કવિતા-અને-આસ્વાદ : અંદર તો એવું અજવાળું, અજવાળું………

માધવ રામાનુજ

અંદર તો એવું અજવાળું, અજવાળું………
ટળવળતી હોય આંખ જેને જોવાને,
એ મીંચેલી આંખે ય ભાળું.!
અંદર તો એવું અજવાળું, અજવાળું …….

ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ ને તોય
લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને, અમે
ઝળહળતા શ્વાસ એમ ભરીએ !
પછી આરપાર ઊઘડતાં જાય બધાં દ્વાર,
નહીં સાંકળ કે ક્યાંય નહીં તાળું
અંદર તો એવું અજવાળું અજવાળું……

સૂરજ કે છીપમાં કે આપણામાં આપણે જ
ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ સ્હેજ વાગતી હશે ને, એવું
આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે……. તો એને
જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું… અજવાળું….

રસદર્શનઃ

દેવિકા ધ્રુવ

સાહિત્ય વિશ્વમાં ખૂબ જ જાણીતામાનીતા કવિનવલકથાકાર અને ચિત્રકાર શ્રી માધવ રામાનુજનું ઉપરોક્ત સુંદર ગીત સ્વયં આસ્વાદ્ય છેઅક્ષરેઅક્ષર અને શબ્દેશબ્દ એક ઉચ્ચતમ આનંદનો અનુભવ કરાવે છે. ખળખળ વહેતા ઝરણા જેવી સાહજિકતાથી વ્યક્ત થતા જતા શબ્દોવહેલી સવારના ધીરે ધીરે ઉઘડતા જતા ઉજાસની જેમ એના ભાવઅજવાળાને ઉઘાડી આપે છે.

બધા જ ધર્મગ્રંથોનો નિચોડ સહજ શબ્દોમાં રજૂ કરતી આ કવિતા સાચા ઝબકારા પછી પ્રગટી છે તેમ લાગ્યા વગર રહેતું નથી અને એટલે જ દરેક ભાવકને સ્પર્શે છેકવિના પોતાના અવાજમાં સાંભળ્યા પછી આજે એનું  રસપાન કરવા/કરાવવાની ઈચ્છા બળવત્તર બની ગઈ.

શ્રી શ્યામલસૌમિલના સ્વરાંકનમાં અને શુભા જોશીના કંઠે ગવાયેલ આ ગીત[1] શરુઆતથી જ અજવાળાની વાત લઈને સુંદર રીતે ઉઘડે છે કે, અંદર તો એવું અજવાળુંઅજવાળું…’.

આ કેવું અજવાળું છે એ વાતને વધુ સ્પષ્ટ કરતા  કવિ તરત જ કહે છે કે, ટળવળતી હોય આંખ જેને જોવાને,એ મીંચેલી આંખે ય ભાળું.!” વાહમીંચેલી આંખે જોવાની અને ટળવળતી આંખશું નમ્રતા છે કવિની ! અજવાળાના આવા સરસ એંધાણ તો મળી ચૂક્યા છે છતાં એ કેટલી નરમાશથી કહે છે કેઆંખ હજી તો ટળવળે છેઆ તો માત્ર એક ઝબકારો છે જે બંધ આંખે દેખાયો છેપણ છતાં યે એનું અજવાળું કેવું છે?!

પ્રથમ અંતરામાં એ અજવાળાની અનુભૂતિનું વર્ણન કરતા કહે છે કે, ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ ને તોય       લાગે કે સાવ અમે તરીએ. સામાન્ય રીતે ક્યાંક ઊંડે જવાય તો ખેંચાવાની કે ડૂબવાની કેતણાઈ જવાની દહેશત રહેપણ અહીં તો તરતા હોવાનો આહલાદક રોમાંચ થાય છેઊંડે ને ઊંડે એ શબ્દોની પુનરુક્તિ ઉતરતા જવાના ભાવને એક સરસ ગહેરાઈ બક્ષે છે તો ‘સાવ અમે તરીએમાં કેટલી સહજતા નીતરે છેમરજીવાની મુઠ્ઠીમુઠ્ઠીમાં મોતી અને કંઈ પામ્યાની તૃપ્તિના શ્વાસની ઉપમા આપી એક દરિયો નજર સામે ચિત્રીત કરી દીધો!  ખરેખર એમ  લાગે કેજાણે કોઈ તેજભર્યા સાગરમાં આપણે શબ્દોની સાથે અને એના ભાવની સાથે તરી રહ્યા છીએઆગળની પંક્તિઓમાં

પછી આરપાર ઊઘડતાં જાય બધાં દ્વાર,
નહીં સાંકળ કે ક્યાંય નહીં તાળું.. અંદર તો એવું અજવાળું અજવાળું……

એક ક્ષણ માટે પાણી સ્વયં ખસીને રસ્તો કરી આપે એવી નદી પાર કરતા વસુદેવનું ચિત્ર આવી જાય તો બીજી  ક્ષણે વિચારતા થઈ જઈએ કે તો ભીતરમાં બંધ આંખે દેખાતા અજવાળાની વાત છે કે જ્યાં કોઈ દુન્યવી  અવરોધ નથીકોઈ સાંકળ નથી કે કોઈ તાળુ નથીકેટલી મોટી વાતકેવું આનંદથી ભર્યું ભર્યુ દૄશ્ય!!  ‘આરપાર ઊઘડતાં જાય બધાં દ્વારના  ઝુલતા લય સાથે ઝુમી જવાય .

આવી મઝાની વાતને ક્રમિક રીતે આગળ વધારતા બીજા અંતરામાં  શ્રી માધવભાઈ કહે છે કે,

સૂરજ કે છીપમાં કે આપણામાં આપણે જ,ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ સ્હેજ વાગતી હશે નેએવું આપણને આપણે જ વાગીએ.

આ બંને પંક્તિઓમાં ગહન મર્મ છેખૂબ ઉંચાઈએ અડેલી ફિલસૂફી છેકવિની પોતાની એક જીવન પ્રત્યેની સજાગતા છેકોઈપણ માનવી આસમાનમાં સૂર્યની જેમ ઊંચે ચડેલો હોય કે દરિયાની છેક તળિયે બેઠેલા એક નાનકડા છીપલાંની જેમ પડેલો હોય પણ જ્યારે એને પોતીકું ખરું અજવાળું મળે ને તો એ ખુદમાં જ ખુદા ભાળેપોતાનામાં જ પરમને પામેને જ્યારે એવું કંઈક થાય ત્યારે કેવું થતું હશે ? ખુબ સહજ રીતે એક સુંદર સજીવારોપણ અલંકાર પ્રયોજી દીધો છેફૂલને સુવાસ સહેજ જ વાગે એવું આપણે આપણને વાગવાની વાત કરીકેવી સરસ ટકોરગમે તેટલા મંદિરમસ્જીદ કરીએગમે તેટલી તીર્થયાત્રાઓ કરીએગમે તે ધર્મ/સંપ્રદાયને અનુસરીએ કે ગમે તેટલા ગુરુજનોને સાંભળીએ પણ જ્યારે આપણને અંદરથી ઘંટ વાગેસાદ સંભળાય ને સમજાય ત્યારે જ ખરા અનુભવની ક્ષણ મળેએવું જીવવાની એકાદી ક્ષણ મળે તો કવિ કહે છે કે, “જીવનભર પાછી ના વાળું. અંદર તો એવું અજવાળું… અજવાળું….”

 કહે છે કેહજી આવી પળ મળી નથીપણ મળે એવી ઈચ્છા છેહકીકતે તો આવી કવિતાનો પ્રાદુર્ભાવ ત્યારે  થાય જ્યારે  સર્જકને પોતાને આવા ઝબકારા થઈ ચૂક્યા હોયઆવી કલ્પના  માત્ર ઝંખના નથી હોતી તો સહરાના ધીખતા રણ જેવી પ્રબળ ધખનામાંથી સંભવે અને અંતરમાંથી સીધી આંગળીઓ દ્વારા ટપકતી જાનીતરતી જાય. A burning desire can only achieve such a high goal.

અહીં તેમની એક બીજી પણ કવિતાના શબ્દો સ્વાભાવિક  યાદ આવી જાય છે “એક એવું ઘર મળે  વિશ્વમાં જ્યાં કશા કારણ વગર હું જઈ શકું.”

અજવાળાને પોંખતી આ કવિતાની ખૂબી તો એ છે કે આવા અનહદી નાદના શિખર પર કવિ ખૂબ સરળતાથી લઈ જાય છે. માસુમ બાળકની જેમ કશુંક ગમતું રમીનેકંઈક ભાવતું પામીને પાછા ફર્યાની અનુભૂતિ થાય છે. શબ્દોભાવ,અર્થચ્છાયાપ્રાસ,ધ્વનિ-નાદ. અલંકાર છતાં સાદાઈસરળતાલયવિષયવિષયની ક્રમિક ગતિ એમ સર્વ રીતે સંપૂર્ણ કાવ્યત્ત્વથી છલકાતું આ લયબધ્ધ ગીત ફૂલની સુગંધ સમુ સ્પર્શી જાય છે!

કોરોનાના કેર’ જેવા કપરા સમયમાં સૌને આવી કવિતા થકી શાતા મળે જ. તેની તો આરતી કરીને આશકા જ લેવાય અને કવિને અંતરથી નમન.

અસ્તુ.


[1] 


સુશ્રી દેવિકા રાહુલ ધ્રુવનાં સંપર્ક સૂત્રો :
ઈ-મેલઃ ddhruva1948@yahoo.com
વેબઃ http://devikadhruva.wordpress.com


વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

1 thought on “કવિતા-અને-આસ્વાદ : અંદર તો એવું અજવાળું, અજવાળું………

Leave a Reply

Your email address will not be published.