કાંઈક બોલી શકતા હતા એટલું જ ચેતન બાકી હતું.

માનસી સ્તબ્ધ થઈ સાંભળી રહી.

હોસ્પિટલ પહોંચી ડૉ. બાસુ માનસીને ડૉ. આસિતના રૂમમાં દોરી ગયા. નર્સને ઇશારો કર્યો અને માનસીને પલંગ પાસે મુકી બંને બહાર નીકળી ગયાં.

માનસી ખાટલામાં બેઠીને જાણે કોઈ ઐતિહાસિક ઇમારતની ખોવાયેલી ભવ્યતાના અવશેષ શોધી રહી હોય એમ આસિતના ચહેરા પર એની નજર ટકી રહી.

થોડી વારે આસિત આંખ ખોલીને માનસી તરફ ટકટકી લગાવી જોતા રહ્યા. અચાનક માનસીને ઓળખી એના ચહેરા પર સ્મિત છવાઈ ગયું. એણે માનસીનો હાથ થામીને છાતીએ મૂક્યો અને આંખ બંધ કરી દીધી. થોડી વારે આંખ ખોલી માનસીને નિહાળતા રહ્યા.

‘તારા વાળમાં થોડી સફેદી આવી ગઈ, ખરું ને? મારા તો બધા જ ધોળા થઈ ગયા.’

‘પણ છે તો ખરા ને હજી એટલા જ?’

‘હા, તું સાથે હોત તો કાળા કરત, થોડા નાના દેખાવા માટે.’

માનસી કાંઈ ના બોલી. વીતેલી વાતનું પુનરાવર્તન અર્થહીન હતું. છેવટે ચુપકીદી તોડી બોલી, ‘જ્યારે અમેરિકા ગઈ ત્યારે સાવ એકલી પડી ગઈ હતી. એ એકલતા ક્યારેય ના ગઈ ને હવે……’

‘ને હવે હું જાઉં છું તને એકલી મૂકીને. મને માફ કરી દે.’

ડૉ. મલ્લિકે આસિતને માનસીના જીવનના ચઢાવ-ઉતારની બધી હકીકતથી વાકેફ કર્યા હતા.  માનસીનું લગ્ન નાનીની ખુશી માટે જિંદગી સાથે કરેલી સમજૂતી હતી. વ્યાવસાયિક રીતે માનસી સફળતા અને માન-પાન જરૂર પામી હતી, પણ લગ્નજીવનમાં બે વચ્ચે કોઈ મેળ નહોતો. વૈધવ્ય એક ઘટના હતી, જેની અસર એની જિંદગી પર નહોતી વર્તાતી. ધનપ્રાપ્તિ એનો ઉદ્દેશ નહોતો, છતાં ધનની કોઈ ખોટ નહોતી. ભૌતિક સુખ પામી હતી, પણ માનસિક રીતે એકલતા અનુભવતી હોય એમ લાગતું હતું. ફિલોમિના પડછાયાની જેમ સાથે હતી, પણ માનસી આનંદપ્રમોદમાં કોઈ રસ ધરાવતી હોય તેમ નહોતું લાગતું. આકર્ષક હતી અને ધારત તો મનગમતા સાથી સાથે પુનર્લગ્ન કરી શકી હોત,  પણ એવી કોઈ ઉત્કંઠા સેવી હોય એમ લાગતુ નહોતું….વગેરે બાતમીઓ આસિતે મલ્લિક પાસે મેળવી હતી ત્યારે એને એ વાતની અનુભૂતિ થઈ કે માનસીની જિંદગી સંવારવા એણે આપેલો ભોગ વ્યર્થ ગયો હતો.

‘માનસી, મારી પત્નીના મોતના ખબર ગુપ્ત રાખવાનું મેં ફિલુ પાસે વચન લીધું હતું, કારણ તારી કારકિર્દીના ભોગે પણ તું અમેરીકા ના ગઈ હોત.’ થોડી વાર થંભીને આસિતે ઊંડો નિસાસો નાખ્યો, ‘પણ છેવટે કોઈને કાંઈ ના મળ્યું. તારી આનંદમય જિંદગીના કલ્પિત વિચારે મારી એકલતા વિસારે પાડવા મથતો રહ્યો. જ્યાં ગયો ત્યાં એકલતા મારી સાથે આવી. હવે બહુ મોડું થઈ ગયું.’

માનસી ચૂપચાપ સાંભળી રહી. થોડી વાર આંખ મીંચીને પડી રહ્યો. પછી આસિત માનસીનો હાથ પોતાના હાથમાં લઈ બોલ્યો, ‘જ્યારે જાણ્યું કે મારો અંત નજદીક છે ત્યારે મન ના માન્યું. તને મળવાની પ્રબળ ઇચ્છા થઈ. તું આવી; તારો આભાર. હવે કોઈ ઇચ્છા બાકી નથી, છતાં એક વચન માંગુ છું.’ ને માનસીના પ્રત્યુત્તરની રાહ જોયા વગર કહ્યું, ‘ભૂતકાળ ભૂલીને નિરાશાઓ ખંખેરી નાખજે. જિંદગી બહુ અમૂલ્ય છે; ભવિષ્ય માણવા યત્ન કરજે.’ માનસી સજળ નેત્રે સાંભળી રહી.

આટલું બોલવામાં પણ આસિતે બહુ થાક અનુભવ્યો. બહુ દિવસે આટલું બધું બોલ્યો હશે. આટલી શકિત એનામાં આવી એ પણ વિસ્મયભર્યું હતું. શક્ય છે કે ખરતા તારાનો એ ઝબકારો હોય. થોડી વાર પછી બોલ્યો, ‘ફિલુને મારી યાદ આપજે. સાંભળ્યું છે કે એ પણ તારી સાથે જ કામ કરે છે?’

‘હા, ને એ પણ અહીં આવી છે મારી સાથે.’

‘તો બોલાવ એને.’

માનસી ઊભી થઈને બહાર આવીને ફિલોમિનાને અંદર દોરી ગઈ.

ફિલોમિના આસિતના પલંગ પાસે આવતાં જ રડી પડી ને એનો હાથ થામી બોલી, ‘સર, તમે અમને બધાંને ભુલાવી દીધાં!’

‘ના, હું તો ચાહતો હતો કે તમે મને ભુલાવી દો. આ ભૂલવા-ભૂલવા મથતાં જિંદગી વહી ગઈ.’

આસિતની બોલવાની શકિત ક્ષીણ થતી જતી હતી. જે કહેવાનું હતું એ કહેવાઈ ગયુ હતું એ આંખ મીંચીને પડી રહ્યો. થોડી પળે આંખો ખોલી પૂછ્યું. ‘ફિલુ, તેં હજી લગ્ન કેમ નથી કર્યા?

‘પરિવારને પોષવામાં જવાની વીતી ગઈ.’ માનસી બોલી, ‘જ્યારે જંજાળમાંથી મુક્ત થઈ ત્યારે કહે છે.’

આસિત બોલ્યો, ‘બહુ એકલાપણું લાગશે.’

‘તો પણ કહું કે ભલે તેં પચાસ વટાવ્યાં, પણ વર્તાતાં નથી, ક્યાં સુધી એકલી રહીશ?’ માનસીએ ટકોર કરી.

‘બોલ, કરીશ લગન? એક વ્યક્તિ બતાવું. એના જેવું બીજું કોઈ નહીં મળે. હું ખાતરી આપું છું.’ આસિતે કહ્યું, ‘તું મારી દીકરી જેવી છે. તારાં લગ્ન જો મારી હાજરીમાં થાય તો એક મહત્ત્વનું કામ પુરું કર્યાનો સંતોષ પામીને જઈશ.’

ફિલોમિનાની આંખોમાં આંસુ ઉમટી આવ્યાં. આસિતનો હાથ હાથમાં લઈ નતમસ્તક બેસી રહી.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.